Jalpari ni Prem Kahaani - 5 in Gujarati Love Stories by Bhumika Gadhvi अद्रिका books and stories PDF | જલપરી ની પ્રેમ કહાની - 5

Featured Books
Share

જલપરી ની પ્રેમ કહાની - 5સ્મિતાબેન પોતાનું દુઃખ કોઈ ની આગળ વ્યક્ત નથી કરી રહ્યાં પણ છતાંય કૃષ્ણકાંત અને મુકુલ બંને તેમની વ્યથા અને દશા બંને ને સમજી રહ્યા છે. જમવાનું ટેબલ ઉપર મુકાઈ ગયું છે. સ્મિતાબેન ના ઘરમાં નિયમ છે કે જમવાનું ભલે રસોઈયો બનાવે પણ દરેક ની થાળી ને પીરસવાનું કામ તો સ્મિતાબેન જાતેજ કરતા. સ્મિતાબેન પરણી ને જ્યારે આ ઘરમાં આવ્યા ત્યારે જ એમના સાસુ અને કૃષ્ણકાંતના માતાએ એમને કેટલીક શિખામણો આપેલી અને ઘરના કેટલાક પેઢીઓથી ચાલ્યાં આવતા નિયમો અને રિવાજો શિખવેલા એમનો આ એક નિયમ છે, જે પેઢી દર પેઢી ચાલ્યો આવે છે અને દરેક સાસુ ઘરમાં નવી પરણી ને આવેલી વહુ ને શિખવે છે.


મુકુલ જ્યારથી યુવાન થયો સ્મિતાબેન નાં મનમાં પણ સાસુ બનવાનાં અભરખાએ વેગ પકડ્યો છે, એમની પણ અંતરની ઈચ્છા કે મુકુલની વહુ પરણીને આ ઘરમાં આવશે એટલે હું એની સાસુ બની ને નહિ પણ માં બનીને એને ઘરના રિતી, રિવાજ, નિયમો, સંસ્કાર, અનુશાસન શીખવીશ.


કૃષ્ણકાંત તેમના પિતાના એકના એક પુત્ર હતા એટલે સ્મિતાબેન ને ઘરમાં નાતો દેરાણી કે નાતો જેઠાણી. જ્યારથી એ પરણીને આવ્યા ત્યારથી ઘરમાં એ એકલાજ. વળી એમને પિયરમાં પણ બીજી કોઈ બહેન નહિ ત્યાં પણ એ ચાર ચાર ભાઈ ના એકજ લાડકા બહેન એટલે એમનાં મનમાં હંમેશા એક ખૂણો ખાલી જ રહ્યો. એ હંમેશા વિચારતા કે મારા મૂકુલની વહુ આવશે એટલે મારે બોલોચાલો રહેશે, મને પણ એક બહેનપણી મળશે, હું હંમેશા મારી વહુ સાથે એની સહેલી બની ને રહીશ સાસુ બની ને નહિ.


પથ્થર એટલા દેવ પુજી ને મેળવેલા દીકરાના લગ્ન માટે સ્મિતાબેન ના મનમાં હજારો સપનાં છે પણ આતો સાવ ઉલટું જ થઈ રહ્યું છે. દીકરાને વહેલો પરણાવી ને વહુ લાવી પોતાની એકલતા દૂર થશે એવું વિચાર્યું હતું પણ આજે તો દીકરો ય એમને છોડી ને દૂર જઈ રહ્યો છે.સ્મિતાબેનનું હેયું વિષાદ થી ફાટું ફાટું થઈ રહ્યું છે.


સ્મિતાબેને બધાની થાળી પીરસી અને બધાજ જમવા બેઠા. એમનું મન તો વિચારોના વમળમાં ફસાઈ ગયું છે. અહીં તો રોજ હું મૂકુલને મારા હાથે ધ્યાન રાખીને જમાડું છું ત્યાં કોણ એને ધ્યાન રાખી ને જમાડશે. મુકુલ તો સાવ ભોળો છે એને તો દુનિયાદારી ની ચાલાકીઓ પણ હજુ સમજાતી નથી અને ત્યાં પારકા પ્રદેશમાં પારકા માણસો સાથે એ કેમ કરીને રહેશે. મારો મુકુલ ત્યાં સાવ એકલો પડી જશે, એતો એના મનની વાત મારા સિવાય કોઈની આગળ કહી પણ નથી શકતો એને ત્યાં તકલીફ હશે તો મને ચિંતા ના થાય એટલે મનેય નહિ કે, હેભગવાન, આતે કેવો સમય આવ્યો છે મારા જીવનમાં.


સ્મિતાબેન ખુરશીમાં બેસી જ રહ્યા છે,ચિંતા એમના મન ને બરોબર ઘેરી વળી છે. કૃષ્ણકાંત અને મુકુલ બંને સ્મિતાબેન ના ચહેરાના હાવભાવ ને કળી ગયા. બંને એ એકબીજા સામે જોયુ, કૃષણકાંતે આંખના ઇશારાથી મુકુલ ને કહ્યું હું સાંભળી લઉં છું વાત ને.


તમે કેમ બેસી રહ્યા છો સ્મિતાબેન, જમવાનું શરૂ કરોને ચાલો, મને તો બહુજ ભૂખ લાગી છે અને એમાંય પાછી તમારા હાથે બનાવેલી રસોઈ ની સુગંધ. આહાહા... હવે તો એક ક્ષણવાર પણ રાહ જોવાય એમ નથી ચાલો બધા જમવાનું શરૂ કરો.


કૃષ્ણકાંત ના મોઢેથી પોતાનું નામ સાંભળી સ્મિતાબેન અચાનક ચમક્યા અને એમના મનમાં ચાલી રહેલા અવિરત ચિંતાતુર વિચારો ની દોર તૂટી. હમમ...હા..હા ચાલો જમવાનું શરૂ કરો. બધાં એ જમવાનું શરૂ કર્યું. સ્મિતાબેને કોળ મોઢામાં તો મૂક્યો પણ આજે રસોઈ જાણે સ્વાદહીન, રંગહીન અને સુગંધહીન બની હોય એવું લાગે છે. કોઈ પ્રકારનો ખાટો, મોળો, ગળ્યો કે તીખો કોઈ સ્વાદ આવતો જ નથી.


કોળિયો મોઢામાં જ ફર્યા કરે છે ગળે ઉતારવાનું નામ જ નથી લેતો. પરાણે ઉતારવાનો પ્રયાસ કર્યો તો ગળામાં અટકી ગયો. સ્મિતાબેન ને ઉધરસ આવી. બાજુમાં બેઠેલા મુકુલે ઝડપથી પાણી નો ગ્લાસ એમના મોં તરફ ધર્યો. મમ્મી શું કરો છો જલ્દી પાણી પીલો. મુકુલે સ્મિતા બેન ના બરડાને સહેજ થપથપાવ્યો. ક્યાં ધ્યાન છે મમ્મી તમારું? શાંતિ થી જમો કોઈ ઉતાવળ ક્યાં છે.


હા...કંઈ જ ઉતાવળ તો નથી. મુકુલ ફરી એની જગ્યા ઉપર બેઠો. સ્મિતાબેન થોડા સહજ થઈને જમવા લાગ્યા. મમ્મી આજે કંસાર બહું સરસ બન્યો છે હો..... વિશાલ સ્મિતાબેન ની બીજી બાજુ બેઠો છે. બંને દીકરાની વચ્ચે સ્મિતાબેન અને આસપાસ મુકુલ અને વિશાલ.નાનપણ માં બંને મમ્મી પાસે બેસવા ઝગડતા એટલે સ્મિતાબેન બંને ને પોતાની આજુબાજુ બેસાડે અને વચ્ચે પોતે એટલે બંનેને પોતાના હાથે જમાડી શકે. દીકરા તો મોટા થઈ ગયા પણ બેસવાની વ્યવસ્થા આજેય એમજ યથાવત છે.


સ્મિતા બેને વિશાલ તરફ જોયું અને વ્હાલસોયા સ્વરમાં બોલ્યાં, તને તો હંમેશા કંસાર સારો જ લાગે છે તને ભાવે છે ને એટલે બેટા. હા મમ્મી દુનિયામાં તમારા જેટલો મીઠો કંસાર કોઈ બનાવી જ ના શકે મમ્મી. સાચી વાત છે સ્મિતાબેન તમારા જેટલો સ્વાદિષ્ટ કંસાર તો સાચેજ બીજું કોઈ ના બનાવી શકે. કૃષ્ણકાંતે વિશાલની વાતને સમર્થન આપ્યું. સ્મિતા બેને કૃષ્ણકાંત સામે જોયું અને એમના હોઠ ઉપર હળવું લજ્જા ભર્યું હાસ્ય તરી આવ્યું. છોકરાઓ તો છોકરાઓ પણ તમે ય શું એમની વાતમાં હાજિયા ભણો છો.


લે જે છે એ કહ્યું. યાદ છે તમે પરણી ને પહેલી વાર ઘરમાં આવેલા ત્યારે, પરણી ને આવેલી કે તમે પરણી ને લઈ આવ્યાતા સ્મિતા બેને ટીખળ કરતા કૃષ્ણકાંત ની વાતને વચ્ચે જ કાપી. અરે વાહ મમ્મી શું સિક્સર મારી છે, બિલકુલ સ્ટેડિયમ ની બહાર હો....વિશાલ વચ્ચે કૂદી પડ્યો. એ ભાઈ શું છે આ ડાઇનિંગ ટેબલ છે ક્રિકેટનુ મેદાન નહિ હો શાંતિ થી જમીલે, મુકુલે વિશાલને પ્રેમથી ઠપકો આપ્યો.


હા, ભાઈ પણ તમે સાંભળ્યું મમ્મી.....તું જમવામાં ધ્યાન આપને. મુકુલે આ વખતે વિશાલ ને ઈશારો કરી ચૂપ રહેવા કહયું જેથી મમ્મી અને પપ્પા એમના જીવનની શરૂઆત ના દિવસોની મીઠી યાદો ને તાજી કરી શકે. વિશાલ સમજી ગયો, અને હસતાં હસતાં જમવા લાગ્યો પણ એની આંખો મમ્મી પપ્પા ના ચહેરાના હાવભાવ ને ત્રાસી નજરે નિહાળી રહી હતી. મુકુલ પણ જમતાં જમતાં ચોર નજરે મમ્મી પપ્પા ને જોઈ લે છે.


ક્રમશઃ..........