Dayri - 2 books and stories free download online pdf in Gujarati

ડાયરી - સીઝન ૨ - ભીતરની ભૂખ

શીર્ષક : ભીતરની ભૂખ
©લેખક : કમલેશ જોષી

આઈ એમ હન્ડ્રેડ પર્સેન્ટ શ્યોર કે તમારી સાથે પણ એવું બન્યું હશે કે બે પાંચ કે દસેક વર્ષ પહેલા કોઈ એક દિવસે તમે ખાધેલી કોઈ વાનગી તમને એટલી બધી સ્વાદિષ્ટ લાગી હશે કે એ પછી એ જ વાનગી અનેક વાર ખાવા છતાં તે દિવસે આવેલો સ્વાદ તમે ભૂલી શક્યા નહિ હો. એક ફેમિલી વર્ષો પહેલા ફરવા નીકળેલું. પાછાં વળતાં સાડાદસ-અગિયાર વાગી ગયેલા. ધારેલી હોટેલ, રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા હતા. હવે ભોજનની કોઈ વ્યવસ્થા થાય એવું લાગતું નહોતું. એવામાં કોઈએ પીત્ઝા ઘરે બનાવવાનું ઓપ્શન આપ્યું. ના-ના કરતા સૌ ઍગ્રી થયા. સામગ્રી એકઠી કરી થાક્યા પાક્યા ઘરે પહોંચ્યા, રસોડાની રાણીઓ જંગે ચઢી. લગભગ ખાવા બાબતે બધાના રાજીનામાં આવી ગયા હતા. પહેલો પીત્ઝા આવ્યો, ચાર મોંમાં ચાર પીસ ગયા. તીખો, કુર્મુરો, સ્વાદિષ્ટ ટુકડો ચારેયની જીભે ચોંટી ગયો અને બેની આંખોમાંથી થોડો વરસ્યો પણ ખરો. બીજો પીત્ઝા, ફરી એ જ અસર, ત્રીજો, ચોથો, મોં વધતા ગયા, સામગ્રી ઘટતી ગઈ. એ દિવસ પછી એ પરિવારે અનેક વખત પીત્ઝા પાર્ટી કરી પણ દર વખતે, તે દિવસે આવેલી લિજ્જત, મોજ સુધી એક પણ પાર્ટી આંબી નહિ. એક વખત તો અમે ચાર મિત્રો ગીરના જંગલમાં ભૂલા પડી ગયેલા, લગભગ ત્રણ-ચાર કલાક ગોટે ચઢી લીધા પછી મેઈન રોડ દેખાયો અને સાવ સાદી કેબિને અમે સૌ ચાની ચૂસકી લેતા ઉભા, એવી ચા એ પછી વર્ષો સુધી અમને ક્યારેય પીવા નથી મળી. આઈ એમ શ્યોર કે તમારી સાથે પણ કોઈ વાનગી બાબતે આવું ચોક્કસ બન્યું હશે.

એક મિત્રે વિશ્લેષણ કર્યું: વાનગીનો સ્વાદ વર્ષો સુધી દાઢે વળગેલો રહેવા પાછળ બે રિઝન હોઈ શકે, એક વાનગી પોતે સ્વાદિષ્ટ બની હોય અને બીજું, વધુ ઈમ્પોર્ટન્ટ કારણ, ખાનારની ભૂખ, તાલાવેલી, તલબ તીવ્ર બની ગઈ હોય. વાનગીમાંથી મળેલા ટોચના સુખનો એક છેડો બાહ્ય જગતમાં એટલે કે વાનગીમાં હોય અને બીજો છેડો આંતરિક જગતમાં એટલે કે ભીતરે તીવ્ર બનેલી ભૂખના અહેસાસમાં હોય. જીવનમાં ઉતારવા જેવો મંત્ર એ છે કે જ્યાં સુધી ભૂખનો તીવ્ર અહેસાસ નથી થતો ત્યાં સુધી સુખનો પણ અહેસાસ તીવ્ર નથી થતો, પછી એ ભૂખ ભોજનની હોય, જ્ઞાનની હોય, માનની હોય કે પ્રેમની હોય. એવું કહેવાય છે કે ઋષિ કાળમાં જ્યાં સુધી વિદ્યાર્થી પ્રશ્ન ન પૂછે કે એને જીજ્ઞાસા ન થાય ત્યાં સુધી ગુરુજી એમને જ્ઞાન પણ નહોતા પીરસતા. રામ પૂછે કે આ રાક્ષસો કેમ સત્કાર્યમાં વિઘ્ન નાખે છે ત્યારે ગુરુ વિશ્વામિત્ર સત્કાર્યનો અર્થ, એનાથી રાક્ષસોને થતું નુકસાન, એને અટકાવવાની ક્ષત્રિય એટલે કે રામની ફરજ વિશે એ ટુ ઝેડ થીયેરી અને પ્રેક્ટીકલ નોલેજ આપવાનું શરુ કરતા એવું અમારા એક વડીલ કહેતા. એ વાતે તો તમે પણ એગ્રી થશો જ કે તમારું પેટ છલોછલ ભરેલું હોય અને કોઈ તમને તમારી ભાવતી વાનગી વાટકો ભરીને આપે તો એમાંથી તમે એક ચમચી પણ ગ્રહણ કરી શકો નહિ, માણી શકો નહિ. એનાથી વિપરીત તમને તીવ્ર ભૂખ લાગી હોય એ પછી પણ બે'ક કલાક પસાર થઈ ગયા હોય તો એ સંજોગોમાં કદાચ તમને ડુંગળીને રોટલો પણ છપ્પન જાતના ભોગ કરતા વધુ સ્વાદિષ્ટ લાગે.

પતિદેવ ઘરમાં પ્રવેશે એટલે જો દરવાજો ખોલનાર શ્રીમતીજીને બદલે સંતાન હોય તો બૂટ-ચપ્પલ ઉતારતી વખતે એનો પહેલો પ્રશ્ન શું હોય? 'તારી મમ્મી નથી ઘરે?' લાગે તો એવું કે જાણે પતિદેવ ‘એણે કેમ દરવાજો ન ખોલ્યો?’ એવી ફરિયાદ કરી રહ્યા છે, પણ વાસ્તવમાં વાઇફનું ફેવરીટ મુખડું જોયાને આઠ-નવ કલાક વીતી ગયા હોવાથી જે પ્રેમભૂખ, માનભૂખ, વિશ્વાસભૂખ, સ્નેહભૂખ ભીતરે તીવ્ર બની હોય એ ભૂખ ન ભંગાઈ એ બાબતની બેચેની કે પીડા એ પ્રશ્નમાં વધુ છલકતી હોય. એમાંય જો બંનેનો ફોન પર પણ સંપર્ક ન થઈ શકે તો તો ભીતરે કશુંક અસ્તવ્યસ્ત પણ થવા લાગે. પરસ્પરને જોયા પછીની બીજી જ મિનિટે ભલે બંને પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જાય પણ ભીતરે કૈંક સંતોષ, સુકુન, ટાઢકનો જે અહેસાસ થાય છે એ અહેસાસ એટલે 'દુનિયા બનાનેવાલે ક્યા તેરે મન મેં સમાઈ તૂને કાહે કો દુનિયા બનાઈ' પ્રશ્નનો સાવ સાચો જવાબ. હમણાં એક સાઠેક વર્ષના વડીલ બહેનનો આખો દિવસ બાકીના ત્રણસો ચોસઠ દિવસ કરતા વધુ મસ્ત રહ્યો. કેમ? કેમ કે એ દિવસે એમની મેરેજ એનિવર્સરી હતી અને સૌથી પહેલું વિશ એમના પતિદેવે વહેલી સવારે ગુલાબના ફૂલડાં સાથે કર્યું હતું. લગ્નજીવનની તમામ પરીક્ષાઓનું રિઝલ્ટ આવ્યું હોય અને પોતે અવ્વલ નંબરે પાસ થયા હોય એવો ખુમાર એ બહેને આખો દિવસ અનુભવ્યો. પાંચ દાયકા વીત્યા બાદ જે લોકો જીવનમાં આવા ગાંડા કાઢતા નથી એ લોકો ખરેખર ગાંડા છે એવું અમારા એક વડીલનું માનવું છે. ગુલાબનું ફૂલ કે મોગરાની વેણી જે કરી શકે છે એ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલમાં અપાતી છ આંકડાના બીલ વાળી ટ્રીટમેન્ટ પણ નથી કરી શકતી એવું એ વડીલનું માનવું છે. તમે શું માનો છો?

મિત્રો, હોસ્પિટલમાં ડોક્ટર જયારે કહે કે તમારું હૃદય થોડું ઓછું ધબકી રહ્યું છે ત્યારે આપણે બીજું બધું પડતું મૂકી, હૃદયનો, એના ધબકારનો અને એમાં બિરાજમાન કાનુડાનો અહેસાસ કરીએ છીએ એ અહેસાસ હોસ્પિટલની બહાર, આપણા ઘરના સોફા પર બેઠા-બેઠા પણ કરી ન શકીએ? એક વાર આંખો બંધ કરી, 'મન તડપત હરિ દર્શન કો આજ'ના ભાવ સાથે હૃદયમાં બિરાજમાન મુરલી મનોહર, કાનુડાનો મલકતો ચહેરો જોવાની કોશિશ આજના રવિવારે કરીએ તો કેવું?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)