Shamanani Shodhama - 18 books and stories free download online pdf in Gujarati

શમણાંની શોધમાં - પ્રકરણ 18

          શ્યામની આંખો ખુલી ત્યારે ચાર્મિ એની સામે બેઠી હતી. ચાર્મિનો ચહેરો પહેલા કરતા વધારે તાજગીભર્યો દેખાતો હતો.  શ્યામે આંખો ખોલી એટલે તેની સામે જોઈ એ છોકરીએ વિચિત્ર સ્મિત ફરકાવ્યું.

          શ્યામના મનમાં વિષાદ છવાઈ ગયો. કાશ! એ અર્ચના હોત તો એ સામે સ્મિત આપી શક્યો હોત પણ?

          “તેં આરામ કરી લીધો હવે તારું મગજ કઈક કામ કરશે એવું મને લાગે છે.” ચાર્મિના ચહેરા પર સ્મિત હતું.

          “હા, આજે ઘણા દિવસે કેદમાં એકલો નહોતો એટલે શાંતિથી ઊંઘ આવી અને મગજ પણ શાંત છે.” રાતની ઊંઘ અને ઠંડીના કારણે શ્યામ તાજગી અનુભવતો હતો.

          “આપણે જલ્દીથી ભાગવું પડશે..” એ ચમક્યો પણ ચાર્મિ જ બોલી હતી એનું ભાન થતા એને હાશકારો થયો. અર્ચના પણ આમ જ બોલી હતી એ એને યાદ આવ્યું.

          “હા,ગમે એમ કરી અહીંથી છટકવું તો પડશે જ...” એ મક્કમતાથી બોલ્યો. આ વખતે એ પણ ભાગવા માંગતો હતો.

          “હું વિચારી રહી છું તું પણ અહીંથી નીકળવાનો કોઈ રસ્તો શોધ.”  

          ચાર્મિએ વાપરેલ તું શબ્દ શ્યામને ખટકયો અર્ચના હંમેશા એને આપ જ કહેતી પણ એ કશું બોલ્યો નહિ.

          “હું રોજ એજ વિચારું છું.. તો પણ ફરી પ્રયાસ કરી જોઉં.” ચાર્મિએ એની વાત સાંભળી છે કે નહિ એ જાણ્યા વિના જ એ વિચારવા લાગ્યો.

          શ્યામ એના વિધાર્થીઓને ભણાવતો ત્યારના એના જ શબ્દો એને યાદ આવ્યા - કોઈ પણ કામ કરતા પહેલા આપણને કોઈ જુનો અનુભવ હોય તો યાદ કરી લેવો. ભાગવાના એના જુના અનુભવો યાદ કરવાનો એણે પ્રયત્ન કર્યો. આમ તો હાઈસ્કુલમાં ઘણી વખત એ ભાગેલો સ્કૂલમાંથી. કોલેજ બંક કરવાનો અનુભવ એ નહોતો લઇ શક્યો કેમકે એણે એનું ગ્રેજયુએશન ઓપન યુનિવર્સીટીમાંથી કરવું પડ્યું હતું. સ્કુલમાંથી ભાગવું અને કિડનેપરના કબ્જામાંથી ભાગવું બે અલગ અલગ પરિસ્થતિઓ હતી. પેલો અનુભવ આમાં ઉપયોગમાં લઇ શકાય એવી કલ્પના કે સરખામણી કોઈ પાગલ પણ ન કરે પણ એ પાગલ પણ ન કરે એવા કામ કરી ચુક્યો હતો. એને પોતાની જાત પર જ હસવું આવ્યું.

          માત્ર ઈન્ટરનેટ પર ઓળખાણ થઈ અને ફોન પર વાતો કરીને પ્રેમમાં પડવું અને પછી અહી કેદમાં પડવું એ કામ કોઈ પાગલ સિવાય બીજું તો કોણ કરી શકે? પોતાના માટે એને કોઈ વિશેષણ મળતું નહોતું. ઘણાની બહેન કાજલ જેમ દુખી થઈને મૃત્યુ પામી હશે એથી શું મારી જેમ કોઈ આટલા દુર સુધી એક હેન્ડીકેપ છોકરીને અપનાવવા આવે ખરું?

          પરંતુ તરત જ એણે એ વિચાર ખંખેરી નાખ્યો. ના આ વિચાર તો માત્ર બહાનું છે. કાજલનો ચહેરો એની આંખોના પોપચામાં ધસી આવે અને એ ચેહરો એને ધિક્કારે એ પહેલા જ એ વિચારને આગળ વધતો અટકાવ્યો.

          સ્કૂલમાંથી ભાગતા પકડાઈ જાઓ તો ક્લાસ ટીચરના બેચાર લાફા ખાવા પડે. કદાચ વાત વધુ બગડે તો પ્રિન્સીપાલની ઓફીસમાં જઈને માફીપત્ર લખવું પડે. એથી વિશેષ કોઈ જોખમ નહિ. પરંતુ અહી તો પકડાઈ ગયા તો મોત હતું.

          ન ભાગે તો પણ એક દિવસ તો તેઓ એને મારી જ નાખવાના હતા. જો ન ભાગે તો ગેરંટી સાથે એને જીવવા મળવાનું હતું પણ થોડોક વધુ સમય - કદાચ એમના કોઈ ઈલેકશન સુધી. ભાગે તો બે ઓપ્શન હતા. પકડાઈ ગયો તો મોત અને ના પકડાયો તો જીવન.

          એકમાં કેદમાં જીવન અને પછી નિશ્ચિત મોત હતું. બીજામાં ખુલ્લી હવામાં જીવન અને કદાચ મોત હતું. એને કદાચ મોતવાળો વિકલ્પ સારો લાગ્યો. આટલા દિવસ મોતથી ડરીને એ નહોતો ભાગતો? એને નવાઈ થઈ કારણ કે અર્ચના અને એ ભાગ્યા ત્યારે પણ પકડાઈ જાય તો એનું  મોત નિશ્ચિત હતું.

          “અર્ચના, સોરી, ચાર્મિ, તને ભાગવાનો અનુભવ છે?”  શ્યામે વિચારોમાંથી બહાર આવી ચાર્મિ સાથે વાતચીત શરુ કરી.

          “અર્ચના નામ બહુ સારું છે...” કહી ચાર્મિ હસી, “તને કોઈ અનુભવ છે?”  

          “સ્કૂલમાંથી ભાગવાનો અનુભવ છે અને...”

          “અને...?” ચાર્મિએ એક પ્રશ્ન બાણ છોડ્યું.

          “અને અર્ચના સાથે ભાગવાનો...” શ્યામે એના પ્રશ્નબાણ વડે વીંધાઈ ગયો હોય એમ નજરો ફેરવી લેતા કહ્યું.

          “લવ બર્ડઝ...?” ચાર્મિએ સ્મિત સાથે ફરી એ જ પ્રશ્નાર્થ તીર એની તરફ રવાના કર્યું.

          શ્યામ ચુપ રહ્યો. એ તીર એના માટે બ્રહ્માસ્ત્ર હતું. એને એ ખાળી શકે એમ ન હતો. એ ભાગ્યો હતો કે અહી કેદમાં આવ્યો હતો શું બોલવું એ એને સમજાતું નહોતું એટલે એ ચુપ રહ્યો.

          “ચુપ કેમ છે..?”  કદાચ ચાર્મિના ભાથામાં જરૂર કરતા વધારે પર્શ્નબાણ હતા.

          “બંક અને ઈલોપમેન્ટનો એક્સપીરીયન્સ છે પણ બ્રેકનો નહિ... ખાસ પ્રિઝન બ્રેકનો નહિ..”

          “આ વખતે એ અનુભવ પણ થઈ જશે...”  ચાર્મિએ અનેક પ્રશ્નાર્થ વાક્યો પછી એક વિધાન વાક્યનો ઉપયોગ કર્યો.

          ‘હા, અનુભવ મળશે પણ જો અહીંથી જીવતા નીકળવામાં સફળ રહ્યા તો?’  શ્યામ મનોમન બબડ્યો કેમકે અનુભવ એટલે ભૂતકાળનું જીવન અને મર્યા પછી કોઈ ભૂતકાળ રહેતો નથી. માણસ પોતે ભૂતકાળ બની જાય છે - દુનિયા માટે.

          “જો આપણે મરવાનું તો આમ પણ છે જ... તેં જ કહ્યું કે કોઈ ચુનાવ પછી એ લોકો મારી નાખવાના છે...”

          “હા. અને કઈ ચૂંટણી બાદ તેઓ મને મારી નાખવાના છે એ નક્કી નથી એટલે અથીથી ભાગવું એ એક જ રસ્તો છે..” શ્યામના અવાજમાં ડર સ્પસ્ટ દેખાતો હતો.

          “તારો અંદાજ એકદમ સાચો છે પણ એક સમસ્યા છે...”  એ ખિન્ન થઈને બોલી.

          “શું..?”

          “હું જાણવા માંગું છું કે કિડનેપર કોણ છે. કિડનેપર કોણ છે અને આપણને કેમ કેદ કર્યા છે એ ખબર પડે તો અહીંથી ભાગવાનો ફૂલ પ્રૂફ પ્લાન બની શકે..”

          “ફૂલ પ્રૂફ...? એ કઈ રીતે..?” શ્યામ એની નજીક સર્યો.

          “હું એક ડિટેકટીવ છું... એક આર્મી ડિટેકટીવ.. હું કેટલાય કેસ પર કામ કરી રહી છું અને કેટલાય કેસ ઉકેલી ચુકી છું.. મારા અનેક દુશ્મન છે એમાંથી કોણે મને કિડનેપ કરી છે એ જાણ્યા પહેલા કોઈ પ્લાન બનાવવો મુશ્કેલ છે...” ચાર્મિએ શાંત ચિતે કહ્યું. એ પોતાના અનેક દુશ્મન છે એ વાત એટલા પ્રસન્ન ચિત્તે કહેતી હતી જાણે એના રીલેટીવનું લીસ્ટ ગણાવી રહી હોય.

          “તું આ બધું મને કેમ કહે છે...? કોઈ ડિટેકટીવ ક્યારેય કોઈને નથી કહેતો કે એ પોતે ડિટેકટીવ છે..”

          શ્યામને ચાર્મિના ડિટેકટીવ હોવા પર શક હતો.

          “આ બધું તને કહું છું જેથી તું સાચું બોલે અને આપણે અહીંથી નીકળી શકીએ... ચલ હવે બધું સાચું બોલવા માંડ તું કોણ છે...? કઈ સંસ્થા માટે કામ કરે છે અને અહી શું મિશન પર છે?”  ચર્મિએ શંકાભરી દ્રષ્ટિથી શ્યામ તરફ જોયું ત્યારે શ્યામને ખ્યાલ આવ્યો કે અહી કેદમાં મહિનાઓથી પોતે હતો. એ હવે કોઈ શિક્ષક નહિ પણ લાંબી દાઢી, મૂછો અને આછા પણ વધેલા વાળમાં કોઈ ગેન્ગસટર કે એજન્ટ જેવો લાગતો હતો.

          “હું કોઈ એજન્ટ નથી.”  એણે પોતાના દાઢીવાળા ચહેરા ઉપર હાથ ફરવી કહ્યું ત્યારે એક ક્ષણ માટે શ્યામને થયું કે આ કીડનેપરની માણસ હશે પણ ચાર્મિના શરીર અને ચેહરા પરનો માર જોઇને એનો વહેમ તરત જ હવામાં ઓગળી ગયો.

          “તો શું છે?”

          “હું એક ટ્યુટર છું... જોબ પણ કરતો હતો અને સાચું બોલું તો એક આશિક પણ છું.”

          “આશિક..!” એ વિસ્મયથી બોલી.

          “બહુ લાંબી કહાની છે.. આશકીને લીધે જ આજે આ કેદમાં પડ્યો છું..” એ શબ્દો બોલતી વખતે શ્યામના ચહેરા પર એક કટાક્ષ ભર્યું સ્મિત દેખાયુ. જોકે એ કટાક્ષ એના પોતાના માટે જ હતો.

          “ઠીક છે, પણ તું કઈ રીતે પકડાયો.?” એની મહોબતની દાસ્તાનમાં કોઈ રસ ન હોય એમ ચાર્મીએ એની વાત ફગાવી કામનો સવાલ કર્યો ત્યારે શ્યામને થયું તમારી મહોબત તમારી દયા સહાનુભૂતિ એ બધું બીજા માટે મહત્વનું નથી હોતું.

          “હું બસના પગથીયા ચડતો હતો ત્યારે..... અને જયારે આંખો ખુલી ત્યારે અહી કેદ હતો..”

          “ડીટેઇલમાં કહી શકે તો થોડીક મહેરબાની થશે..”

          ચાર્મિ એની હાંસી ઉડાવી રહી હતી કે એને વિનંતી કરી રહી હતી એ શ્યામ સમજી શક્યો નહિ.

          “બહુ લાંબી કહાની છે ક્યાંથી શરુ કરું..?” શ્યામ ગૂંચવાઈ ગયેલો લાગ્યો એટલે તરત ચર્મીએ કહ્યું.

          “તું પકડાયો એ દિવસથી....”

          શ્યામની નજર સામે એ સમયના દ્રશ્યો તરવા લાગ્યા. એ દ્રશ્યો એના માનસપટમાંથી ભૂંસાઈ જવાની કોઈ શક્યતા નહોતી. કારણ કે છેલ્લે અર્ચના સાથે વિતાવેલ સમય એ જ હતો.

          છેલ્લે અર્ચનાને જોઈ એ સ્થળ અને સમય એ કઈ રીતે ભૂલી શકે?

          “અમે ચંડીગઢના સેક્ટર - 17 ના બસ સ્ટેશન બહાર ઉતર્યા હતા. એનું પણ એક કારણ હતું. અર્ચનાને લાગતું હતું કે બસ સ્ટેશનમાં જાવું સલામત નથી.. અમે જ્યાં ઉભા હતા ત્યાં સામે સેકટર 17 હતું અને અમારી પાછળ સેકટર 22 ની દુકાનો હતી..”

          “સલામત ન હતું મતલબ?” ચાર્મિએ પૂછ્યું.

          “સલામત ન હતું કેમકે હું અને અર્ચના એના મમ્મી પપ્પાની મરજી વિરુદ્ધ ભાગ્યા હતા.”  

          પ્રથમ વાર પણ શ્યામ અર્ચનાને એ જ સ્થળે રૂબરૂ મળ્યો હતો પણ એ ચાર્મિને જણાવવાનું એને જરૂરી લાગ્યું નહિ.

          “રાતના બાર વાગી ગયા હતા. અર્ચના ઈચ્છતી હતી કે અમે ભીડમાં રહીએ જેથી જલ્દી કોઈની નજરમાં ન આવીએ. રાત ઘેરાઈ ચુકી હતી એટલે સ્ટેશન બહાર બે ચાર ઓટો જ દેખાઈ રહી હતી. બાકી ત્યાં એકદમ નિર્જન વિસ્તાર જેવું વાતાવરણ લાગી રહ્યું હતું. હું અર્ચનાને ઘર સુધી છોડવા જવા માંગતો હતો પણ અર્ચના ડરતી હતી કે કદાચ હું એને ઘર સુધી મુકવા જાઉં અને એના ઘરના કોઈ સભ્યો મને જોઈ જાય તો સમસ્યા થઇ શકે.”

          “ફિર...?”

          “મેં અર્ચનાએ એક ઓટોમાં બેસાડી..”

          “તુમને ઇતની રાત કો એક લડકી કો અકેલી ઓટોવાલે કે સાથ ભેજ દી?” ચાર્મિએ એની વાત પૂરી સાંભળ્યા વિના જ પૂછ્યું. એ ઉત્સાહમાં એ પણ ભૂલી ગઈ કે શ્યામ ગુજરાતી છે અને એ ગુજરાતીમાં વાત કરી રહ્યા હતા.

          “મેં એને ઓટોમાં બેસાડતા પહેલા ઓટોની નંબર પ્લેટ અને ઓટો ડ્રાયવરના લાયસન્સની મારા મોબાઈલમાં ફોટો લઇ લીધા હતા. મેં અને ચાર્મિએ એકબીજાને અલવિદા કહ્યું અને એ ઓટો સેકટર 11 તરફ જવા લાગી.. હું થોડોક સમય ત્યાજ ઉભો રહી એને જતી જોતો રહ્યો..” શ્યામ જાણે આ જ રૂમમાં એ દ્રશ્ય ભજવાતું હોય એમ ખૂણામાં જોઇને બોલતો હતો.

          “પછી શું થયું?” ચાર્મિના અવાજમાં કુતુહલ હતું.

          “હું એકલો હતો પણ હજુ ડર હતો. મારે ગુજરાત જવું હતું.”

          “ગુજરાત કેમ..?”

          “યાર, હું ગુજરાતનો છું હું ચંડીગઢ તો અર્ચના માટે આવ્યો હતો. અર્ચના અને હું ભાગ્યા પણ અમે સફળ ન થયા માટે હું ગુજરાત જવા માંગતો હતો.”

          “પ્લાન શું હતો? તમે નિષ્ફળ થયા મતલબ?” ચાર્મિને હવે રસ પડતો હતો.

          “હા, અમે નિષ્ફળ રહ્યા. અમે ગુજરાત પહોચી ગયા પણ અમદાવાદ પહોચીને પણ અમારે પાછા આવવા પડ્યું.”

          “સ્ટોપ.. તમે ગુજરાત જવામાં સફળ રહ્યા તો પછી પાછા કેમ આવ્યા?” ચાર્મિ કનફયુઝ હતી. કદાચ પ્રેમીઓની વાત સમજવામાં એક જાસુસ પણ ગોથું ખાઈ જતો હશે!

          “એ બહુ લાંબી કહાની છે ફરી ક્યારેક ડીટેલમા કહીશ..” શ્યામે ખૂણામાંથી નજર ફેરવી કુતુહલથી એને જોઈ રહેલી ચાર્મિ તરફ ફેરવી કહ્યું.

          “ઠીક હે.. મને આમ પણ લવ સ્ટોરીમાં ખાસ રસ નથી... તું કિડનેપ કઈ રીતે થયો એ આગળ સમજાવ..”

          “મારી પાસે બે રસ્તા હતા - હું રેલવેથી ગુજરાત જઈ શકતો હતો અને બસમાં પણ જઈ શકતો હતો..”

          “તેં શું પસંદ કર્યું..?”

          “રેલ્વેમા જવું જોખમી હતું.”

          “રેલ્વે જોખમી..? કેમ..?” ચાર્મિ કાઈ સમજી નહિ.

          “કેમકે રેલ્વે સ્ટેશન સેક્ટર - 17 થી ખાસ્સું એવું દુર છે - લગભગ સાત આઠ કિલોમીટર. ત્યાં સુધી પહોચવું મુશ્કેલ હતું. અર્ચનાના પપ્પાએ મારા પાછળ પોલીસ અને એમના પર્શનલ માણસો બંને લગાવ્યા હતા.”

          “આઈ સી..”

          “ચંડીગઢથી ગુજરાત જવાનો સરળ માર્ગ દિલ્હીથી છે પણ દિલ્હી છોડ્યાને માંડ ચાર પાંચ કલાક થયા હતા અને પોલીસ ત્યાં પણ મને સ્નીફર ડોગની જેમ શોધતી હતી.”

          “તો પછી તેં શું કર્યું?”

          “મેં દિલ્હીના શોર્ટ રૂટને બદલે લાંબો માર્ગ પસંદ કર્યો.”

          “કયો માર્ગ?”

          “ચંડીગઢથી હિમાચલ પ્રદેશ... ત્યાંથી દેહરાદુન ત્યાંથી હરિદ્વાર.. હરિદ્વારથી બરેલી થઈ લખનૌ... ત્યાંથી મધ્યપ્રદેશ થઇને ગુજરાત...”

          “બહુ લાંબો રસ્તો નથી?”

          “પણ એક એ જ સલામત માર્ગ હતો..”

          “ભૂગોળમાં સારા માર્ક્સ લાવતો હોઈશ તું?” ચાર્મિ બોલી પણ શ્યામે એનું વાકય સાંભળ્યું જ ન હોય એમ બોલવાનું ચાલુ રાખ્યું.

          “હવે હિમાચલની બસ માટે મારું સ્ટેશનમાં જવું જરૂરી હતું... હું એકદમ સાવધાની પૂર્વક સ્ટેશનમાં ગયો. ચંડીગઢ સીમલા બસ લાગેલી જ હતી. હું બસથી થોડે દુર ઉભો રહી બસ સ્ટાર્ટ થવાની રાહ જોવા લાગ્યો..”

          “બસ સ્ટાર્ટ થાય ત્યાં સુધી રાહ જોઈ? મને કાઈ સમજાયું નહિ..”

          “મને ડર હતો કે કદાચ બસ સ્ટાર્ટ થાય એ પહેલા હું બસમાં બેસી જાઉં અને મને શોધતું કોઈ આવી ચડે તો મને ત્યાંથી નીકળવાનો સમય કે રસ્તો ન મળે... પણ જો બસ સ્ટાર્ટ થાય ત્યાં સુધી હું બહાર રહું અને કોઈ આવી જાય તો હું સહેલાઇથી ત્યાંથી નીકળી શકું... મને ભાગવા માટે સમય, સ્થળ અને મોકો બધું જ મળી રહે...”

          “મને વિશ્વાસ નથી થતો કે તું એજન્ટ નથી....” ચર્મીએ કહ્યું, “એક ટ્યુટર માટે આ બધું વિચારી શકવું શક્ય નથી..”

          “હું ટ્યુટર જ છું બસ બચપણથી જેમ્સ બોન્ડનો દીવાનો હતો.” શ્યામ હસ્યો.

ક્રમશ: