Kalmsh - 19 books and stories free download online pdf in Gujarati

કલ્મષ - 19

સ્વામી નિર્ભયાનંદજીના આદેશને અનુસરીને વિવાન ભોજન પતાવી તેમની પાસે ગયો ત્યારે થોડીવાર પહેલા બેઠેલી વ્યક્તિ હજી સ્વામીજી સાથે જ વાતોમાં ગૂંથાયેલી હતી.

'આવ વિવાન, આમને મળ , આ છે શેઠ ભગીરથ ગોસ્વામી. મુંબઈની અગ્રગણ્ય પ્રકાશન સંસ્થાના માલિક। અને ભગીરથજી આ છે વિવાન , લેખક છે. વધુ તો તમે જ જાણી લેશો.
ભગીરથ ગોસ્વામીએ હળવું સ્મિત કરીને અભિવાદન કર્યું. વિવાને પાસે આવીને બંનેને હાથ જોડીને અભિવાદન કર્યું.

બેઠી દડીનો બાંધો, ગૌર વર્ણ , કપાળે દોરેલું વિષ્ણુપગલાનું તિલક અને માથે ગાંધી ટોપી। ભગીરથજીના ચહેરા પર અસાધારણ તેજ હતું , સ્વામીજીના ચહેરાને મળતું.

'વિવાન , એમની પાસે એક ભીષમ પ્રકલ્પ છે: હિન્દૂ સંસ્કૃતિનો પ્રસાર પ્રચાર કરવાનું બીડું એમને ઉઠાવ્યું છે. સ્વામીજી પ્રશંષા કરતા હોય તેમ માનભેર ભગીરથજીને નવાજી રહ્યા હતા.

એટલે એનો અર્થ એ થયો કે સ્વામીજી સંસાર ત્યાગીને ભેખ લઇ બેઠા છે પણ આ ભગીરથજી સંસારમાં રહીને પોતાની થાય તે અભિયાન કરે છે.

વિવાનનું હૃદય એક પળ માટે ધબકારો ચૂકી ગયું. આ કેવો સંયોગ હતો. શું પોતે અહીં આ કારણે જ આવી ચઢ્યો હતો ? વિવાનના દિલમાં એકસાથે કેટલાંય ભાવ આવી ગયા. મન તો હજી માનવા તૈયાર નહોતું કે આમ કોઈ અન્ય પબ્લિકેશન હાઉસના માલિકનું મળી જવું એક સાધારણ સંયોગ જ હોય પછી એની પાછળ નિયતિની કરામત કામ કરી રહી હતી.


'વિવાન નામ છે એનું , લેખક છે. ઓળખતા તો હશો જ ?' સ્વામીજીએ ભગીરથજીને પ્રશ્ન સ્વાભાવિકપણે પૂછ્યો હતો.

'તમે વિવાન ? વિવાન શ્રીવાસ્તવ ? ત્રિપાઠીની ચિત્રકથાવાળા? ભગીરથમલે વિવાન સામે જોઈને પૂછ્યું।

ઉત્તરમાં વિવાન માત્ર માથું ધુણાવી નામસ્તેની મુદ્રામાં હાથ જોડીને ઉભો રહ્યો.

ઓહ તો સંસ્કાર વાંચન શ્રેણી આટલી પ્રસિદ્ધ થઇ છે. એ ખ્યાલ આવતા જ વિવાનના ચહેરા પર સ્મિત ફરકી રહ્યું.

ભગીરથજી સ્વામી સાથે વાત કરી રહ્યા હતા. : અમારી પ્રકાશકોની અને લેખકોની દુનિયા એટલી નાની છે કે ભાગ્યે જ કોઈ કોઈને ન ઓળખતું હોય. એમાં આ મહાશયે તો ખરેખર ઉમદા કામ કર્યું છે.
દિનકર ત્રિપાઠી , મારા જૂના દોસ્ત પણ ખરા. આજકાલ નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે ખાસ સક્રિય નથી , કેમ સાચું ને ? ભગીરથજીએ વિવાનને વાતચીતમાં ખેંચ્યો.

'જી. થોડા સમયથી દિનકરજી ઓફિસ નથી આવતા . 'વિવાને ટૂંકો જવાબ આપીને પતાવ્યું.

'હા, પણ કહેવું પડે, તમારી એ સિરીઝ હિટ રહી છે. પણ, છેલ્લાં થોડા સમયથી નવા કોઈ ટાઇટલ નથી આવ્યા ? કે મારા જોવામાં ન આવ્યા? '

વિવાન શું બોલે ?
એ એમ કહે કે ફોરેન રિટર્ન દીકરા અનંગને પિતાના એ વિચારો દકિયાનૂસી લાગે છે. એ સંસ્કાર વાંચન સિરીઝના પ્રકાશન પર પૂર્ણવિરામ મૂકી દેવાયું છે ?

'સાવ એવું તો નહીં પણ હમણાંથી એમના દીકરા અનંગ ત્રિપાઠી ઓપરેશન્સ સાંભળે છે. એમને અન્ય ઘણા વિષયો પર કામ કરવું છે. વિવાને જરા ઓછપાઈને કહ્યું.

સ્વામીજી રસથી આ વાતચીત સાંભળી રહ્યા હતા.

'તમારી વિવિધ વિષયવળી વાત તો સમજ્યા પણ આજકાલ ત્રિપાઠી એન્ડ સન્સ શું પ્રગટ કરે છે એ તો માર્કેટમાં સહુને ખબર છે, ;ભગીરથજી જરા માર્મિક હસ્યાઅને સ્વામીજી સામે જોયું : બાપ આદર્શવાદી ને દીકરો બિલકુલ વિરુદ્ધ. આજકાલ ત્રિપાઠીની ઓફિસમાં શું ચાલે છે એ બધા રિપોર્ટ મળે છે પણ દિનકર પણ શું કરે સ્વામીજી, હવે હલનચલન પર પણ પાબંધી આવી ગઈ હોય ત્યારે.

સાંભળીને વિવાનને ઝટકો લાગ્યો.
દિનકરજી આટલી હદે બીમાર હતા અને અનંગને એ વાત કોઈને કે પોતાને કરવા યોગ્ય ન લાગી ?
દિનકરજીના ઘરે એમને મળવા જવાનો તો પ્રશ્ન જ ઉભો નહોતો થતો. વિના કહે અનંગે એક જેલ ઉભી કરી દીધી હતીને..

'મારા માટે આ વાત ન્યુઝ છે , મને ખબર નહોતી કે દિનકરજી આટલા બીમાર છે.' જરા સંકોચ સાથે કહેવું પડ્યું .

'હા, મારા ખ્યાલથી તમે પણ હાલમાં ત્રિપાઠી એન્ડ સન્સ સાથે ખાસ કાર્યરત નહીં હો કેમ ?, તમારી નવી કોઈ ચિત્રકથા પણ બજારમાં આવી નથી.

થેન્ક ગોડ. ભગીરથજીએ આમ વિચારી લીધું , વિવાનના મનમાં શાંતિ વળી.

'તમારા જેવા પ્રતિભાવંત લોકો હોવા છતાં એનો ઉપયોગ કરવાને બદલે આજકાલ જે અનંગ કરે છે તે વિષે કાંઈ ન બોલવું જ બહેતર છે. ' ભગીરથજીએ એક નજર વિવાન પર નાખી બીજી સ્વામીજી પર.

'સ્વામીજી , આ ગધાપચીસી પણ અજબ હોય છે. હવે જુઓને આ લોકપ્રિય શ્રેણી બંધ કરી જીભ પર ન લવાય એવા ચોપાનિયાં છાપે છે. ને તે પણ કોઈ દિલ્હીમાં રજીસ્ટર કરેલી કંપનીને નામે. વળી ભૂતિયા લેખકો પણ મળી રહે છે. આ લોકોને ખ્યાલ નથી કે એ લોકો આખી પેઢી પાયમાલ કરી રહ્યા છે. ' ભગીરથજીની પાસે અનંગ શું કરી રહ્યો છે એની રજેરજ માહિતી હતી.

વિવાનને પહેલીવાર સંતોષ થયો કે સારું થયું કે મન્મથ શર્માને નામે પોતે લખતો રહ્યો.સાથે જ સવાલ ઉઠ્યો : જો અનંગની માહિતી બહાર આવી શકતી હોય તો લેખકની પણ આવી જ શકે ને !! એકવાર જો એ વાત બહાર પડી તો લેખક તરીકે તો કારકિર્દી શરુ થાય તે પહેલા જ પૂર્ણવિરામ મુકાઈ જાય.

વિવાનને વિચારમાં પડી ગયેલો જોઈ સ્વામી નિર્ભયાનંદજીએ ટકોર કરવી પડી. : ક્યાં ગુમાઈ ગયો વિવાન ?

વિવાને માથું ધુણાવ્યું જાણે વિચારો ખંખેરી નાખતો હોય તેમ.

સ્વામીજી અને ભગીરથજી ચર્ચામાં ગુંથાયા હતા. ભગીરથજી જમાનાના ખાધેલ હતા. માત્ર પુસ્તકો કેમ વેચવા એ જ નહીં ક્યા પ્રકારના પુસ્તકોનું માર્કેટ ઉભું કરવું અને પુસ્તકોનું વિતરણ કરવાનો કસબ પણ જાણતા હતા.

'ખરેખર તો આ જ સમય છે ભગીરથજી , જે માટે મારો હંમેશ અનુરોધ રહ્યો છે. ધર્મને લોકભોગ્ય બનાવી માર્કેટ કરવાનો સમય છે. ' સ્વામીજી હળવે સ્વરે બોલ્યા.

'તમારી વાત શત પ્રતિશત સાચી સ્વામીજી , પણ સાચું કહું તો અંગ્રેજી માધ્યમે ખાનગી અને મિશનરીઓની સ્કૂલોએ દાટ વાળ્યો છે. અરે આજકાલના જનરેશનને પૂછો , રામના ત્રણ ભાઈઓના નામ ખબર નથી. છેલ્લાં સાત દાયકાથી સરકારી પોલિસી પણ એવી જ રહી છે. કોઈ પણ વિદ્યાર્થીઓને પૂછો ઇતિહાસમાં માત્ર મુઘલ રાજ કરતા હતા એ સિવાય જાણ નથી. અરે !! એ લોકોને અન્ય હિન્દૂ ડાયનેસ્ટી વિષે જાણ જ નથી. , છેલ્લા 500 વર્ષનો ઇતિહાસ આ રીતે હોય તો વર્ષો પુરાણી આપણી કથાઓ, દંતકથાઓ વિષે શું જાણવાના? પરિસ્થિતિ ગંભીર છે અને દિનબદિન વધુ બદતર થઇ રહી છે.

આ ચર્ચા ચાલી રહી હતી ત્યારે વિવાનને ભાગે તો બહુધા મૌન રહેવાનું જ આવ્યું હતું.

'પણ, ભગીરથજી , સમસ્યા વિષે ચર્ચા કર્યા કરવા સિવાય એ વિષે કોઈ સમાધાન શોધવાની વાત કેમ ન કરી શકાય ?' વિવાને પહેલીવાર ચુપકીદી તોડી.

સ્વામીજીને પણ વિવાનનો સુઝાવ ગમ્યો હોય તેમ એમણે ભગીરથજી સામે જોઈને મસ્તક હલાવી સમર્થન આપ્યું.

''સ્વામીજી, ખાટલે મોટી ખોડ જ ત્યાં છે ને !! જે લોકો આ શાસ્ત્રો ,પરંપરા ,વેદ ,પુરાણ જાણે છે તે બધા હવે હાંફી ગયા છે. તેમની ઉંમર જોતા આ કામ કરવા અસમર્થ છે. બાકી રહી આજની પેઢીની વાત , તો તમે મને ગણીને 100 નવયુવાનો તો બતાડો જેમને રામાયણ , મહાભારત ,વેદ, પૌરાણિક વાર્તાઓ સાંભળી હોય, સમજી હોય. બહુ જટિલ કામ છે આ. જો એટલું સહેલું હોતે તો કોઈને કોઈએ તો પગલું માંડ્યું જ હોતે ને !!'
ભગીરથજીની વાત ખોટી નહોતી.

'ભારતભરની શાળાઓમાંથી સાંપ્રદાયિકતા નામે આ તમામ વાતોનો એકડો નીકળી ગયો છે. પણ ક્યારેક કયાંકથી શરૂઆત તો થવી જ રહીને ' સ્વામીજી હળવેથી બોલ્યા.

વિવાનના ચહેરા પર રોનક આવી ગઈ હતી આ વાત સાંભળીને. જે ઘડીનો ઇન્તઝાર હતો તે સામે આવીને ઉભી હતી. અત્યારે સામેથી પ્રપોઝલ આપવી કે નહીં તેની અવઢવમાં મનમાં ચાલી રહી હતી.
આ જ મોકો હતો, કોઈક દૈવી સંયોગથી ઉદ્દભવેલો. જો આ મોકો ચૂક્યો તો પછી શક્ય છે જિંદગી બીજીવાર એ તક ન પણ આપે.

'જો આપ આવા સાહસ માટે તૈયાર હો તો હું મારું સો ટકા કમિટમેન્ટ આપવા તૈયાર છું. બોલો શું કહો છો ?' વિવાન પોતે જ અચરજ પામી રહ્યો , આમ સાવ અચાનક લાંબુ વિચાર્યા વિના સ્વામીજીની હાજરીમાં ભગીરથજીને પોતે શું કહી દીધું ?

ભગીરથજી તો અવાચક થઈને વિવાન સામે જોઈ રહ્યા હતા પણ સ્વામીજી પર વિવાનના કહેવાની કોઈ અસર ન થઇ હોય તેમ મંદ મંદ સ્મિત વેરી રહ્યા હતા.

' લો બોલો ભગીરથજી , તમારા મનોરથ આ કુંભમાં પૂર્ણ થવાના હશે એટલે જ આમ અચાનક આવવું થયું અને જોગાનુજોગ આ લેખકશ્રી પણ કાલે જ પધાર્યા. આથી ઉત્તમ સંયોગ શું હોય શકે ભલા?'સ્વામીજીના ચહેરા પર એવું અકળ સ્મિત હતું જાણે કે આ આખી વાત પૂર્વયોજિત હોય.

ભગીરથજી તો સ્વામીજી પાસે અવારનવાર આવતા રહેતા પણ આ વખતે આ રીતે વિવાન સાથે મેળાપ થઇ જવો એક જબરદસ્ત યોગાનુયોગ જ હતો.

'આ તો ઘર બેઠે ગંગા આવી સ્વામીજી , મેં આવું તો સ્વપ્ને પણ વિચાર્યું નહોતું ..' ભગીરથજી થઇ રહેલા ડેવલપમેન્ટથી ખાસ્સાં ખુશ જણાતાં હતા. : 'તો કેમનું કરીશું ? હું તો કાલે મુંબઈ જવા નીકળું છું ? તમારી ટિકિટ પણ મારી સાથે કરાવી લઉં ? તમે પુના ને અમે મુંબઈ !! મજા નહીં આવે. જો શક્ય હોય તો મુંબઈ જ આવી જાવ તો કેમ ? હા, શક્ય હોય તો। .....

'નહીં ભગીરથજી, વિવાને સ્વામીજી સામે જોયું :મને મુંબઈમાં સેટલ થવું ગમશે પણ એ એવી મહાનગરી છે કે માણસને ક્યાં તો તારી દે કે મારી નાખે , વળી મારે પૂનામાં થોડી ફોર્માલિટીઝ પતાવવી પડશે.

'એ બધી ચિંતા અમારી પર છોડજો, તમારી રહેવાની વ્યવસ્થા ગોઠવાઈ જશે , મને ખુશી છે કે શાસ્ત્રો , વેદ , પૂરાણ જાણનાર લેખક સ્વામીજીના આશીર્વાદથી મને આમ ચપટી મારતાં મળી ગયો છે ... પણ વિવાન બાબુ, તમને કદાચ ખબર નહીં હોય તો કહી દઉં આ બધી આમની કૃપા છે ......ભગીરથજીનો ઈશારો સ્વામી નિર્ભયાનંદજી પર હતો.

ભગીરથજી તો પોતાના પ્લાન પ્રમાણે બીજે દિવસે મુંબઈ જવા નીકળી ગયા હતા. પણ, વિવાનનું મન સ્વામીજીની નિશ્રામાં બીજા બે પાંચ દિવસ રહેવા ઝંખતું હતું. આ સમય દરમિયાન સ્વામીજીએ પણ એને ઘણો સમય આપ્યો હતો. પોતાની સાથે બીજા મહામંડલોના દર્શન માટે પણ સાથે લઇ ગયા હતા.

કુંભમેળાનું સાતત્ય પણ સમજાવ્યું હતું.
'તને ખબર છે કુંભમેળા શા માટે ભરાતાં હતા ? 'સ્વામીજીએ વિવાનને પૂછ્યું હતું.
જવાબમાં વિવાન અનુત્તર રહ્યો ત્યારે સ્વામીજીએ એનું મહત્વ સમજાવ્યું હતું.
સમગ્ર ભારતવર્ષના સાધુ સમાજને જોડતું નેટવર્ક એટલે આ કુંભમેળા. સાધુ તો ચાલતા ભલા એમ કહેવાય ,bછતાં એકમેક સાથે સંપર્ક તો જરૂરી છે. ત્યારે ન તો ટેલિફોન હતા ન મોબાઈલ , સંદેશવ્યવહારની ઉત્તમ વ્યવસ્થા એટલે કુંભમેળા. વિવાન સ્વામીજી સાથે રહીને બહુ પામી રહ્યો હતો. ભીતરથી કોઈ અવાજ ઉઠતો રહ્યો : અહીંથી જીવનપથ બદલાઈ રહ્યો છે. અત્યાર સુધી જીવન બ્રાન્ચ લાઈન પર ચાલતું હતું હવે મેઈન લાઈન પાર આવી રહ્યું છે.

*********************

અઠવાડિયું સ્વામીજી સાથે વિતાવ્યા પછી વિવાન પૂના પાછો ફર્યો . બીજે જ દિવસે એ ત્રિપાઠી સન્સની ઓફિસે પહોંચ્યો . વિવાને ધારી રાખ્યું હતું એમ અનંગ ભારે ગુસ્સામાં હતો. ગુસ્સો ,રોષ, ચીડ,ખુશી કાંઈ પણ ચહેરા પર પ્રગટ ન કરવાની અનંગને ફાવટ હતી. સ્થિતપ્રજ્ઞ ચહેરો રાખીને જ એણે વાત શરુ કરી હતી.

'અઠવાડિયા માટે આમ ગાયબ થઇ જવું અને તે પણ કોઈ પ્રકારની જાણકારી આપ્યા વિના એ ગંભીર અશિસ્ત છે એમ તમને નથી લાગતું વિવાન ?' અનંગના અવાજમાં વેધક રીસ ભળેલી હતી.

'જી. હું માનું છું કે એમ ન કરાય પણ સંજોગો જ એવા ઉભા થયા હતા કે ......' વિવાને વાક્ય અધૂરું મૂકી દીધું.

'એ બધું તો ઠીક છે પણ હવે આ જે દિવસો પડ્યા તેને સરભર કરવા તમારે ઓવરટાઈમ કરવો રહ્યો.' અનંગને જાણવામાં કોઈ રસ નહોતો કે કઈ મજબૂરી કે કારણ વિવાનને અઠવાડિયા સુધી ગાયબ રાખવા મજબૂર કરી ગયું,

'એ કામની વાત કરીએ એ પહેલા મને કંઈક કહેવું છે , વિવાને ગાળું ખોંખાર્યું એટલે અનંગના કાન ચમક્યા.

'હા બોલો, પણ ઓવરટાઈમ કરવો જ પડશે.'

'મારો સુઝાવ એ છે કે જે હું ચિત્રકથા , સંસ્કારવાંચન શ્રેણી કરતો હતો તે કરવામાં જ મને રસ છે. આ જે કરી રહ્યો છું એને માટે મને અન્ય કોઈ નહીં પણ મારુ દિલ જ કોષે છે.. ..તો .....વિવાને હજી વાક્ય પૂરું પણ નહોતું કર્યું કે અનંગનો મિજાજ છટક્યો.

'મેં તમને શું ગમે છે શું નથી ગમતું એ ચર્ચવા અહીં નથી ઉભા રાખ્યા. પ્લીઝ ડોન્ટ વેસ્ટ માય ટાઈમ એન્ડ ......'

હજી અનંગ આગળ બોલે તે પહેલા જ વિવાને બે હાથથી શાંતિ રાખવાની સંજ્ઞા કરી.

'શાંતિ રાખો અનંગજી. હવે ન તો તમને મારા તરફથી તકલીફ પડશે ન મને મારા કામથી પડશે। હું એનો ઉકેલ સાથે લઈને જ આવ્યો છું. '

વિવાને ખભે લટકાવેલા ખલતામાંથી કાગળ કાઢીને અનંગની સામે મૂકી દીધો.

અનંગની આંખો પહોળી થઇ ગઈ. એને સ્વપ્ને ખ્યાલ નહોતો કે વિવાન આમ રાજીનામું ધરી દેશે.

પોર્નોગ્રાફી લખાણ રોકેટ સાયન્સ નથી એમ કહેનાર અનંગની રોકિંગ ચેર સ્થિર થઇ ગઈ હતી.

ક્રમશ :

--
Pinki Dalal

Author , Novelist, Traveller, Blogger

Director,
ORIOR IT Consulting Pvt Ltd.
127, Parekh Market,
Opera House,
Mumbai 400004

Mobile: 91 9167019000