Udta Parinda - 12 books and stories free download online pdf in Gujarati

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 12











આંશીએ પોતાની આંખમાં રહેલાં આંસુને લૂછતાં, મનોમન હિમ્મત એકઠી કરીને દિવાલના સહારે બેઠી થઈ. મનમાં ચાલી રહેલાં જાતજાતના સવાલો અને દુઃખનું વમળ વધુને વધુ ઉગ્ર બની રહ્યું હતું. પોતાનાં જીવનમાં ખુશી ભરનાર એકમાત્ર અધિક જેને એ પોતાનું સર્વસ્વ માનતી હતી,એ એકાએક એનાં જીવનમાંથી ચાલ્યો ગયો. હાથમાં રહેલી ડાયમંડ રિંગ તરફ આંશીની નજર એકીટશે જોયા કરતી હતી. બંધ આંખે જાણે અધિક જમીન પર બેસીને એને લગ્ન માટે પ્રપોઝ કરી રહ્યો હતો. ચોતરફ સુગંધિત ગુલાબનાં ફૂલ અને પ્રેમની સરવાણી એમાં ચાર ચાંદ લગાવી રહીં હતી. વર્ષો પહેલાં દિલનાં ભીતરમાં ક્યાંક સપનું જોયું હતું કે, કોઈ રાજકુમાર મારી જિંદગીમાં આવે અને મને બધાંની સાથે લગ્નનો પ્રસ્તાવ રાખે અને મારી જિંદગીની એ સૌથી સુંદર અને યાદગાર સમય બનાવે.

દરેક મધ્યમ વર્ગીય યુવતીનાં ભીતરમાં ક્યાંકને ક્યાંક આ સપનું સેવેલુ હોય છે. આંશીએ પણ પોતાનાં જીવન દરમિયાન આ સપનું વર્ષો પહેલાં જોયું હતું અને આખરે એ સપનાને હકિકત બનાવનાર અધિક એનાં જીવનમાં આવી પહોંચ્યો. આંશીના માનસપટ પર અધિક સાથે વિતાવેલા સમયની સ્મૃતિઓ વારંવાર એની આંખને ભીંજવી રહીં હતી.‌ " ક્યાં સુધી આ દુઃખની આગમાં બળ્યાં કરીશ ? " આંશીનો રડતો ચહેરો જોઈ અને સુમિત્રાએ એનાં રૂમમાં પ્રવેશ કરતાં કહ્યું. " હું શું કરૂં મમ્મી ? મને કાંઈ સમજાતું નથી. અનાથ આશ્રમમાં બાળકો અધિકની આવવાની રાહ જોઈને બેઠા છે.‌એના માટે રાત્રે જાગીને કાર્ડ બનાવી રહ્યા છે, શાયરી અને કવિતાઓ લખી રહ્યા છે. શું એ માસુમ બાળકોને શું જવાબ આપીશ ? મારી પાસે એ બાળકોને કહેવા માટે કોઈ શબ્દ નથી અને હકિકત કહેવાની મારી હિમ્મત પણ નથી. " સુમિત્રાને ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડતાં આંશીને પોતાની માનસિક સ્થિતિ જણાવી રહીં હતી.

" એ બાળકોનાં ચહેરાં પર રહેલી ખુશીને ટકાવી રાખવી એજ અધિકના જન્મદિવસની સાચી ભેંટ છે.‌ બેટા તારે મનથી મજબૂત બનવું પડશે. એ બાળકો માટે, તારા આવનાર ભવિષ્ય માટે. બીજાં કોઇ માટે નહીં તો, અધિક માટે તારે દરેક પરિસ્થિતિનો સામનો કરવો પડશે. જ્યાં સુધી તું એને ખુશ નહીં રાખે ત્યાં સુધી એની આત્માને શાંતિ નહીં મળે. અધિકનુ અધુરૂં રહી ગયેલું કામ વિશે તે જાણકારી મેળવી છે ? " સુમિત્રાએ પોતાની આંખમાં રહેલાં આંસુને રોકી પુત્રી આંશીને સમજાવી રહ્યાં હતાં.

" અધિક મારી સાથે ત્રણ વર્ષથી હતો, છતાં એ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટમા કામ કરતો મને એ વાતની પણ જાણ નથી. આગળ શું કરવું એ મને નથી સમજાતું. આધિકના અધુરાં રહીં ગયેલાં કામ વિશે મને કોઈ જાણકારી નથી. તો હું આગળ શું કરી શકું ? " ઉંડો શ્વાસ ભરીને આંશી પલંગ પર બેઠી. " એ બધી માહિતી તારે એકઠી કરીને એનાં પર કામ કરવું પડશે.‌ તને એ બધી માહિતી આપનાર અધિકનો મિત્ર અભિમન્યુ છે. તારો ગુસ્સો એની પ્રત્યે વ્યાજબી છે. એણે આપણાં માટે પોતાનું કામ છોડી, ઘર પરિવારને છોડીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખડેપગે ઉભો રહ્યો હતો. મેં એનાં ચહેરા પર અધિકના મૃત્યુનો ડર અને ગભરાહટ જોયાં છે. એનાં મનમાં ધણું બધું ચાલી રહ્યું છે. હું ભણેલી તો નથી પણ જીવનમાં ઘણાં ઉતાર ચઢાવ જોયાં છે. મારા અનુભવ પરથી કહું છું, અભિમન્યુ સારો છોકરો છે. એક વખત નિરાંતે બેસીને એની સાથે વાત કરજે. " સુમિત્રાએ આંશીને સમજાવતાં કહ્યું.


આંશીએ દિવાલ પર રહેલાં તેનાં અને અધિકના ફોટા તરફ નજર કરીને આંખમાં રહેલાં આંસુને લૂંછી નાખ્યા. ઉંડો શ્વાસ ભર્યો અને હાથમાં રહેલી ડાયમંડ રિંગને વ્હાલથી સ્પર્શ કરી અને છાતી સરસી ચાંપી દીધી. આંશીની આંખોમાં રહેલાં આંસુને એક નવી ચમક દેખાય રહીં હતી. એકાએક આવેલાં પરિવર્તનથી સુમિત્રાને રાહતનો અનુભવ થયો. " હે ભગવાન મારી દિકરીને હિમ્મત આપજે, જેથી એ અધિકનુ અધુરૂં રહી ગયેલું સપનું અને કામ પુરું કરી શકે.‌ એનાં જીવનમાં આવનારી મુશ્કેલી મને આપજો.‌મારી દિકરી બહું નાની ઉંમરમાં ધણું બધું દુઃખ જોયું છે. હવે હું એને ખુશ જોવા માગું છું. " સુમિત્રાએ બે હાથ જોડીને મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહીં હતી. " મમ્મી આ ડ્રેસ માં સિલાઈ કરી આપજે, હું ન્હાવા જાઉં છું. " આંખમાં રહેલાં આંસુને લૂછીને કબાટમાંથી અધિકની પસંદનો આછા પીળા રંગનો ડ્રેસ બહાર કાઢીને સુમિત્રાના હાથમાં આપતાં કહ્યું.

આંશીના ચહેરાં પર આવેલી નાનકડી ખુશીને જોતાં સુમિત્રાના હૈયાને રાહતનો અનુભવ થયો. આંશી બાથરૂમમાંથી બહાર નીકળી અને એનાં લાંબા કાળા અને, લહેરાતાં ભીનાં વાળને એ સુકવી રહીં હતી.

" ઘાયલને હજું કેટલો ઘાયલ કરશો દેવી ?
તમારાં પ્રેમમાં નહીં રહીં હવે ઉંધ રાતની. "

" આજે તો તારો જન્મદિવસ છે, એટલે બધું તારા કહ્યા મુજબ જ કરવાનું છે. ચાલ હવે તારી આંખ બંધ કર મારે તૈયાર થવું છે. " રૂમમાંથી બહાર નીકળેલી આંશીના ચહેરાં પર તાજગી અને મન હળવું બની ગયું હતું. " જેવો હુકમ તમારો માલકીન સાહિબા. " અધિકે બે હાથ જોડીને થોડાં અલગ અંદાજે આંશીને કહ્યું. આંશીનો એકાએક અવાજ સાંભળતાં સુમિત્રા રૂમમાં આવી પહોંચી. " બેટા શું થયું ? કોની સાથે વાત કરી રહીં છે ? " સુમિત્રાએ રૂમમાં પ્રવેશ કરતાં પોતાની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું. " અધિક સાથે. " આંશીએ હસતાં મોઢે દિવાલના સહારે ઉભેલાં અધિક તરફ હાથ આગળ કરતાં કહ્યું.

આંશીની વાત સાંભળીને સુમિત્રાના પગ નીચેથી જમીન સરકી ગઈ. " ક્યાં છે અધિક ? " સુમિત્રાએ આંશીની બાજુમાં આવીને એનાં ખંભે હાથ રાખીને સવાલ કર્યો. આંશીએ પણ હસતાં મોઢે દિવાલ પર હાથ આગળ કરીને ઈશારો કર્યો. સુમિત્રાએ આખા રૂમમાં આમતેમ નજર કરી અને મનમાં શંકા જાગી કે, અધિકના મૃત્યુને આંશી સ્વીકાર કરવા માટે તૈયાર નથી. આથી એનાં મગજ પર એની અસર લાગી રહીં છે. સુમિત્રાએ મનોમન આવો વિચાર કર્યો અને કોઈ જવાબ આપ્યો નહીં. આંશીના રૂમમાંથી બહાર નીકળીને ટેબલ પર પડેલાં અભિમન્યુના કાર્ડ પર લખેલા નંબર ડાયલી કરીને એણે ફોન લગાડ્યો.

" હેલ્લો! બેટા અભિમન્યુ હું આંશીની મમ્મી વાત કરૂં છું. " સુમિત્રાએ પોતાના ફોન પરથી અભિમન્યુને ફોન લગાડીને કહ્યું. " હા આન્ટી બોલો શું થયું ? " અભિમન્યુએ થોડી ચિંતા વ્યક્ત કરતાં કહ્યું. " બેટા આંશી રૂમમાં એકલી વાતો કર્યા કરે છે. મેં સવાલ કર્યો કે, કોણ છે તો અધિકનુ નામ વારંવાર લઈ રહીં છે. " સુમિત્રાએ પોતાની સમસ્યા અભિમન્યુને જણાવતાં કહ્યું. " મારા મનમાં જે ડર હતો, આખરે એજ થયું. તમે ચિંતા નહીં કરતાં હું કાંઈક કરૂં છું. આ ચિંતા કરવા જેવી કોઈ ખાસ બાબત નથી. " જ્યારે તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરો અને એકાએક તમારાથી દૂર જતું રહે ત્યારે વ્યક્તિ એ પરિસ્થિતિનો સ્વીકાર ન કરી શકે. આથી એ મનોમન એ વ્યક્તિને પોતાની નજર સામે આવીને ઊભાં રહ્યાની કલ્પના કરે છે. કલાકો સુધી એમની સાથે વાતો પણ કરે છે. એ ફક્ત એક ભ્રમ હોય અને વ્યક્તિ માત્રની કલ્પના હોય છે. અધિકને મેં મારી નજર સામે રાખ બનતાં જોયો છે. તમે ચિંતા નહીં કરો હું કોઈ સારા ડોક્ટર સાથે આ વિષય પર વાત કરીશ. બની શકે એનું કોઈ ઈલાજ પણ મળી રહે. " અભિમન્યુએ સુમિત્રાની તકલીફનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરતાં કહ્યું.

અધિક સાથે વારંવાર વાતો કરવી એ આંશીની કલ્પના માત્ર હશે કે, એની પાછળ કોઈ મોટું રહસ્ય હશે ? જોઈએ આગળનાં ભાગમાં.


એનો આભાસ દિવસ રાત એને થયાં કરતો,
એનાં ચહેરા પર વારેધડી નુર લઈને ફરતો.




ક્રમશ...