Vasudha - Vasuma - 118 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ-118

રાજલ અને વસુધા ડેરીનાં પાછલે બારણેથી એનાં ખેતર તરફ ગયાં... વસુધાએ પૂછ્યું “શુકનવંતો દિવસ કહી કહીને હવે એતો કહે શું શુકનવંતુ સારું થયું ?”

રાજલે કહ્યું “વસુધા પહેલાં તો તું મોટી ડેરીમાં કારોબારી સભ્ય અને સ્ત્રીવીંગની ચેરમેન....” પછી થોડી શરમાઇ એણે આંખો નીચી કરી કહ્યું “વસુ મને દિવસ રહયાં છે અને જે માહિતી મેળવવાની હતી એ બધી મળી ગઇ પુરાવા સાથે....”

વસુધાએ કહ્યું “બીજી વાતો પછી પહેલાં તો તને દિવસ રહ્યાં એજ શુકનવંતા સારાં સમાચાર... વાહ રાજુ તારે મોં મીઠુ કરાવવું જોઇએ... હવે તારે અને મયંકભાઇ વચ્ચે... વાહ આનાંથી વધારે રૂડા સમાચાર શું ? પણ હવે તું તબીયતની કાળજી લેજે ભારે કામ કોઇ નથી કરવાનાં તારાં ખોળે બાળક રમશે મારાંથી વધુ ખુશ કોઇ નહીં હોય.”

રાજલે કહ્યું “વસુધા મારાં માટે તું શુકનવંતી છે તારાં કાયમ હકારાત્મક વિચાર... આશાસ્પદ રહેવા કહેવું ધીરજ રાખવી... આજે એનું પરિણામ અમને મળ્યું છે મયંકતો એટલાં ખુશ છે કહે ઇશ્વરે મને જાણે નવાં હાથ પગ આપી દીધાં....”

રાજલે આગળ વધતાં કહ્યું “તારાં પોતાનાં ઘરમાં સરલાને બાબો આવ્યો.. સાચી કદર અને ગુણ તારાં ગાવાં જોઇએ તું મડદામાં જીવ પરોવે એવી છે.”

વસુધાની આંખો ભીંજાઇ ગઇ બોલી “રાજુ હું બધાનું સારું ઇચ્છુ છું ઇશ્વરને પ્રાર્થના કરુ છું બધાને સુખ આનંદ મળે એમાં મારો સ્વાર્થ છે”.

રાજલે પૂછ્યું “તારો સ્વાર્થ ? બીજાને સુખ આનંદ મળે એમની મનોકામના પૂરી થાય એમાં તારો સ્વાર્થ શું ?” વસુધાએ કહ્યું “મને બધાને સુખ આનંદમાં જોવા છે કયાંય કોઇ કમી, દુઃખ, અગવડ જોઊં મને નથી ગમતું બધાનું સારુ થાય મને આનંદ મળે એજ મારો સ્વાર્થ”.

રાજલે કહ્યું “તું જસને અધિકારી છું એટલેજ તારાં મહાદેવ તારી તરક્કી કરે છે બધે તને માન સન્માન મોભો મળે છે અને હજી એક કામ તને જસ અપાવવા રાહ જોઇ રહ્યું છે.”

વસુધાએ સમજીને પૂછ્યું “શું માહિતી મળી ? પાકી છે ? પુરાવા છે ?” રાજલે કહ્યું “પાકી માહીતી અને બોલતાં પુરાવા મળ્યાં છે”. વસુધાએ કહ્યું “સરસ તો કામ સરળ થઇ જશે. લખુકાકાએ મદદ કરી ? કેવી રીતે જાણ્યું બધુ ? પુરાવા કેવી રીતે મળ્યાં ?”

રાજલે કહ્યું “આવતીકાલે તું ડેરીએ વહેલી આવી જજે સવારે તને બધીજ માહિતી પુરાવા સાથે આપીશ. હમણાં બધી વાત કરવામાં મોડું થશે. ગુણવંતકાકા ક્યારનાં તારી રાહ જોઇ રહ્યાં છે પહેલાં એમને મળી લે હજી તારે તારાં સાસરે જવું પડશેને ? કાકા ઘરે લઇ ગયાં વિના નહીં રહે..”

વસુધાએ કહ્યું “ઠીક છે કાલે સવારે હું વહેલી આવી જઇશ.. મારાં માથે નવું કામ આવ્યું છે આ પરાગને એની માલિની સાથે મેળાપ કરાવી લગ્ન કરાવવાનાં છે મેં મદદ કરવા વચન આપ્યું છે આજેજ એણે મને એની કહાણી કીધી છે.. એ સુખી થાય એનો સંસાર ચાલુ થાય એજ ઇચ્છું છું.”

રાજલે કહ્યું “તું કઇ માટીની બની છે ? તું બધાને મદદ કરવાંજ તત્પર હોય છે... તારું તો કશું જોતીજ નથી... તારે પણ આકાંક્ષાનું ધ્યાન રાખવાનું છે એનો ઉછેર ભણતર.. હવે એ પણ મોટી થઇ રહી છે”.

વસુધાએ કહ્યું “વાહ તું તો માસ્તરની બની ગઇ.” પછી હસીને કહ્યું “રાજુ મારું ધ્યાન બધેજ છે પણ આકુનો આજે ફોન કેમ આવ્યો હશે ના સમજાયું પણ ઘરે જઇને વાત.”

બંન્ને સખીઓએ વાત ટૂંકાવીને ડેરીમાં પાછી આવી. વસુધા ડેરીમાં આંટો મારી બધુ જોઇ રહી હતી એણે ભાવનાને કહ્યું “રાજલને મદદ કરજો કોઇ વધારે કે ભારે કામ ના કરે એ જોજે. “

ભાવનાએ કહ્યું “વસુધા મને ખ્યાલ છે મને હજી કીધું નથી પણ એની ચાલ બદલાઇ ગઇ છે મને ખબર છે” વસુધાએ હસીને કહ્યું “વાહ ચાલાક છે તું હવે ખબર પડી ગઇ છે તો ધ્યાન રાખજે બીજાને હમણાં કશું કહીશ નહી 3-4 મહિના થઇ જવા દે આપો આપ બધાને ખબર પડશે. તારી ખાસ સખી છે એ... “

ત્યાં ગુણવંતભાઇ આવ્યાં બોલ્યા ”વસુ બેટા સાંજ થવા આવી ડેરીમાં બધુ બરાબર ચાલે છે પણ કાલે હોસ્પિટલનું બાંધકામ પુરુ થવા આવ્યું છે એ જોવા જવાનું છે પણ હમણાં ઘરે ચાલ...”

વસુધાએ ભાવનાને ઇશારો કરી જવા કહ્યું અને બોલી “આમ પણ હું કાલે સવારે વહેલી આવવાનું છે આપણે ઘરે જઇએ પછી મારે વાગડ જવા નીકળવું છે. “

ગુણવંતભાઇએ કહ્યું “વસુ આખા ગામમાં ખબર પ્રસરી ગઇ છે તું કારોબારી સભ્ય ડેરીમાં અને ચેરમેન બની છે આપણાં ઘરે મેંજ ફોન કરીને જણાવ્યું છે બધાં ખૂબ ખુશ છે ચાલો ઘર જઇએ.”

વસુધાએ પરાગને કહ્યું “ચાલ પરાગ મારાં સાસરે ત્યાં મળીને વાગડ જતાં રહીશું પાપા બાઇક પર આવે છે.” પરાગ તરતજ જીપમાં બેઠો... વસુધા બેઠી અને જીપ સ્ટાર્ટ થઇ.

***************

સરલાએ વસુધાને આવતી જોઇ હસીને બોલી “આવો ચેરમેન સાહેબા... તમારીજ રોહ જોવાય છે તારાં સારાં સમાચાર જાણ્યાં મેં વેઢમી બનાવી છે દિવાળીફોઇ હોત તો એમણે પહેલો કંસાર રાધ્યો હોત.”

વસુધા સરલાને મળી વળગીને વ્હાલ કરતાં કહ્યું “તમારી શુભકામના ફળી.” પછી ભાનુબહેનને જોઇને પગે લાગી બોલી “માં હું ચેરમેન થઇ ગઇ.”

ભાનુબહેને કહ્યું “સરસ.... અભિનંદન પણ સાથે સાથે ઘર સંસાર અને છોકરીનું ધ્યાન રાખજે. હવે આકુ મોટી થતી જાય છે.”

ગુણવંતભાઇએ આવતાવેંત આ વેણ સાંભળ્યાં ત્યાં સરલાએ કહ્યું “માં તું.. ત્યાં વસુધા ભાનુબહેનની સામે ઉભી રહી બોલી "માં કાયમ તમારાં મોઢેથી કડવા વેણ સાંભળું છું.. તમે બોલ્યા... એ શું બોલ્યાં ખબર છે ? ઘર સંસાર ? મારો કયો ઘર સંસાર ? મારો સંસાર તો નંદવાઇ ચૂક્યો છે.. મારો સંસાર હવે મારું કામ છે.”

“રહી વાત આકુની તો એની પણ કેળવણી અને કાળજી લઇશ કોઇનાં માથે નહીં નાંખુ હું કે મારી દીકરી કોઇને ભારે નહીં પડીએ. તમને એવું થતું હોય કે હું મારી ફરજો ઘરની નથી નિભાવતી કે કામ નથી જોતી.. કરતી તો હું મારાં પિયરજ રહીશ અહીં પગ નહીં મૂકું.....”



વધુ આવતા અંકે - પ્રકરણ-119