Dattak - 6 books and stories free download online pdf in Gujarati

દત્તક - 6

શાહુકારે આપેલી તારીખ નજદીક આવવા લાગી.મનસુખ અસમંજસ મા હતો કે હવે શુ કરવુ?ક્યા જવુ.?
આજથી પંદર વર્ષ પહેલા કેટલા હોશ અને ઉમંગ થી એણે આ બંગલો બનાવ્યો હતો.અને હવે આ બંગલો કોઈ પારકાને સોંપવો પડશે.આ વિચારે મનસુખનું હૈયુ ભરાઈ આવ્યુ.
એની આંખો માથી ટપ ટપ આંસુ પડવા લાગ્યા.પણ પછી એણે પોતાના હ્રદયને મજબુત કર્યું અને એક મનોમન નિર્ણય લીધો.
આજે પચ્ચીસમી જુલાઈ હતી.એણે ઊર્મિલાને પોતાની સામે બેસાડીને ભાંગેલા સ્વરે કહ્યુ.
"ઉર્મિ.હુ સમજણો થયો ત્યારથી સુખ અને સાહ્યબીમા સન્માન ભેર જીવ્યો છુ.ક્યારેય કોઈની મોહતાજી કે લાચારી જીવનમા નથી કરવી પડી.અને હવે જીવનની સમી સાંજે હું કોઈનો ઓશિયાળો બનીને રહેવા પણ નથી ઇચ્છતો.માટે મેં એક નિર્ણય કર્યો છે અને મારો એ નિર્ણય અડગ છે."
"શુ?"
ઉર્મિલાએ પૂછ્યુ.
"એક તારીખે આપણે આ બંગલો ઉત્તમચંદને સોંપવાનો છે.મતલબ એક તારીખના આપણે આ ઘર છોડવાનું છે. અને મેં એના આગલા દિવસે આ દેહ છોડવાનો નિર્ણય કર્યો છે."
મનસુખે એકદમ ઠંડા કલેજે આ શબ્દો ઉચ્ચાર્યા.અને મનસુખના આ શબ્દો સાંભળીને ઉર્મિલા પગથી માથા સુધી આખેઆખી હલબલી ગઈ.
"આ.આ.શુ બોલો છો તમે?."
"આ મારો અંતિમ ફેસલો છે ઊર્મિ."
"અને પછી મારું શુ? હું કોના આધારે જીવીશ?"
"મારો ફેસલો હું તારા ઉપર ના થોપી શકુ.પણ જો ખરેખર તુ મારા વગર ન જ જીવી શકતી હો તો ચાલ મારી સાથે."
મનસુખે ભારે હૃદયે ઉર્મિલાને કહ્યું.
"તમારી સાથે જીવવામા જેટલી મજા આવી.એટલો જ આનંદ તમારી સાથે મને મરવા પણ આવશે."
ઊર્મિલાનો સ્વર ભારે જરૂર હતો.પણ ચહેરા પર સંતોષનુ સ્મિત હતુ.
એકત્રીસ જુલાઈના બંને જણાએ નાહી ધોઈને ઈશ્વરને પ્રાર્થના કરી લીધી. પછી ગભાને બોલાવ્યો.ગભો આવીને હાથ જોડીને ઉભો રહ્યો.એનો ચહેરો ઉદાસ હતો અને એની આંખો માથી આંસુ વહી રહ્યા હતા.
"કહો માલિક."
એ ગમગીન સ્વરે બોલ્યો.
જવાબમા મનસુખે એક કવર એને આપતા કહ્યુ.
"લે ગભા.આનાથી વધારે મારી પાસે તને આપવા કાંઈ નથી."
પણ કવર લેવાનો ઇન્કાર કરતા એણે કહ્યુ.
"શેઠ તમે ક્યારેય મને કોઈ વાતનુ ઓછુ નથી આવવા દીધુ. બસ હવે મારે તમારી પાસેથી કંઈ નથી જોઈતુ."
"લઈ લે ભાઈ લઈ લે."
ઉર્મિલાએ પોતાના ગળાનુ મંગળસુત્ર પણ ઉતારીને કવરની સાથે ગભા તરફ લંબાવતા બોલી
"હવે આ બધુ અમારા કંઈ ખપનું નથી. તને કામ આવશે ભાઈ.ના લે તો તને અમારા બંનેના સમ છે."
શેઠાણીએ સમ આપ્યા એટલે કચવાતા જીવે.અને ધ્રૂજતા હાથે ગભાએ કવર અને મંગળસૂત્ર લઈ લીધા.અને રડતા રડતા શેઠ શેઠાણી ના પગમાં પડી ગયો. મનસુખે ગભાને ઉભા કરતા કહ્યુ.
"ગભા.હવે તુ જા.આજથી તુ છૂટો. ઈશ્વર તારું કલ્યાણ કરે."
ગભાએ ભારે હૃદયે અને છલકતા નેત્રે ત્યાંથી વિદાય લીધી.
અગિયાર વાગવા આવ્યા હતા. મનસુખે ઉર્મીલાને પૂછ્યુ.
"તો હવે કરીયે તૈયારી."
"હા.પણ કેવી રીતે?"
ઉર્મિલાના પ્રશ્ન ના જવાબમા મનસુખે કબાટમાંથી એક શીશી કાઢી અને ઉર્મિલાને દેખાડતા કહ્યુ.
"જો વાલી.આ હળાહળ ઝેર છે. શરીરમાં પ્રવેશતા જ પાંચ મિનિટમા આપણું કામ તમામ.તુ એક કામ કર બે કપ ચા બનાવ.એમનમ તો ઝેર ગળા નીચે નહીં ઉતરે.ચામાં નાખીને પી જશુ તો આસાનીથી પીવાય જવાશે."
ઉર્મિલાએ ચા બનાવીને ડાઇનિંગ ટેબલ ઉપર બે કપ મૂક્યા.મનસુખે બંને કપમા અડધી અડધી શીશી ઠાલવી અને એમા ચમચી નાખીને હલાવવા લાગ્યો.
અને ત્યા જ ડોર બેલ વાગી.
"જો તો ઉર્મિ કોણ છે? જે હોય એને બારોબાર થી જ રવાના કરી દેજે."
ઉર્મિલાએ ઊભા થઈને દરવાજો ખોલ્યો તો એ સ્તબ્ધ થઈ ગઈ.આવેશ અને આનંદથી એના મોઢામાંથી લગભગ ચીસ નીકળી ગઈ.
"સુરજ તુ?"
એની સામે એના કલેજા નો ટુકડો સુરજ ઉભો હતો.
અને વાછરડુ ગાયને વળગે એમ સૂરજ ઉર્મિલાને વળગી પડ્યો. ઉર્મિલાના શબ્દો મનસુખના કાને અથડાયા.
"સુરજ તુ"
અને મનસુખ દરવાજા પાસે દોડી આવ્યો.ત્રણ વર્ષ પહેલા તો સુરજના આવવાની એણે કલ્પના નોતી કરી. સુરજને આમ પોણા ત્રણ વરસમા અચાનક આવેલો જોઈને એમને નવાઈ લાગી.એમણે આશ્ચર્ય થી સૂરજને પૂછ્યુ.
"તુ આમ અચાનક?"
"હા બાપુ.તમારા પ્રેમ અને વાતસલ્યના કારણે હું ત્રણ વર્ષ પૂરા થવાની રાહ ના જોઈ શક્યો."
સૂરજના મુખેથી આજે પહેલી વાર માસાના બદલે *બાપુ* શબ્દ સાંભળીને મનસુખને અત્યંત ખુશી થઈ.
સુરજ મનસુખ અને ઉર્મિલાને એવી રીતે વળગી ગયો હતો.જાણે એમનાથી ક્યારેય એ જુદો થવા માંગતો ન હોય. ઉર્મિલાના ઉતરી ગયેલા ચહેરાને જોઈને સૂરજે કહ્યુ.
"બા તમે કેટલા કમજોર થઈ ગયા છો? આ કેવી હાલત થઈ ગઈ છે તમારી.?"
ઉર્મીલાની આંખોમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા.
"બેટા.તે મને બા કહી?"
" હા બા.મે તો સાઉદી જતી વખતે જ તમને બન્નેને હ્રદયથી મારા માતા પિતા માની લીધા હતા.અને નકકી કર્યુ હતુ.
કે હવે થી તમને બા બાપુ જ કહીશ. પણ તમે મારી વાતનો જવાબ ન આપ્યો આ કેવી હાલત થઈ ગઈ છે તમારી.?"
"થોડીક બીમાર હતી દીકરા."
ઉર્મિલાએ કહ્યુ.
"થોડીક.?"
પોતાના શબ્દો પર ભાર દેતા વેધક નજરે ઉર્મિલા તરફ જોતા એણે કહ્યુ.
"હા દીકરા.થોડીક કમજોરી આવી ગઈ છે.બીજુ કંઈ નથી."
પોતાની નજર પોતાના જુઠ્ઠાણાને કયાંક છતુ ન કરીદે એ બીકે સૂરજના ચેહરા પરથી પોતાની નજરને ફેરવીને એણે જમીન નાખી.
પછી ત્રણેય જણા ડાઈનીંગ ટેબલ પાસે આવ્યા જ્યા ચા ના બે કપ ભરેલા પડ્યા હતા.આ જોતા જ સૂરજે વાતને વાળતા કહ્યુ.
"વાહ.વાહ.શુ વાત છે બા.આજે બીજી વાર હુ તમારા હાથની ચા પીઈશ."
ઉર્મિલાએ ગભરાટ ભરી નજરે મનસુખ તરફ જોયુ.મનસુખે સૂરજને ટોકતા કહ્યુ.
"એ ચા ઠંડી થઈ ગઈ છે બેટા.તારી બા તને બીજી ચા બનાવી આપશે..."
પણ મનસુખનુ વાક્ય પૂરું થાય એ પહેલા સૂરજે રકાબીમાંથી કપ ઉપાડી લીધો.
"ઠંડી થઈ તો ભલે થઈ. બા ના હાથનો સ્વાદ થોડી બદલાઈ જવાનો છે."
અને એ જેવો કપ હોઠે માંડવા ગયો. મનસુખે હાથની ઝાપટ મારીને કપ ને દૂર ફગાવી દીધો.આખા ઓરડામાં એક સ્તબ્ધતા છવાઈ ગઈ.નીરવ શાંતિ છવાઈ ગઈ.સ્મશાન વત શાંતિ.
થોડીક વાર ત્રણેયમાંથી કોઈથી કાંઈ પણ ન બોલાયુ.પણ પછી આક્રંદ ભર્યા સ્વરે સુરજે શાંતિનો ભંગ કરતા કહ્યુ.
"તમે મને દતક લેવા ઈચ્છો છો ને.તમે મને તમારો દીકરો સમજો છો ને.અને છતા તમારી ઉપર આટ આટલી મુસીબત આવી તોય મને જાણ ન કરી.?"
મનસુખ કે ઉર્મિલાને પોતાના બચાવમાં કોઈ શબ્દો મળી રહ્યા ન હતા.
ત્યા સૂરજે હૃદયને ચિરતુ વધુ એક બાણ છોડ્યુ.
"તમે મને પારકો જ ગણ્યો.તમોએ એ સાબિત કરી દીધુ કે પારકા એ પારકા જ."
સૂરજની આંખ માથી વહેતા અશ્રુઓ થમવાનુ નામ નહોતા લેતા. ઉર્મિલા સુરજને બાઝી પડતા બોલી.
"ના બેટા એવું નથી."
સુરજે તરત ઉર્મિલાને પોતાના થી અળગી કરીને કપાયેલા વૃક્ષની જેમ જમીન ઉપર બેસી પડયો.અને પોતાનુ કપાળ ફૂટતા બોલ્યો.
"એવુ ન હોય તો મારા જીવતા તમારે ઝેર પીવાનો વિચાર પણ કેમ કરવો પડે? ભલુ થાય ગભા કાકા નુ કે એમણે અઠવાડિયા પહેલા તમારા બંનેની વાત સાંભળી લીધેલી.એણે હરીને વાત કરી.અને હરિએ તરત મને સમાચાર મોકલાવ્યા.નહીં તો આજે હું જીવનમાં બીજી વાર અનાથ થઈ ગયો હોત."
સુરજનુ અચાનક આવવાનુ કારણ હવે મનસુખ અને ઉર્મિલાને સમજાયુ. મનસુખે ખચકાતા ખચકાતા કહ્યુ.
"બેટા અમે સાવ કંગાળ થઈ ગયા."
" તો ઝેર પીવાનુ?"
"બસ મને આ એક જ માર્ગ દેખાયો."
મનસુખે એક નિઃસાસો નાખતા કહ્યુ.
"પણ જો ઈશ્વરે મને સમયસર ન મોકલ્યો હોત તો કંગાળ તો હું થઈ ગયો હોત ને બાપુ."
"મને માફ કરી દે દીકરા.મે તારા પર અવિશ્વાસ રાખ્યો.નહીતર તારી બાએ તને સમાચાર મોકલવાનુ મને કહ્યુ હતુ."
મનસુખે પોતાની ભુલ સ્વીકારતા કહ્યુ.
"ઠીક છે બાપૂ હવે જાગ્યા ત્યારથી સવાર.મે શાહુકારને દેવુ ચૂકવી દીધુ છે. અને હજી આપણી પાસે થોડીક મૂડી છે એમાંથી આપણે ફરી આપણો ટ્રાન્સપોર્ટનો બિઝનેસ ઉભો કરીશુ."
મનસુખ અને ઉર્મિલા ગર્વથી સુરજને નિહાળી રહ્યા.સુરજે આગળ કહ્યુ.
"હવે તમે મને કાયદેસર દત્તક લઈને તમારો પુત્ર બનાવો.આપણે નવેસરથી આપણા જીવનની શરૂઆત કરીએ."
મનસુખ અને ઉર્મિલા ના ચહેરા ઉપર સંતોષ અને ખુશીના ભાવ આવ્યા બંને સૂરજને ભેટી પડ્યા.

સમાપ્ત