Kalmsh - 22 books and stories free download online pdf in Gujarati

કલ્મષ - 22

વરસાદની ઋતુમાં જો સૌથી કોઈ રોમેન્ટિક વાતાવરણ હોય તો તે છે સહ્યાદ્રિ પર્વતમાળાની ગોદ. મુંબઈ પૂણે એક્સપ્રેસ હાઇવે આ ઘાટીઓમાંથી થઈને પસાર થાય છે. ચોમાસાની ઋતુમાં એ પ્રેમીપંખીડાઓનું સ્વર્ગ બની જાય છે.
એ મોસમમાં ઈરાએ પૂણે જવાની વાત કરી એટલે વિવાન તો હરખાયો હતો.

પૂણેથી મુંબઈ આવવા નીકળ્યા ત્યારે વાદળાંઓની જમાવટ તો થવા જ લાગી હતી.
ઘેરાં કાળાં પાણી ભરેલાં વાદળો આકાશમાં રહેવાની સાથે સાથે સાથે હાઇવે પર પણ પાંખ પસવારીને બેસી ગયા હતા.

વિવાનની ઓડી ગતિ તો પકડી રહી હતી પણ વિઝિબિલિટી એટલી તો ખરાબ હતી કે પુણેથી કામશેત પહોંચતા જ વિવાને સ્પીડ ઘટાડી નાખવી પડી.
'વિવાન , મારા ખ્યાલથી સ્પીડ હજી ઘટાડ... ત્રણને બદલે ચાર કલાકે મુંબઈ પહોંચીશું , ફરક શું પડે છે ?' ઇરા વરસાદના રૌદ્ર સ્વરૂપથી ડઘાઈ ગઈ હતી.

'ઇરા, આ તો સામાન્ય વરસાદ છે !! તું છ વર્ષ બહાર શું રહી તું આપણો વરસાદ પણ ભૂલી ગઈ ? ડર લાગે છે ? '

'ના, હું ભૂલી તો કશું નથી ગઈ વિવાન પણ આજે મને અજબ ડર લાગે છે.. કદાચ આપણે વરસાદના તાંડવના સાક્ષી છીએ પણ એ સાથે આ સ્પીડના તો નહીં ને ? કોઈ દિવસ આપણે આવી વેધરમાં આમ એકસોવીસ, ત્રીસની સ્પીડ પર ગયા હતા?' ઈરાની નજર ધૂંધળા દેખાઈ રહેલા રસ્તા પર હતી.

'મેડમ , તે સમયે જે મારી મોપેડ હતી તે સિકસ્ટી પર જવા અસમર્થ હતી તો આ સ્પીડની વાત ક્યાંથી બનતે ?' વિવાને હળવી મજાક કરી. એનો આશય ઈરાને થોડા હળવા મૂડમાં લાવવાનો હતો, પણ ઇરા તો એ જ ગંભીર ચહેરો બનાવીને વિન્ડસ્ક્રીન પર ઝીંકાઈ રહેલી ધોધમાર વાંછટ જોતી રહી હતી.

ઈરાની વાત ખોટી પણ નહોતી. વિઝિબિલિટી ભયંકર ખરાબ હતી. કારમાંથી પાંચ મીટર દૂરનું દ્રશ્ય પણ નજરે ચઢતું નહોતું.

'વિવાન , સ્લો ડાઉન પ્લીઝ.... ' ઈરાના અવાજમાં હળવી ધ્રુજારી હતી.

'ઇરા, વૉટ્સ રોંગ ? શું થાય છે તને ? , હું સ્પીડ નથી કરતો. આ ચાલીસની સ્પીડ છે પણ સખત વરસાદ અને પવનને લીધે તને વધુ લાગે છે. જો, લોનાવાલા પણ પસાર થઇ ગયું. હવે માત્ર બે કલાક. ....'

'વિવાન સમય જોવાનું ને રેકોર્ડ તોડવાનું કામ છોડ. મને ઈમ્પ્રેસ કરવા સ્પિડીંગ કરતો હોય તો રહેવા જ દેજે... હજી સ્પીડ ઓછી કર. '

'તો શું વીસની સ્પીડ પર જઈએ ? એમ ? 'વિવાન જરા મજાક કરતો હોય તેમ બોલ્યો પણ ઈરાની વાત પર એણે ખરેખર સ્પીડ એકદમ ઓછી કરી નાખી હતી .
એથી ઈરાને થોડી ધરપત થઇ હોય તેમ લાગ્યું.


મંદ ગતિએ જઈ રહેલી કારમાં જગજીત સિંઘની જૂની ગઝલ ગૂંજી રહી હતી. : કોઈ યે કૈસે બતાયેં વો તન્હા કયું હૈ ....

એ ગઝલ સાથે ગુમાઈ રહ્યા હતા બંને પોતાના અતીતમાં જે એક સમયે પીડાદાયી લાગી રહ્યો હતો તે અચાનક બદલાયેલા સંજોગોના કારણે સુનહરી યાદ જેવો લાગી રહ્યો હતો.
ઇરા ને વિવાન બંને ચૂપ હતા. વાતાવરણમાં જો અવાજ હતો તો તે હતો પવનના જોરનો.

હવે પશ્ચિમ ઘાટની શરૂઆત થઇ રહી હતી. વરસાદને કારણે ટ્રાફિક અતિશય મંદ ગતિએ ચાલી રહ્યો હતો.
રસ્તામાં બે ત્રણ કાર ખોટકાઈ ગયેલી તે એક તરફ ઉભી હતી. લાગતું હતું કે આગળ પણ એવું જ કંઈક બન્યું હતું. કીડીની ગતિએ ચાલતો ટ્રાફિક લગભગ ઠપ્પ પડી રહ્યો હતો.

હવે કારનું એન્જીન બંધ કરીને બેસી રહેવા સિવાય કોઈ છૂટકો પણ નહોતો.
માત્ર ઇરા અને વિવાનની જ નહીં ઘણી કાર તેમની જેમ ફસાયેલી હતી. જેમાં બેઠાં રહીને અધીરાં થઇ ગયેલાં લોકો વિના વિચાર્યે હોર્ન મારી મારીને ઘાટી ગુંજવી રહ્યા હતા.

થોડા સમય પછી ટ્રાફિક પોલીસની વેન આવીને રસ્તો મોકળો કર્યો એટલે કાર ધીરે ધીરે આગળ વધવા લાગી.

વિવાનની કારની આગળ હતી એક બ્લેક રંગની એસયુવી , ચોમાસાની મજા માણવા નીકળેલા પાંચ છ જવાનિયા અંદર ચાલી રહેલા કાન ફાડી નાખે એવા મ્યુઝિક પર ઝૂમી રહ્યા હતા. પોલીસની વેન હજી તેમનાથી ખાસ્સી દૂર હતી નહીંતર તમામને પકડીને વેનભેગા કરી કસ્ટડીમાં નાંખતે. ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ નિયમનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા હતા.

ગોકળગાયની ગતિથી ટ્રાફિક ખસવાની શરૂઆત થઇ ચૂકી હતી.

અચાનક જ બ્લેક એસયુવી કાર ચાલુ કરવાનો પ્રયાસ ડ્રાઈવર સીટ પર બેઠેલા યુવાને કર્યો. કોઈક કારણસર બે ત્રણ સેલ્ફ માર્યા પછી પણ કાર સ્ટાર્ટ ન થઇ શકી. અચાનક છેલ્લો પ્રયત્ન કામિયાબ રહ્યો અને કાર ચાલુ તો થઇ પણ એ સાથે જ એને કાબૂ ગુમાવ્યો , જોરદાર વરસાદ , તેજ પવનના સૂસવાટા અને માથે ચઢી ગયેલી માદકતા ,વધુમાં લાઉડ મ્યુઝિક ,ચારેનું મિશ્રણ થયું હોય તેમ બ્લેક એસયુવી જોરદાર ગતિથી હવામાં તીર આવે તેમ સેફટી રેલિંગ તોડીને ઉભેલી કાળમીંઢ શિલા સાથે ટકરાઈ .
એ સાથે જ વિન્ડસ્ક્રીનનો કાચ ચૂર ચૂર થઈને અંદર પડ્યો. ચારે યુવાનોની ચીસાચીસથી વાતાવરણ ગુંજી ઉઠ્યું.
પોલીસવેનમાંથી ઉતરીને પોલીસ કર્મચારી એ બાજુ ધસ્યા જ હતા અને વ્હીસલનો એક જોરદાર તીણો અવાજ આવ્યો. કાર જે શિલા સાથે ટકરાઈ હતી તેની ઉપર રહેલાં નાનાં મોટાં દગડ પથ્થરોનો વરસાદ શરૂ થઇ રહ્યો હતો. વરસાદને લીધે ભીની થયેલી માટીએ પથ્થર પરની પક્કડ છોડી દીધી હતી અને શરુ થઇ ચૂકી હતી શિલા ધસી પડવાની શરૂઆત.
ક્ષણભરમાં બ્લેક એસયુવી તો આખેઆખી દગડ માટીથી ઢંકાઈ ચૂકી હતી. બચાવકામ માટે આવેલા પોલીસકર્મીઓ પણ ભાગીને દૂર ઉભા રહી ગયા હતા.

'ઇરા, ગેટ આઉટ ફ્રોમ ધ કાર. ' વિવાને રીતસરની ચીસ પાડી.
એસયુવીની લગોલગ પાછળ ઉભેલી વિવાનની કાર હવે ફસાઈ ચૂકી હતી. આગળ જવાનો રસ્તો બ્લોક થઇ ચૂક્યો હતો. પાછળ તો અન્ય કારની હારમાળા હતી અને હવે જોખમ હતું શિલા ધસી પડવાનું..એસયુવી પછી વારો હતો વિવાનની કારનો.

બચવા માટે એક જ રસ્તો હતો કાર છોડીને ભાગી જવું।l. વિવાને સીટબેલ્ટ છોડીને કારનું ડોર ખોલ્યું પણ ઇરા?
ઇરાનું ડોર ખુલી શકે એવી સ્થિતિમાં નહોતું.ત્યાં વરસી પડેલા કાટમાળે એને જામ કરી દીધું હતું.

'વિવાન , પહેલા તું ઉતર . મારે તારી તરફથી જ બહાર આવવું પડશે .... 'ઇરાના સ્વરમાં અધીરાઈ હતી.
વિવાન ઝડપભેર ઉતરી ગયો અને ઇરા ડ્રાઇવિંગ સીટ પર થઈને બહાર આવવા સરકી ને ત્યાં જ ફરી પાછો પથ્થરનો વરસાદ ચાલુ થઇ ગયો.

સામેની તરફ થોડે દૂર ઉભેલા પોલીસકર્મીઓએ વિવાનને ઝડપભેર પાછળ ખેંચી લીધો.

'ઇરા , ઇરા, ' વિવાન ચિખતો રહ્યો અને કાર પર દગડ ,માટીનો વરસાદ થયો. આખી કાર ગારમાટીના ઢગ નીચે ઢંકાઈ ગઈ. ઈરાને આમ કારમાં માટીના ઢગ સાથે ધરબાતાં જોઈને વિવાન બેબાકળો થઇ ગયો હતો. એને ધસી જવું હતું ઈરાની મદદ માટે પણ પોલીસ કર્મચારીઓએ એને પકડી રાખવો પડ્યો.

'સર, જરા ધીરજ ધરો. તમે અત્યારે કંઈ જ કરી શકો એમ નથી. ' પોલીસે વિવાનનો ખભો પકડી રાખ્યો હતો.

'પ્લીઝ ડુ સમથિંગ , પ્લીઝ ..' વિવાન આજીજી કરતો રહ્યો અને કાર પર વધુ વરસાદ વરસતો રહ્યો.

' પૂણેથી ક્રેન ને જેસીબી સાથે ટીમ પહોંચતી જ હશે. ખરેખર તો ચાર કલાક પહેલા આગળ થયેલી લેન્ડસ્લાઈડ માટે અમે મંગાવી હતી પણ હવે આ ક્લિયર ન થાય ત્યાં સુધી આગળ વધી શકે એમ નથી. ' પોલીસ ઉપરી લાગી રહેલા વ્યક્તિની વાતથી ધરપત અનુભવવાને બદલે વિવાનને ચિંતા થઇ આવી. : એ કાફલો કલાકે આવે તો ? ત્યાં સુધીમાં ઓક્સિજન વિના અને ઘાયલ થયેલી ઇરાને કશુંક થઇ ગયું તો ?

પણ, રાહ જોયા વિના કોઈ બીજો પર્યાય નહોતો.
વિવાન ક્યારેય કોઈ ભક્તિ કે ભગવાનમાં માનતો નહોતો. એના માટે ધર્મ, ભગવાન, ભક્તિ એક માનસિકતાથી વિશેષ કશું નહોતું,
પણ પહેલીવાર વિવાને મનોમન વરુણદેવને યાદ કરીને પ્રણામ કર્યા. આ આવી પડેલી વિપત્તિમાંથી હેમખેમ બહાર કાઢવાની પ્રાર્થના કરતો હોય તેમ.

પ્રાર્થના ફળી હોય તેમ કે પછી આવવાની જ હતી ને આવી રહી એમ નસીબજોગે વિવાને વધુ રાહ જોવી ન પડી. અડધા કલાકમાં જ રેસ્ક્યુ કાફલો આવી પહોંચ્યો હતો.
રાહત ટીમે પોતાની કામગીરીની શરૂઆત કરી દીધી.

રાહત આપવી હોય તેમ વરુણદેવ પણ ખમૈયા કરતાં હોય તેમ રૌદ્ર સ્વરૂપ બતાડવું બંધ કરી દીધું.

રાહતકર્મીઓ પોતાના કામમાં માહિર હતા. નહિવત સમયમાં એમને ગારાના ઢગલાને ઉલેચી નાખી બંને કાર વિવાનની ઓડી અને પેલી બ્લેક એસયુવી બહાર કાઢી લીધી.

બ્લેક એસયુવીનો આગલો ભાગ તો ટિપાઈને સપાટ થઇ ગયો હતો પણ વિવાનની કારની વિન્ડશિલ્ડ તૂટીને અંદર કાચ વેરાયા હતા. દગડ અને માટીના ઢગ વચ્ચે ઇરા પડી હતી. એનું આખું શરીર ભીની માટીથી ઢંકાઈ ગયું હતું
માથામાં માર લાગ્યો હોય એમ લાગી રહ્યું હતું.
કપાળ પરથી વહેતાં લોહીથી એના કપડાં રંગાઈ ચુક્યા હતા.

'ઇરા , ઇરા... કહેતો વિવાન આગળ ધસી ગયો.

'હેલો મિસ્ટર, રાહત ટીમને એમનું કામ કરવા દો ' એક પોલીસ કર્મચારીએ વિવાનને રોક્યો.

રાહતકર્મીઓએ સાથે લાવેલી સ્ટ્રેચર પર ઇરા અને પાંચ યુવાનોને સુવાડી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યાં. તમામે તમામ બેહોશ હતા એટલે રાહતકામ કરનાર ટીમે સૌથી પહેલાં ઇરા અને પેલાં યુવાનોને હોસ્પિટલ પહોંચાડવાનું કામ કરવાનું હતું. રેસ્ક્યુ ટીમ સાથે આવેલી એમ્બ્યુલન્સમાં ઘાયલો સાથે વિવાન પણ બેસી ગયો હતો. આગળ તો બીજી લેન્ડસ્લાઇડ થઇ હતી એટલે રસ્તો બંધ હતો. એટલે એમ્બ્યુલન્સ ઘાયલોને લઈને લોનાવાલા તરફ રવાના થઇ.

લોનાવાલાની સરકારી હોસ્પિટલ નાની પણ સુસજ્જ હતી. ઘાયલોને સારવાર આપવા ડોક્ટર્સની ટીમ તૈયાર હતી.
વિવાન આ દરમિયાન ઈરાને લઈ જતી સ્ટ્રેચર સાથે ચાલતો રહ્યો. ઈરાને શું કોઈ પ્રિમોનિશન થયું હતું ? આવનારી અમંગળ ઘટનાનો વર્તારો એને વર્તાઈ ગયો હશે ? એટલે એ ધીરે જવા માટે અનુરોધ કરતી રહી ?

વિવાનનું મગજ કામ કરતુ બંધ થઇ ગયું હતું, ઈરાની સજ્જડ મીંચાયેલી આંખોની જેમ. વિવાનનું ચાલત તો એ ઈરાને પળભર માટે રેઢી ન મૂકત પણ નર્સે અટકાવ્યો હતો. કહેવામાં આવ્યું હતું કે લાઉન્જમાં જઈ ને બેસો. જરૂર પડશે બોલાવી લઈશું.બહાર વિઝિટર્સ લાઉન્જમાં વિવાન મનમાં તમામ ભગવાનને યાદ કરી ચૂક્યો હતો. આટલી વિવશતા અને લાચારી તો ક્યારેય નહોતી અનુભવી : ઈરાને કંઈક થઇ ગયું તો ? આ પ્રશ્ન જ ડરાવી દેવા પૂરતો હતો.

ઘડિયાળ એનું કામ કરી રહી હતી અને ડોક્ટર્સ તેમનું. વિવાન થડકતાં દિલે રાહ જોઈ રહ્યો હતો ખબરની. કોઈક ડોક્ટર કે નર્સ બહાર આવીને કંઈક કહે. લગભગ કલાક પછી ડોક્ટરે આવીને પોલીસને જણાવ્યું કે પાંચ ઘાયલ જવાનોમાંથી બે મૃત્યુ પામ્યાં છે. દૂર બેઠેલા વિવાનને સંભળાયું તો નહીં પણ તેમની બોડી લેન્ગવેજ એ સમજવા પૂરતા હતા. એ લપકીને ડોક્ટર પાસે દોડ્યો.

'ડોક્ટર , ઇરા? ' વિવાનના ગળે જાણે શોષ પડ્યો હોય તેમ માંડ બોલી શક્યો.

'કોણ? પેલી લેડી ? ' ડોક્ટરને નામ કે ઉંમર સાથે કોઈ લેવાદેવા નહોતી. એમને માટે પેશન્ટ ક્યાં મેલ હતા કે ફિમેલ.

'યેસ ડોક્ટર, માય ફ્રેન્ડ !! ઇઝ શી ઓકે ?'
ડોક્ટર વિવાન સામે તાકી રહ્યા. વિવાનનું હૃદય જોરથી ધડકી રહ્યું હતું. ક્યાંક કોઈક અમંગળ સમાચાર ન સાંભળવા પડે.

'ઓહ શી ઇઝ પર્ફેક્ટ્લી ફાઈન , હા, ધાર્યું હતું એવી કોઈ ઇજા નથી. હા, કપાળ પર ત્રણ ટાંકા આવ્યા છે પણ ઇટ્સ વેરી માઈનર...'

'ઓહ, થેન્ક ગોડ , થેંક યુ ડોક્ટર ,' વિવાનના જીવમાં જીવ આવ્યો : હું હવે એને મળી શકું ? '

ડોક્ટરે માથું હલાવીને હા પાડી : યસ, ઓફકોર્સ , એમની ઇન્જરી માઈનર છે પણ કદાચ શૉક લાગ્યો છે. કાલે સવાર સુધી તો બિલકુલ બરાબર હશે. તમે ડિસ્ચાર્જ લઈ શકશો...'

ઇરા હેમખેમ છે એ જાણીને જ મનમાં ધરપત થઇ ગઈ હતી. ડોક્ટર સાથે વધુ વાત કરવાનો પણ કોઈ મતલબ નહોતો. ડોક્ટરના ચહેરા પરથી લાગતું હતું કે વાત સિરિયસ છે , તે પેલા છોકરાઓ માટે હતી. ડોક્ટર આગળ વધ્યા, પોલીસ કર્મચારી સાથે વાતચીતમાં જોડાયા . પાંચ માંથી ફ્રન્ટ સીટમાં બેઠેલા બે છોકરાઓ મૃત્યુ પામ્યા હતા અને પાછળના ત્રણમાંથી એકની હાલત ગંભીર હતી.
એ છોકરાઓની વાત જાણીને દુઃખ તો થયું પણ ઈરાના બચી જવાનો આનંદ જેવોતેવો નહોતો. ઝડપભેર પગલાં ભરતો વિવાન અંદરના વિભાગ તરફ ધસી ગયો જ્યાં ઇરાને રાખવામાં આવી હતી.

સામે રહેલાં કોટ પર ઇરા ભીંતસરસું માથું ટેકવીને બેઠી હતી. એના કપડાં હજી એ જ ગારમાટીવાળા હતા. કપાળ પર તાજું કરેલું ડ્રેસિંગ હતું અને કપડાં પર વહી ગયેલા લોહીના ડાઘ માટી સાથે મળી ગયા હોવા છતાં દેખાઈ આવતા હતા. લાગતું હતું કે પુષ્કળ લોહી વહી ગયું હોવું જોઈએ.

'ઇરા, આર યુ ઓકે ? વિવાનનો અવાજ તરડાઈ ગયો. જો ઈરાને કંઈક થયું તો એ આશંકાએ તેને કેટલો ભયભીત કરી દીધો હતો.

'હમ્મ, મારું માથું !! ઇરાએ કપાળ પર હાથ લગાવ્યો. મને લાગે છે કે મારું માથું જ નથી. એકદમ અજબ ફીલિંગ આવી રહી છે.' ઇરાનો ચહેરો પીળા પડી ગયેલા પાન જેવો દેખાતો હતો.

'એ લોકલ એનેસ્થેસિયાને કારણે છે ઇરા. ફક્ત ત્રણ સ્ટીચીસ આવ્યા છે. યુ આર પર્ફેક્ટ્લી ઓકે. ડોક્ટરના કહેવા પ્રમાણે કાલે ડિસ્ચાર્જ પણ મળી જશે. મેં ડોક્ટર સાથે વાત કરી લીધી છે. '

વિવાને ઈરાનો હાથ પકડીને પોતાની છાતીસરસો ચાંપી દીધો. પોતાનો હાથ ખેંચી લેવાના બદલે ઇરાએ હળવેથી પોતાનું માથું વિવાનના ખભા પર ટેકવી દીધું: વિવાન , મને કપાળે આવેલા ટાંકાના નિશાન કાયમ રહી જશે તો ?

આવી ગંભીર સ્થિતિમાં પણ વિવાનને જોરથી હસવાનું મન થઇ આવ્યું : સિલી ગર્લ....તું બચી ગઈ એટલું જ પૂરતું નથી ? અને તારા આ ટાંકાના નિશાન રહી જશે તો પણ મને કોઈ ફરક નથી પડતો , છે હવે કોઈ સમસ્યા ?

ડરી ગયેલી ઇરાને વિવાનનું સાંત્વન સ્પર્શ્યું હોય એમ લાગ્યું નહીં. પણ, વિવાનના સ્પર્શમાં એને સલામતી અનુભવાતી હોય તેમ એ ક્યાંય સુધી ખભે માથું ટેકવીને બેઠી રહી. ન જાણે સાનિધ્યની આ પળ કેટલી લાંબી ચાલતે. ઈરાના અચાનક રણકેલા મોબાઈલ ફોને તેમને ધ્યાનભગ્ન કર્યાં.
ક્રોસ કરીને પહેરેલી સલીન્ગ બેગ પોતાની સાથે બચી ગઈ હતી તેનો ખ્યાલ પણ ઈરાને ત્યારે જ આવ્યો.
ઇરાએ વિવાને પકડી રાખેલો પોતાનો હાથ હળવેથી સરકાવી લીધો. ખબર હતી કે ફોન કરનાર બેમાંથી કોઈ એક જ હોય શકે , મા કે પછી નીના.

ઇરાનું અનુમાન સાચું હતું.નીનાનો જ ફોન હતો.
ઇરાએ વિવાન સામે જોયું : વૉટ્સ એપ કોલ અને તે પણ વિડિઓ કોલ એક પેઈન છે. વિવાન ફક્ત જોતો રહ્યો। ઈરાને ના પાડવાનો અર્થ નહોતો. આખરે તો એ પોતાની મરજી પ્રમાણે જ કરવાની હતી.

ઇરાએ વિડિઓ કોલ રિસીવ કર્યો. એને ખાતરી હતી કે સામે છેડે રહેલી નીના એનું રૂપ જોઈને ડરી જવાની, અને એમ જ થયું.

'માય ગોડ, ઇરા, શું થયું તને ? '
ઈરાને ઘાયલ અવસ્થામાં જોઈને નીના ગભરાઈ ગઈ હતી.
' તું અત્યારે છે ક્યાં ? આ શું થયું ? તારી સાથે કોણ છે ? ' સામેથી નીનાએ પ્રશ્નોની ઝડી વરસાવી દીધી।
'હું ઓકે છું , સેફ છું. ડોન્ટ વરી નીના..' ઇરા ધીરા અવાજે બોલી.
પણ નીનાને એ વાતથી સંતોષ ન થયો.: તું છે ક્યાં ઇરા? કોણ છે તારી સાથે ? આંટી ક્યાં છે ?
'આયેમ ઓકે નીના, હમણાં વાત કરી શકું એમ નથી. પછી આરામથી તને ફોન કરું છું 'કહી ઇરાએ વાત તો પતાવી પણ મનમાં રંજ પણ થયો, : બિચારી મારા માટે ઉચક જીવે બેસી રહેશે , ક્યાંક માને ફોન કરી દેશે તો મુસીબત થઇ જશે.


પણ , પછી ખ્યાલ આવ્યો કે માનો તો નંબર નીના પાસે નથી અને એ વિવાન વિષે તો કશું જાણતી જ નથી.

ક્રમશ: