Kanchi - 6 books and stories free download online pdf in Gujarati

કાંચી - 6

“સો યુ આર બેંગોલી... રાઇટ !?" ઓફીસ બહાર નીકળતાં મેં તેની સરનેમ ‘બેનર્જી’ પરથી વાતનો દોર માંડતા પૂછ્યું.

“યસ, પણ છેલ્લા થોડાક સમયથી મુંબઈમાં જ રહું છું...!"

"હું પણ મુંબઈમાં જ રહું છું... એન્ડ બાય ધ વે, તમારું ગુજરાતી પણ ખુબ સરસ છે...!”

“થેંક યુ... મને એ સિવાય પણ ઘણી ભાષાઓ આવડે છે...!"

“જેમ કે..?”

અને એ એને આવડતી ભાષાઓની ગણતરીમાં પડી...

અમે બંને કાર પાસે પહોંચ્યા...

“તમે હજી તમને આવડતી ભાષાઓ ગણી રહ્યા છો... !? એટલી તો કેટલી ભાષાઓ આવડે છે તમને...?”

"યા, એક્ચ્યુલી હું ગણી જ રહી હતી. મને હિન્દી, ગુજરાતી, બંગાળી, મરાઠી, અંગ્રેજી તો આવડે જ છે, એ ઉપરાંત થોડી થોડી ફ્રેંચ અને સ્પેનીશ પણ આવડે છે..."

હું મોઢું ફાડી એને જોઈ રહ્યો. મૂળ બંગાળી અને છેક ફ્રેંચ, સ્પેનીશ સુધીનું જ્ઞાન...!? વાત ગળેથી ઉતરી નહીં!

“તમને વાંધો ન હોય તો હું તમને ડ્રોપ કરી દઉં..."

“હું તો એરપોર્ટ જાઉં છું... કોલકત્તા જવા માટે ! તમારે તમારું કામ પણ તો હશે જ ને..."

"જી ના... હું મારા કામથી જરા આરામ પર છું હમણાં....”

“ઓકે તો વાંધો નહિ.. એન્ડ યસ, થેન્ક્સ અગેઇન..."

“જેમ કારમાં સોરી કેહવાની ના પાડી હતી, એમ થેંક યુ ન કહેવાનો નિયમ બનાવી લો...” મેં મજાકમાં કહ્યું અને આગળની સીટનું બારણું ખોલી એને અંદર બેસવા કહ્યું.

ડ્રાઈવર સીટ પર ગોઠવાતાં પહેલાં હું દરવાજા પાસે ઊભો રહી ફોન સ્વીચ ઓન કરવામાં પડ્યો. સ્વીચઓન થતાં, સ્ક્રીન લીના અને મી. બંસલના મીસ્કોલ્સથી ભરાઈ ગઈ.

મેં લીનાને કોલબેક કર્યો, અને તેની સાથે વાત કરવામાં પડ્યો. થોડીવારે વાત પૂરી કરી, હું ગાડીમાં ગોઠવાયો અને ગાડી બહાર કાઢી, રસ્તા પર દોડાવવા માંડયો.

થોડીવાર અમે બંને ચુપ રહ્યા... અને પછી એ બોલી.

"તો, તું લેખક બનવા માંગે છે એમ ને...?” એના અચાનક એવા પ્રશ્નથી હું ચમક્યો અને અચાનકથી જ એ મને 'તું' કહી એકવચનમાં સંબોધવા લાગી હતી !

હું પ્રશ્નાર્થભરી નજરે એને જોઈ રહ્યો... એણે પગમાં મુકેલ મારા બેગ તરફ આંખેથી ઈશારો કરતા કહ્યું, "સોરી, મેં એમાં પડેલ કાગળ વાંચ્યા... પણ એક સવાલ પૂછું...?"

"હા, પૂછો...”

“તમે લેખક હંમેશા નાયિકાને સુંદર જ કેમ વર્ણવો છો...? કેમ એ હંમેશાં ગોરી જ હોય છે? કેમ એના નેણ ધારદાર જ હોય છે? કેમ એના હોઠની લાલીને લોહી સાથે સરખાવો છો...? કેમ એના સ્વરમાં હંમેશાં મધ રેડો છો...? કેમ કોઈ નાયિકા કાળી, કે ન ગમે એવી હોય, એવી કેમ નથી ચીતરતા?”

એના એક પણ પ્રશ્નનો મારા પાસે કોઈ જવાબ ન હતો. એ કાગળ પર શબ્દો થકી ઉપજાવેલ સ્ત્રી પાત્ર એકાએક મને, ધૃણા ઉપજાવતું હોય એવું લાગ્યું !

“બેશક, બધાને સારું જ ગમતું હોય છે... પણ તમે જો લેખક છો, તો તમારે સારુ નહી પણ સાચું હોય એ લખવું જોઈએ...!”, એણે જ મારા પ્રશ્નોનો જવાબ આપ્યો.

“ક્યારેક મન નહિ થતું કે કોઈ કાળી છોકરી વિષે લખીએ? કેમ કોઈ કાળી છોકરી ને તેના મુખ્ય પત્ર તરીકે નથી રાખતું?” એ જાણે ખરેખર ઉદાસ થઇ ગઈ હોય એવા સ્વરે બોલી.

એ ક્ષણે મારે શું કહેવું જોઈએ, એ મને સમજાતું ન હતું, હું મૌન રહ્યો.

એ બારી બહાર દેખી રહી, ચુપચાપ બેસી રહી. કદાચ કોઈ

ઊંડા વિચારમાં

મારી નજર વારંવાર એની તરફ જોવા લલચાતી હતી ! એ પણ શ્યામ હતી, થોડીક પુખ્ત હતી ! એના હોઠ રક્તની લાલી જેવા ન હતા, કે ના એના નેણ દરિયા જેવા ઊંડા હતા ! પણ એની આંખમાં એક ગજબનો આત્મવિશ્વાસ દેખાતો હતો ! એનું શરીર પણ ફિલ્મોની નાયિકાઓ જેવું સાવ સુકાયેલું ન હતું, માંસલ હતું. ભરાવદાર હતું... ! જોવું ગમે તેવું હતું એનામાં દેખાવ બાબતે કંઈ ખાસ જલદ ન હતું, જે દેખતાની સાથે જ ગમી જાય... ! પણ એના વ્યક્તિત્વમાં એક અજાણ્યું

આકર્ષણ હતું ! અને હમણો હું, એ આકર્ષણ ના પ્રભાવમાં આવી ચુક્યો હતો

“એમ શું જુએ છે...?”, બારી બહાર જ નજર સ્થિર રાખી એણે મને પૂછ્યું.

મેં તરત નજર ફેરવી લીધી, કદાચ એણે સ્ત્રીઓની સિકસ્થ સેન્સ થકી, મને એનું નીરિક્ષણ કરતા જોઈ લીધો હશે.

હું જવાબ આપ્યા વિના રસ્તા પર જોઈ રહ્યો. મને મારા કૃત્ય પર ભોંઠપ અનુભવવાતી હતી !

"જાણું છું તું એક લેખક બનવા માંગે છે, માટે દરેક વ્યક્તિમાં એક વાર્તા દેખાવી એ સ્વાભાવિક વાત છે... ! અને તું એ રીતે મારું નીરીક્ષણ કરતો રહે તો પણ મને વાંધો નથી... "

મેં એક નજર એના ચેહરાના હાવભાવ પર ફેરવી લીધી. એ તદ્દન સ્વસ્થ લાગી રહી હતી !

“હું એવું કઈ ન’હોતો કરતો..." મેં નજર ફેરવી લીધી અને જૂ બોલ્યો.

“રેહવા દે... તને તો જુઠું બોલતા પણ નથી આવડતું ! નહિતર સાહજીકતાથી વાત કેહવા માટે સ્ટીયરીંગ પર પકડ મજબુત ન કરવી પડે...”

એ વાક્ય સાથે, હું બસ એને જોઈ રહ્યો ! આ કદાચ મારી નાનપણની આદત હતી, કે જયારે જયારે હું જૂઠું બોલતો, ત્યારે આજુબાજુની કોઈ વસ્તુ પર એક મજબુત પકડ જમાવી લેતો. અને આ સ્ત્રીએ એને બે જ સેકન્ડમાં પકડી લીધી હતી. ખરેખર ગજબની ઓબ્ઝર્વર હતી એ !

“અરે એમાં ખોટું પણ શું છે." એ બોલી, "તું મને જોવે, એક કાળી છોકરીને જોવે, અને તને એમાં એક પાત્ર દેખાય તો એમાં ખોટું પણ શું છે...! કોઈકે તો આવું કંઇક અલગ લખવાની શરૂઆત કરવી જ પડશે ને...!"

હું કંઈ ન બોલ્યો, મનનો એક ખૂણો તો કહી રહ્યો હતો કે એને જણાવી દઉં કે હું કોઈ નવોસવો લેખક નથી... હું પાંચ બુક લખી ચુક્યો છું, અને એમાંથી ત્રણ બેસ્ટ-સેલર રહી છે. પણ પછી થતું, કે એ બધું કહેવું એ પોતાની જ બડાઈ હાંકવા જેવું થશે ! અને જો હજી પણ મારે જ મારો પોતાનો પરિચય આપવો પડતો હોય, તો પછી એનો શું મતલબ? અને એનો અને મારો સાથ પણ કેટલો? માત્ર એરપોર્ટ સુધી જ તો... પછી શું કામ મારે એને બધી ચોખવટ કરવી પડે...!