Dayri - 2 books and stories free download online pdf in Gujarati

ડાયરી - સીઝન ૨ - વિશ્વરૂપ દર્શન

શીર્ષક : વિશ્વરૂપ દર્શન
©લેખક : કમલેશ જોષી
તમે શું માનો છો? આપણે દેવતા સાઇડ છીએ કે દાનવ સાઇડ? શ્રીમદ ભગવદ ગીતામાં કાનુડાએ કહ્યું કે હું 'પરિત્રાણાય સાધુનામ્ અને વિનાશાય ચ દુષ્કૃતામ્'ના હેતુથી યુગે યુગે આવી પહોંચું છું એમાં હું અને તમે સાધુનામ્ સાઇડ કહેવાઈએ કે દુષ્કૃતામ્ સાઇડ? ફટાક કરતું ‘દેવતા’ સાઇડ કે સાધુ, સરળ, સજ્જન સાઇડ કહેતા પહેલા એક વાર હૃદય પર હાથ રાખી, લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરતા હો, એમ ભીતરે થતા કંપનને માપી લેજો. અમારા એક સુખી-સંપન્ન-સફળ વડીલે કહ્યું કે જો પ્રામાણિકતાથી પૂછતા હો તો મને લાગે છે કે આખી લાઇફ રોંગ સાઇડ, દુષ્કૃતામ્ સાઇડ જીવાઈ ગઈ ત્યારે અમને નવાઈ લાગી. ક્યારેક પગાર કપાઈ ન જાય કે બંધ ન થઈ જાય એ બીકે (ગુરુ દ્રોણની જેમ) ખોટું કર્યું તો ક્યારેક સગાના સંબંધો અને વચનો સાચવવા (ભીષ્મ પિતામહની જેમ), ક્યારેક જુનું અપમાન યાદ રાખી (કર્ણ અને શકુનિની જેમ) સજ્જનનો વિરોધ કર્યો તો ક્યારેક પદ અને પ્રતિષ્ઠા મળે એ માટે (દુર્યોધનની જેમ) સારા માણસનું પત્તું કાપી નાખ્યું. હવે સહેજ ઈમાનદારીથી તમારા ઘર, ઓફિસ, સોસાયટી કે શેરીમાં રહેતા ખરેખર સરળ-સહજ અને ભોળા હૃદયના વ્યક્તિનો ચહેરો યાદ કરો. મારી-તમારી જેમ પ્રેક્ટીકલ બનવામાં નિષ્ફળ જનાર એ સજ્જન-સાધુના પરિત્રાણ માટે કાનુડો આવશે અને આપણા સાતેય પડદે ચાલતા તંત્ર-મંત્ર-લોજીક-દાખલાઓ-દલીલો અને કળિયુગી વાક્યોનો છેદ ઉડાડશે ત્યારે આપણી હાલત ભીષ્મ, દ્રોણ, કર્ણ, શકુનિ કે દુર્યોધન જેવી થશે કે આપણે છટકી જઈશું?

એક પ્રેક્ટીકલ મિત્રે કહ્યું, "આ બધી વાતો સતયુગની છે, આજકાલ કાનુડો પૃથ્વી બાજુ ફરકવા તો શું નજર માંડવાનુંય પસંદ કરતો નથી. માધવ ક્યાંય નથી મધુવનમાં, નહિંતર પેલું કહ્યું છે એમ કામધેનુને ખાવા સુકું તણખલું ન મળે અને ઉભે ઉભા ખેતરો આખલા ચરી જાય એવું બને?" આટલું કહી એણે ઊંડો શ્વાસ લેતા આખરી વાક્ય કહ્યું, "હકીકતમાં તો અત્યારે ઘોર કળિયુગમાં ચારે કોર આખલાઓ છવાઈ ગયા છે, તમે કહો છો એવી કામધેનુ કે સાધુ પુરુષો માટે પૃથ્વી પર જાણે નો-એન્ટ્રીનું બોર્ડ લાગી ગયું છે. આજકાલ તો દુષ્કૃત્યો કમ્પલસરી બની ગયા છે, લાયસન્સ નથી તો હજારનો દંડ ભરવાને બદલે બસ્સો-પાંચસો ખાઈ છોડી મૂકતા ટ્રાફિક પોલીસમાં ગુનેગારને પ્રેક્ટીકલ સંતના દર્શન થાય છે, ઓછા માર્ક છે તો વધુ ડોનેશન લઈ એડમિશન આપી દેનાર પ્રિન્સીપાલ કે ટ્રસ્ટી ઓછા માર્ક વાળા વિદ્યાર્થીને જાણે મુરલી મનોહર કાનુડા જેવો લાગે છે, લાગવગ લગાડીને કે છેડા અડાડીને કામ કાઢી શકનાર વ્યક્તિ આજના જમાનામાં ઓલ રાઉન્ડર કે ચાણક્ય જેવો ચતુર ગણાય છે. સો, એટ ધી એન્ડ ઓફ ધી ડે, ધેર ઇઝ નો જજમેન્ટ ડે, ધેર ઇઝ નો કૃષ્ણ, ધેર ઇઝ નો સંભવામિ યુગે યુગે..." એણે બોલવાનું બંધ કર્યું અને અમે સૌ અવાક થઈ ગયા. સચોટ દલીલ હતી.

"તો પછી આ બીપોરજોય શું છે?" અચાનક જ અમારા એક સમજુ મિત્રે પ્રશ્ન દાગ્યો. અમે એની સામે પ્રશ્નાર્થ નજરે જોયું. "દરિયામાં જે પ્રચંડ એનર્જી ગુસ્સાભેર આપણા દ્વાર ખખડાવી રહી છે એ શું છે? થોડા સમય પહેલા જે તાઉતે વાવાજોડું આપણને ધોકાવાળી કરી ગયું એ શું હતું? લગભગ બે વર્ષ સુધી દુનિયા આખીને કેદની સજા ફટકારનાર કોરોના શું હતો? છવ્વીસ જાન્યુઆરી ૨૦૦૧ના દિવસે સેકન્ડો સુધી ધરતી ધ્રુજતી રહી એ અર્થક્વેક શું કૃષ્ણનું વિશ્વરૂપ દર્શન નહોતું?" એણે ધારદાર નજરે પેલા પ્રેક્ટીકલ મિત્ર સામે જોયું. અમારા દિલો-દિમાગમાં અનેક વિચારો દોડી ગયા. કુદરતી આફતો અને વૈશ્વિક મહામારીઓ વખતે ભલભલા આખલાઓ બકરી બની કામધેનુઓ સાથે, ભોળા-ઈમાનદાર-સજ્જનો સાથે બેસી સતસંગ, ભજન, કીર્તન, દાન-પુણ્ય કરતા થઈ ગયા હતા.
"આવી કુદરતી આફતોમાં વિશ્વરૂપનું દર્શન તારા જેવા બીકણને થાય, આખલાઓ તો આજેય બેફામ રખડી રહ્યા છે, કુદરતી આફતોમાં જેટલું નુકસાન આખલાઓને થયું એટલી જ કામધેનુઓ પણ હેરાન થઈ છે, એકલા બદમાશો જ થોડા કોરોનામાં કે અર્થક્વેકમાં મર્યા છે?" પ્રેક્ટીકલ બોલ્યો. અમે સમજુ સામે જોયું. એક ઊંડો સ્વાસ લઈ એ બોલ્યો, "દુર્યોધનને પણ કૃષ્ણના વિરાટ સ્વરૂપનું દર્શન નહોતું થયેલું, એ માટે વિશિષ્ટ આંખ જોઈએ, દૃષ્ટિ જોઈએ, દૃષ્ટિકોણ જોઈએ. મહાભારતમાં પણ દુર્યોધનનો વારો સાવ છેલ્લે આવેલો, એની પહેલા અનેક સારા કહી શકાય એવા, મારા-તારા જેવા, સારા હોવા છતાં, સમજુ હોવા છતાં, શરમે-ધર્મે અધર્મના પક્ષે ઉભા રહી ગયેલા લોકોને એમના દુષ્કૃત્યોની સજા કાનુડાએ ફરમાવી હતી." એણે એના વાક્યમાં ‘મારા-તારા જેવા’ કહી, મને-આપણને પણ પાંડવ-કૌરવ સેના સાથે ઊભા રાખી દીધા એટલે અમને વાત વધુ ગંભીર લાગી.
શું હું અને તમે મહાભારતમાં હતા? શું અત્યારે પણ દરેક ઘર, શેરી, સોસાયટી કે ઓફિસમાં મહાભારત ચાલુ છે? શું આજેય મારે અને તમારે નક્કી કરવાનું છે કે આપણે કૌરવ પક્ષે નોકરી કરવી છે કે પાંડવ પક્ષે? શું આજેય કાનુડો વિશ્વ આખામાં પોતાનો પાંચ જન્ય શંખ વગાડતો, હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરી મારી-તમારી શેરીમાં વિશ્વરૂપ દર્શન આપતો ઉભો છે? મિત્રો આજના રવિવારે, એકવાર આંખો બંધ કરી, ઊંડો શ્વાસ લઈ, દૃષ્ટિ તેમજ દૃષ્ટિકોણને દિવ્ય બનાવી, ભક્તિભાવ પૂર્વક આપણી આસપાસ વિશ્વરૂપ ધરી ઉભેલા કાનુડાને ફુલ્લી પ્રેક્ટીકલ બની નમન કરી લઈએ તો કેવું? હા, મારા-તમારાથી થોડે જ દૂર દરિયામાં કૃષ્ણ કાળીનાગને નાથીને નાચી રહ્યો છે એ દૃશ્યની કલ્પના કરી પેલું બાળપણમાં સાંભળેલું ‘જળ કમળ છાંડી જા ને બાળા, સ્વામી અમારો જાગશે’ યુ ટ્યુબ પર સર્ચ કરી વગાડશો તો બીપોરજોયમાં રહેલી વિશ્વ ચેતના નૃત્ય કરતી, તાંડવ કરતી ચોક્કસ દેખાશે. ક્યાંક મારી-તમારી ભીતરે આળસ મરડી રહેલા આખલાને ડારો દેવા, ચેતવવા જ કાનુડાએ, દરિયો ગજવતી આવી લાલ આંખ નહીં કરી હોય ને?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)