Vasudha - Vasuma - 125 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories PDF | વસુધા - વસુમાં - પ્રકરણ-125

Featured Books
Categories
Share

વસુધા - વસુમાં - પ્રકરણ-125

સરલા વસુધાને પુસતક અંગે સમજાવી રહી હતી અંતે એને મનાવીને ઝંપી. વસુધાની સંમતિ મળી ગઇ એટલે સરલા ઉત્સાહમાં આવી ગઇ. એણે કહ્યું “વસુધા હું આ પુસ્તક લખીને સાચેજ કૃતાર્થ થઇશ. તે મને કરેલી મદદ તારી દોરવણી એનું ઋણ ચૂકવી શકીશ. હું આજથીજ લખવાનું ચાલુ કરીશ. શુભસ્ય શીઘ્રમ.. જ્યાં જયાં તારી કે રાજલની મદદની જરૂર પડશે હું લઇશ.. પૂછીશ..”.

વસુધાએ સરલાની સામે જોઇને કહ્યું “સરલાબેન મને તમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે તમે એકદમ તટસ્થ રીતે લખી શકશો. જ્યાં જે માહિતીની જરૂર પડે કહેજો ખાસ તો એ કહેવું છે કે શાળા-કોલેજમાં તમે સરસ ગુણ અને ટકાથી આગળ હતાં જ.. હું તો કોલેજ ના જ કરી શકી પણ તમે ભણી શક્યાં... ભાવેશ કુમારનો સાથ મળ્યો ખૂબ લકી છો તમે...”

સરલાએ કહ્યું “હાં એ વાત સાચી કે ભાવેશનાં સહકારથી હું ભણી શકી.. પાછળથી એક્ષટરનલ પરીક્ષાઓ આપવી પડી... પણ તું તારાં ભણવા પાછળ અફસોસ ના કર તે જે ભણ્યું, ગણ્યુ અને મેળવ્યુ છે એટલું કોઇએ પ્રાપ્ત નથી કર્યું. તારા આ ગણતર સામે ભલભલાં ભણતર પાણી ભરે છે તું તો એક જીવતી જાગતી હરતી ફરતી યુનીર્વસીટી એક મહા પાઠશાળા છે વસુધા તેં જે કંઇ કુટુંબ સમાજ માટે કર્યું છે એ મોટાં મોટાં જ્ઞાનીઓ હજી સુધી નથી કરી શક્યાં... “

“તારાં જીવનથી તે સમજાવ્યું છે કે જીવનમાં કોઇ અફસોસ ના કરવો ગમે તેવી ઉપરથી આપદા આવે એનો સામનો કરવો પોતાનાં પગ ઉપર ઉભા રહીને સ્વાવલંબી થવું. આનાંથી વધુ મોટો ઉપહાર કે પ્રમાણપત્ર કયું હોઇ શકે ?”

વસુધા સરલાને જોઇ સાંભળી રહી હતી એની આંખો ભીંજાઇ ગઇ એ સરલાને વળગી પડી અને ધ્રુસકે ને ધ્રુસ્કે રડી પડી.... થોડી સ્વસ્થ થઇને બોલી “મારાં જીવનની પચ્ચાસી પુરી થઇ બધાને ભણતાં પોતાનાં જીવનમાં સારી રીતે ગોઠવાયેલાં જોઇને આનંદ થાય છે એનાંથી વધુ ગામડે ગામડે સ્ત્રીઓ પગભર થઇ દૂધ છાશ, પશુપાલન દ્વારા સ્વાવલંબી થઇ એનો આનંદ અને સંતોષ છે. વસુધાએ સરલાને લીલીઝંડી આપી દીધી.... આજે વસુધા પચાસ ઉપરની ઊંમરે પણ એજ ચૂસ્તતા, એજ ઊત્સાહ, જોષ અને તરવરાટ હતો સમાજ માટે કંઇ પણ કરવા માટે કટીબધ્ધ હતી.”

***********************

વસુધા મોટી ડેરીની એની વિશાળ ચેમ્બરમાં બેઠી છે આંખે ચશ્મા ચઢાવી ફાઇલો ચેક કરી સહીઓ કરી રહી છે ત્યાં ચેમ્બરનો દરવાજો ખૂલે છે રાજલ, મંજુલાબેન, વયસ્ક ઠાકોરભાઇ, ગટુકાકા નીલેશ પટેલ બધાં આવીને વસુધાને વધામણી આપે છે.

બધાનાં ચહેરાં ખુશખુશાલ છે.. ઠાકોરકાકા વયસ્ક થયાં હતાં છતાં ડેરીએ આવતાં હજી એમનું માર્ગદર્શન મળી રહ્યું હતું. ઠાકોરકાકા વસુધાની નજીક આવ્યાં વસુધાએ નમસ્કાર કર્યા.

ઠાકોરકાકાએ કહ્યું “દીકરા આજે મારી છાતી ગજગજ ફુલી રહી છે. વરસો પહેલાં એક નિર્દોષ પણ મહેનતું છોકરીમાં જે મેં ગુણવત્તા જોઇ હતી એક ખમીર જોયું હતું એને આજે શિરપાવ મળવા જઇ રહ્યો છે એનો મને ખૂબ ખૂબ આનંદ છે....”

વસુધાએ કહ્યું “કાકા તમારાં આશીર્વાદનુંજ ફળ છે પણ વધામણી શું છે એ તો કહો.”. ત્યાં નીલેશ પટેલે કહ્યું “વસુધા તમે આજે સર્વ માટે વસુમાં "બની ચૂક્યા છો તમને ગામ ગામની સ્ત્રીઓનો પ્રેમ-સન્માન મળી રહ્યો છે તમને પ્રેમ અને લાગણીથી વસુમાં કહી રહ્યાં છે. વધુમાં વધામણી વસુમાં એ છે કે ભારતનાં રાષ્ટ્રપતિજીએ તમારી આટલા વર્ષની સાધના-તપસ્યા-શ્વેતક્રાંતિ માટેનો અથાગ પ્રયત્ન અને મહેનતનાં ફળ સ્વરૂપે રાષ્ટ્રપતિ એવોર્ડ આપવાનું નક્કી થયું છે તમારી વરણી કરવામાં આવી છે. આગામી 15 ઓગસ્ટે રાષ્ટ્રપતિ ભવનમાં એનો સમારોહ છે જેમાં તમારું બહુમાન સન્માન અને ડેરીનાં સંચાલકો કાર્યકરોને પણ ભાવભર્યુ આમંત્રણ છે.”

વસુધા-વસુમાં આ સાંભળીને ગદ ગદ થયાં આંખો ઉભરાઇ આવી છે.. પોતાનાં આ કર્મ-શ્રમયજ્ઞનું આજે મોટું ફળ-સન્માન મળી રહ્યું છે તેઓએ ઠાકોરકાકાનાં ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધાં અને બોલ્યાં “તમેજ મારાં ઘડતરનાં માવતર છો તમારાં આશીર્વાદ અને સહકારથી આ શક્ય બન્યુ છે આ સન્માન મારું નહીં એક એક સ્ત્રીનું છે મે માત્ર નેતૃત્વ લીધુ છે આ સમાન અધીકાર બધીજ સ્ત્રીઓનો છે ખાસ કરીને અહીનાં સહકાર્યકર, મને દોરવણી આપનાર ઠાકોરકાકા મારાં ગામની ડેરીની સ્ત્રીઓ, બહેનો.... મારાં નણંદ સરલાબેન અને એક નામ સર્વથી ઉપર છે મારી ખાસ સખી રાજલ જેણે ડગલે ને પગલે મારો બધીજ રીતે સાથ આપ્યો છે.”

રાજલની આંખો ભીંજાઇ એ વસુધા પાસે આવી એને વળગી ગઇ બંન્ને સખીઓએ આનંદનાં આંસુ આજે સાથે વહાવ્યા... વસુધા આજે ગદગદ હતી એણે સહુનો ખૂબ ખૂબ આભાર માન્યો. વસુધાએ આજે બધાને યાદ કર્યા.... રાજલને કહ્યું “મારાં સાસુ છેક સુધી મને ટોણા મારતાં રહ્યાં પણ એનાંથી હું વધુ કામમાં ખુંપતી ગઇ. સસરા મદદરૂપ હતાં પણ પહેલાં સ્વર્ગે સિધાવ્યાં.”

“રાજલ, મારાં દિવાળી ફોઇ મૃત્યુ સુધી મારાં સાથમાં રહ્યાં મને જન્મ આપનાર મારાં માતા-પિતા મારાં ઉપર વિશ્વાસ રાખી મને સાથ આપ્યો આજે બંન્ને જણાં મારાં ઉપર ગૌરવ કરી સુખમય, આયુષ્ય ભોગવી રહ્યાં છે એમને કેટલો આનંદ થશે”. રાજલે કહ્યું “બધાને ખૂબ આનંદ છે એમાંય તારુ પિયરનું અને સાસરાનું બંન્ને ગામ આનંદનાં હિલોળે છે બધાં એક તહેવારની જેમ આ શુભ સમાચારને માણી રહ્યાં છે.”

વસુધાએ કહ્યું “બધાને જાણ પણ થઇ ગઇ ?” રાજલે કહ્યું “વાયુવેગે બધે સમાચાર પ્રસારીત થઇ ગયાં છે તને ખબર છે રેડીયો ટીવી બધેજ આ સમાચાર ક્યારનાં ગામે ગામ પહોચી ગયાં છે.” વસુધા નવોઢાની જેમ શરમાઇ બોલી.. “ઇશ્વરની લીલા ગજબ છે.. ઝૂંટવે તો બધું ઝૂટવીલે અને આપે ત્યારે આભ ભરીને આપી દે છે”. એણે આંખનાં ખુણાં લૂછયાં અને હસી પડી...

**************

વધુ આવતા અંકે - પ્રકરણ-126