Hindu Dharmnu Hard - 1 books and stories free download online pdf in Gujarati

હિંદુ ધર્મનું હાર્દ - 1

(1)

હિન્દુત્વનો નૈતિક સિદ્ધાંત

૧. ‘હિંદુ’ અને ‘હિંદુધર્મ’

(પ્રાર્થના પછીના ગાંધીજીના ભાષણોમાંથી)

શ્રોતાભાઈમાંથી એક ભાઈ તરફથી મને એક સવાલ મળ્યો છે. તે ભાઈ મને પૂછે છે કે હિંદુ કોણ ? એ શબ્દ મૂળ ક્યાંથી આવ્યો ? અને હિંદુ ધર્મ જેવી કોઈ વસ્ત છે ખરી ?

આ સવાલ આજના વખતમાં ખાસ પૂછવા તેમ જ વિચારવા જેવા છે. હું કોઈ ઈતિહાસવેત્તા નથી; ઝાઝા પાંડિત્યનો અથવા ભારિ વિદ્વતાનો મારો દાવો નથી. પરંતુ હિંદુ ધર્મ વિશેના એકાદ પ્રમાણભૂત ગ્રંથમાં મેં વાંચ્યું છે કે ‘હિંદુ’ શબ્દ વેદમાં મળતો નથી પણ મહાન સિકંદરે હિંદ પર ચઢાઈ કરી ત્યારે સિંધુ નદીની પૂર્વમાં આવેલા દેશમાં વસતા લોકોને હિંદુ કહીને ઓળખવામાં આવતા હતા. અંગ્રેજી બોલનારા હિંદીઓ આજે પણ સિંધુેન ‘ઈન્ડસ’ નામથી ઓળખે છે. ગ્રીક બોલીમાં સિંધુના ‘સ’ નો ‘એચ’ એટલે ‘હ’ થઈ ગયો તેથી એ મુલકના વતનીઓનો ધર્મ ‘હિંદુ’ નામથી ઓળખાયો અને તમે સૌ જાણો છો કે એ ધર્મ સૌથી વધારે સહિષ્નુ ધર્મ છે. જુલમથી ત્રાસીને ભાગી છૂટેલા પ્રાચીન ખ્રિસ્તીઓને તેણે આશ્રય આપ્યો હતો. બની-ઈઝરાયલના અનુયાયી યહૂદીઓને પણ તેણે આશરો દીધો હતો અને ઈરાનથી એવા જ જુલમથી ત્રાસીને ભાગી નીકળેલા પારસીઓને પણ તેણે જ સંઘર્યા હતા. આવો જ ધર્મ પોતાની વ્યવસ્થામાં સર્વને સમાવી લેવાને હંમેશાં તત્પર છે અને જે ધર્મ સહિષ્ણુતાની હંમેશ હિમાયત કરતો આવ્યો છે તે હિંદુ ધર્મનો અનુયાયી હોવામાં મને ગૌરવનો અનુભવ થાય છે. આર્ય વિદ્વાનો પોતે જેને વૈદિક ધર્મ કહીને ઓળખાવે છે તેને વરેલા છે અને હિંદુસ્તાનનું નામ આર્યાવર્ત છે એમ આગ્રહપૂર્વક જણાવે છે. એવી વિદ્વતા અથવા એવો આગ્રહ રાખવાની મને જરાયે આકાંક્ષા નથી. મારી કલ્પનાનું હિંદુસ્તાન મારા માટે પૂરતું છે અને તે નામથી મને પૂરતું સમાધાન છે. એ હિંદુસ્તાનમાં અને એ હિંદુ ધર્મમાં વેદોનો બેશક સમાવેશ થઈ જાય છે. દરજ્જાને જરા સરખો ઉતારી પાડ્યા વિના હું ઈસ્લામના મજહબમાં, પાસી મજહબમાં, ખ્રિસ્તી સંપ્રદાયમાં, જૈન ધર્મમાં અને યહૂદી પંથમાં જે કંઈ ઉત્તમ છે તેનો સમાનભાવે આદર રાખું છું, એમ જાહેર કરુ છું ત્યારે કશી વિસંગત વાત કરતો નથી.

સૂર્ય તપે છે તયાં સુધી આવો હિંદુ ધર્મ જીવતો રહેશે. એક જ દુહામાં તુલસીદાસે એ ધર્મનો નિચોડ આપી દીધો છે કે ‘દયા ધર્મકો મૂલ હૈ, પાપ મૂલ અભિમાન; તુલસી દયા ન છોડીએ જબ લગે ઘટને પ્રાન.’

 

૨. હિંદુ કોણ ?

(‘પત્રવ્યવહાર એક પ્રશ્નમાલિકા’ ના મથાળા હેઠળ, ચર્ચાપત્રી સાથેના ગાંધીજીના પત્રવ્યવહારમાં થયેલા સવાલ-જવાબનો ઉતારો નીચે આપ્યો છે :)

સ. - આપ હંમેશાં પોતાને ‘હિંદુ’ કહેવડાવો છો છતાં બાળવિવાહ, વિધવાવિવાહ, અસ્પૃશ્યતા વગેરે બાબતમાં આપ હિંદુ પંડિતોની અથવા તેમનાં શાસ્ત્રોની આજ્ઞાઓને પણ સ્વીકારવાને તૈયાર નથી. આ શાસ્ત્રગ્રંથોનું પ્રામાણ્ય ન સ્વીકારવા છતાં આપ પોતાને ‘હિંદુ’ શી રીતે કહેવડાવો છો એ હું સમજી શકતો નથી. હિંદુનો આજનો અર્થ એ છે કે કેટલાંક પુરાણોમાં ઉપદેશેલી હસવા જેવી અને અનીતિભરી વસ્તુઓ પર દૃઢ શ્રદ્ધા રાખનાર માણસ તે હિંદુ, આવી માન્યતા રાખવી એ હિંદુને સારુ જરૂરનું નથી એમ આપ માનો છો ? આપ જો હિંદુ ધર્મની વ્યાખ્યા આપશો અને આપને હિંદુ શા માટે ગણવા એની ચોખ્ખી દલીલ આપશો તો સત્યની સેવા થશે.

કોઈ માણસ હિંદુ ધર્મના સિદ્ધાંતોને અને શાસ્ત્રાજ્ઞાઓને ન અનુસરતો હોય થતાં પોતાને હિંદુ કહેવડાવવા માગે એટલે તે ‘હિંદુ’ છે એમ તો આપ નહીં જ કહો. આમ જો હું પોતાની જાતને ખ્રિસ્તી કહેવડાવવા માગતો હોઉં અને કહું કે એક સાચા ખ્રિસ્તીને બાઈબલ કે ઈશુ ખ્રિસ્તમાં પણ શ્રદ્ધા હોવી જરૂરી નથી. તો હું ફક્ત ખોટો દાવો કરું છું તેમ કહેવાય.

વળી જ્યારે શાસ્ત્ર-પ્રમાણના વિષયમાં હિંદુઓ સાથે મતભેદ છે ત્યારે આપ પોતાને હિંદુ કહેવડાવવાનું શા સારુ પસંદ કરો છો એ સમાજવવાની જરૂર છે. હિંદુ શબ્દની સાથે ઘણી ખરાબ વસ્તુઓ જોડાયેલી છે અને હિંદુ શાસ્ત્રોમાં પણ ‘હિંદુ’ શબ્દ ક્યાંયે નથી. આપ આપને ‘આર્ય’ કાં ન કહો ?

‘આર્ય’ શબ્દ વધારે સારો છે. વળી હિંદુ શાસ્ત્રોના અર્થ વિશે આપના અને આર્યસમાજના ઉપદેશમાં ઘણું મળતાપણું છે.

જ. - હું પોતાને સનાતન હિંદુ કહેવડાવું છું, કારણ હું વેદો, ઉપનિષદો, પુરાણોને અને ધર્મસુધારક સંતોની વાણીને માનું છું. આ માન્યતાને લીધે મારે શાસ્ત્રને નામે ચાલતી બધી વસ્તુઓને પ્રમાણભૂત માનવી જોઈએ એવું નથી. પંડિોનાં આપ્તવાક્ય અથવા તેમનાં શાસ્ત્રાર્થ મારે સ્વીકારવા જોઈએ એવું પણ નથી. વળી, હિંદુ સમાજ મને સનાતની હિંદુ તરીકે સ્વીકારે છે ત્યાં સુધી હું પોતાને સનાતની હિંદુ કહું છું. વહેવારની ભાષામાં કહીએ તો, જે ઈશ્વરને, આત્માના અમરત્વને, પુનર્જન્મને, કર્મના નિયમને તથા મોક્ષને માને છે, જે નિત્ય વ્યવહારમાં સત્ય અને અહિંસાનું આચરણ કરે છે, અને તેથી વિશાળ અર્થમાં ગૌરક્ષા કરે છે, અને જે વર્ણાશ્રમ-વ્યવસ્થા અનુસાર કર્મ કરે છે, તે હિંદુ છે, સ્વામી દાયાનંદના વાદમા મારાથી ન ઊતરાય.

(‘હિંદુ અને હિંદુ ધર્મ’ ના મથાળા હેઠળ પ્રગટ થયેલ મૂળ ‘નોંધ’માંથી) એક ભાઈ જેઓ ધીરજ અને ખંતપૂર્વક વાંચે છે તેઓ લખે છે :

એક એસિ. ઍક્ઝિક્યુટિવ એન્જિનિયરને પ્રશ્નમાલિકાનો જવાબ આપતાં આપે ૧૪-૧૦-૬૨ ના અંકમાં કહ્યું છે : “વહેવારુ ભાષામાં કહીએ તો, જે માણસ ઈશ્વર, આત્માનું અમરત્વ વગેરેમાં માને છે... તે હિંદુ છે.”

આ વાંચીને હું, આપે લગભગ બે વરસ પહેલાં લખેલો લેખ આપની સામે મૂકવા લલચાયો. આપે એપ્રિલ ૨૪, ૧૯૨૪ ના ૧૩૬ પર લખ્યું હતું, “મને હિંદુ ધર્મની વ્યાખ્યા કરવાનું કહેવામાં એવે તો હું એટલું જ કહું : ‘અહિંસાત્મક સાધનો દ્વારા સત્યની શોધ’

ઉપરોક્ત દર્શાવેલ લેખનો ઉતારો મૂળ ‘હિંદુ ધર્મ શું છે’માંથી લીધો છે. તે નીચે મુજબ છે :

“હિંદુ ધર્મનું સદ્‌ભાગ્ય છે અથવા દુર્ભાગ્ય છે કે એમાં કોઈ સત્તાવાર સંપ્રદાય નથી. એટલે કોઈ પણ પ્રકારની ગેરસમજથી મારી જાતને ઉગારવા માટે મેં કહ્યું છે કે સત્ય અને અહિંસા માર ધર્મ છે. જો કોઈ મને હિંદુ ધર્મની વ્યાખ્યા આપવાનું કહે, તો હું એટલો જ જવાબ આપું તે હિંદુ ધર્મ એટલે અહિંસક સાધનો દ્વારા સત્યની શોધ. કોઈ માણસ ઈશ્વરને પણ ન માનતો હોય છતાં તે પોતાની જાતને હિંદુ કહેવડાવી શકે છે. મક્કમપણે સત્યની ખોજ કર્યા જ કરવી એનું નામ હિંદુ ધર્મ. જો આ ધર્મ હાલમાં મૃતઃપ્રાય, નિષ્ક્રિય અને જડ બન્યો હોય, તો તેનું કારણ એ છે કે આપણે થાકી ગયા છીએ. પરંતુ આપણો થાક ઊતરી જતાં તુરત જ, હિંદુ ધર્મ કદાય પહેલાં કદી નહીં જોવામાં આવ્યું હોય એવા પ્રખર તેજ સાથે વિશ્વમાં ઝળકી ઊઠશે. અને ખરેખર તેથી જ હિંદુ ધર્મ બધા ધર્મો કરતાં સૌથી વધારે સહિષ્ણુ છે. એનાં સિદ્ધાંતો સર્વગ્રાહી છે.”

૩. હિંદુ ધર્મનાં બે સ્વરૂપ

(‘કરેંગે યા મરેંગે’ મિશનમાંથી - પ્યારેલાલ) એક દિવસ વાત વાતમાં તેમણે પ્યારેલલાને જણાવ્યું કે,

“આગાખાનાન મહેલમાં અટકમાં હતો, તે દરમિયાન એક વખત ‘અહિંસાની હિમાયત કરનાર હિંદુસ્તાન’, એ વિષય પર હું એક નિબંધ લખવા બેછો.

પણ, થોડો વખત લખ્યા પછી મારાથી આગળ ન લખાયું. મારે અટકી જવું પડ્યું. હિંદુ ધર્મનાં બે સ્વરૂપ છે. એક બાજુ પર છે અસ્પૃશ્યતાને સંઘરનારો, વહેમમાં ને વહેમમાં પથરા ને ઝાડનાં ઠૂંની ભક્તિને સ્વીકારનારો, જીવતાં પ્રાણીઓનાં બલિદાનના રિવાજને માન્ય કરનારો અને એવાં જ બીજાં લક્ષણવાળો હિંદુ ધર્મ; અને બીજી બાજુ પર આપણી પાસે ગીતા, ઉપનિષદો અને પાતાંજલયોગસૂત્રે ઉપદેશેલ અહિંસા ને સકળ સૃષ્ટિની એકતાના સિધ્ધાંતના સાર સમો અને વિશ્વભરમાં વ્યાપી રહેલા નિરાકાર, અવિનાશી ને એક ઈશ્વરની શુદ્ધ ભક્તિ બતાવનારો હિંદુ ધર્મ. મારે મન જે અહિંસા હિંદુ ધર્મનું મુખ્ય ગૌરવ છે, તેને આપણા લોકો એવો ખુલાસો આપીને ટાળવા માગે છે કે, એ કેવળ સંન્યાીઓને પાળવાનો ધર્મ છે. હું પહેલેથી માનતો આવ્યો છું કે, અહિંસા એ જ ધર્મ છે, જીવનનો એકમાત્ર રાહ છે અને હિંદુસ્તાને તે રાહ દુનિયા આખીને બતાવવાનો છે.”

૪. હિંદુ ધર્મની સ્થિતિ

(‘આજનો હિંદુ ધર્મ’ મથાળા હેઠળ પ્રગટ થયેલ મૂળ લેખમાંથી)

‘સનાતની હિંદુ’નું ઉપનામ ધારણ કરી એક ભાઈ લખે છે :

“આજની હિંદુ ધર્મની સ્થિતિ જેટલી વિષમ છે તેટલી જ વિચિત્ર પણ છે. ચુસ્ત હિંદુઓ શાસ્ત્રને અનુસરીને ચાલવાનો જાવો કરે છે પણ શાસ્ત્રો કોઈ વાંચતું જ જણાતું નથી.

ચુસ્ત સનાતન રૂઢિ કઈ એનો પણ કંઈ પત્તો ન મળે. સનાતન રૂઢિ

શું એ વિશે પણ પ્રામત પ્રાંતની કલ્પના નિરાળી.

હિંદુઓમાં દરેક જણને થાય છે કે પોતાના પ્રાંતનો રિવાજ એ જ રૂઢ હિંદુ ધર્મ.

આ કાગળમાં એક પક્ષ રજૂ થયો છે. લખનારના બળાપાને સ્થાન છે. હિંદુ ધર્મ જીવંત વસ્તુ છે. તેમાં ભરતીઓટ થયા કરે છે. તે જગતના કાયદાને અનુસરે છે. મૂળરૂપે તે એક જ પણ વૃક્ષરૂપે તે વિવિધ છે. તેની ઉપર ઋતુઓની અસર થાય છે. તેને વસંત ચે ને પાનખર છે; તેની શરદ છે ને ઉષ્ણવ છે. વર્ષાથી પણ તે વંચિત નથી રહેતો. તેને સારુ શાસ્ત્રો છે ને નથી. તેનો આધાર એક જ પુસ્તક ઉપર નથી. ગીતા સર્વમાન્ય છે પણ ગીતા માર્ગદર્શક છે. રૂઢિઓ ઉપર તેની અસર થોડી જ છે. હિંદુ ધર્મ ગંગાનો પ્રવાહ છે. મૂળમા ંતે સ્વચ્છ છે. તેના માર્ગમાં તેને મેલ પણ ચઢે છે છતાં જેમ ગંગાની પ્રવૃત્તિ સરવાળે પોષક છે તેમ હિંદુ ધર્મનું છે. પ્રત્યેક પ્રાંતમાં તે પ્રાંતીય સ્વરૂપ પકડે અને છતાં તેમાં એકતા રહેલી જ છે. રૂઢિ એ ધર્મ નથી.

રૂઢિમાં ફેરફાર થશે છતાં ધર્મસૂત્રો એક જ રહેશે.

હિંદુ ધર્મની શુદ્ધતાનો આધાર હિંદુધર્મીની તપશ્ચર્યા પર રહે છે.

જ્યારે જ્યારે ધર્મ ભયમાં આવી પડે છે ત્યારે હિંદુધર્મી તપશ્ચર્યા કરે છે,

મેલનાં કારણ શોધે છે ને તેના ઉપાય યોજે છે. શાસ્ત્રોમાં વૃદ્ધુ થયા જ કરે છે.

વેદ, ઉપનિષદ સ્મૃતિ, પુરાણ, ઈતિહાસાદિ એક જ કાળે નથી ઉદ્‌ભવ્યાં. પણ પ્રસંગ આવ્યે તે તે ગ્રંથોની ઉત્પત્તિ થઈ છે. તેથી તેમાં વિરોધાભાસ પણ જોવામાં આવે આવે છે. તે તે ગ્રંથોની શાશ્વત સત્યનો અમલ કેવી રીતે થયો એ બતાવે છે. તે કાળે થયેલો અમલ બીજે કાળે કરવા જતાં આપણે નિરાશાકૂપમાં પડીએ છીએ. એક વેળા આપણે પશુયજ્ઞ કરતા તેથી આજે કરીએ ? એક વેળા આપણે માંસાહાર કરતા તેથી આજે કરીએ ? એક વેળા આપણે ચોરના હાથ-પગ કાપતા તે આજે કાપીએ ? એક વેળા એક સ્ત્રી અનેક પતિ કરતી આજે કરે ? એક વેળા બાળકન્યાનું દાન કરતા, આજે કરીએ ? એક વેળા આપણે કેટલાકનો તિરસ્કાર કર્યો, આજે તેની પ્રજા તિરસ્કૃત ગણીએ ?

હિંદુ ધર્મ જડ બનવાની ચોખ્ખી ના કહે છે. જ્ઞાન અનંત છે, સત્યની મર્યાદા કોઈએ શોધી નથી. આત્માની શક્તિની નવી શોધો થયા જ કરે છે ને થયા કરશે. અનુભવના પાઠો શીખતા આપણે અનેક પરિવર્તનો કર્યે જઈશું.

સત્ય તો એક જ છે. પણ તેને સર્વાંશે કોણ જોઈ શક્યું છે ? વેદ સત્ય છે, વેદ અનાદિ છે. પણ તેને સર્વાંશે કોણે જાણ્યા છે ? જે વેદને નામે આજે ઓળખાય તે તો વેદનો કરોડમો ભાગ પણ નથી. જે આપણી પાસે છે તેનો અર્થ સંપૂર્ણતાયે કોણ જાણે છે ?

આટલી બધી જંજાળ હોવાથી આપણને ઋષિઓએ એક મોટી વાત શીખવી : ‘યથા પિંડે તથા બ્રહ્માંડે’. બ્રહ્માંડનું પૃથક્કરણ અશક્ય છે. પોતાનું પૃથક્કરણ શક્ય છે તેથી પોતે પોતાને ઓળખ્યો એટલે જગતને ઓળખ્યું. પણ પોતાને ઓળખવામાંયે પ્રયત્નની આવશ્યકતા છે. પ્રયત્ન પણ નિર્મળ જોઈએ.

નિર્મળ હૃદય વિના નિર્મળ પ્રયત્ન અલંભવિત છે. હૃદયની નિર્મળતા યમનિયમાદિના પાલન વિના સંભવિત નથી. ઈશ્વરપ્રસાદ વિના યમાદિનું પાલન કઠિન છે. શ્રદ્ધા અને ભક્તિ વિના ઈશ્વરપ્રસાદ ન જ મળે તેથી રામનામનો મહિમા તુલસીદાસે ગાયો, તેથી ભાગવતકારે દ્વાદશમંત્ર શીખવ્યો.

જેને એ જપ હૃદયથી જપતાં આવડે તે સનાતની હિંદુ છે. બાકી બધઉં તો અખાની ભાષામાં ‘અંધારો કૂવો’ છે.

૫. હિંદુ ધર્મે આપણા માટે શું કર્યું છે?

(‘બ્રાહ્મણ અને બ્રાહ્મણેતર પ્રશ્નોતરી’માંથી)

સ. - અમે જોઈએ છીએ કે આપને હિંદુ ધર્મ પર ભારે શ્રદ્ધા છે. હિંદુ ધર્મે આપણે માટે શું કર્યું છે, હિંદુ ધર્મનું આપણા પર શું ઋણ છે તે સમજાવશો ? એણે આપણને બેહૂદા વહેમો અને રૂઢિઓનો વારસો નથી આપ્યો ?

જ. - હું માનતો હતો કે આ વાત તો સમજાઈ ચૂકી હશે.

વર્ણાશ્રમ ધર્મ એ જ હિંદુ ધર્મે જગતને ચરણે દરેલી એક અદ્વિતીય ભેટ છે. હિંદુ ધર્મે આપણને માયામાંથી એટલે કે સંકટમાંથી ઉગારી લીધા છે. હિંદુ ધર્મે જો મને ઉગારવા ન ધાર્યો હોત તો મારે માટે આપઘાત એ એક જ રસ્તો હતો.

હું હિંદુ રહ્યો છું. કારણ હિંદુ ધર્મ એક એવી વસ્તુ છે જે પોતાની સુવાસ સર્વત્ર ફેલાવીને દુનિયાને મનુષ્યને વસવા યોગ્ય બનાવે છે. હિંદુ ધર્મમાંથી જ બૌદ્ધ ધર્મનો જન્મ થયો છે. આજે આપણે જોઈએ છીએ તે હિંદુ ધર્મનું શુદ્ધ સ્વરૂપ નથી હોતું, પણ ઘણી વાર તેની વિકૃતિ હોય છે. નહીં તો મારે એનો પક્ષ લઈને બાલવાની જરૂર ન રહેત, એ પોતે જ પોતાને વિશે બોલત. જેમ હું સંપૂર્ણપણે શુદ્ધ હોઉં તો મારે તમારી આગળ બોલવાની જરૂર ન રહે. ઈશ્વર એની જીભ વડે બોલતો નથી. અને મનુષ્ય જેટલો ઈશ્વરની સમીપ આવે છે તેટલો ઈશ્વરવત્‌ બને છે. હિંદુ ધર્મ મને શીખવે છે કે મારું શરીર અંદર રહેલા આત્માની શક્તિને રોકનાર બંધન છે.

જેમ પશ્ચિમના લોકોએ દુન્વયી વસ્તુઓને વિશે અદ્‌ભૂત શોધો કરી છે, તેમ હિંદુ ધર્મે ધર્મના, મનોવૃત્તિના, આત્માના ક્ષેત્રમાં એથીયે અદ્‌ભૂત શોધો કરી છે. પણ એ ભવ્ય અને સૂક્ષ્મ શોધોને જોવા સારુ આપણી પાસે ચક્ષુ નથી. પશ્ચિમના વિજ્ઞાને જે આર્થિક પ્રગતિ કરી છે તેનાથી આપણે અંજાઈ જઈએ છીએ. મને એ પ્રગતિનો મોહ નથી. ખરું જોતાં એમ જ લાગી જાય છે કે જાણે ડહાપણના ભંડાર એવા ઈશ્વરે જ ભારતવર્ષને આ પ્રકારની પ્રગતિમાંથી રોકી લીધઉં છે, જેથી જડવાદનો હુમલો ઝીલવાનું એનું ઈશ્વરનિર્મિત કાર્ય તે પાર પાડી શકે. હિંદુ ધર્મમાં એવું કૅઈક સત્ત્વ છે જેણે તેને આજ સુધી જીવતો રાખ્યો છે. બાબિલોન, સીરિયા, ઈરાન અને મિસરના સુધારાઓની પડતીનો તે સાક્ષી છે. દુનિયામાં ચોમેર નજર નાખી જુઓ. રોમ ક્યાં છે ? ગ્રીસ ક્યાં છે ? ગીબનનું ઈટાલી કહો અથવા રોમ કહો, કારણ રોમ એ જ ઈટાલી હતું - આજે તમને ક્યાંયે ખોળ્યું જડે એમ છે ? ગ્રીસમાં જાઓ.

ગ્રીસની જગવિખ્યાત સંસ્કૃતિ ક્યાં છે ? પછી ભારતવર્ષ તરફ આંખને વાળો.

અહીંના પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથો કોઈ તપાસી જાય અને પછી આસપાસ નજર નાથે તો તેને કહેવું જ પડે, “હા, અહીયાં પ્રાચીન ભારતવર્ષ હજી જીવતું દેખાય છે.” કોઈ કોઈ જગ્યાએ ઉકરડા વળ્યા છે એ સાચું; પણ ઉકરડાઓની નીચે મહામૂલ્યવાન રત્નો દટાયેલાં પડ્યાં છે. અને હિંદુ ધર્મ કાળના આટલા વારાફેરા સામે ટક્યો છે, એનું કારણ એ છે કે તેણે આર્થિક પ્રગતિના નહીં પણ પારમાર્થિક પ્રગતિના આદર્શને સેવ્યો છે.

એણે જગતને આપેલી અનેક ભેટોમાં મૂક જીવસૃષ્ટિ સાથે મનુષ્યના અભેદની કલ્પના એક અદ્વિતીય વસ્તુ છે. મારે મન ગૌપૂજા એ ભવ્ય વિચાર છે, અને એને વ્યાપક કરી શકાય એમ છે. ધર્માંતરની આધુનિક ઘેલછામાંથી હિંદુ ધર્મ મુક્ત રહ્યો છે એ પણ મારે મન કીંમતી વસ્તુ છે. હિંદુ ધર્મને પ્રચારની જરૂર નથી. તે કહે છે, “શુદ્ધ જીવન ગાળો.” મારું કર્તવ્ય, તમારું કર્તવ્ય માત્ર શુદ્ધ જીવન ગાળવાનું છે. એની અસર કાળચક્ર પર રહી જશે.

વળી, હિંદુ ધર્મે રામાનુજ, ચૈતન્ય, રામકૃષ્ણ જેવા મહાપુરુષો જગતને આપ્યા છે એનો વિચાર કરો. હિંદુ ધર્મ પર છાપ પાડી જનાર આધુનિક પુરુષોનાં તો નામો પણ હું નથી આપતો. હિંદુ ધર્મ મરણપ્રાય અથવા મરી ગયેલો ધર્મ નથી.

પછી ચાર આશ્રમોની ભેટનો વિચાર કરો; એ પણ અદ્વિતીય ભેટ છે. એનો જોટો આખી દુનિયામાં બીજે ક્યાંય નહીં જડે. કેથલિક ધર્મમાં બ્રહ્મચારીઓને મળતા અવિવાહિતોનો વર્ગ છે ખરો, પણ એની સંસ્થા નથી.

જ્યારે હિંદુસ્તાનમાં તો દરેક છોકરાને આ પ્રથમ આશ્રમમાંથી પસાર થવું પડતું એ કેવી ભવ્ય કલ્પના હતી ! આજે આપણી આંખો મેલી છે, વાચર એથીયે મેલા છે, ને શરીર સૌથી મેલાં છે કારણ આપણે હિંદુ ધર્મનો ઈનકાર કરી રહ્યા છીએ.

હજી એક વસ્તુ છે તે મેં નથી કહી. મેક્સમૂલરે ચાળીસ વર્ષો પહેલાં કહેલું કે યુરોપ હવે સમજતું જાય છે કે પુર્નજન્મ એ વાદ નથી પણ સત્ય હકીકત છે. એ પણ સર્વાંશે હિંદુ ધર્મની જ ભેટ છે.

આજે વર્ણાશ્રમ ધર્મને અને હિંદુ ધર્મને તેના પૂજકો ખોટા સ્વરૂપે બતાવીને તેનો ઈન્કાર કરી રહ્યા છે. એનો ઉપાય વિનાશ નથી પણ શુદ્ધિ છે.

આપણે આપણા જીવનમાં સાચી હિંદુવૃત્તિને સજીવન રાખીએ પછી પૂછીએ કે એથી અંતરાત્માને સંતોષ થાય છે કે નહીં.