Hindu Dharmnu Hard - 10 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | હિંદુ ધર્મનું હાર્દ - 10

Featured Books
Categories
Share

હિંદુ ધર્મનું હાર્દ - 10

(10)

૩૯. ઈશ્વરનું પ્રત્યક્ષ પ્રમાણ ક્યાં છે ?

બંગાળથી આવેલા એક પત્રમાંથી નીચેનું ઉતાર્યું છે :

“સંતતિનિયમનને અંગેનો ‘એક યુવકની મૂંઝવણ’ એ મથાળાવાળો આપનો લેખ જોવાનું મને ભાગ્ય મળ્યું.

લેખકના મૂળ મુદ્દા સાથે હું સંપૂર્ણ સહમત છું. પરંતુ એમાં એક લીટીમાં આપ ઈશ્વરવિષયક આપની ભાવના જણાવો છે. આપ કહો છો કે, આજકાલ નવયુવકોમાં ફૅશન છે કે ઈશ્વર વિશે વિચાર કાઢી નાંખવો. ને જણાવો છો કે, તેઓને જીવનવ્યાપી ઈશ્વરમાં જીવંત શ્રદ્ધા નથી.

(અહીં દર્શાવેલો ફકરો નીચે મુજબ છે :

“ઈશ્વરને જીવનમાંથી સદંતર ઉડાવી દેવાનો અને જાગૃત ઈશ્વર પર જાગૃત શ્રદ્ધા રાખ્યા વિના જીવનની પરાકાષ્ઠાએ પહોંચી શકાય છે એવો આગ્રહ રાખવાનો આજકાલ ધો ચાલ્યો છે. જે લોકોને પોતાના કરતાં અનંતગણી ઊંચી શક્તિ પર જરા શ્રદ્ધા ન હોય અને એવી શક્તિની જરૂર ન ભાસતી હોય તેવાને ગળે આ નિયમનું સત્ય ઉતારવાને હું અસમર્થ છું. એ માટે મારે કબૂલ કરવું જોઈએ. મારા પોતાના અનુભવ પરથી મને એટલું જ્ઞાન મળ્યું છે કે જે સચેતન નિયમને વશ વર્તીને આખું વિશ્વ ચાલે છે તેના પર અવિચળ શ્રદ્ધા રાખ્યા વિના પૂર્ણ જીવન અશક્ય છે. એ શ્રદ્ધા વિનાનો માણસ મહાસાગરની બહાર ફંકાયેલા બિંદુ જેવો છે ને તેનો નાશ થયા વિના રહેવાનો નથી. મહાસાગરમાં રહેલું દરેક બિન્દુ મહાસાગરની ભવ્યતાનો અંશ અનુભવે છે અને આપણને જીવનનો પ્રાણવાયુ (ઓઝોન) આપવાનું માન ભોગવે છે”

‘યુવકની મૂંઝવણ’માંથી -

૨૫-૪-૧૯૩૬, પા.૮૪) પરંતુ હું આપને પૂછું કે ઈશ્વરની હયાતી વિશે ચોક્કસ અને નિર્વિવાદ શી સાબિતી આપ રજૂ કરી શકો છો ? મને લાગે છે કે, પ્રાચીન ઋષિઓ અથવા હિંદુ જ્ઞાની પુરુષો ઈશ્વરનું સ્વરૂપવર્ણન કરવાના પ્રયત્નમાં છેવટે એ નિર્ણય ઉપર આવેલા છે કે, તે અવર્ણનીય છે. માયામાં ઢંકાયેલા છે વગેરે. ટૂંકમાં, એમણે ઈશ્વરને દુર્ગમ બનાવ્યો અને ઈશ્વરનો આ અભેદ્ય કોયડો સહેલો કરવાને બદલે વિશેષ ગૂંચવ્યો. આપ જેવા સાચા મહાત્મા કે શ્રી અરવિંદ, કે પ્રાચીન કાળમાં બુદ્ધ કે શંકરાચાર્યો, સામાન્‌. મનુષ્યબુદ્ધિ માટે ક્યાંય અગમ્ય એવી ઈશ્વરની કલ્પના કરો.

પરંતુ અમે સામાન્ય જનતાના લોક કે જેમની જાડી બુદ્ધિ અગાધ ઊંડાણમાં કદી ઊતરી શકનાર નથી, એવા અમને જો ઈશ્વરની હયાતી ન લાગે, તો તેવા ઈશ્વરથી અમને શો ફાયદો ? જો તે આપણ સર્વનો સરજનહાર પિતા છે, તો હૃદયના દરેક ધબકારે એની હયાતી કે હાજરી આપણને કેમ નથી થતી ? જો એ પોતાની હાજરી પ્રતીત ન કરાવી શકે, તો મારે મન તો એ ઈશ્વર નથી. વળી હં પૂછું કે, જો એ આ વિશ્વનો પિતા છે તો એનાં બાળકોનાં દુઃખોનું એને લાગે છે ? જો તેને લાગતું હોય તો બિહાર ક્વેટામાં પાયમાલી કરનાર ધરતીકંપથી આવડો ગજબ ને એનાં બાળકો પર આટઆટલાં દુઃખ શું કામ ગુજાર્યાં ? આબિસીનિયાની નિર્દોષ પ્રજાને અપમાનિત કેમ કરી ? તેઓ શું એનાં બાળકો નથી ? તે શું સર્વસત્તાધીશ નથી ? તો પછી આ બધી આફતો એ કેમ ન રોકી શક્યો ?

ગરીબ મારી માતૃભૂમિના સ્વાતંત્ર્યાર્થે આપ સત્યમય ને અહિંસક લડત લડ્યા ને એમાં ઈશ્વરની મદદ પ્રાર્થી. પરંતુ મને લાગે છે કે, તે મદદ આપને ન આપવામાં આવી, અને ઈશ્વર પર કદી આધાર ન રાખનારું પાર્થિવતાનું જે મજબૂત બળ તે આપની ઉપર ફાવ્યું. આપને અપમાનિત કર્યા, અને કમને આપને પાછા પડવું પડ્યું. જો ઈશ્વર હોત,તો જરૂર આપને એણે મદદ કરી હોત, કેમ કે ખરેખર આપનો મુદ્દો એને યોગ્ય હતો. આવા વધુ દાખલા આપવાની મારે જરૂર નથી.

“એટલે, આજના જુવાનિયાઓ ઈશ્વરમાં શ્રદ્ધા નથી રાખતા એમાં આશ્ચર્ય નથી, કેમ કે તેઓ ઈશ્વરની કરવા નથી માગતા, તેઓ સાચો માગે છે. આપના લેખમાં આપે માં જીવંત શ્રદ્ધાની વાત કરી છે. જો આપ ઈશ્વરના અસ્તિત્વની કોઈ ચોક્કસ અબાધ્ય સાબિતીઓ આપો તો મને ભારે સંતોષ થશે ને જુવાનવર્ગ પર આપનો ભારે ઉપકાર થશે. મને વિશ્વાસ છે કે, આમેય જે ગૂઢ પ્રશ્ન પડેલો છે તેને આપ ગૂઢતર નહીં કરો, પણ એ વિશે કાંઈક ચોક્કસ પ્રકાશ પાડશો.”

મને બરોબર ડર છે કે, જે કહેવાનો છું તેનાથી, પત્રલેખક જે ગૂઢતાની વાત કરે છે તે દૂર નહીં થાય.

લેખક માને છે કે મેં ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો હોય. એવો કશો દાવો હું નથી કરી શકતો. પણ જેમ વૈજ્ઞાનિકો મને કહે છે એ ઘણી વસ્તુઓમાં મારી જીવંત શ્રદ્ધા છે, એમ જીવનવ્યાપી ઈશ્વરમાં મને જરૂર જીવંત શ્રદ્ધા છે.

અહીં દલીલ કરવામાં આવે કે, વૈજ્ઞાનિકોને કહ્યે ખરી માની લીધેલી હકીકતોની તો તેઓએના કહ્યા પ્રમાણે પ્રયોગ કરીને જાતે ખાતરી કરી શકાય.

બરોબર તેમ જ ઋષિઓ અને પેગંબરોનુંય કહેવું છે. તેઓ જણાવે છે કે, અમે જે માર્ગે ગયા એ માર્ગે ચાલનાર કોઈ પણ માણસ ઈશ્વરસાક્ષાત્કાર કરી શકે. પણ વાત એ છે કે, સાક્ષાત્કારે લઈ જનાર રસ્તે જાતે આપણે જવું નથી, અને જીવનની એકમાત્ર જે ખરી મુદ્દાની વસ્તુ છે તે વિશે જાતઅનુભવીઓની સાક્ષીને આપણે માનવી નથી. ઈશ્વરમાં આપણને જીવંત શ્રદ્ધા અર્પનારી વસ્તુની તોલમાં ભૌતિકશાસ્ત્રોની સમગ્ર શોધખોળો બધી મળીનેય ન આવી શકે. ઈશ્વરના અસ્તિત્વમાં ન માનવા ઈચ્છનારાઓ શરીરથી અલગ બીજી એકે વસ્તું નથી માનતા; માનવતાની પ્રગતિ માટે આવી જાતની માન્યતાને તેઓ બિનજરૂરી માને છે. એવા માણસો માટે, આત્મા કે ઈશ્વરના અસ્તિત્વનું ભારેમાં ભારે વજનદાર પ્રમાણ પણ કાંઈ કામનું નથી. જે કાન જ બૂરીને બેસે તેને તમે સુંદરતમ્‌ સંગીત સંભળાવી ન શકો, તેની કદર કરાવવાની તો પછી ક્યાંય રહી. તેવી જ રીતે, જેમને ઈશ્વરની પ્રતીતિની પડી નથી એમને તમે જીવનવ્યાપી ઈશ્વરની પ્રતીતિ ન પાડી શકો.

સદ્‌ભાગ્યની વાત છે કે, જનતાના મોટા ભાગને જીવવ્યાપી ઈશ્વરમાં જીવંત શ્રદ્ધા હોય છે જ. તેઓ એની ચર્ચા નથી કરી શકતા, નથી કરવાના.

એમને માટે તો ‘તે છે તે છે જ’. જગતનાં બધાં શાસ્ત્રો શું ડોસીની વહેમની વાતો છ ? ઋષિ, પેગંબરોની લાખ શું ફેંકી દેવાની છે ? ચૈતન્ય, રામકૃષ્ણ પરમહંસ, તુકારામ, જ્ઞાનદેવ, રામદાસ, નાનક, કબીર, તુલસીદાસની સાખની કંઈ કિંમત નથી શું ? અને રામમોહન રાય, દેવેન્દ્રનાથ ટાગોર વિવેકાનંદનું શું ? આ બધા અર્વાચીન માણસો છે ને વિદ્યમાન ભારેમાં ભારે બણેલાઓની બરોબરી કરે એવા. જેમની સાખ નિર્વિવાદ ગણાય એવા વિદ્યમાન સાક્ષીઓને તો હું છોડી દઉં છું. ઈશ્વરમાં રહેલી આ શ્રદ્ધાનું ચણતર બુદ્ધિથી પર એવી શ્રદ્ધાશક્તિ પર કરવાનું છે. જેને સાક્ષાત્કાર કહેવાય છે એના મૂળમાં પણ, ખરેખર તો, શ્રદ્ધાનો અંશ રહે છે. તે વગર એની સત્યતા પુરવાર ન થઈ શકે. વસ્તુતઃ પણ એમ જ હોવું જોઈએ. પોતાની સ્વત્વની મર્યાદાઓને કોણ ઓળંગી જઈ શકે ? હું એમ માનનારો છું કે, સંપૂર્ણ સાક્ષાત્કાર આ શરીરમાં રહીને અશક્ય છે. અને એની જરૂર પણ નથી.

માણસથી પહોંચી શકાય એવી સર્વોચ્ચ આધ્યાત્મિક ઉન્નતિ મેળવવા માટે જીવંત અચળ શ્રદ્ધા એ જ એક જરૂરની છે. ઈશ્વર આપણા આ ભૌતિક ખોળિયાની બહાર નથી. એટલે, કદાચ કાંઈકેય એની બાહ્ય સાબિતી હોય તોપણ તે બહુ કામની નથી. ઈંદ્રિયો દ્વારા એને અનુભવવામાં તો આપણે હંમેશ હારવાના જ, કેમ કે એ ઈંદ્રિયાતિત છે. ઈંદ્રિયજીવનની પર થઈને જ આપણે એને સ્પર્શી શકીએ. આપણી અંદર સતત દિવ્ય સંગીત ચાલી રહ્યું છે; પરંતુ કોલાહલ કરતી ઈન્દ્રિયો એ સૂક્ષ્મ સંગીતને ઢાંકી દે છે. આ સંગીત, આપણે ઈન્દ્રિયો દ્વારા સાંભળી કે અનુભવી શકીએ એવી કોઈ પણ ચીજથી ક્યાંય ભિન્ન અને ચડિયાતું છે.

પત્રલેખક જાણવા માગે છે કે, જો ઈશ્વર દયાળુ અને ન્યાયવાળો છે તો આપણી આસપાસ જોવામાં આવતાં દુઃખો ને ક્લેશો તે કેમ ટકવા દે છે.

એનો સંતોષકારી ઉત્તર હું આપી શકું તેમ નથી. વળી, મારામાં હાર્યાના ને અપમાનિત થયાના ભાવનું એ આરોપણ કરે છે. હાર, અપમાનિતતા કે નિરાશાનો એવો કશો ભાવ મારામાં નથી આવેલો. મારી જે નિવૃત્તિ છે એમાં કોઈ જાતની હારની ભાવનાને લેવાદેવા જ નથી. આત્મશુદ્ધિ અને જાતતૈયારીનો અભ્યાસ કરવા સિવાય કે તેની ઉપરાંત એમાં કાંઈ જ રહેલું નથી. અને આ હું એ દેકાડવાને કહું છું કે, ઘણી વાર જેવું દેખાય છે તેવું તે ખરેખર નથી હોતું. એમ બને કે, આપણે જેને દુઃખો, અન્યાયો ને એવું બધું ભૂલમાં માનીએ તે સત્યતઃ એમ ન હોય. વિશ્વની બધી ગૂઢતાઓ જો આપણે જોઈ શકીએ તો તો આપણે ઈશ્વરના બરોબરિયા બનીએ.

મહાસાગરનું એકેએક બિંદુ એના ગોરવું ભાગિયું છે, પણ પોતે મહાસાગર નથી. આ ટૂંકી જિંદગીમાં આપણી અલ્પતા સમજીને રોજ સવારની પ્રાર્થનાને અંતે અમે ગાઈએ છીએ :

વિપત્તિ કહેવાય છે તે ખરી વિપત્તિ નથી ને સંપત્તિ કહેવાય છે તે ખરી સંપત્તિ નથી. ખરી વિપત્તિ તે ઈશ્વરને ભૂલવો (તે તેને ઈન્કારવો) એ છે; અને ખરી સંપત્તિ તે ઈશ્વરનું સ્મરણ (કે એનામાં શ્રદ્ધા) છે.

૪૦. જ્યાં હરિજનો નથી ત્યાં હરિયે નથી

(‘કોયડા’માંથી)

સ. - જે મંદિરમાં હરિજનોને પ્રવેશ નથી તે મંદિરમાં ઈશ્વરનો વાસ નથી એવું જે કહેવામાં આવે છે તે મને એકાંતિત લાગે છે. ઈશ્વર મંદિરોમાં જ છે, બીજા નથી, એ કહેવું જેટલું મિથ્યા છે તેટલું જ હરિજન ન જઈ શકે

માટે એ મંદિરમાં ઈશ્વર નથી એ કહેવું મિથ્યા છે. ઈશ્વર તો સર્વત્ર છે.

ગાંધીજીનો જવાબ

જે મંદિરમાં હરિજનોને પ્રવેશ નથી તે મંદિરમાં ઈશ્વરનો વાસ નથી એ વચન અવશ્ય એકાંતિક છે. એકાંતિક એટલે અમુક દૃષ્ટિએ સત્ય. એ અર્થમાં લગભગ બધાં વચન એકાંતિક હોય છે. પણ એથી એવાં વચન દોષિત નથી ઠરતાં. વ્યવહારને સારુ બીજો રસ્તો જ નથી. ભગવાન ક્યાં વસે છે એ પ્રશ્નના ઉત્તરમાં રામજીએ કહ્યું છે કે ભગવાન સંતના હૃદયમાં વાસ કરે છે, અસંતનામાં નહીં. આ વચન પણ એકાંતિત છે. છતાં એથી ઊલટું કે ‘ભગવાન દુર્જના હૃદયમાં પણ વસે છે’ એમ કહેવું ભલે વધારે શાસ્ત્રીય હોય પણ વ્યવહારદૃષ્ટિએ હાનિકર છે. ખૂનીના ખંડરમાં ને સર્જનની સોયમાં શાસ્ત્રીય દૃષ્ટિએ ઈશ્વર છે; પણ પ્રાકૃત અને વ્યવહાર દૃષ્ટિએ એકમાં દેવ છે, બીજામાં અસુર. એકનો પ્રેરક રામ છે, બીજાનો રાવણ છે; એકમાં ખુદા છે, બીજામાં શેતાન; એકમાં ઓરમઝ્‌દ, બીજામાં અહરિમાન છે. તેથી હું તો મારા કહેવાને વળગી રહું છું કે જ્યાં હરિજનને સ્થાન નથી ત્યાં હરિયે નથી.

૪૧. ઈશ્વર સત્‌ છે

ઈશ્વર સત્‌ છે પણ આપણી જેમ નહીં. માણસ મુકાબલે સત્‌ હોય, ભલો હોય, એટલે કે તે નઠારો હોય તેના કરતાં ભલો વધારે હોય. ઈશ્વર તો પૂર્ણપણે સત્‌ છે. એનામાં દુષ્ટતા છે જ નહીં. ખરું તો એ છે કે ઈશ્વરે માણસને પોતાના જેવો બનાવી મૂક્યો છે. આપણે કમનસીબે માણસે ઈશ્વરને પોતાના જેવો બનાવી મૂક્યો છે. આ ઉદ્ધતાઈને લીધે મનુષ્યજાત તોફાની સમુદ્રમાં ડૂબી રહી છે. ઈશ્વર તો મહાન કીમિયાગર છે. તેની જાત આગળ બધો કચરો સો ટચનું સોનું બને છે. એ જ રીતે દુષ્ટતા માત્ર એ પાક હસ્તીની આગળ સુઘડતા બની જાય છે.

વળી, ઈશ્વર છે, પણ માનવજાતની જેમ નહીં. માનવજાત તો જીવે છે ને મરે છે. પણ ઈશ્વર તો પોતે જ જીવન છે. એથી બધા સદ્‌ગુણો ઈશ્વરનાં વિશેષણો નથી. સદ્‌ગુણો માત્ર ઈશ્વરરૂપ છે. તેના વિનાના સદ્‌ગુણો જડ પદાર્થ છે, અને તે વેપારની વસ્તુ તરીકે જ હસ્તી ધરાવે છે. જો તે આપણામાં મૂર્તિમંત થવાના હોય તો તે ઈશ્વરદત્ત હોય ને તેને ખાતર જ કેળવાય. આપણે સારા થવા મથીએ તો કેવળ ઈશ્વરનાં દર્શન કરવા ને તેમાં સમાઈ જવા સારુ.

ઈશ્વર વિનાના ગુણો ચૈતન્ય વિનાના છે. ઈશ્વરની પ્રસાદી રૂપે તે ચૈતન્યમય છે. તે આપણાં જીવનમાં વણાય છે ને આપણને ચઢાવે છે.

એથી ઊલટું જો ઈશ્વરને સત્‌રહિત વિચારીએ તો તે જડ છે, આપણી નિષ્ફળ કલ્પના માત્ર છે.

૪૨. નમ્રતાના સાગર

(મિસ એપ. મેરી બારે)

એ નામની એક નાની ચોપડી લખી છે જે ઈન્ટરનેશનલ બુક હાઉસ લિમિટેડ, મુંબઈ, તરફથી પ્રગટ થઈ છે. (કિં. ૨-૧૨-૦-). તેમાં લેખિકાએ ગાંધીજીના કેટલાક વાર્તાલાપ અને પત્રવહેવાર જરૂરી વર્ણનો સાથે આલેખ્યાં છે. બરાબર પંદર વરસ પહેલાં તેમને ગાંધીજી તરફથી એક પત્ર મળ્યો હતો ને તેમાં બાપુએ રચેલી નીચેની પ્રાર્થના મિસ લિનફોર્થ (એક અંગ્રેજ બાઈ જે એ વખતે હૈદરાબાદના એક ઉત્કર્ષ કેન્દ્રમાં કામ કરતાં હતાં) ને આપવા સારુ બીડેલી હતી. તેમણે મિસ બારને ‘પોતાને સારુ ગાંધીજી પાસેથા એક સંદેશો’ લેવાને લખ્યું હતું મિસ લિનફોર્થે આ પત્ર મઢીને પોતાના કેન્દ્રમાં મૂક્યો હતો. આ પ્રાર્થના અનુપમ હોઈ સૌ કોઈએ કંઠસ્થ કરી હૃદયમાં ધારણ કરવા જેવી છે.

હે નમ્રતાના સાગર, દીનભંગીની તૂટી ઘોલકીમાં વસનાર, ગંગા, બ્રહ્મપુત્રા, યમુનાનાં જળોએ સિંચિંત આ સુંદર દેશમાં સઘળે તને શોધવામાં અમને મદદ કર.

અમને ગ્રહણશીલતા આપ, નિખાલસ દિલ આપ, તારી પોતાની નમ્રતા (નિરહંકારતા) આપ.

હિંદુસ્તાનની જનતા સાથે એકરૂપ થઈ જવાની શક્તિ અને તત્પરતા આપ.

હે ભગવાન, તું ત્યારે જ વહારે આવે છે જ્યારે માણસ અત્યંત નમ્ર બની તારું શરણ લે છે. અમને વર આપ કે સેવક અને મિત્રરૂપે જે પ્રતાની સેવા કરવા અમે ઈચ્છીએ છીએ તેનાથી અમે વેગળા ન પડી જઈએ. અમને આત્મસમર્પણ અને સદ્‌ગુણોનાં ભાજન બનાવ, અને નમ્રતાની સાક્ષાત્‌ મૂર્તિ કર, જેથી આ દેશને અમે વધારે ઓળખીએ અને વધારે ચાહીએ.

૪૩. ‘ઈશ્વર સત્ય છે’નો અર્થ

(તા. ૯-૭-૧૯૩૨ના મી.પી.જી મેથ્યુને લખેલા પત્રમાંથી) ઈશ્વર સત્ય છે એમાં ‘છે’ નો અર્થ ‘બરાબર’ હરગિજ નથી. પણ એનો અર્થ ઈશ્વર સત્યમય છે એવોયે નથી. સત્ય એ ઈશ્વરનો કેવળ એક ગુણ અથવા એક વિભૂતિ નથી, પણ સત્ય એ જ ઈશ્વર છે. જો એ સત્ય ન હોય તો કશું જ નથી. સત્ય શબ્દ ગભૅ માંથી બનેલો છે.

ગભૅ

એટલે હોવું એટલે સત્યનો અર્થ પણ હોવું થયો. ઈશ્વર છે, બીજું કશું નથી. તેથી આપણે જેટલા સત્યની વિશેષ નજીક તેયલા ઈશ્વરની વિશેષ નજીક. જેટલે દરજ્જે આપણે સત્યમય છીએ તેટલૅે જ દરજ્જે આપણે

૪૪. ઈશ્વર તો સદાય આપણી સાથે છે

(‘એકલો શાને’માંથી)

હમણાં જ એક મિત્રે લખ્યું હતું કે સોબતીઓની વચ્ચે પણ તેમને એકલવાયું લાગે છે. સત્તાવાળાઓનાં વચન પર મને વિશ્વાસ નથી એવા મારા કથન ઉપરથી તે ઉપર મુજબનું લખવાને પ્રેરાયા હતા. તેમને એવો વિશ્વાસ નહોતો, અને તેમના જેવો વિશ્વાસ હું પણ રાખુ એમ તે ધારતા હતા. પણ તેનો ભરમ ભાગ્યો ત્યારે તેમની નિરાશાનું પૂછવું જ શું ? તેમના માર્મિક પત્રનો અર્થ એ ન પણ હોય એમ બને. એ ગમે તે હો, મેં તેનો અર્થ કર્યો અને તેમને લખ્યું કે, ઈશ્વર પર શ્રદ્ધા રાખનાર માણસને પોતે એકલો છે એમ લાગવું ન જોઈએ. કેમ કે, ઈશ્વર તો સદાયે તેની સાથે જ છે. સારી દુનિયા તેનો ત્યાગ કરે તોયે તેને શી પરવા ? વિશ્વાસની લાગણી તેમના મગજમાંથી નહીં પણ તેના હૃદયમાંથી ઊઠતી હોય ત્યાં સુધી મારા મતની પરવા કર્યા વિના તેમણે વિશ્વાસ રાખવો જ રહ્યો.

મને જુદું જ લાગે છે. પરસ્પરનો પ્રેમ એ સાચો પ્રેમ નથી, પરસ્પરનો વિશ્વાસ એ સાચો વિશ્વાસ નથી. તારા પર દ્વેષ કરનારાઓને ચાહવા, તમારો તમારા પડોશી પર વિશ્વાસ ન હોય છતાંયે તેને ચાહવો એ સાચો પ્રેમ છે. અંગ્રેજ સત્તાવાળાઓ ઉપર અવિશ્વાસ રાખવાનાં મારી પાસં સંગીન કારણો છે. જો મારો પ્રેમ સાચો હોય તો તેમને વિશે મને અણભરોસો હોવા છતાંયે મારે તેમને ચાહવા જોઈએ. મારા મિત્ર પર મને ભરોસો હોય ત્યાં સુધી જ મારો પ્રેમ ટકતો હોય તો એ પ્રેમ શા ખપનો ? એવો પ્રેમ તો ચોર લોકોમાંયે માંહોમાંહે હોય છે. પતી જતાંવેંત તેઓ પરસ્પર દુશ્મન બની જાય છે.

૪૫. ઈશ્વરને સાક્ષાત્‌ જોવા

માં એક વાચક પોતાને કોયડારૂપ લાગતો સવાલ મોકલાવે છે. તેનો જવાબ મેં નીચે મુજબ આપ્યો છે : કોયડો “પેલે દિવસે તમે એકરાર કર્યો કે મેં ઈશ્વરને સાક્ષાત્‌ દીઠો નથી.

તમારા પ્રસ્તાવનામાં તમે કહો છો કે દૂરથી સત્યમાં હું ઈશ્વરને મૂર્તિમંત થયેલો લાગું છું. મને આ બંને વાતો સુસમગત લાગતી નથી, વિસંગત લાગે છે. બરાબર સમજાય તેટલા ખાતર આનો ખુલાસો કરશો.”

જવાબ

“‘ઈશ્વરને સાક્ષાત્‌ જોવા’ અને ‘દૂરથી તેને સત્યમાં મૂર્તિમંત થયેલો ભાળવો’ એ બે વાતોમાં મોટો ફેર છે. મને લાગે છે કે આ બંને વિધાનો પરસ્પર મેળ વગરનાં નથી એટલું જ નહીં, બંનેમાંથી એકબીજાને ખુલાસો મળી રહે છે. હિમાલયને આપણે ઘણે દૂરથી ભાળીએ છીએ અને આપણે તેની ટોચે પહોંચીએ ત્યારે તેનો આપણને સાક્ષાત્કાર થયો કહેવાય. દૃષ્ટિની મર્યાદામાં રહી કરોડો લોકો સેંકડો જોજનના અંતર પરથી તેને જુએ, પણ વરસોની પ્રવાસની મથામણ પછીયે બહુ થોડા તેની ટોચે પહોંચી તેનો સાક્ષાત્કાર કરે. આવી સાદી વાતનો ખુલાસો માં કરવાનો હોય નહીં.

છતાં તમારો કાગળ અને મારો જવાબ હું પ્રગટ કરવાને રવાના કરું છું કેમ કે તેમે ઉતારેલાં બે વિધાનોમાં વિસંગતતા છે એવું માનનારા ને ખુલાસો શોધનારા તમારા જેવા બીજા હશે જ ને ?”

(‘ગાંધીજીના ભાષણ’માંથી)

પ્રાર્થના શરૂ થઈ તે પહેલાં કોઈક ગાંધીજી પર એક ચિઠ્ઠી મોકલી આરી.

તેમાં લેખકે પૂછ્યું કે તેમણે હાજરાહાજૂર ઈશ્વરનાં દર્શન કર્યાં છે ખરાં ? પ્રાર્થના પછી એનો જવાબ આપતાં ગાંધીજીએ જણાવ્યું કે મને ઈશ્વરનાં હાજરાહજૂર દર્શન થયાં નથી. મને ઈશ્વરનાં એવાં દર્શન થયાં હોય તો તમારી આગળ બોલવાની મને કશી જરૂર ન રહે. મારા વિચારો જ એટલા પ્રબળ બન્યા હોય કે વાણી અને કાર્ય મારે માટે બિનજરૂરી બની જાય. પરંતુ ઈશ્વરની હસ્તી વિશે મને એટલી શ્રદ્ધા છે ખરી.

દુનિયાભરના કરોડો લોકો મારા જેવી શ્રદ્ધા રાખે છે. વિદ્વાનમાં વિદ્વાન માણસ પણ નિરક્ષર કરોડોની શ્રદ્ધા ડગાવી ન શકે. પ્રાર્થના વખતે ગવાયેલા ભજનમાં ઈશ્વરને હાજરાહજૂર જોવાનો માર્ગ વર્ણવવામાં આવ્યો છે. કવિએ એવી ઈચ્છા રાખનારને

ક્રોધ તથા વાસનાઓનો ત્યાગ કરવા અને એ પરમ સ્થિતિ પ્રાપ્ત કરવા તે ચાહતો હોય તો સ્તુતિ-નિંદા પ્રત્યે ઉદાસીન રહેવા જણાવ્યું છે.

(‘નોંધ’માંથી)

એક ભાઈ લખે છે :

“‘મારો ધર્મ’ નામના લેખમાં આપે લખ્યું છે કે ‘અકર્મમાં કર્મ જોવાની સ્થિતિએ હું પહોંચ્યો નથી.’ આ વાક્યનો અર્થ કાંઈક વિસ્તારપૂર્વક સમજાવો તો સારું.”

એક સ્થિતિ એવી હોય છે, જ્યારે માણસને પોતાના વિચારો પ્રગટ કરવાની જરૂર રહેતી નથી. તેના વિચારો જ કર્મ હોય છે. તે સંકલ્પથી અકર્મ કરે છે. એવી સ્થિતિ આવે છે ત્યારે તે અકર્મમાં કર્મ જુએ છે. એટલે કે અકર્મથી કર્મ થાય છે એમ કહેવાય. મારા કહેવાનો મતલબ આ જ હતી.

એવી સ્થિતિથી દૂર છું. એ સ્થિતિએ પહોંચવા માગું છું ને એ દિશામાં મારો પ્રયત્ન રહે છે.

૪૬. ઈશ્વરની શોધ

(‘ગાંધીજીના પ્રાર્થના પછીનાં પ્રવચનો’માંથી)

પ્રાર્થના બાદ પ્રવચન કરતાં ગાંધીજી બોલ્યા કે આજે પ્રાર્થનામાં ગવાયેલા ભજનના કવિ કહે છે કે માણસનો સર્વોત્તમ પુરુષાર્થ ઈશ્વરની શોધની કોશિશમાં મંડ્યા રહેવામાં છે. માણસે બાધેલા મંદિરો કે તેણે ઘડેલી મૂર્તિઓ અથવા યાત્રાના ધામોમાં તે મળતો નથી અથવા જપતપ કર્યે પણ તેનો ભેટો થતો નથી. ઈશ્વર કેવળ દુન્વયી નહીં પણ દૈવી પ્રેમથી જ મળે છે.

મીરાંબાઈ એ જ પ્રેમને આધારે જીવતી હતી અને સર્વ સ્થળે અને સર્વ વસ્તુમાં પ્રેમસ્વરૂપ ઈશ્વરને જોતી હતી. ઈશ્વર જ તેનું સર્વસ્વ હતું.