Ishq Impossible - 13 in Gujarati Love Stories by Jwalant books and stories PDF | ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 13

The Author
Featured Books
Categories
Share

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 13

સ્વપ્નસુંદરીના ગયા પછી હું થોડીવાર તો કેન્ટીનમાં જ બેસી રહ્યો. મને ખ્યાલ નહોતો આવી રહ્યો કે મેં જે કર્યું છે તે યોગ્ય છે કે નહીં. છતાં હવે મેં હા તો પાડી દીધી હતી એટલે આ જ રસ્તા પર આગળ વધવા સિવાય બીજો કોઈ રસ્તો પણ નહોતો.
અંતે હું ઉભો થયો અને કેન્ટીન માંથી બહાર નીકળ્યો. બહાર આખી ટોળકી મારી રાહ જોઈ રહી હતી. મારું સ્વાગત એવી રીતે કરવામાં આવ્યું કે જાણે કોઈ શૂરવીર યોદ્ધા કોઈ મોટો જંગ જીતીને આવ્યો હોય!
"જંગ જીત્યો રે મારો વાણિયો!" સૌરભ હર્ષના અતિરેકમાં બૂમ પાડી.
"કાણીયો" મેં કહ્યું.
"શું?"સૌરભ ગૂંચવાયો.
"સાચી કહેવત છે જંગ જીત્યો રે મારો કાણીયો." મેં કહ્યું. "અરે તું કહેવતની ક્યાં અત્યારે(.......) છે! મારા કહેવાનો મતલબ તો સમજી ગયો ને?"
ત્યાં નીરવ બોલ્યો, "અલ્યા પણ તે આટલા ઝડપી આ કામ કરી કઈ રીતે લીધું? આટલી ઝડપમાં તો અમે પણ કશું કરી શક્યા નથી."
મનોમન મને હસવું આવી રહ્યું હતું.આ લોકો જે વિચારીને ખુશ થઈ રહ્યા હતા તેવું તો કંઈ ખરેખર હતું જ નહીં છતાં આ ભ્રમ ચાલુ રહે તે મારી મજબૂરી હતી.
"હવે એ તો મારું રહસ્ય છે. એમ સિક્રેટ થોડું કહી દેવાય?" મેં કહ્યું.
નીરવ બોલ્યો,"આમાં રહસ્ય જેવું કશું નથી. જ્યારે પહેલી મુલાકાત થઈ ત્યારે જ મેં કહ્યું હતું કે આ છોકરીને બાઘા પસંદ છે અને આપણી કોલેજમાં પ્રવીણથી મોટો બાઘો બીજો કોઈ છે નહીં. એટલે બિનહરીફ પ્રવીણ જીતી ગયો છે."
હું નીરવ સામે તાકી રહ્યો ,"જો આ વખાણ હોય તો થેન્ક્યુ. નહિતર ભાડમાં જા!"
સૌરભ મને વિચિત્ર નજરે જઈ રહ્યો હતો તેની નજરમાં અદેખાઈ અને આશ્ચર્યનું મિશ્રણ હતું.
હું તેની નજરથી સહેજ અસહજ થઈ ગયો. "શું જુએ છે?" મેં પૂછ્યું.
"ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં જ્યારે જસપ્રીત બુમરાહ જેવા બોલરે એક ઓવરમાં 35 રન ફટકારી દીધા હતા ત્યારે ટોપ ઓર્ડર બેટ્સમેનની હાલત શું થઈ હશે તે હું વિચારી રહ્યો છું. અત્યારે અમારી હાલત પણ કંઈક એવી જ છે."સૌરભ ફિક્કું હસીને બોલ્યો.
"પણ આજે પાર્ટી થઈ જાય?"પ્રકાશે તગાદો કર્યો.
હું ગભરાયો. સ્વપ્નસુંદરી સાથેનું નાટક મને ભારે પડશે તેવું પ્રાથમિક રીતે જ લાગી રહ્યું હતું. આજે જો મારે પાર્ટી આપવી પડે તો હજાર રૂપિયાની તો ઉઠી જવાની હતી.
"અરે પાર્ટી શેની? આજ સુધી તમે પાર્ટી મને આપી છે?"મેં વિરોધ નોંધાવ્યો.
"બકા આ અમારા માટે કોઈ નવી વાત નથી પણ તારી સાથે આવી ઘટના ઘટી એ તો ચૂંટણી જેવું છે જે પાંચ વર્ષમાં એકવાર થાય છે.એટલે પાર્ટી તો બનતી હૈ."અલોકે પણ પ્રયત્ન કરી જોયો.
અમારી ટોળકી જો એકવાર કોઈની પાછળ પાર્ટી માટે પડી જાય તો એ બિચારાથી છટકવું કોઈ સહેલું કામ નથી. ને આ બધામાં મેં ભૂતકાળમાં ભાગ લીધો જ હતો એટલે મને સારી રીતે ખબર હતી. આજે મારો આ વારો આવ્યો હતો.
"ઠીક છે."મેં હથિયાર હેઠા મૂકી દીધા," ચાલો પાર્ટી માટે."
અને ટોળકી ઉછળી પડી અને બૂમાબૂમ કરવા માંડી.
હું પહેલા તો ટોળકીને રોકવા ગયો કે આટલી ધમાલ ન કરે. પણ પછી વિચાર કર્યો કે આ વાત તો શીલા સુધી પહોંચાડવાની જ છે ને તો પછી શા માટે આ લોકોને રોકવાના?
અને અમારી ટોળકી કેન્ટીન તરફ઼ આગળ વધી.
અમે અમારા રોજિંદા ટેબલ પર ગોઠવાયા.
"તને ખબર છે તારા કારણે અમે આજે નાસ્તો નથી કર્યો. અમે આજે આવ્યા ત્યારે તું તારી કબુતરી સાથે ગુટરગુ કરી રહ્યો હતો.એટલે તું ડિસ્ટર્બ ન થાય એટલે અમે ચા નાસ્તાની કુરબાની આપીને પાછા જતા રહ્યા હતા.એટલે આજે સ્પેશિયલ ટ્રીટ લઈશું."
ત્યાં છોટુ ઓર્ડર લેવા આવી ગયો.
પ્રકાશે મને ચીરી લીધો,"તારી પાસે જે મોંઘામાં મોંઘી આઇટમ હોય તે લઈ આવ."
છોટુએ ઓર્ડર લીધો અને પછી મારી સામે અહોભાવથી તાકી રહ્યો. પછી તે બોલ્યો,"શું ભાઈ તમે તો છવાઈ ગયા.તમને તો પગે લાગીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાની ઈચ્છા થાય છે.હજી કાલે તો રાજપાલ યાદવ હતા અને એક દિવસમાં ઇમરાન હાશ્મી!!"
હું સહેજ અકળાઈને બોલ્યો,"ભાઈ તું ઓર્ડર લાવને.વધારે આગળ પાછળની ચર્ચા ન કરીશ."
છોટુ વિદાય થયો એટલે ટોળકી નવેસરથી મારી ફિરકી લેવાના મૂડમાં આવી ગઈ.
પણ એ લોકોને મોકો મળે એ પહેલાં તો મારા મોબાઇલની રીંગટોન વાગવા માંડી. ફોનકર્તાનું નામ જોઈને હું ચોંક્યો.
ફોન સ્વપ્ન સુંદરીનો હતો!

ક્રમશ: