Do you want to be like a cultured twin? books and stories free download online pdf in Gujarati

તમારે સુસંસ્કારી દ્વિજ જેવા બનવું છે ?

તમારે સુસંસ્કારી દ્વિજ જેવા બનવું છે ?

નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? બાળકો, આજે હું એક તમારાં જેવડો જ નાનો બાળક છે - દ્વિજ, તેનાં આધ્યાત્મિક સંસ્કારોની વાત કરવાની છું. આપણાં જીવનમાં સંસ્કારોનું કેટલું મહત્ત્વ છે. બાળપણથી લઈને છેક ઘડપણ સુધી આપણે જે જે સંસ્કારો આપણાં જીવનમાં ઉતારીએ છીએ તે કાયમ આપણી સાથે રહે છે અને આપણું જીવન સુવાસિત કરે છે. કુંભાર ‘માટીના પિંડ’ને જેવો આકાર આપે, તેવા આકારનું માટલું બને છે. આકાર સરસ આપે, તો જ માટલું સારું બને છે. એકવાર માટલું બની ગયા પછી, તેનો આકાર બદલી શકાતો નથી. એ જ રીતે, મોટા થયા પછી સારા સંસ્કાર કેળવવા કઠિન હોય છે, પરંતુ કુમળી વયમાં મન સાફ હોવાથી તેમના પર સારા સંસ્કાર કેળવવા સહેલું પડે છે. તો ચાલો જાણીએ નાનકડો દ્વિજ શા માટે સુસંસ્કારી કહેવાય છે ?


માતાપિતા અને ગુરુની આજ્ઞાનું પાલન :

હા, બાળકો. દ્વિજ ખૂબ જ આજ્ઞાંકિત બાળક છે. તે તેનાં માતા પિતા અને ગુરૂજનોનું બધું જ કહ્યું માને છે. બાળપણથી માતા પિતા પાસેથી આ ગુણ કેળવાય છે. માતા પિતા જ બાળકના સાચા માર્ગદર્શક બની શકે છે. આજના બાળકોની સ્થિતિ કેવી છે ? કેટલાંક છોકરાઓ વડીલોનું સાંભળતા નથી, અભ્યાસ મન:પૂર્વક કરતા નથી. બાળકના મનની દેખભાળ કરીને તેમનામાં સુસંસ્કારનું બીજ રોપવાનું કાર્ય નિસર્ગે વાલીઓને સોંપ્યુ છે. માટે જ દ્વિજની જેમ તમારે દરેકે મમ્મી પપ્પા કહે તે બધું જ કરવું. પુરાણોમાં આદર્શ બાળકો જેમાં ધૃવ, ઉપમન્યુ, અષ્ટાવક્ર વગેરે જેવાં બાળકોએ વડીલોની આજ્ઞાપાલન કરીને આશીર્વાદ મેળવ્યાં હતાં.


નિયમિત દેવદર્શન :

દ્વિજ તેનાં પપ્પા સાથે રોજ શિવાલય જાય છે. શિવલિંગને અભિષેક કરે છે. બાળકો તમારે પણ રોજ વહેલાં ઊઠીને મમ્મી - પપ્પા કે દાદા- દાદી સાથે મંદિરે જવું જોઈએ. ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. પોતાના માટે, પરિવાર માટે, મિત્રો માટે, સગાંસંબંધીઓ અને સમગ્ર વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરવી જોઈએ. નાના બાળકોની પ્રાર્થના ભગવાન ઝડપથી સાંભળે છે. આ રીતે નિયમિત દેવદર્શન કરવાની ટેવથી આપણાં સંસ્કારો ખીલે છે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.


ધાર્મિક પુસ્તકોનું વાંચન :

વ્હાલાં બાળકો, દ્વિજ દર અઠવાડિયે ધર્મ પુસ્તક ગીતાજીનો પાઠ કરે છે. ગીતાના શ્લોકો તેનાં ઘરમાં ગવાય ત્યારે દ્વિજ ધ્યાન પૂર્વક સાંભળે છે અને ગાય છે. તમારે પણ તમારાં ધર્મ પુસ્તકનું વાંચન કરવું જોઈએ. તેના માટે રજાનો દિવસ કે રવિવારનો દિવસ નક્કી કરવો. એ સિવાય ઘરમાં આવતાં ધાર્મિક મેગેઝિન કે પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. ધાર્મિક બાળ સાહિત્ય વાંચવું જેથી કરીને નાનપણથી જ સારા સંસ્કારોનું ઘડતર કરી શકાય. ભગવાન શ્રીરામ - શ્રીકૃષ્ણનાં બાળપણની વાતો વાંચવી, તેઓ નાના હતાં ત્યારે આશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ કરતાં હતાં અને આશ્રમમાં કેવાં કેવાં કામો કરતાં હતાં? આવી વાતો વાંચવી, વિચારવી અને આપણે પણ તેમનાં જેવાં બનવું.


બાળસંસ્કાર કેન્દ્રમાં જોડાવ:

ઘણીબધી જગ્યાએ ગામડાઓમાં અને શહેરોમાં બાળસંસ્કાર કેન્દ્રો ચાલે છે. જુદી જુદી અનેક સંસ્થાઓ બાળકોના સંસ્કાર સંવર્ધન માટે કેન્દ્રો ચલાવે છે. સ્વામિનારાયણ સંસ્થા , આર્ટ ઓફ લિવિંગ, બ્રહ્માકુમારી ,વિપશ્યના, દાદા ભગવાન જેવી સંસ્થાઓ તથા અન્ય પરિવારો જેમકે, ગાયત્રી પરિવાર, સ્વાધ્યાય પરિવાર વગેરે બાલસંસ્કાર કેન્દ્રો ચલાવે છે. બાલસંસ્કાર કેન્દ્રો બાળકોને સારી રીતભાત, વ્યવહાર, પાઠ અને પૂજન શીખવે છે. આદર્શ બાળકોના વીડિયો બતાવે છે અને નાટકો રજૂ કરાવે છે. તો વ્હાલાં બાળકો તમે પણ આવા બાળસંસ્કાર કેન્દ્રમાં જોડાઓ. તમારી શાળાનાં કે સોસાયટીના બાળકો કોઈ આવાં સંસ્કાર કેન્દ્રમાં જતાં હોય તો આવા બાળકોનો સંગ કરો અને તેમની સાથે બાળસંસ્કાર કેન્દ્રમાં જાઓ.

સંસ્કૃત પાઠશાળામાં જાઓ :

દ્વિજને નાનપણથી જ તેનાં માતા પિતાએ સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃત અને વેદોના અભ્યાસ માટે મૂક્યો છે. તમે પણ દ્વિજની જેમ જ સંસ્કૃત પાઠશાળામાં અઠવાડિયામાં એક વખત જાઓ. ત્યાં તમને ગીતાજીના શ્લોકોનું શુદ્ધ ઉચ્ચારણ શીખવશે. વેદો, પુરાણો અને ઉપનિષદોનું જ્ઞાન મળશે. બાળપણથી જ જો તમે સંસ્કૃત શ્લોકો ગાતાં અને પઠન કરતાં શીખી જશો તો તમારાં જ્ઞાનનો વધારો થશે. તમે દ્વિજ જેવા એક વિશિષ્ઠ બાળક તરીકે ઓળખાશો. સંસ્કૃત ભાષાને તમને સુસજ્જ બનાવશે. સંસ્કૃત ભાષા તમારી બુદ્ધિ અને પ્રજ્ઞામાં વધારો કરશે. સંસ્કૃત પાઠશાળામાં જવાથી ત્યાંનો ગણવેશ કે જે ભારતીય સંસ્કૃતિની ઓળખ છે જે ધારણ કરવાથી તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.


તો જોયુંને બાળકો, દ્વિજ કેવો સુસંસ્કારી બાળક છે. નાનપણથી જ તેની કેવી વિશિષ્ટ પ્રતિભા છે!!! તો તમારે પણ દ્વિજ જેવા બનવું છે ને ? તો થઈ જાઓ તૈયાર. મનમાં સંકલ્પ કરો તો તમે ઈચ્છો તેવા બનવા પ્રકૃત્તિ અને તમારાં માતા પિતા હર હંમેશ તૈયાર હોય છે. સારા સંસ્કારોથી તમારુ જીવન સંસ્કારી બને છે. જીવનમાં ક્યાંય તકલીફ પડતી નથી. જ્યારે જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે તમે મક્કમતાથી તેનો શાંતિથી સામનો કરી શકો છો. તમને દ્વિજની વાતો ગમી ને ? જો તમને દ્વિજની વાતો ગમી હોય તો મને જરૂરથી પત્ર લખીને કે ફોન કરીને જાણ કરશો.