Runanubandh - 25 books and stories free download online pdf in Gujarati

ઋણાનુબંધ - 25

પરેશભાઈ પ્રીતિના લગ્નની તૈયારી એકદમ ઉત્સાહથી કરી રહ્યા હતા. બધું જ ખુબ બારીકાઈથી ઉકેલી રહ્યા હતા. પહેલું કામ કંકોત્રીનું લિસ્ટ બનાવવાનું નક્કી કર્યું હતું. ખુબ અંગત લોકોને જ આમંત્રિત કરવાના હતા. પરેશભાઈની ઓળખાણ અને નામ એટલું ખ્યાતિ પામેલું હતું કે અમુક લોકો તો એમના પ્રસંગમાં સામેથી જ જોડાવા આગંતુક હતા. પણ બધાની વ્યવસ્થા અને પ્રસંગ સારી રીતે કોઈ વિઘ્ન વગર પરિપૂર્ણ કરવા માટે યોગ્ય સંખ્યાનું લિસ્ટ કરવું જરૂરી જ હતું. પરેશભાઈ અને તેમના ભાઈ બંને સાથે બેસીને આ કામને ન્યાય આપ્યો હતો. એ પછી એક પછી એક બધી જ વિધિઓની યાદી અને એમાં જરૂરી એવી બાબતોની નોંધણી પણ ડાયરીમાં કરી લીધી હતી. ફોટોગ્રાફર, લગ્ન લખાવાની વિધિ, બ્યુટીપાર્લર, મહેંદી, સાંજી, પીઠીની વિધી, દાંડિયારાસ,પૈડું સીચવું, મંડપમૂહર્ત, ગણેશપૂજા, હસ્તમેળાપ, મામટભરવો વગેરે નાની નાની બાબતો યાદ કરી એની યોગ્ય વ્યવસ્થા પણ કરી હતી. લગ્ન જ્યાં સગાઇ રાખી હતી એ જ હોટલમાં રાખવાનું નક્કી કર્યું હતું. સાંજીની વિધિ પતે એટલે બધું જ હોટલ પર રાખવાનું નક્કી કર્યું હતું. આ પ્રસંગના ત્રણ દિવસનો જમણવાર અને એનું લિસ્ટ તથા મેનુ બધું જ કુંદનબેન અને બંને દીકરીઓને હાજર રાખીને નક્કી કરાયું હતું. પરેશભાઈએ પ્રીતિ અને સૌમ્યાની જેટલી સખીઓ આવવાની હતી એમની પણ નોંધણી કરી લીધી હતી.

પરેશભાઈએ અને કુંદનબેને એવું નક્કી કર્યું હતું કે, પ્રીતિના લગ્ન નિમિતે એક પણ કોઈ જ પરિવારના વ્યક્તિ પાસેથી કે આવનાર અન્ય કોઈ પણ સબંધી કે મિત્ર પાસેથી ભેટ કે અન્ય કવર કોઈ પણ વસ્તુનો અસ્વીકાર કરી ફક્ત અને ફક્ત થનાર નવદંપતિને આશીર્વાદ જ આપવાના એવું બધાને ખાસ કહ્યું હતું અને કંકોત્રીમાં પણ આ નોંધ લખાવી હતી. આમ કરવાનો ઉદેશ્ય માત્ર પોતાની દીકરીના પ્રસંગ નિમિત્ત કોઈના પણ ઋણી ન બનવાનો હતો. બાકી કોઈ માટે મનમાં દ્રેષભાવ નહોતો. વળી આવેલ દરેક મહેમાનને પરેશભાઈએ યાદી રૂપી એક ચાંદીના લક્ષ્મીજી, ગણેશજી તથા ઠાકોરજીના પગલાં ની નાની સુંદર ફ્રેમ બનાવડાવી હતી કે જે દરેકને ઘર દીઠ આપવાનું નક્કી કર્યું હતું. આ એમની ઈચ્છા કોઈ સામાન્ય બાબત તો નહોતી જ, પણ છતા બધાને પ્રેમથી સમજાવીને ગળે ઘૂંટડો ઉતારવામાં પરેશભાઈ અને કુંદનબેન ખરા ઉતાર્યા હતા. એમની આ ઇચ્છામાં અતિ અંગત સબંધીઓની વહેવારીક લાગણીઓ ખુબ ઘવાઈ હતી, છતાં બધાનું મન એમને પોતાની લાગણી જતાવી જીતી જ લીધું હતું.

પ્રીતિના આણાની તૈયારી થઈ ગઈ હતી. તથા એનું પેકીંગ પણ કરી જ નાખ્યું હતું. હવે બસ આ તૈયારી કરેલ દિવસોની મજા જ માણવાની હતી. પ્રીતિએ દાંડિયારાસ માટે ખાસ ગરબા ક્લાસમાં જઈને ગરબા પણ શીખ્યા હતા. આ ત્રણ દિવસનો પ્રસંગ અને ત્રણ મહિના પણ ઓછા પડે એટલી તૈયારીઓ દરેકને કરવી જ પડે એને ખરો ખ્યાલ પરેશભાઈ અને કુંદનબેનને આવી ચુક્યો હતો.

પ્રીતિ આ દરેક તૈયારીઓ સાથે અજયની પણ એટલી જ નજીક આવી ચુકી હતી. બંનેને હવે એકબીજાની આદત પડી ગઈ હતી. સબંધ જેટલા નજીક ગાઢ થાય એમ થોડું સામેની વ્યક્તિ પર વર્ચસ્વ દાખવવાની ટેવ આપોઆપ એ સબંધ લઈ જ લે છે, આથી જ ક્યારેક અતિ લાગણી હોવા છતાં મતભેદ થવા લાગે છે. અને જેના લીધે મીઠા ઝગડાની શરૂઆત થઈ જાય છે. પ્રીતિ અને અજય પણ આમાંથી બાકાત નહોતા જ. એમની વચ્ચે પણ આવું થવા જ લાગ્યું હતું. પણ પ્રીતિની હંમેશા જતું કરવાની ટેવ આ બાબતને વધારતા અટકાવી દેતી હતી. બસ, લાગણીનું અંકુર લીલુંછમ રાખી એમાં પોતાની પ્રીતને રેડતી રહેતી હતી.

પ્રીતિના લગ્ન લખવાનો દિવસ આવી જ ચુક્યો હતો. પ્રીતિના નામને અજય સાથેના નામથી આજે જોડીને આ બંનેની જોડીને જન્મોજન્મના ઋણાનુબંધમાં બાંધી જ દીધી હતી. કુંદનબેને આ કંકોત્રીને વધાવીને દુખડા લીધા હતા. પહેલી કંકોત્રી રેશમના કપડાં પર લખીને એને ઘરના મંદિરમાં પ્રભુના ચરણે મૂકી હતી.

પ્રીતિ પોતાની કંકોત્રી જોઈને ખુબ ખુશ થઈ રહી હતી. એને કલ્પના પણ નહોતી કે અજય સાથે જોડાવાથી એનું જીવન આટલું સરસ બની જશે. પ્રીતિ અજય સાથે ક્યારે રહી શકશે એ દિવસો ગણતી થઈ ગઈ હતી. બહુ જ થોડા દિવસોમાં એ બંને એક થવાના હતા. હા, એ દિલથી ખુશ હતી. એને આ સમય ખુબ પ્રિય લાગી રહ્યો હતો.

અજયે એના મમ્મીની સૂચના મુજબ બધું જ કામ પતાવી લીધું હતું. જાનૈયાનુ લિસ્ટ અને વાહનની વ્યવસ્થા તથા પ્રીતિના છાબની ખરીદી, સોનાની ખરીદી બધું જ તૈયાર રાખ્યું હતું. અજયે એના મમ્મી અને બેનના કપડાંની ખરીદી પણ કરી લીધી હતી. અજયે પોતાના મેરેજમાં પહેરવાનું સૂટ ન લીધુ અને ભાઇબંધ પાસેથી એના મેરેજનુ સૂટ પહેરવાનો હતો. આ બાબતે વિચારભેદ થતા પ્રીતિ સાથે થોડી બોલાચાલી પણ થઈ હતી. પ્રીતિ આ જીવનના બદલાવના દિવસની યાદરૂપે પોતાના જ કપડાં અજય પહેરે એવું ઈચ્છતી હતી. અને અજયના મતે આ એક જ વખત પહેરવાના, પછી એ ક્યાં પહેરીશ.. એવા વિચારે એ ખોટો ખર્ચ લાગતું હતું. પ્રીતિની રજુઆત સાચી હતી, એક ડોક્ટર એટલો તો ખર્ચો કરી જ શકે છતાં અહીં જીવનમાં આવનાર એક વખતના આ મહત્વના દિવસે પણ રૂપિયાની ગણતરી થતી જોઈને એ દુઃખી હતી. પણ એના સ્વભાવ અનુસાર એ પોતાના મનની વાત કહી ચૂપ થઈ ગઈ હતી. પ્રીતિને એ વિચારે મન દુઃખી થયું કે, મારા સિવાય ઘરમાં પણ કોઈએ અજયને નહીં સમજાવ્યો હોય! વધુ વિચારી પ્રીતિ દુઃખી થઈ રહી હતી. સૌમ્યાએ પ્રીતને એ બાબત વિચારવાની કે યાદ કરવાની જ ના પાડી દીધી હતી.

પ્રીતિના ઘરે લગ્નના બે દિવસ અગાવથી એના પરિવારના અંગત સબંધીઓ આવી ચુક્યા હતા. લગ્નનું ઘર ખુબ સુંદર રીતે સજાવ્યું હતું. આખો પરિવાર હાજર હોવાથી ઘર ખુબ હરખે ધમધમી રહ્યું હતું. પ્રીતિને આજ અજયના નામની સુંદર મહેંદી એના હાથ અને પગમાં મુકવામાં આવી હતી. ખુબ સરસ મહેંદી મૂકી હતી. આજ સૌમ્યા એને જમાડી રહી હતી. હંમેશા ચીડવનાર સૌમ્યા આજ ભાવુક થઈ ગઈ, એ બોલી ઉઠી આજ તને જમાડી લઉં, બે દિવસ પછી તો તું તારે સાસરે હોઈશ. એમ સૌમ્યા રડી પડે એવી નરમ તો નહોતી જ પણ લાગણીશીલ તો ખરી જ! આથી આંખ સેજ ભીની થઈ ગઈ, કદાચ જુદાઈ શું એની અનુભુતી એને થઈ રહી હતી. હા, મનથી તો સાથે જ રહેવાના પણ નજરે હાજર રહેવાની ખુશી છીનવાય જવાની હતી. સૌમ્યાના મનમાં ઘણું બધું લાગણીનું પૂર ઉમટ્યું હતું. પણ એ મનમાં જ સમેટીને બેનને જમાડી રહી હતી. પ્રીતિની ઘણી સખીઓ પણ આવી હતી. બધા બેઠા મસ્તી તોફાન કરી રહ્યા હતા.

વાતોમાં ને વાતોમાં જિજુના બુટ ચોરવાની વાત અચાનક કોઈકે છેડી હતી. પરેશભાઈ આ વાત સાંભળી ગયા હતા. એમને એવી કોઈ જ મસ્તી કરવાની ચોખ્ખી ના જ પાડી કે જેથી અજયકુમારનું અપમાન થાય. પરેશભાઈએ એટલું સ્પષ્ટ શબ્દોમાં કીધું કે, હવે કોઈ એ બાબતે કઈ જ નહીં કરે એ વાત નિશ્ચિત જ હતી.

મનમાં તારા જ વિચારો સરવળ્યા કરે છે,
દિલમાં તું જ મારા ધમાલ મચાવ્યા કરે છે,
આ સુંદર દિવસો તું જુદાઈમાં જ વેડફ્યા કરે છે,
મારુ મનડું તારું સાનિધ્ય પામવા તડપ્યા કરે છે,
નયન મારા તારો ચહેરો જોવા તરસ્યા કરે છે.
દોસ્ત! તારો અવાજ મારા ધબકારને ગતિમાં રાખ્યા કરે છે.

અજયે મેસેજ થકી પોતાની લાગણી છલકાવી પ્રીતિને પણ પોતાના અહેસાસની થોડી પ્રેમાળ લહેરખીની અનુભૂતિ કરાવી હતી. પ્રીતિ આટલું લાગણીશીલ કાવ્ય વાંચીને ખુબ જ રોમાંચિત થઈ ગઈ હતી.

શું આપશે પ્રીતિ અજયને પ્રતિભાવ?
કેવા રહેશે અજય અને પ્રીતિના પ્રભુતામાં પગલાં? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻