Visamo - 12 books and stories free download online pdf in Gujarati

વિસામો.. 12

~~~~~~~

વિસામો - 12 - 

~~~~~~~

 

વિશાલે એનું કપાળ ચૂમતા કહ્યું,.. 

"પહેલા ખબર હોત કે આટલું મીઠું બોલે છે તો .. "

"તો પરણી ગયો હોત બચપનમાં જ,..  માં ની સામે,.. ખબર છે મને,.. " વિશાલની વાત કાપતા આસ્થા બોલી ઉઠી, અને એની સામે જોયું,.. શરમાયા વિના,.. 

વિશાલ સાફ જોઈ શકતો હતો, કે હવે આસ્થા નહિ - આસ્થાની આંખો બોલી રહી હતી,.. "હજી ક્યાં મોડું થયું છે ?"

 

બન્ને સમજતા હતા, એક પણ ક્ષણ વેડફવી અત્યારે પોષાય તેમ નથી તેમ છતાં, ક્યાંય સુધી આખા ઘરમાં  મૌન પથરાયેલું રહ્યું,.  

 

વિશાલ દ્રવી ઉઠ્યો,.. 

એને થયું પ્રભાત સાચું જ કહેતો હતો,.. એ જાણતો હતો કે એક વાર હું આને જોઇશ તો મારા પગ ઢીલા પડી જ જવાના છે,.. શું કહીશ હું બાદશાહને ? મેં વચન આપ્યું હતું,.. ગિરિજાશંકરની તપાસ તો શરૂ પણ કરી નથી મેં,.

 

"શાંતિનો રોટલો ખાઈશું આપણે બન્ને ભેગા થઈને,.. માની ઈચ્છા પણ હતીને કે આપણે આ જ ઘરમાં જીવીએ,.. તારું બધું છોડીને ક્યાં ભટકીશ હવે તું ? ધરતીનો છેડો ઘર,..  આટલું શું વિચારે છે વિશુ ?" વિશાલને વિચારોમાં જોઈને આસ્થાએ એને પૂછ્યું  

 

"હું હજી પણ એ જ વિચારું છું આસ્થા - કે - તારી સાથે જીવવાનું નક્કી કરું તો તારો ઈશ્વર કેટલો સાથ આપશે મને ? બાદશાહને આપેલા મારા વચન નું શું ? "

  

"તું બસ મરજી બતાવ તારી, પછી જોઈ લે, મારા ભોલેનાથ નો કમાલ,.. એ જ બધું ગોઠવી આપશે,.. તને અંદાજ નથી એની તાકાત નો,.. " એ ભોળી થઇ ને એક બાળક ને સમજાવતી હોય એમ બોલી રહી હતી,.. વિશાલને એના ભોળપણ ઉપર વારી જવાનું મન થઇ જતું.. 

 

"આસ્થા,... મારી ગંવાર કાબૂતરી,...  દુનિયામાં તારા ભોલેનાથની તાકાતને અવગણીને એમની ની સામે પાડવા વાળા પણ ઓછા નથી,.. સૌથી પહેલો તો બાદશાહ જ હોઈ શકે,.. "  વિશાલે એનો હાથ જોરથી પકડીને પોતાની નજીક ખેંચી ને હસતા હસતા કહ્યું.

 

એ જોરથી વિશાલની છાતી સાથે અથડાઈ અને આંખમાં આંખ નાખીને બોલી, 

"એકાદ નું નામ બતાવ જેણે સામે પડયા પછી જીત હાંસિલ કરી હોય,... કોઈ ફાવ્યા નથી આજ સુધી જે સામે પડ્યા છે એ બધા,.. મારા શંભુ ભોળા જરૂર છે, પણ સમય આવ્યે રૌદ્ર રૂપ લઇ તાંડવ પણ કરી શકે છે,.. " 

 

વિશાલને લાગ્યું કે હવે દલીલ નહિ કરાય, અહીં હાર માની લેવી જોઈએ. ઈશ્વર પ્રત્યેની એની શ્રદ્ધા નો સવાલ છે,.. થોડું દૂર જઈને એણે હથિયાર નાખી દેતો હોય એમ બે હાથ જોડીને સ્વીકારી લીધું,.. "ઠીક છે મારી માં,.. "

 

આસ્થા ખુશ થઇ ગઈ,.. એને જોઈને હસી,.. એણે હળવેથી પોતાનું ડોકું ધૂણાવ્યું,.. 

વિશાલ સામે દલીલ કરીને જીતવાની એને પહેલેથી જ મઝા આવતી,.. વિશાલ જયારે માનું કહ્યું નહોતો માનતો, આસ્થા એક લુક આપીને કહ્યું કરાવી લેતી,.. વિશાલ સામે મેળવેલી આવી નાની નાની જીત જ આસ્થાનો આત્મવિશ્વાસ વધાર્યા કરતી કે વિશાલ પ્રેમ તો માત્ર એને જ કરશે,.. 

 

આસ્થાની આવી અદાઓથી વિશાલ પણ આજ સુધી એટલું તો જોતો જ આવ્યો હતો કે એની માં અને પૂનમ સાથે આસ્થા ને સારું જામવાનું હતું,.. બન્ને જણા અજાણતાંજ પણ એકબીજાને જીવનસાથી ના રૂપ માં બાળપણથી જ જોતા આવ્યા હતા, એ વાત નો અહેસાસ બંનેને અત્યારે એક સાથે થઇ રહ્યો હતો,..   

 

થોડું શરમાઈને આસ્થાના ચહેરા ઉપર સ્મિત આવી ગયું... એ વિશાલને જોઈ રહી... 

 

"શું જુએ છે આટલું ધરીને?" - વિશાલથી પૂછયા વિના ના રહેવાયું,..       

 

"એ જ કે દુનિયા લૂંટી શકતો હોય એવો ધૂઆંધાર હોવા છતાં એક સામાન્ય સ્ત્રી સામે હાર સ્વીકારતો હોય ત્યારે એ ગુંડો કેવો લાગે ? " 

 

કોણ જાણે કેમ પહેલી વાર વિશાલને આ ગુંડા વાળું સંબોધન થોડું ચુભ્યું,.. 

એને લાગ્યું મારુ તો ઠીક આ સ્ત્રીને કોઈ ગુંડાની ઘરવાળી કહીને સંબોધશે તો,.. ?? ?? એ થોડો હલી ગયો,.. એ આગળ કશું જ વિચારી ના શક્યો,..  એને લાગ્યું આસ્થા સાથે જીવવું કેટલું આસાન હોત અગર એ એક સામાન્ય જીવન જીવતો હોત..! શું પામ્યો એ આટલા બધાને લૂંટીને,.. 

 

આજે એને માની કહેલી વાત યાદ આવી ગઈ,.. 

"જિંદગીમાં હંમેશા સારા માણસોને આપણી આસપાસ રાખવા,.. તમારી આસપાસ એમની હાજરી જ તમને બૂરા બનતા અટકાવશે,.. કદાચ ને ક્યારેક તમારું મન ભટકે તોયે લોકલાજે એમની આસપાસ પોતાની સારી છબી જાળવી અને ટકાવી રાખવા તમે કંઈપણ ખોટું કરતા આપમેળે અટકી જશો,.. "     

 

પહેલી વાર પોતાની ગુંડાની ઇમેજ એને ગમી નહિ,.. 

એણે મનમાં ને મનમાં નક્કી કર્યું,... "ઇનફ ઇઝ ઇનફ વિશાલ,.. કંઈક તો કરવું જ પડશે,.. ભણેલો છું,.. ઈજ્જત અને ઈમાનદારી નો રોટલો રળી ને આને ખવડાવીશ,.. આ સ્ત્રીએ આજ સુધી આના સિવાય કાંઈ માગ્યું જ નથી મારી પાસે,.. જે મારા પરિવાર માટે આટ આટલું કરી શકતી હોય એની માટે ઈજ્જત નો રોટલો રળવો સસ્તો જ સોદો ગણાય,.. એટલી અઘરીયે  નથી આની સાથે ની જિંદગી,.. અને જયારે આ મને એની જિંદગીમાં સ્વીકારે તો દુનિયા ના સ્વીકાર ની પરવાહ શું કામ કરવી હોય મારે .. ?" 

 

વિશાલના વિચારો જાણે આસ્થા સુધી પહોંચી જતા હતા,.. 

 

આસ્થાએ એક હાથ લાંબો કરીને ઈશારામાં એને એની પોતાની પાસે બોલાવ્યો,..  

નજીક આવીને પોતાના બધાજ વિચારોને મક્કમ કરતો એ આસ્થાના આલિંગનમાં સમાઈ ગયો,..   થોડી ક્ષણો બંનેએ  એમ જ વીતવા દીધી,..  વીતતો સમય બન્ને ને અઘરો લાગતો હતો, એટલે વિશાલના બન્ને હાથ આસ્થાની આસપાસ થોડા વધુ જોરથી ભીંસાયા,.. અને આસ્થાએ પણ ત્યાં જ ઉભી ઉભી લાજ શરમ છોડીને વિશાલને જકડી રાખ્યો,.. 

 

જરાયે વિરોધ વિના આટલો સહજ સ્વીકાર વિશાલે જરાયે વિચાર્યો નહોતો,.. 

એણે એક બાળકી ને ઉઠાવતો હોય એમ આસ્થાને પોતાના મજબૂત હાથો માં એક પૂતળાની જેમ ઉઠાવી લીધી,. ઉપર અગાશી તરફ જતી સીડીયો ચઢવા લાગ્યો,.. 

 

~~~~~~~

 

લીલી અને પૂનમને પોતાના રૂમમાં જતા જોઈને પૃથ્વી પાછો આવી વિક્રમસિંહ ની બાજુમાં ગોરલબાની સામે આવીને બેસી ગયો,.. 

 

એ સ્ટ્રેસમાં ને સ્ટ્રેસમાં પોતાના હાથના આંગળા એકબીજા સાથે ઘસ્યે જતો હતો,.. એના પગ સતત હલતા હતા,..  જે ગોરલબાની નજરથી છાનું નહોતું,.. 

 

ગોરલબા પોતાના દીકરા ને ટેન્શનમાં જોઈ નહોતા શકતા એની વિક્રમસિંહને ખબર હતી એટલે એમણે પૃથ્વીને કહ્યું, "કોઈ પરેશાની છે કુંવર ?"

 

"ના દરબાર, બસ એક જ વાત ની ચિંતા થાય છે,.. "

 

"નહિ કરતા કુંવર,.. જ્યાં સુધી બા નહિ ઈચ્છે ત્યાં સુધી હું બાપૂને આ હવેલી નું પગથિયું પણ નહિ ચઢવા દઉં,.. આ દરબાર નું વેણ છે,.. ભરોસો રાખો કુંવર,.. "

 

"મને બાપૂ નો ડર નથી દરબાર,.. ડર માત્ર એટલો જ છે કે જો ફરીથી બાપૂ પૂનમની સામે આવે અને પૂનમ ની હાલત પહેલા જેવી થવા લાગે તો એ સહન નહિ કરી શકે,.. " 

 

"તારી ચિંતા ખોટી નથી દીકરા, પણ હું જાણું છું કે પૂનમ હવે તૈયાર છે,.. મને વિશ્વાસ છે કે પૂનમ બધું જ પચાવી શકે એટલી સક્ષમ થઇ ગઈ છે,.. માત્ર સામનો જ નહિ પણ બાપૂને જવાબ આપી શકે એટલી તાકાતવર પણ થઇ ગઈ છે,.. " ગોરલબા એ મમતાળુ અવાજમાં કહ્યું,.. 

 

"હંમમ,... " ટૂંકમાં જવાબ આપીને પૃથ્વી જાણે કેટલાયે વિચારો માં ખોવાઈ ગયો,..

  

પૃથ્વીને એના લગ્નની રાત્રે પૂનમને આપેલું વચન યાદ આવી ગયું,.. 

 

 

~~~~~~~

 

અગાશીમાં પલંગ પાસે જઈને એણે આસ્થાની સામે જોયું,.. 

આસ્થાએ એની બાહોમાં ઝૂલતા ઝૂલતા જ  ધીરેથી મચ્છરદાની હટાવી, અને એના હાથમાંથી સરકીને સીધી પલંગ ઉપર આવી ગઈ,.. એક પડખું રોલ કરીને એણે વિશાલ  માટે જગ્યા કરી આપી,.. 

 

વિશાલ પણ એની બાજુમાં આડો પડ્યો અને એને જોઈ રહ્યો,.. ક્યાંય સુધી એને જોયા કરી,.. એને પસવારતો એના વાળસાથે પોતાની આંગળીઓથી રમતો એ ગુંડો શરાફતની સીમા પાર કરી શકતો નહોતો,.. 

 

"આખી રાત આમ જ રમ્યા કરીશ ?"  આસ્થાએ પૂછ્યું 

 

"તો શું કરું ? પરણી નથીને તું મારી સાથે,.. " 

 

"કોણે કીધું ? હું તો તને પંદર વર્ષે જ પરણી ગઈ હતી,.. હા, ફેરા બાકી છે,.. પણ એની મારે જરૂર નથી,.. મારો ભોલેનાથ જાણે જ છે કે મારો પતિ તો તું જ છે,.. " 

 

આસ્થાની ખુલ્લી પીઠ ઉપર હાથ મૂકતાંની સાથે જ વિશાલની  આંખો બંધ થઇ ગઈ,.. 

આસ્થા સરકીને એની બરાબર નજીક આવી,.. 

એને વળગીને એના હોઠ ઉપર પોતાના હોઠ મૂક્યા,.. 

કશુંક કોમળ વિશાલને એના હોઠ ઉપર મહેસુસ થયું,..

ગુલાબની સુગન્ધ એના શ્વાસોમાં ભરાવા લાગી,..

રેશમી ત્વચા અને સુંવાળી હથેળી એના ચહેરા ઉપર ફરવા લાગી,..

એના હોશ જાણે શરાબ ના નશામાં ચૂર થતા હોય એમ ગૂમ થવા લાગ્યા,..

પોતાની ઉપર આવી ગયેલી આસ્થાને એણે જોરથી પકડી,..

વિશાલની મજબૂત બાહોમાં એ ક્યારે પીઘળી એને સમજાયું નહિ,..

 

આખા વાતાવરણ માં ચાંદનીની શીતળતા અને હલકા ચાલતા ફાનસ નું અજવાળું… એકબીજામાં ખોવાઈ જવા માટે કાફી હતું, .. આનાથી વધારે કશાયની જરૂર નહોતી,.. 

 

પ્રેમ માં તરબોળ બન્નેએ જયારે એકબીજાને પહેલી વાર શરમ વિના આટલા નજદીકથી જોયા ત્યારે વિશાલે એના ચહેરા ઉપરથી વાળ હટાવતા પૂછ્યું,

"તું ઠીક છે ?" 

 

આસ્થાએ માત્ર એટલું જ કહ્યું,

"હવે હું તને ક્યારેય નહિ રોકુ તું જ્યાં જવા ઈચ્છે ત્યાં જઈ શકે છે,.." 

 

ડોકું હલાવી વિશાલે સ્માઈલ કરતા કહ્યું, - 

"હવે તો ભરાઈ ગયો હું પુરેપુરો,.. હું ઈચ્છીશ તોયે નહિ જઈ શકું હવે તને છોડીને ક્યાંય,.. " 

 

બન્નેથી હસી જવાયું,.. 

વિશાલ એક પછી એક વસ્ત્રો આસ્થાને પહેરાવી રહ્યો હતો, 

આસ્થા પણ રાજરાણીની જેમ એ વસ્ત્રો ઠાઠથી એ પહેરી રહી હતી,.. 

 

"આશુ,... . " 

 

"હંમમ,..."

 

"પૂનમને જોવી છે ,.. " 

 

"અત્યારે ? અડધી રાતે ?" 

 

"હંમમમ,.. . ?. "

 

"અરે,.. !! એમ કેમ જવાય ? પહેલી વાર એને ઘેર જવાનું હોય તો ખાલી હાથ જઈશ ?" 

 

"પહેલી વાર ક્યાં જાઉં છું ? હવેલીમાં તો હજાર વાર ગયો છું હું,.. 

 

"એ વાત જુદી હતી,.. ત્યારે હવેલી એ પૂનમનું સાસરું નહોતું,.. " 

 

"તો શું કરું?" 

 

"કશુંક લઈને જવું પડે" આસ્થાએ એને સમજાવ્યું  

 

"શું લઈને જવું પડે ? માંએ તો કોઈ દિવસ આવું કશું કીધું જ નહોતું મને,.. "

 

"અરે, હું છું ને,.. હું સમજાવું તને,... કંઈક મીઠાઈ,.. કૈક દાગીનો,.. કૈક તો લઇ જવું પડે ને,.. સાસરે વળાવી છે દીકરીને,.. "

 

"તો હવે,.. ? મારી પાસે તો કશું નથી,.. "

 

"કેમ ?? આટલી લૂંટ કરીનેય કશુંય ના કમાયા દરબાર,..? ખાલી હાથ તો નહિ જ જવા દઉં હું અને હવે તો નહીંજ,.."

 

"હવે કેમ ?" 

 

"કેમ કે હવે એને સારા દિવસો છે,.." 

 

"શું વાત કરે છે ? આપણા પહેલા ?? " એ ખુશ થઇ બોલ્યો અને આસ્થા શરમાઈ ગઈ,..

 

આસ્થા એક પછી એક કારણ આપ્યે જતી હતી પાછા આવીને હિરાપુરમાં જીવવાના,..

દરેક કારણ સાથે એ મન ફેરવતો જતો હતો,.. ફિકર હતી માત્ર ગિરિજાશંકરને જીવતો બાદશાહને સોંપવાની,.. તોયે પૂનમને જોવાનો મોહ એને રોકી શકતો નહોતો,.. 

 

"મારે જોવી છે એને,... " - વિશાલે કહ્યું 

 

ગિરિજાઠાકૂર ભાગીને હવેલી સુધી પહોંચી ગયા છે એ વાત થી અજાણ આસ્થા વિશાલને કહી રહી હતી,.. - "સારું એક કામ કરીએ,.. સાથે નીકળીએ હવેલી જવા,.. આમ જુઓ તો અંધારું એ જ સારો સમય છે, હવેલીએ જવાનો,.. હું લઇ જઈશ તને હવેલીએ,.."

 

વિશાલને હસવું આવતું હતું પણ એણે માથું હલાવી વાત સ્વીકારી લીધી 

 

"હવે શું લઈને જઈશુ એ નક્કી કરીએ,.. "

 

"સાચેજ કશું નથી મારી પાસે,... " વિશાલે કહ્યું 

 

"તું ચિંતા નહિ કર,.. હું છું ને,.. " આસ્થાએ કહ્યું 

 

વિશાલની આંખો માંથી બે આંસૂ ટપકી ગયા,.. 

આસ્થાએ એનો ચહેરો ઉપર ઉઠાવતા કહ્યું,..  "રોવે છે શું કામ ? આ દિવસ ની તો હું ક્યારની રાહ જોતી હતી,.." 

 

"મતલબ ? .... કેમ આ દિવસ ની રાહ જોતી હતી ? ?" 

 

"લગ્ન વખતે ગોરલબાએ પૂનમને કશું જ લીધા વિના સ્વીકારી હતી,.. હું એને કશું જ આપી શકી નહોતી,.. મારા બધા જ હરખ અધૂરા રહી ગયા હતા,.. " બોલતા બોલતા એણે એક અલમારી ખોલી બે ત્રણ બૉક્સ બહાર કાઢ્યા,.. વિશાલના હાથમાં એ ત્રણેય બૉક્સ મુકતા એ બોલી, "માની ઈચ્છા હતી પૂનમને આ દાગીનો એના સારા દિવસો વખતે આપવો,.. " 

 

વિશાલ પાસે કોઈ શબ્દો નહોતા આસ્થા ને શું કહેવું એને સમજાતું નહોતું,.. જે સૂચના માંએ મને આપવાની હોય એ આ સ્ત્રી ને કહેવામાં આવી હતી,.. ઈશ્વર નો પણ કંઈક તો સંકેત હશે જ આમાં, એને વિચાર આવી ગયો,.. ફેરા લીધા વિના પણ એક પુત્રવધુ ની જેમ વર્તન કરે છે આ સ્ત્રી,.. બે હાથ જોડતા ની સાથે જ વિશાલનું માથું રીતસર આસ્થા સામે નમી ગયું,.. 

 

આસ્થાએ એના જોડાયેલા બન્ને હાથ પોતાના હાથમાં લેતા કહ્યું, - 

"જો વિશાલ, અમુક વસ્તુઓ તારે ધ્યાનમાં રાખવી પડશે,.. "  

 

" શું...? "

 

"પૂનમ માંડ માંડ આ બધામાંથી બહાર નીકળી છે,... એવું કશું જ એની સામે ફરીથી ના થવું જોઈએ જેને લીધે એને ફરીથી એ દર્દ નો સામનો કરવો પડે,..  માંડ માંડ આટલી કઠણ બનાવી છે એ પરિવારે પૂનમને, અને હું નથી ઇચ્છતી કે આપણે કારણે પૂનમની કોઈ પણ યાદ તાજી થાય,.. તારે તારો ગુસ્સો કાબૂ માં રાખવો પડશે,..  મેં એને જોઈ છે ... બહુ જ નજીકથી,.. અતિશય અઘરો સમય હતો એ એની માટે,.. ઉપરથી તું આસપાસ નહોતો,.. " 

 

"હંમમમ, હું સમજુ છું આશુ,.. " 

 

"ના વિશાલ, તું કશું જ નથી સમજતો,... " આસ્થાએ બ્લન્ટ થઇ ને કહ્યું 

 

"આસ્થા, શું બોલે છે તું ? મારી બહેનનું દર્દ છે.. " 

 

"હા, તેમ છતાં તું નથી સમજતો,... " આસ્થાએ સબંધ ની પરવાહ કર્યા વિના પૂનમની  મનોસ્થિતિ જે હતી એનું સત્ય વિશાલની સામે મૂક્યું  

 

"આમ કેમ બોલે છે?" 

 

"કેમ કે - આઠ વર્ષ પહેલા અખબાર માં સમાચાર છપાવ્યા નું કારણ જ એ હતું કે તું એને વાંચીને તું એટલું તો સમજી જ શકે કે તારા પાછા ફરવાના તમામ રસ્તા ખુલ્લા છે,.. તારા ઉપર કાયદેસર કોઈ કશું જ કરી શકે એમ નથી,.. અને થવાનું નથી,..  તું એક સામાન્ય જીવન માં પાછો ફરી શકે એમ છે,.. " 

 

"શું ? - આ બધું ..  .... ... "  

 

"હા વિશાલ, .. બાપૂ ની વ્યવસ્થા કર્યા બાદ ગોરલબાએ સૌથી પહેલું કામ જ આ કર્યું હતું કે  તું એક શરાફત ની જિંદગી જીવી શકે,.. ભાઈ છું તું પૂનમનો,.. પૂનમને તારાથી દૂર તારા વિનાનું જીવન અનાથ જેવું લાગતું હતું,.. હું સતત કોશિશ કરતી હતી મારી આશાને જીવતી રાખીને પૂનમ ને સાંભળી શકું,.. એને સાંત્વન આપી શકું - કે - તું આવીશ, જરૂર આવીશ,..  અને એ બા અને પૃથ્વી,.. એ માં-દીકરો પણ પૂનમ ને જરાયે દુઃખી જોઈ શકતા નહોતા, એટલે ગોરલબાએ વિક્રમસિંહ ને કહીને પ્રભાતસિંહ ને તૈયાર કર્યો,..  " થોડું થોભીને એણે આગળ ચલાવ્યું, "પણ તું ના આવ્યો, વિશાલ,.. " 

 

"એટલે, તું એમ કહેવા માંગે છે કે આ બધું,...  ... ... " 

 

"હા,... આ બધું ગોરલબાએ ગોઠવ્યું હતું,.. વિક્રમસિંહ ના દ્વારા એના ભાણીયા નો બંદોબસ્ત કરી ને એને બાદશાહ ની ગેંગ માં તારા ભળ્યા પહેલા જ શામિલ કર્યો હતો,.. ઔર તો ઔર એ ન્યૂઝ પેપર પણ વિક્રમસિંહ નો ભાણિયો જ બાદશાહ પાસે લઇ ને આવ્યો હતો,..  " 

 

"તો પ્રભાત સિંહ ,.... બાદશાહ ની ગેંગ માં,...... ..... "

 

"હા, હવેલી ની લૂંટ બાદશાહ સિવાય બીજા કયા ભડના દીકરાએ કરી છે એ વાત થી બાદશાહ  ધુંઆપુંઆ થઇ ગયો હતો,.. બાદશાહ ને ટક્કર આપે એવો જ બાદશાહ જેવો બીજો કોણ હતો એ વાત ને જાણવા માટે જ બાદશાહે પ્રભાતસિંહ ને પોતાની ટુકડીમાં ભેળવી દીધો,.. તને મળ્યો એના થોડા કલાકો પહેલા જ ,.. "

 

" તો આ વિક્રમ સિંહે બનાવેલો પ્લાન હતો ? અને ગોરલબા થી એ છાનો પણ નહોતો,.. ?" 

 

"ના,.. ન્યૂઝ પેપર અને તૂ બન્ને બાદશાહ સમક્ષ એકસાથે રજુ કરીને પ્રભાત સિંહ બાદશાહ ની ગેંગમાં આરામથી શામિલ થઇ શક્યો હતો,..  એટલું જ નહિ, વિક્રમસિંહની પ્રભાત સિંહને સ્પષ્ટ સૂચના હતી,...- કે -  વિશાલ પાછો ફરે તો એનું કામ ત્યાં જ પૂરું થઇ જતું હતું,. " 

 

"ઓહ્હ્હ,... હવે સમજ્યો,... હું પાછો ના ફર્યો એટલે પ્રભાત સિંહ મારી માટે, બાદશાહ ની ટોળીમાં મારી સાથે જ રહ્યો,.. ... " - વિશાલને હવે આખી સાંકળ સમજાવા લાગી હતી,... 

 

"એટલે જ કહેતી હતી વિશાલ, કે તું નથી સમજતો .... કશું જ નથી સમજતો,.. " 

 

"માફ કર આસ્થા,... હું સાચે જ ના સમજી શક્યો,... કશું જ ના સમજી શક્યો,.. ભણ્યો, પણ ગણ્યો નહિ,... અગર આટલી સાદી  વાત એ દિવસે સમજાઈ ગઈ હોત, અને પાછો આવી ગયો હોત તો જિંદગી જુદી જ હોત,.. હું ગુનેહગાર છું તમારા બન્ને નો,.. "   

 

"હવે ધ્યાન થી સાંભળ,... " - આટલું કહીને આસ્થા જાણે વિશાલને આઠ વર્ષ પહેલા ના સમય માં સફર કરવા લઇ ગઈ,...  એના એક એક વાક્ય સાથે બન્ને ની સામે જાણે એક ચિત્રપટ ઉપસાવા લાગ્યું,.. આઠ વર્ષ પહેલાની પૂનમ સાથે થઇ રહેલી તમામ ઘટનાઓ ને સાફ સાફ જોવા  માટે વિશાલ સમર્થ થવા લાગ્યો,.. 

 

હવેલી માંથી જતા જતા પૂનમ તરફ કરેલી એ છેલ્લી નજર એને યાદ આવી ગઈ,... 

"પૂનમ,.... " એ માત્ર એટલું જ બોલી શક્યો હતો,... જયારે એ આઠ વર્ષ પહેલા ભાગ્યો હતો,..

 

~~~~~~~~