tara gulabi galna khanjan mane game chhe books and stories free download online pdf in Gujarati

હાસ્ય લહરી - ૮૪

તારા ગુલાબી ગાલના ખંજન મને ગમે છે...!

 


તારાં ગુલાબી ગાલના ખંજન મને ગમે છે
એ ખંજનમાં મહાલવા મંથન મને ગમે છે
ઘોર કાળી રાતમાં હું ચાંદને શોધતો રહ્યો
શમણું તોડી વહી ગઈ અંજન મને ગમે છે

રખે ભરમાતા કે હું કોઈ મસ્ત માશુકાની કહાની કરવાનો છું. મારે વાત કરવી છે, ગુલાબી-ગુલાબી વાનવાળી ૨૦૦૦ ની નોટની..! ૨૦૦૦ ની નોટ જ્યારથી જાહેર જીવનમાંથી ઉકલી ગઈ, એના આ હાસ્ય-મરશીયા છે. કહો કે, મંગલ-મસ્તી છે. તમે ચમનીયાને તો ઓળખો. એની પાસે ગાદલા ભરાય એટલી ૨૦૦૦ ની નોટ મુદ્દલે નહિ. સમ ખાવા પુરતી માત્ર એક જ ૨૦૦૦ ની નોટનો આસામી. પણ એક નોટનો આસામી હોવાં છતાં, ૨૦૦૦ ની નોટ ઉંચકાય ગઈ એમાં એની ડાકલી ખસી ગઈ..! એ ચમન-ચુલ્લુ ઉકરડે ઉબડો પડીને આવી કવિતા લખી, કવિ થવાનાં માર્ગે હાંફી રહ્યો છે..! કોયલ જાણે કાગડી બની ગઈ હોય, કે જણસ જેવી ગર્લફ્રેન્ડ જલસા કરીને કોઈ જેન્તીલાલ સાથે ભાગી ગઈ હોય એમ, બેહાલ બનીને અંગારાની ઉલટી કરે છે બોલ્લો..! કહેવાય છે ને કે, નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ, એમ નાથાલાલનો પાયરી ઉતાર થયો હોય, ને નથ્થુ નાથિયો બની ગયો હોય એમ એ ઉકળે..! છણકો કરીને પત્ની અનેકવાર પિયર પલાયન થયેલી, ત્યારે પણ જે નસ નહિ ખેંચાયેલી એ બધી નસો ૨૦૦૦ ની નોટ ખેંચાવાથી જાણે સુક્કી ભટ્ઠ થઇ ગઈ..! આશ્ચર્ય તો મને પણ થાય કે, સમ ખાવા પુરતી માત્ર ૨૦૦૦ ની એક જ નોટનો આસામી હોવાં છતાં, એને આટલો ફફડાટ કેમ..? ગાડાઓ ભરાય એટલી ૨૦૦૦ ની નોટ હોય, ને આવાં ડાકલાં વગાડે તો માની લેવાય કે, માણસની ડાકલી ખસે. અરમાનો લકવા ગ્રસ્ત બની જાય. પણ મૂળ વાત એવી કે, ૨૦૦૦ ની એક જ નોટનો આસામી હોવા છતાં, એ ભરપૂર જાહોજલાલી ભોગવતો. જેમ ચમનીયો ક્યાંય નહિ ચાલે, એમ એની આ એક જ ૨૦૦૦ ની નોટ પણ નહિ ચાલે. એ પણ ખોટો ને એની નોટ પણ ખોટી..! એક માત્ર ૨૦૦૦ ની ખોટી નોટની મૂડીમાં, તો એ કેટલાય સમયથી મિત્રો સાથે લીલાલહેર અને મંગલ મસ્તી કરતો. જ્યારે જ્યારે પણ મિત્રો સાથેની મહેફિલમાં ચુકવણું કરવાનું આવે ત્યારે મોટા ઉપાડે, એ ૨૦૦૦ ની નોટ કાઢતો, પણ ખોટી નોટ હોવાથી કોઈ સ્વીકારતું નહિ, એટલે સાથે આવેલા મિત્રોના માથે હવાલા પડતા, અને એ મફત-લાલ સામેવાળાની લાલ કરતો. બસ..! એ જાહોજલાલી ખાક થઇ ગઈ એનો એને દુખાવો.! સમાજમાં આવાં તો ઘણાં ચમનીયા ઘણાને ભટકાયા હોય. ૨૦૦૦ ની નોટ મેદાન છોડી ગઈ એમાં તો જાણે કોઈએ ઘરવાળીને કાયમ માટે ઉઠાવી લીધી હોય એટલો અફસોસ કરે છે બોલ્લો..!
સમાજમાં આવાં ઘણાં ચમનીયા હશે, આ તો એક નમૂનો..! આવાં ને કોણ ઉપદેશ આપે કે, ‘ફૂટડા..! જેટલી સંઘરી છે, એટલી જ આપણી છે, એવો અહોભાવ નહિ રાખવાનો..! પદ્મશ્રી અવિનાશભાઈ વ્યાસનું પેલું ભજન યાદ કરવાનું કે, ‘રાખના રમકડાં મારા રામે ‘ભમતા’ રાખ્યા રે..! (મને પણ ખબર છે કે, આ ‘ભમતા’ નહિ, ‘રમતા’ શબ્દ આવે..! પણ પાણી માંથી મલાઈ શોધવાના આયામ હજી શાંત થયાં લાગતા નથી..! ) યાર..! ૨૦૦૦ ની આખેઆખી નોટ ખેંચાઈ જાય પછી, કોઈ રમતા હશે..? એને રમતા નહિ, ‘ભમતા’ જ કહેવાય ચીટકું..! ભગવાન શ્રી કૃષ્ણે ગીતાના બીજા અધ્યાયના ૨૭ માં શ્લોકમાં સ્પષ્ટ કહ્યું છે કે, ‘જે જન્મ લે છે, એનું મૃત્યુ નિશ્ચિત છે. અને મૃત્યુ પામેલા ફરી નવો દેહ લઈને જન્મ ધારણ કરે. છતાં લોકો રાડ્યું પાડે છે કે, સરકારની લીલા સમજાતી નથી. કેમ ભૂલી જાય છે કે, ૫૦૦-૧૦૦૦ ની નોટ જેમ ગઈ, ને ૨૦૦૦ ની નોટનો દેહ લઈને ફરીથી આવી, એમ હવે, ૨૦૦૦ ની નોટ ગઈ તો ભલે ગઈ, કદાચ ૫૦૦૦ ની નોટનો દેહ લઈને ફરીથી પણ આવે..! કરોડો વર્ષથી આવું તો ચાલી આવે છે. રાણી છાપ ચાંદીના રૂપિયાનું અસ્તિત્વ નથી રહ્યું તો, કાગળના ટુકડા કઈ ખેતરની મુળી ? માટે ઉકળાટ નહિ કરવાનો..! સૌ સારા વાના થશે..! સાવ અશ્રદ્ધાળુ નહિ બનવાનું..! એમ કહો કે, જે નોટનું ‘babby sitter’ હજી હમણાં જ પૂરું થયું, એ સાત વર્ષનું બાળક ભર ઉનાળે, ભર કેરી ગાળામાં ને ભર બાળપણે ચાલી ગયું, એની અમને વેદના છે. કેરીગાળામાં નોટનો વિલય થવાથી, હાલત કેરીનો રસને બદલે કારેલાનો રસ પીતા હોય એવી થઇ ગઈ.! ફૂટડા.! માણસ જેવાં રાખના રમકડાંએ દેહ બદલવા માટે ભમવું પડે, એમ નોટોએ પણ ભટકવું પડે મોટાભાઈ..! માણસ પણ એક પ્રકારની નોટ જ છે ને..? ભલે ૭ વર્ષમાં ૨૦૦૦ની નોટનું દેહાંત થયું, પણ એક વાત શીખવાની મળી કે, મોટી નોટ સાથે હંમેશા માપના જ સંબંધ રખાય..! એ ક્યારે દગો દે એનો ભરોસો નહિ..! આત્મા ક્યારેય મરતો નથી, એમ એ પાછી આવશે. એનાં આઘાતમાં પીલ્લેલા મરઘા જેવાં છોગીયાં મોંઢા લઈને માણસથી ફરાય નહિ..! સંતો કહેવાનું ભૂલી ગયાં છે કે, ‘સહન શક્તિ વગર લીલાલહેર આવતી નથી..!’
કોઈએ સાચું જ લખ્યું છે કે, ‘ ભમતાં રહેવું, ભમતા રહેવું ભમતા રહેવું રે, અગમ અગોચર અલખના દેશમાં સહેતા રહેવું રે..!’ નિરાશ નહિ થવાનું ફડકુ..! ભ્રષ્ટાચાર મુક્ત દેશ બનાવવો હોય તો આવાં કડવા ઘૂંટડા પણ પીવા પડે. પણ એની જાતને સમજે છે કોણ..? ૨૦૦૦ ની નોટ ખેંચાય ગઈ એમાં રતનજીના મગજે એવો તાવો ચઢી ગયો કે, બેંકના ઓટલે નોટનું બેસણું રાખ્યું, ને ઉછળી-ઉછળીને ભાષણ કર્યું કે...

પ્રિય, સહનશીલ સજ્જનો અને સહનશીલ સન્નારીઓ..! ચીકની ચમેલી જેવી ગુલાબી-ગુલાબી વાન ધરાવતી, ૨૦૦૦ની નોટ સાત વર્ષની કાચી ઉમરમાં સૌને ઘેલું લગાડીને જતી રહી, એનાથી સૌને આઘાત લાગ્યો હશે. એનો નીજી સ્વભાવ કેવો પરદુઃખ ભંજક હતો ? પરચૂરણ તો ખિસ્નીસામાં ભાર આપતું, ત્યારે આ તો વ્હાલસોયા બાળકની જેમ ખિસ્સામાં પ્રેમથી સમાય જતી. કોઈના ખિસ્સા ભરવામાં પણ ક્યારેય ખચકાટ નહિ કરતી. કાળનું કરવું, એ આપણી વચ્ચે હવે રહી નથી. એની બેંક-યાત્રામાં સ્મશાન યાત્રા જેટલો સ્વજનભાવ સૌએ બતાવ્યો એની હું જાહેરમાં કદર કરું છું. ભગવાનને એટલી જ પ્રાર્થના કરવાની કે, એમનો આત્મા જ્યાં હોય ત્યાં પરમ શાંતિ પામે. બાકી ગરીબના નસીબ તો ગરીબ જ રહેવાના. પરચુરણની કોઈ કીમત ન હોવા છતાં, એને ઊંચકી લેવાને બદલે, કાચી ઉમરે બળવાન-મુલ્યવાન-અને ઘર જમાઈ જેવી ૨૦૦૦ ની નોટ દુનિયામાંથી ઉઠી જાય એ આઘાત નાનો સુનો નથી. સરકારને જે ગમ્યું તે ખરું..! એમના જવાથી અમારી સંગ્રહખોરી-ભ્રષ્ટાચારી-દુરાચારી નીતિને ભારે અસર થઇ છે, પણ કરીએ શું..? પહેલાં ૧૦૦૦ અને ૫૦૦ ની નોટે વિદાય લીધી, હવે ૨૦૦૦ ની નોટ પણ અમારી વચ્ચેથી બાળ મરણમાં ચાલી ગઈ. સરકારને એટલી જ પ્રાર્થના કરવાની કે, બીજી નોટ છાપો કે નહિ છાપો એ તો આપના હાથની વાત છે, પરંતુ હે શ્રેષ્ઠીઓ...! નોટને પુનર્જન્મ આપો ત્યારે એક વાત ખાસ ધ્યાનમાં લેજો કે, જેમ મોટાં ‘વ્યવહાર’ માટે ૨૦૦૦ ની નોટ તારણહાર હતી, એમ માંગલિક વ્યવહાર સાચવવા અમને ૧૫૧ અને ૨૫૧ ની બહુ તકલીફ રહે છે, માટે ૧૫૧ અને ૨૫૧ ની નોટનું સર્જન કરજો. જેથી ચાંલ્લાઓ કરવામાં અમને દુવિધા નહિ રહે..! અસ્તુ..!!
લાસ્ટ ધ બોલ

રતનજી બેંકમાં ૨૦૦૦ની નોટ બદલાવવા ગયા. અને જોરથી બુમ પાડી બોલ્યા, ‘કોઈનું રબર બેન્ડથી બાંધેલું નોટનું બંડલ ખોવાયું છે?’

દશ પંદર જણાએ કહ્યું, ‘હા મારું ખોવાયું છે..!’

રતનજી કહે, ’બંડલ તો કોઈ લઇ ગયું છે, પણ આ રબર બેન્ડ મને મળ્યું છે, લઇ લો..!’

તારા કપાળમાં કાંદા ફોડું..!

----------------------------------------------------------------------------------------------------------------------------------------