Shamanani Shodhama - 40 books and stories free download online pdf in Gujarati

શમણાંની શોધમાં - પ્રકરણ 40

          દસેક દિવસ બાદ શ્યામ પઠાનકોટથી નીકળ્યો. ચાર્મિએ એ દસ દિવસ એને ખાસ રિવોલ્વરથી નિશાન લગાવતા શીખવ્યું હતું. એને વિકટર કે એના માણસોનો એટલો ડર ન હતો પણ છતાં એ સાવધાની રાખી રહ્યો હતો. ચંડીગઢથી અમદાવાદની ફ્લાઈટ ટીકેટ ચાર્મિએ બુક કરાવી દીધી હતી. ચાર્મિ એનો ખુબ જ ખ્યાલ રાખતી હતી. પઠાનકોટથી ચંડીગઢ સુધી એ બસમાં પહોચ્યો. ચંડીગઢ પહોચ્યો ત્યારે બપોરના ચારેક વાગ્યા હતા.

          એ સતારા બસ સ્ટેશનથી બહાર નીકળ્યો. અર્ચનાને એ પ્રથમવાર મળ્યો એ મોટા ઝાડ અને મંદિર આગળ એના પગ અનાયાસે જ અટકી ગયા. શ્યામ છેલ્લી નજર કરીને એ જગ્યાને આંખોમાં ભરી લેવા લાગ્યો. શ્યામની આંખમાંથી બે આંસુ ખર્યા. એ મનોમન બબડ્યો, “ગુડ બાય.”

          એ ફરી આ જગ્યાએ આવવા માંગતો ન હતો. એણે ચાલવા માંડ્યું. શ્યામને ફરીવાર પાછળ એક નજર કરવાનું મન થયું પણ એણે પાછળ જોયું નહિ. એ હવે ફરી આ જગ્યાએ કયારેય આવવા માંગતો ન હતો. એ પઠાનકોટથી જ નક્કી કરીને નીકળ્યો હતો કે એ હવે ક્યારેય હરિયાણા પંજાબ સામે નકશામાં પણ નજર નહિ કરે. પણ એનું નસીબ કંઇક અલગ જ વિચારતું હતું.

          ચાર્મિને આપેલું વચન કે પોતે એકવાર ગુજરાત જઈને પાછો આવશે એ તોડવાનું હતું કેમકે શ્યામના દિલમાં અર્ચના સિવાય બીજા કોઈ માટે જગ્યા ન હતી. વચન તોડવા માટે એણે અફસોસ થતો હતો પરંતુ એની જોડે ત્યારે અફસોસ કરવા માટે બીજી પણ ઘણી બાબતો હતી એટલે એ અફસોસ એને કઠયો નહી.

          ગરમીના કારણે ચંદીગઢના રસ્તા નિર્જન લાગતા હતા. વિચારો ખંખેરી એણે ઓટો રોકવા હાથ કર્યો. એક બે ઓટો એમ જ નીકળી ગઈ. ત્યાર બાદ એક ડ્રાયવરે બ્રેક કરી.

          “એરપોર્ટ.” શ્યામે કહ્યું.

          “સાબ. ઉધર હી જા રહા હું પર રાસ્તે મેં બેબી બાઝાર મોલ પે થોડા કામ હે જલ્દી ન હો તો બેઠ જાઈએ.”

          “કિતની દેર લગેગી?”

          “દસ યા બીસ મિનીટ રુકના હે.”

          “ઠીક હે.” શ્યામ ઓટોમાં ગોઠવાયો. એને દસ વીસ મિનિટથી કોઈ ફરક પડે એમ ન હતો.

                                                                                                           *

          દિલ્હી મેરી મી ડોટ કોમની નોકરી છોડીને પોતાના પતી સાથે ચંડીગઢ સેટલ થયેલી અંજલિ ધીમન ઘરની બહાર નીકળતા હજુ પણ ડરતી હતી.

          અંજલિ ધીમન રોડ પરના ટ્રાફિકને ચીરતી જઇ રહી હતી. એના હાથમાં એનું દસેક મહિનાનું બાળક તેડેલું હતું. એના ચાલવા પરથી જ દેખાઈ આવતું હતું કે એ બહુ ઉતાવળમાં હતી. કદાચ એનું કે એના કોઈ અન્ય વ્યક્તિનું જીવન જોખમમાં હોય અને એના ક્યાંક પહોચી જવાથી બધું ઠીક થઇ શકે તેમ હોય એવી ગતિએ એના પગ ફૂટપાથ પર ચાલતા હતા.

          એના ચહેરા પરના ડરના ભાવ જોઈ એમ જ લાગી રહ્યું હતું કે કદાચ એનું પોતાનું જીવન જોખમમાં હતું.

          એનું જીવન જોખમમાં હતું. એ જયારે સેકટર સત્તર અને એરપોર્ટ ને જોડતા માર્ગ પર આવેલ બહુમાળી કોમ્લેક્ષના બેબી બાઝાર મોલમાંથી બહાર નીકળી એ સમયે જ એની નજર મોલથી દસેક યાર્ડ દુર પાર્ક થયેલ કાળી વાન તરફ ગઈ હતી. અંજલિ એ વાનને ઓળખતી હતી એ એના બોસ વીરપ્રીત સર ઉર્ફે વિકટરની હતી. વિક્ટરની વાન જોઈ એ પોલીસને ફોન કરી શકતી હતી પણ એ જાણતી હતી કે એનો કોઈ ફાયદો ન હતો. કદાચ વિક્ટરની વાન કોઈ બીજા કામથી ત્યાં આવી હોય તો?

          તો એ નકામું વિકટર જેવા માણસ સાથે વેર બાંધી લેવા માંગતી નહોતી. આમ પણ એણીએ વિકટર સાથે ઘણી છેતરપીંડી કરી હતી. એ ટ્રેચરી બદલ પણ વિક્ટર એની જાન લઈ લે એટલી ભૂલ તો એ કરી જ ચુકી હતી. હવે એ વિકટર સામે બળવો કરી એની ખુલ્લી દુશ્મની વહોરી લેવા માંગતી નહોતી.

          એ ઉતાવળે પગલે ઓટો સ્ટેન્ડ તરફ જવા લાગી.

          એ ભીડને ચીરતી પોતાના દસેક મહિનાના બાળકને છાતીએ ચાંપી એના માટે ખરીદી કરેલ હતી એ શોપિંગ બેગ બીજા હાથમાં દબાવી ઉતાવળે પગલે ઓટો સ્ટેન્ડ નજીક પહોચી. એ સાથે જ તે વાન તેની પાસે આવી ઉભી રહી. એને પૈડાની ચિચિયારીનો અવાજ સંભળાયો.

                                                                                                               *

          શ્યામ  સેકટર સત્તરથી એરપોર્ટ જવા માટે ઓટોમાં નીકળ્યો હતો. ઓટો ડ્રાયવરને એ મોલ સામેના ઓટો સ્ટેન્ડ પર ઉભા રહેતા પોતાના મિત્ર ડ્રાયવર સાથે કોઈ કામ હતું માટે એણે સવારી લેતા પહેલા જ શ્યામ સાથે વાત કરી લીધી હતી કે આમ પણ એને એ તરફ જ જવું છે પણ એ વચ્ચે બેબી બઝાર આગળના ઓટો સ્ટેન્ડ પર ઉભી રાખશે.

          શ્યામને એની શરત માનવામાં કોઈ વાંધો નહોતો. એણે ત્રણ મહિના કાળ કોટડીમાં અને ત્રણ મહિના આર્મીની નિગરાનીમાં વિતાવ્યા હતા. કદાચ હવે કંટાળો નામનો શબ્દ એની ડીક્ષનરીમા રહ્યો જ નહોતો.

          શ્યામ જે ઓટોમાં બેઠો હતો એના ડ્રાયવરે બેબી બાઝાર સામેના ઓટો સ્ટેન્ડ પર ઓટો રોકી એ જ સમયે અંજલિ નજીક પહોચેલી પેલી કાળી વાનનો દરવાજો ખુલ્યો. અંજલી કોઈ પ્રતિકાર કરી શકે એ પહેલા એમાંથી બહાર આવેલા બલબીરે તેના હાથમાંથી તેનું બાળક છીનવી લીધું. આસપાસ રહેલા લોકો કઈ સમજી શકયા નહિ કે શું થઈ રહ્યું હતું.

          અંજલી પાસે ચુપચાપ વાનમાં બેસી જવા સિવાય કોઈ રસ્તો નહોતો. એ વેનમાં દાખલ થઇ અને વાન ફરી ગતિમાં આવી એ પહેલા શ્યામ ઓટોમાંથી ઉતરી એ તરફ આગળ વધવા લાગ્યો હતો.

          એ કીડનેપીંગ એટલું કોલ્ડ બ્લડ હતું કે એને જોનારા પણ સમજી શકયા નહોતા. અંજલિ કોઈ પ્રતિકાર વિના વાનમાં બેસી ગઈ એ જોઈ મોટા ભાગના લોકોએ તો એ કીડનેપને પતિ પત્ની વચ્ચેના ઝઘડા તરીકે મિસ અન્ડર સ્ટેન્ડ કરી લીધું હતું. એમને કઈ સમજાયું ન હતું પણ શ્યામ સમજી ગયો કે એ કોઈ પતિ પત્નીનો ઝઘડો ન હતો કેમકે એણે અંજલીના હાથમાંથી બાળક છીનવી લેનાર બલબીરને ઓળખી લીધો હતો.

          એ બલબીર ને કઈ રીતે ભૂલી શકે કાળ કોટડીમાં શ્યામને હફ્તાઓ સુધી ટોર્ચર કરનાર બલબીર હતો. શ્યામ બલબીરને નામથી નહિ પણ કામથી જાણતો હતો. એ અંજલીને ઓળખતો નહોતો પણ બલબીરને જોતા જ એ સમજી ગયો કે આ કીડનેપીંગ છે. આવી જ રીતે અર્ચનાને ઉઠાવી હશે અને પછી...

          એ આગળ અર્ચના વિશે વિચારી ન શક્યો પણ એની આંખોમાં તણખા જરવા લાગ્યા, બદલાના આવેગો એની નશોમાં વહેતા લોહી સાથે ભળીને ઉશ્કેરવા લાગ્યા.

          પરંતુ શ્યામ વાન પાસે પહોચે એ પહેલા વાને ગતિ પકડી લીધી હતી. શ્યામ પાસે ચાર્મિએ આપેલી ગન હતી. શ્યામે ગન બહાર નીકાળી અને વાન તરફ એન કરી પણ એ જાણતો હતો કે હવે ગોળી બગાડવાનો કોઈ અર્થ નહોતો.

          શ્યામ વેનને બદલે બેબી બાઝાર આગળ પાર્ક થયેલ સફેદ હોન્ડા સીટી તરફ આગળ વધ્યો. હોન્ડાસીટીમાં એક પંજાબી પોતાની ધૂનમાં વ્યસ્ત પોતાની પત્ની મોલમાંથી ખરીદી કરીને બહાર આવે એની રાહ જોતો હતો.

          “બહાર નીકલ બે કુત્તે.” અવાજ સંભળાતા જ પત્નીની રાહ જોતો પંજાબી ચોક્યો. પત્નીના મીઠા શબ્દોની રાહ જોતા એ પંજાબી માટે હની કે ડાર્લિંગને બદલે કુત્તે શબ્દ અણધાર્યો હતો.

          “કિસકો.” પંજાબી કાઈ ખાધો જાય એમ ન હતો કિસકો બોલતા હે કહીને એ ગાળ દેવા જતો હતો પણ વાક્ય પૂરું કરે એ પહેલા જ વધેલી દાઢી મુછ વાળા શ્યામની લાલ આંખો અને હાથમાં રહેલી ચમકતી સ્ટીલની ગન ઉપર નજર પડતા જ એ ચોકી ગયો.

          શ્યામે હાથના ઈશારે એને પેલી તરફના દરવાજેથી નીકળવા કહ્યું. પેલો તરત નીકળી ગયો.

          શ્યામે ડેશબોર્ડમાં ગન મુકતા કારમાં ગોઠવાયો અને કારને વાન જે તરફ ગઈ હતી એ તરફ ફેરવી. એ ટીચર હતો એના મેનર ન ભૂલી શકયો. એણે જતા પહેલા એ પંજાબીને થેન્ક્સ કહ્યું અને સફેદ હોન્ડા સીટી જરૂરી અંતર જાળવતી એ કાળી વાનનો પીછો કરવા લાગી.

          પંજાબીને કુત્તે જેવો શબ્દ બોલ્યો એ બદલ એને અફસોસ થતો હતો પણ એ જાણતો હતો કે વિનંતી કરવાથી ગાડી નથી મળવાની. અને ગનની બુલેટ ખાવા કરતા કુત્તે જેવી ગાળ ખાવી પંજાબી માટે ફાયદાકારક હતું.

ક્રમશ:

Share

NEW REALESED