Mangal Prabhat - 7 - Last part books and stories free download online pdf in Gujarati

મંગળ પ્રભાત - 7 - છેલ્લો ભાગ

(7)

૧૫. વ્રતની આવશ્યકતા

તા. ૧૪-૧૦-’૩૦

મંગળપ્રભાત

વ્રતના મહત્ત્વ વિશે હું છૂટુંછવાયું આ લેખમાળામાં લખી ગયો હોઇશ. પણ વ્રતો જીવન બાંધવાને સારુ કેટલાં આવશ્યક છે એ વિચારવું યોગ્ય લાગે છે. વ્રતો વિશે લખી ગયો એટલે હવે તે વ્રતોની આવશ્યકતા વિચારીએ.

એવો એક સંપ્રદાય અને તે પ્રબળ છે, જે કહે છે : ‘અમુક નિયમોનું પાલન કરવું ઉચિત છે, પણ તે વિશે વ્રત લેવાની આવશ્યકતા નથી, એટલું જ નહીં પણ તે મનની નબળાઇ સૂચવે છે. હાનિકારક પણ હોય. વળી વ્રત લીધા પછી એવો નિયમ અગવડરૂપ લાગે, અથવા પાપરૂપ લાગે તોયે તેને વળગી રહેવું પડે એ તો અસહ્ય છે.’ તેઓ કહે છે : ‘દાખલા તરીકે, દારૂ ન પીવો સારું છે તેથી ન પીવો સારું છે તેથી ન પીવો, પણ કોઇ વાર પિવાયો તો શું થયું ? દવા તરીકે તે પીવો જ જોઇએ. એટલે તે ન પીવાનું વ્રત એ તો ગળે હાંસડી ઘાલ્યા જેવું થાય. અને જેમ દારૂનું તેમ બીજી બાબતમાં. અસત્ય પણ ભલાવને સારુ કાં ન કહીએ ? મને આ દલીલોમાં વજૂદ લાગતું નથી. વ્રત એટલે અડગ નિશ્ચય. અગવડોને ઓળંગી જવા સારુ તો વ્રતોની આવશ્યકતા છે. અગવડ સહન કરે છતાં તૂટે નહીં તે જ અડગ નિશ્ચય ગણાય. એવા નિશ્ચય વિના માણસ ઉત્તરોત્તર ચડી જ ન શકે એમ આખા જગતનો અનુભવ સાક્ષી પૂરે છે. જે પાપરૂપ હોય તેનો નિશ્ચય એ વ્રત ન કહેવાય. એ રાક્ષસી વૃત્તિ છે. અને અમુક નિશ્ચય જે પુણ્યરૂપે જણાયો હોય તે આખરે પાપરૂપ સિદ્ધ થાય તો તે છોડવાનો ધર્મ અવશ્ય પ્રાપ્ત થાય છે. પણ એવી વસ્તુને વિશે વ્રત કોઇ લેતું નથી, લેવું જોઇએ નહીં. જે સર્વમાન્ય ધર્મ ગણાયો છે પણ જે આચરવાની આપણને ટેવ નથી પડી તેને વિશે વ્રત હોય. ઉપરના દૃષ્ટાંતમાં તો પાપનો આભાસ માત્ર હોય. સત્ય કહેતાં કોઇને હાનિ થઇ જશે તો ? એવો વિચાર સત્યવાદી કરવા ન બેસે. સત્યની આ જગતમાં કોઇને હાનિ થતી નથી ને થવાની નથી, એવો પોતે વિશ્વાસ રાખે. તેમ જ મદ્યપાનને વિશે કાં તો એ વ્રતમાં દવા તરીકે અપવાદ મૂક્યો હોય, અથવા ન મૂક્યો હોય તો શરીરનું જોખમ વહોરવાનો વ્રતની પાછળ નિશ્ચય હોય. દવા તરીકે પણ દારૂ ન પીવાથી દેહ જાય તોયે શું ! દારૂ લેવાથી દેહ રહેશે જ એવો પટ્ટો કોણ લખાવી શકે છે ? અને તે ક્ષણે દેહ નભ્યો ને બીજી જ ક્ષણે કોઇ બીજા કારણસર જાય તેનું જોખમ કોને માથે ? અને એથી ઊલટું, દેહ જતાં પણ દારૂ ન લેવાના દૃષ્ટાંતની ચમત્કારિક અસર દારૂની બદીમાં ફસાયેલા મનુષ્યો ઉપર થાય એ જગતને કેટલો બધો લાભ છે ! દેહ જાઓ અથવા રહો, મારે તો ધર્મ પાળવો જ છે એ ભવ્ય નિશ્ચય કરનારા જ ઇશ્વરની ઝાંખી કોઇ કાળે કરી શકે છે. વ્રત લેવું એ નબળાઇ સૂચક નથી પણ બળસૂચક છે. અમુક વસ્તુ કરવી ઉચિત છે તો પછી કરવી જ એનું નામ વ્રત. અને એમાં બળ છે. પછી આને વ્રત ન કહેતાં બીજે નામે ઓળખો તેની હરકત નથી. પણ ‘બનશે ત્યાં લગી કરીશ’ એમ કહેેનારા પોતાની નબળાઇનું અથવા અભિમાનનું કરીશ’ એમ કહેનારા પોતાની નબળાઇનું અથવા અભિમાનનું દર્શન કરાવે છે, ભલે તેને પોતે નમ્રતાને નામે ઓળખાવે. એમાં નમ્રતાની ગંધ સરખીયે નથી. ‘બંને ત્યાં સુધી’ વચન શુભ નિશ્ચયોમાં ઝેર સમાન છે એમ મેં તો મારા પોતાના જીવનમાં પહેલી અગવડે પડી જવું. ‘સત્ય બને ત્યાં સુધી પાળિશ’ એ વાક્યનો અર્થ જ નથી. વેપારમાં ક્યાંયે બને ત્યાં સુધી અમુક તારીખે અમુક રકમ ભરવાની ચિઠ્ઠીનો ક્યાંયે ચેક એ હૂંડીરૂપે સ્વીકાર નહીં થાય. તેમ જ બને ત્યાં લગી સત્ય પાળનારની હૂંડી ઇશ્વરની દુકાને વટાવી નહીં શકાય.

ઇશ્વર પોતે નિશ્ચયની, વ્રતની સંપૂર્ણ મૂર્તિ છે. એના કાયદામાંથી એક અણુ પણ ફરે તો એ ઇશ્વર માટે. સૂર્ય મહાવ્રતનધારી છે, તેથી જગતનો કાળા નિર્માણ થાય છે ને શુદ્ધ પંચાંગો રચી શકાય છે. તેણે એવી શાખ પાડી છે કે તે હમેશાં ઊગ્યો છે ને હમેશાં ઊગ્યા કરશે, ને તેથી જ આપણે આપણાને સુરક્ષિત માનીએ છીએ. વેપારમાત્રનો આધાર એક ટેક ઉપર રહ્યો છે. વેપારીઓ એકબીજા પ્રત્યે બંધાય નહીં તો વેપાર ચાલે જ નહીં. આમ વ્રત સર્વવ્યાપક વસ્તુ જોવામાં આવે છે. તો પછી જ્યારે આપણે પોતાનું જીવન બાંધવાનો પ્રશ્ન ઊઠે, ઇશ્વરદર્શન કરવાનો પ્રશ્ન રહ્યો છે, ત્યાં વ્રત વિના કેમ ચાલી શકે ? તેથી વ્રતની આવશ્યકતા વિશે આપણા મનમાં કદી શંકા ન જ ઊઠો.

પરિશિષ્ટ

વ્રતવિચારના અભ્યાસીને ઉપયોગી થશે થશે એમ માની આશ્રમની નિયમાવલિમાંથી નીચેનો ભાગ આપવામાં આવ્યો છે.

૧.સત્ય

સામાન્ય વહેવારમાં અસત્ય ન બોલવું કે ન આચરવું એટલો જ સત્યનો અર્થ નથી. પણ સત્ય એ જ પરમેશ્વર છે ને તે સિવાય બીજું કશું નથી. એ સત્યની શોધ અને પૂજાને અંગે જ બીજા બધા નિયમોની આવશ્યકતા રહે છે અને તેમાંથી જ તેમની ઉત્પત્તિ છે. આ સત્યના ઉપાસક પોતે દેશહિતને સારુ પણ અસત્ય નહીં બોલે, નહીં આચરે. સત્યને અર્થે તે પ્રહ્રલાદની જેમ માતાપિતાદિ વડીલોની આજ્ઞાનો પણ વિનયપૂર્વક ભંગ કરવામાં ધર્મ સમજે.

૨. અહિંસા

પ્રાણીઓનો વધ ન કરવો એટલું જ આ વ્રતના પાલનને સારુ બસ નથી. અહિંસા એટલે સૂક્ષ્મ જંતુઓની માંડીને મનુષ્ય સુધી બધા જીવો પ્રત્યે સમભાવ. એ વ્રતોનો પાલક ઘોર અન્યાય કરનાર પ્રત્યે પણ ક્રોધ ન કરે, પણ તેના ઉપર પ્રેમભાવ રાખે, તેનું હિત ઇચ્છે ને કરે, પણ પ્રેમ કરતો છતો અન્યાયીના અન્યાયને વશ ન થાય, અન્યાયનો વિરોધ ને તેમ કરતાં તે જે કષ્ટ આપે તે ધીરજપૂર્વક અને અન્યાયીનો દ્ધેષ કર્યા વિના સહન કરે.

૩. બ્રહ્મચર્ય

બ્રહ્મચર્યના પાલન વિના ઉપરનાં વ્રતોનું પાલન અશકય છે. બ્રહ્મચારી કોઇ સ્ત્રી કે પુરુષ ઉપર કુદૃષ્ટિ ન કરે એટલું બસ નથી પણ મનથીયે વિષયોનું ચિંતન કે સેવન નહીં કરે. અને વિવાહિત હોય તો પોતાની સ્ત્રી કે પોતાના પતિની સાથે પણ વિષયભોગ નહીં કરે, પણ તેને મિત્ર સમજી તેની સાથએ નિર્મળ સંબંધ રાખશે. પોતાની કે બીજી સ્ત્રીનો કે પોતાના પતિનો કે બીજા પુરુષનો વિકારમય સ્પર્શ અથવા તેની સાથે વિકારમય ભાષા કે બીજી વિકારમય ચેષ્ટા તે પણ સ્થૂળ બ્રહ્મચર્યનો ભંગ છે. પુરુષ પુરુષ વચ્ચે કે સ્ત્રી સ્ત્રી વચ્ચે કે બંનેની કોઇ વસ્તુ વિશે વિકારમય ચેષ્ટા પણ સ્થૂળ બ્રહ્મચર્યનો ભંગ છે.

૪. અસ્વાદ

મનુષ્ય જ્યાં લગી જીભના રસોને જીતે નહીં ત્યાં લગી બ્રહ્મચર્યનું પાલન અતિ કઠિન છે એવો અનુભવ હોવાથી અસ્વાદને નોખું વ્રત ગણવામાં આવ્યું છે. ભોજન કેવળ શરીરયાત્રાને જ અર્થે હોય; ભોગને અર્થે કદી નહીં. તેથી તે ઔષધિ સમજી સંયમપૂર્વક લેવાની જરૂર છે. આ વ્રતનું પાલન કરનાર વિકાર ઉત્પન્ન કરે એવા મસાલા વગેરેનો ત્યાગ કરે. માંસાહાર, મદ્યપાન, તમાકુ, ભાંગ ઇત્યાદિનો આશ્રમમાં નિષેધ છે. આ વ્રતમાં સ્વાદને અર્થે ઉજાણીનો કે ભોજનના આગ્રહનો નિષેધ છે.

૫. અસ્તેય

બીજાની વસ્તુ તેની રજા વિના ન લેવી એટલું જ આ વ્રતના પાલનને સારુ બસ નથી. જે વસ્તુ જે ઉપયોગને સારુ આપણને મળી હોય તેનાથી તેનો બીજો ઉપયોગ કરવો કે જે મુદતને સારુ મળી હોય તેના કરતાં વધારે મુદત લગી ઉપયોગ કરવો તે પણ ચોરી છે. આ વ્રતના મૂળમાં સૂક્ષ્મ સત્ય તો એ રહ્યું છે કે પરમાત્મા પ્રાણીઓને સારુ નિત્યની આવશ્યક વસ્તુ જ નિત્ય ઉત્પન્ન કરે છે અને આપે છે. તેનાથી વધારે મુદ્દલ ઉત્પન્ન કરતો નથી. તેથી પોતાની ઓછામાં ઓછી આવશ્યકતા ઉપરાંત જે કંઇ પણ મનુષ્ય લે છે તે ચોરી કરે છે.

૬. અપરિગ્રહ

અપરિગ્રહ અસ્તેયના પેટામાં જ રહેલું છે. અનાવશ્યક વસ્તુ જેમ લેવાય નહીં તેમ તેનો સંગ્રહ પણ ન થાય. તેથી જે ખોરાક કે રાચરચીલાની જરૂર નથી તેનો સંગ્રહ તે આ વ્રતનો ભંગ છે. જેને ખુરશી વિના ચાલે તે ખુરશી ન રાખે. અપરિગ્રહી પોતાનું જીવન નિત્ય સાદું કરતો જાય છે.

૭. જાતમહેનત

અસ્તેય અને અપરિગ્રહના પાલનને સારુ જાતમહેનતનો નિયમ આવશ્યક છે. વળી મનુષ્યમાત્ર શરીરનિર્વાહ શારીરિક મહેનતથી કરે તો જ તે સમાજના અને પોતાના દ્રોહમાંથી બચી શકે. જેનું અંગ ચાલી શકે છે ને જેને સમજણ આવી છે તેવાં સ્ત્રીપુરુષે પોતાનું બધું નિત્યકામ જે પોતે આટોપવા યોગ્ય હોય તે આટોપી લેવું જોઇએ, અને બીજાની સેવા વિનાકારણ ન લેવી જોઇએ. પણ બાળકોની, બીજા અપંગ લોકોની અને વૃદ્ધ સ્ત્રીપુરુષોની સેવા પ્રાપ્ત થાય ત્યારે તે કરવાનો સામાજિક જવાબદારી સમજનાર પ્રત્યેક મનુષ્યનો ધર્મ છે.

આ આદર્શને અવલંબીને આશ્રમમાં મજૂરો અનિવાર્ય હોય ત્યાં જ રાખવામાં આવે છે. ને તેમની સાથે શેઠચાકરનો વહેવાર નથી રાખવામાં આવ્યો.

૮. સ્વદેશી

મનુષ્ય સર્વશક્તિમાન પ્રાણી નથી. તેથી તે પોતાના પડોશીની સેવા કરવામાં જગતની સેવા કરે છે આ ભાવનાનું નામ સ્વદેશી છે. પોતાની નજીકનાની સેવા છોડીને દૂરનાની સેવા કરવા કે લેવા ધાય છે તે સ્વદેશીનો ભંગ કરે છે. આ ભાવનાના પોષણથી સંસાર સુવ્યવસ્થિત રહી શકે. તેના ભંગમાં અવ્યવસ્થા રહેલી છે. આ નિયમને આધારે બનતા લગી અપાણે આપણી પડોશની દુકાન સાથે વ્યવહાર રાખીએ; દેશમાં જે વસ્તુ થતી હોય કે સહેજે થઇ શકતી હોય તે વસ્તુ આપણે પરદેશથી ન લાવીએ. સ્વદેશીમાં સ્વાર્થને સ્થાન નથી. પોતે કુટુંબના, કુટુંબ શહેરના, શહેર દેશના, ને દેશ જગતના કલ્યાણાર્થે હોમાય.

૯. અભય

સત્ય, અહિંસા ઇત્યાદિ વ્રતોનું પાલન નિર્ભયતા વિના અસંભવિત છે. અને હાલ સર્વત્ર ભય વ્યાપી રહ્યો છે ત્યાં નિર્ભયતાનું ચિંતન ને તેની કેળવણી અત્યંત આવશ્યક હોવાથી તેને વ્રતોમાં સ્થાન અપાયું છે. જે સત્યપરાયણ રહેવા માગે તે ન નાતજાતથી ડરે, ન ચોરથી ડરે, ન ગરીબાઇથી ડરે, ન મોતથી ડરે.

૧૦. અસ્પૃશ્યતાનિવારણ

હિંદુ ધર્મમાં અશ્પૃશ્યતાની રૂઢિએ જડ ઘાલી છે. તેમાં ધર્મ નથી પણ અધર્મ છે, એવી માન્યતા હોવાને લીધે અસ્પૃશ્યતાનિવારણને નિયમમાં સ્થાન આપ્યું છે. અસ્પૃશ્ય ગણાતાંને સારુ બીજી જાતિઓના જેટલું જ આશ્રમમાં સ્થાન છે.

આશ્રમ જાતિભેદને માનતું નથી. જાતિભેદથી હિંદુ ધર્મને નુકસાન થયું છે એવી માન્યતા છે. તેમાં રહેલી ઊંચનીચની અને આભડછેટની ભાવના અહિંસા ધર્મની ઘાતક છે. આશ્રમ વર્ણાશ્રમધર્મને માને છે. તેમાંની વર્ણવ્યવસ્થા કેવળ ધંધાને આધીન છે એમ જણાય છે તેથી વર્ણ-નીતિનું પાલન કરનાર માબાપના ધંધામાંથી આજીવિકા પેદા કરી બાકી નો સમય શુદ્ધ જ્ઞાન લેવામાં અને વધારવામાં વાપરે. સ્મૃતઓમાં રહેલી આશ્રમવ્યવસ્થા જગતનું હિત કરનારી છે. પણ વર્ણાશ્રમધર્મ માન્ય હોવા છતાં આશ્રમનું જીવન ગીતામાન્ય વ્યાપક ને ભાાવનાપ્રધાન સંન્યાસના આદર્શને આગળ રાખી રચાયેલું હોવાથી આશ્રમમાં વર્ણભેદને અવકાશ નથી.

૧૧. સહિષ્ણુતા

આશ્રમની એવી માન્યતા છે કે જગતમાં પ્રચલિત પ્રખ્યાત ધર્મો સત્યને વ્યકત કરનાર છે. પણ તે બધા અપૂર્ણ મનુષ્ય દ્ધારા વ્યક્ત થયેલા હોઇ બધામાં અપૂર્ણતાનું અથવા અસત્યનું મિશ્રણ થયું છે. તેથી જેવું આપણને આપણા ધર્મ વિશે માન હોય તેટલું જ માન આપણે બીજાના ધર્મ પ્રત્યે રાખવું ઘટે. આવી સહિષ્ણુતા હોય ત્યાં એકબીજાના ધર્મનો વિરોધ નથી. સંભવતો, નથી પરધર્મીને પોતાના ધર્મમાં લાવવાનો પ્રયત્ન સંભવતો; પણ બધા ધર્મમાં રહેલા દોષો દૂર થાય એવી જ પ્રાર્થના ને એવી જ ભાવના નિત્ય પોષવી ઘટે છે.

*****