Ishq Impossible - 16 books and stories free download online pdf in Gujarati

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 16

મને ઘરે વહેલા પહોંચેલો જોઈને પરિવારને સહેજ આશ્ચર્ય તો થયું પણ માથું દુખે છે તેમ કહીને મેં લોકોને મનાવી લીધા.
હવે તો ફક્ત સાંજની રાહ જોવાની હતી. આજે મને એવું લાગી રહ્યું હતું કે સમય બહુ ધીરે જઈ રહ્યો છે.સમય સાપેક્ષ હોય છે તે આજે મને સત્ય લાગી રહ્યું હતું.
ખેર! સમયની આદત છે કે તે વીતી જાય છે! અંતે સાંજના સાત પણ વાગી ગયા. હું ફટાફટ તૈયાર થઈ ગયો અને બહાર જવા માટે તૈયારી કરવા માંડ્યો.
"ક્યાં જાય છે?" પિતાજીએ પૂછ્યું.
"આજે લેક્ચર નહોતા ભર્યા એટલા માટે નોટ્સ લેવા માટે નીરવના ઘરે જઉં છું." હું બોલ્યો.
પિતાજી આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યા.
"આ તો શું છે કે ભણવામાં નુકસાન ન થાય ને એટલે." મેં વધુ સ્પષ્ટીકરણ કર્યું.
પિતાજીના ચહેરા ઉપર એક રહસ્યમય સ્મિત આવ્યું," આવા બધા કારણો આપતા પહેલા એ તો વિચારવું હતું કે હું તારો બાપ છું!"
"એટલે?"
"એટલે કંઈ નહી. પાછો ક્યારે આવવાનો છે?"
"અરે આવી જઈશ! હું કઈ ૧૬ વર્ષની છોકરી છું કે આવા પ્રશ્નો કરી રહ્યા છો?"
પિતાજી કઈ બોલ્યા નહીં અને તેમના તરફથી બીજો કોઈ પ્રશ્ન આવે એ પહેલાં હું ઘરેથી નાસી છૂટ્યો.
હું ગેટ પાસે પહોંચ્યો ત્યારે હજી સાડા સાત નહોતા વાગ્યા.હવે પ્રતીક્ષા કરવા સિવાય કોઈ છૂટ નહોતો
જોકે પાંચ મિનિટમાં સ્કુટી પર સ્વપ્નસુંદરી આવી પહોંચી. સ્કુટી કોલેજના ગેટ પાસે પાર્ક કરીને તે મારી તરફ આગળ વધી.
"હું લેટ નથી ને?"તેણે સ્મિત સાથે પૂછ્યું.
"હા.તું પાંચ મિનિટ લેટ છે"હું બોલ્યો.
સ્વપ્નસુંદરીના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું ,"ઠીક છે.હવે જલ્દી બાઇક કાઢ નહીતર ફેરો ફોગટ જશે."
મલ્ટિપ્લેક્સ નજીક જ હતું એટલે પાંચ મિનિટમાં તો અમે ત્યાં પહોંચી ગયા.મલ્ટિપ્લેક્સ એક મોલમાં સ્થિત હતું. મોલના ત્રીજા ફ્લોર ઉપર મલ્ટિપ્લેક્સ હતો અને અમુક રેસ્ટોરન્ટ હતી.
અમે ટિકિટ વીંડોની બરાબર સામે પીઝા હટના આઉટલેટ માં બેસી ગયા.
પીઝા ખાતા ખાતા અમે ટિકિટ વિન્ડો ઉપર નજર રાખી રહ્યા હતા.
અમારે વધુ પ્રતીક્ષા ન કરવી પડી.બે જ મિનિટમાં શીલા એક યુવાન સાથે ત્યાંથી પસાર થઈ.જોકે ટીકીટ વિન્ડો તરફ જવાની જગ્યાએ તે સીધી અંદર ઘૂસી ગઈ.
"મને લાગે છે કે આ ટિકિટ નથી લેવાના. એણે ઓનલાઈન બુકિંગ કર્યું છે."હું બોલ્યો.
પણ સ્વપ્નસુંદરીનું ધ્યાન બીજી બાબતમાં હતું,"એ તો મને એવું કહેતી હતી કે તે પોતાના પરિવાર સાથે મુવી જોવા આવી રહી છે.તો આ એનો પરિવાર છે!"કહીને તે લુચ્ચું હસી.
"એ બધું છોડ હવે આપણે શું કરવું છે એ બોલને!"મેં કહ્યું.
"શીલાની પાછળ જઈએ." સ્વપ્નસુંદરીએ કહ્યું અને તે ઊભી થઈ.મેં બિલનું પેમેન્ટ કર્યું અને તેની પાછળ પાછળ બહાર નીકળ્યો.
શીલા વેટિંગ લાઉન્જમાં પ્રવેશી ચૂકી હતી એટલે એ નજરે નહોતી પડી રહી.
મેં શો ટાઈમિંગ તરફ નજર નાખી તો ખબર પડી કે આઠ વાગ્યે ફક્ત બે શો હતા.
મેં સ્વપ્નસુંદરીનું ધ્યાન એની તરફ દોર્યું," અત્યારે બે શો છે. હવે એ બે શોમાં થી શીલા કયા શોમાં ગઈ હશે તે જાણવું પડશે."
"એ જાણવું શક્ય નથી." સ્વપ્નસુંદરી બોલી,"એક કામ કર.તું બંને શોની બબ્બે ટીકીટ લઈ લે. એ કયા શોમાં ગઈ હશે તે ચેક કરી લઈશું."
"આ પ્રેમનું નાટક તો બહુ મોંઘું પડી રહ્યું છે."હું મનોમન બોલ્યો અને રડતા હૃદય સાથે ટિકિટનું પેમેન્ટ કર્યું.
સ્વપ્નસુંદરીએ સૂચના આપી,"જો એક કામ કર. તું અંદર પ્રવેશી જા અને જો કે શીલા કઈ તરફ પ્રયાસ સ્ક્રીનમાં પ્રવેશ કરે છે.હું અંદર જઈશ તો શીલા મને ઓળખી જશે અને મુલાકાત કરવી પડશે.જ્યારે આપણે એવું નાટક કરવાનું છે કે શીલા ને એવું લાગે કે આપણું ધ્યાન એની તરફ નથી."
"પણ એ તો મને પણ ઓળખે છે ને!"
"અરે પણ તને જોઈને કદાચ એને એવું લાગશે કે તું એકલો આવ્યો છે. તારા પર એટલું ધ્યાન નહીં આપે એટલું ધ્યાન તે મારા પર આપશે,સમજ્યો?
"સમજ્યો."મેં કહ્યું અને એક ટિકિટનો સેટ સ્વપ્નસુંદરીને આપીને હું મલ્ટિપ્લેક્સમાં પ્રવેશી ગયો.
શીલા તેના મિત્ર સાથે સ્ક્રીન નંબર ત્રણની સામે ઊભેલી હતી.બંને વાતચીતમાં એટલા મશગુલ હતા કે મારા તરફ તેમનું ધ્યાન જ નહોતું.
થોડીવારમાં શોનો અંત થયો અને બંને સ્ક્રીન નંબર ત્રણમાં પ્રવેશી ગયા.
મેં સ્વપ્નસુંદરીને ફોન કર્યો અને ફક્ત એટલું જ બોલ્યો "સ્ક્રીન નંબર ત્રણ."
"ઠીક છે. હું આવું છું."કહીને સ્વપ્નસુંદરીએ કૉલ કાપી નાખ્યો.
જોકે સ્વપ્નસુંદરી આવે તેની પ્રતીક્ષા કર્યા વગર હું શિલાની પાછળ પાછળ સ્ક્રીન નંબર ત્રણમાં ઘૂસી ગયો.
અમારી યોજનાની શરૂઆત થઈ ચૂકી હતી!

ક્રમશ: