Ishq Impossible - 23 in Gujarati Love Stories by Jwalant books and stories PDF | ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 23

The Author
Featured Books
Share

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 23

મેં આવતાની સાથે જે બકવાસ કરવા માંડ્યો હતો તેનો હેતુ એ હતો કે કમલેશ મહેતા ગુસ્સે ભરાઈને કાઢી મૂકે.
પણ એ તો મારી હાસ્યવૃત્તિથી પ્રભાવિત થઈ ગયા!
પ્રથમ દાવ ઉલટો પડ્યો પણ મેં એ જ વ્યૂહરચના ચાલુ રાખવાનું નક્કી કર્યું.
"તો તું પણ આભાની જ કૉલેજમાં ભણે છે?"
"નહીં તો! આવું તમને કોણ કહી ગયું?અફવા પર વિશ્વાસ કરશો નહિ અને અફવા ફેલાવશો નહી!"
કમલેશ મહેતાએ આશ્ચર્યથી આભા સામે જોયું,"આ શું કહે છે?"
આભા સહેજ અકળાઈને બોલી,"આવું કેમ બોલે છે? આપણે એક કૉલેજમાં તો છીએ!"
"તો તેની હું ક્યાં ના પાડું છું.મને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે હું તારી જ કોલેજમાં ભણું છું ને.તો એ સવાલનો જવાબ છે કે ના હું કોલેજમાં ભણતો નથી.બલ્કે કૉલેજ માં આંટા ફેરા આશીર્વાદ કરું છું. હા, એ વાત સાચી કે મેં તારી કોલેજમાં એડમિશન લઈ રાખ્યું છે.બંનેમાં ફરક છે."
હવે કમલેશ મહેતાના અવાજમાં ધાર આવી,"અને તું એવું માની રહ્યો છે કે કોલેજમાં જઈને ભણવું નહીં અને રખડી ખાવું એ બહુ મોટું ગૌરવનું કામ છે.બરાબર?"
"બરાબર! હવે તમે સમજ્યા.આઈ એમ પ્રાઉડ ઓફ યુ, અંકલ!"મેં લવારી ચાલુ રાખી.
કમલેશ મહેતાના ચહેરાના હાવભાવ જોઈને મને મનોમન હસવું આવી રહ્યું હતું.આવી રીતે વાત કરનાર તેમને આજ સુધી ભટકાયો નહોતો.
ત્યાં તો મારી કોફી આવી ગઈ. મેં કોફીનો સબડકો ભર્યો, "વાહ! શું કોફી છે! મોંઘી વાળી લાગે છે!એક કામ કરને ભાઈ,બીજી કોફી બનાવી દે.પણ ઠંડી આપજે.મોંઘી વાળી કોલ્ડ કોફી ક્યારે પીવા મળે?"
નોકરે કમલેશ મહેતા તરફ જોયું.તેમને ચૂપ જોઈને આભા એ કહ્યું,"હા એક કોલ્ડ કોફી પણ બનાવી લાવો."
કમલેશ મહેતા મારી સામે ધ્યાનપૂર્વક જોઈ રહ્યા હતા. થોડી વાર ચૂપ રહ્યા પછી એ બોલ્યા,"તો તું આભાને પ્રેમ કરે છે?"
"હા જી બિલકુલ! એકદમ રોમિયો જુલિયટ પ્રકારનો!"
"અને તું આભા સાથે લગ્ન કરવા ઇચ્છે છે?"
"નેકી ઔર પૂછ પૂછ?કરો કંકુના!!!તમે કહેશો ત્યાં હું લગ્ન કરવા આવી જઈશ!"
"શું બકવાસ કરી રહ્યો છે? લગ્ન એમ થતાં હશે? તું આભા સાથે લગ્ન કરવા ઇચ્છતો હોય તો તારા પરિવારે માગું નાખવું પડે તેનો તને ખ્યાલ નથી?"
"એવું હોય?તો વાંધો નહિ.હું પપ્પાને કહીશ તે તમને મળી જશે.પણ આવવા જવાનું રિક્ષાભાડું તો મળશેને?"
"ના. જોકે તે અહીં આવવાની તકલીફ નહી ઉપાડે તો પણ ચાલશે.આભાનું ભણતર પૂરું થાય એ પહેલાં તેને પરણાવવાની મારી યોજના નથી."
"લો ભાઈ! તો પછી મને બોલાવ્યો શા માટે?"મેં મોઢું ફુલાવીને કહ્યું.
કમલેશ મહેતા આભા તરફ ફર્યા,"આ તારી પસંદ છે? કયા પ્રાણી અભયારણ્યથી આ વાંદરાને પકડી લાવી છે? મેં વિચાર્યું હતું કે છોકરો સારો હોય તો તમારા સંબંધને મંજૂરી આપી દઉં.પણ આને તો વાત કરવાની પણ ગતાગમ નથી."
"મને...મને ખરેખર ખ્યાલ નહોતો કે આ આવી રીતે વાત કરશે.હું હવે સમજી ગઈ છું.પ્રવીણ સાથે આજ પછી કોઈ સંબંધ નહીં રહે."આભા ધીરેથી બોલી.
"ઠીક છે.તારી અક્કલ સમયસર ઠેકાણે આવી ગઈ તે સારી વાત છે."કમલેશ મહેતાએ કહ્યું.
"તમને આ સંબંધ મંજૂર નથી?" મેં પૂછ્યું.
"ના." કમલેશ મહેતાએ ગર્જના કરી.
"ઠીક છે.આવજો.તમને મળીને આનંદ થયો વડીલ. અવારનવાર મળતા રહેજો." કહીને હું કૂદકો મારીને સોફા પરથી ઉભો થયો.
આભા હજી સોફા પર બેઠેલી હતી.મેં તેને કહ્યું"મને કૉલેજ તો મૂકી જા.મારી બાઈક કૉલેજ પડી છે."
આભા ઊભી થવા જતી હતી ત્યાં કમલેશ મહેતા ઠંડા સ્વરમાં બોલ્યો,"આને કૉલેજ મૂકવા જવાની કોઈ જરૂર નથી.તેને રિક્ષાભાડું આપી દે."
આભા ખરેખર ગૂંચવાઈ ગઈ હતી તેને સમજાતું નહોતું કે તેણે પૈસા આપવા કે નહી.આભાને ખચકાતી જોઈને કમલેશે પોતાના વૉલેટમાંથી સો રૂપિયા કાઢ્યા અને મારા હાથમાં મૂક્યા,"આ લે રિક્ષાભાડું."
મેં સો રૂપિયાની નોટ ઉપર એક નજર મારી અને પછી કહ્યું "બીજા ₹20 આપો ને."
"શું કહ્યું? "
"અહીંથી કોલેજ નું ભાડું ₹100 નહીં પણ ₹120 થાય છે. એટલે મેં કહ્યું બીજા 20 રૂપિયા આપોને તો મારે ₹20 ખીસ્સામાંથી કાઢવા ન પડે."
કમલેશ મહેતાનો પિત્તો ગયો,"ગેટ આઉટ!" તે ગળું ફાડી ને બરાડ્યો.
"અરે,અરે!આમ બૂમો શા માટે પાડો છો?હું જઈ જ રહ્યો છું ને? તમે મને ઘરજમાઈ બનાવો તેવી તો કોઈ શક્યતા નથી.પછી હું શા માટે રોકાઈ જાઉં?"
કહીને આભા કે કમલેશ બંનેમાં થી કોઈ પર પણ નજર નાખ્યાં વગર હું ત્યાંથી નીકળી ગયો.

ક્રમશ: