Runanubandh - 29 books and stories free download online pdf in Gujarati

ઋણાનુબંધ - 29

પ્રીતિનું મન એની સાસુજી સાથે વાત કરીને હળવું થઈ ગયું હતું. એમની જોડે વાત કરી પ્રીતિએ બધી જ વાત કુંદનબેનને કરી હતી. કુંદનબેન સીમાબહેને કેમ સરળતાથી વાત કરી એ સમજી ગયા હતા પણ હવે પ્રીતિ ઘરે જાય પછી એમને ખ્યાલ આવે કે અનુમાન ખરું રહ્યું કે નહીં?

કુંદનબેને એના સ્વભાવ અનુસાર સાચી જ વાત પ્રીતિને કહી, "જો બેટા દરેકના ઘરની રીત અલગ હોય! એમને ફક્ત ફોન કરવાથી કામ સરળ થતું હોય તો એમ કરવાનું, તારી ફોન કરી જ દેવાનો."

"હા, મમ્મી હું ધ્યાન રાખીશ."

"જો બેટા! તારે તું અહીં રહે છે એમ જ ત્યાં રહેવાનું છે. એ પણ ગભરાયા વગર. તારી ભૂલ હોય તો માફી માંગીને વાતને પુરી કરી લેવી જ યોગ્ય છે. તે બરાબર જ કર્યું. આગળ ધ્યાન રાખજે." સમજાવવાના સુરથી પરેશભાઈ બોલ્યા હતા.

"હા, પપ્પા હું હવેથી ધ્યાન રાખીશ."

આજ પ્રીતિને સૌમ્યા વગર ઘર ખાલી લાગતું હતું. એ થોડી થોડી વારે સૌમ્યાને યાદ કરી રહી હતી. થોડીવાર ટીવી જોયું, વાતો કરી, ફ્રૂટ ખાધું એ પછી બધા ઊંઘવા માટે ગયા હતા.

પ્રીતિની લગ્ન પછીની આ પહેલી રાત અજય વગરની હતી. એ અજયને ખુબ મિસ કરી રહી હતી. પ્રીતિને એમ હતું કે, અજયે અધૂરી વાતે ફોન કાપ્યો હતો, તો થોડીવારે અજયનો ગુસ્સો ઠંડો થતા એ અવશ્ય ફોન કરશે. પણ અજયે ફોન ન કર્યો. પ્રીતિએ આ વાતને અવગણીને પોતાની લાગણીને માન આપી સામેથી અજયને ફોન કર્યો હતી.

"હેલ્લો, ક્યારનો રાહ જોતો હતો, કેમ આટલો મોડો ફોન કર્યો?"

પ્રીતિને અજયનો જવાબ સાંભળીને ખુબ જ અચરજ થયું હતું. એ અજયના સ્વભાવને સમજી શકતી નહોતી. પ્રીતિએ છતાં નોર્મલ રહીને કહ્યું,"મમ્મીપપ્પા સાથે વાતો કરતી હતી તો સમયનું ધ્યાન જ ન રહ્યું."

"તું ફ્રી થઈ ગઈ? કે હજુ બધા જોડે જ છો?"

"ના, હું રૂમમાં આવી ગઈ છું."

"આ બે ત્રણ દિવસમાં તારી સાથે રહેવાની એટલી ટેવ પડી ગઈ છે કે, તારા વગર ઘર એકદમ સૂનું લાગે છે. ડાર્લિંગ રિયલી મિસ યુ."

"મને પણ તમારી ખુબ યાદ આવતી હતી. આથી જ મેં ફોન કર્યો. મિસ યુ તું મારી જાન. "

પ્રીતિ અને અજય વાતોમાં એટલા તલ્લીન થઈ ગયા કે બંનેને રાત્રીના બે વાગી ગયા હતા એ પણ ખ્યાલ ન રહ્યો. બંને દૂર હોવા છતાં સાથે જ છે એવી લાગણી વાતો થકી બંને મેળવી રહ્યા હતા. પ્રીતનો લાગણીસભર અવાજ અજયને સાંભળવો ખુબ ગમી રહ્યો હતો. પ્રીતિનું અચાનક ઘડિયાળમાં ધ્યાન ગયું હતું. સમય જોઈને એ અજયને બોલી,

"ત્રણ વાગી ગયા, ઊંઘ નથી આવતી? કાલ કોલેજ જવાનું છે ને?"

"હા, જવાનું જ છે ને! બસ, તારી સાથેની ક્ષણ વિતાવવી ગમે છે તો ઊંઘ નથી આવતી."

"એમ સમજીલો કે હું ત્યાં જ છું અને ઊંઘી જાવ શાંતિથી. ચાર દિવસમાંથી આજનો દિવસ તો પત્યો, આમ સમય વીતી જશે!"

"ઓકે સારું ચાલ પછી કાલ વાત કરશું. ઊંઘી જઈએ."

અજય અને પ્રીતિ એકબીજાની યાદોને ઈચ્છાઓને મનમાં જ રાખી ઊંઘી ગયા હતા. સમય પસાર કરવો બંને માટે કઠિન જ હતો, છતાં સમય ક્યાં જાલ્યો રહે? વીતી જ ગયા આ ચાર દિવસો અને પ્રીતિ ફરી ભાવનગર આવી જ ગઈ હતી.

પ્રીતિને લઈને અજય ઘરે આવ્યો ત્યારે ઘરે કોઈ જ નહોતું. આ સમયનો લાભ મળતા બંને એકબીજાને સમય આપી શક્યા હતા. થોડી અરમાં ભાવિની પણ આવી ચુકી હતી. ભાભીને જોઈને એ ખુબ ખુશ થઈ ગઈ હતી.

પ્રીતિ અને ભાવિની બંને કિચનમાં ચા નાસ્તો બનાવવા ગયા હતા. જેમ ભાવિની કહે એમ પ્રીતિ એની વાતને અનુસરતી હતી, કે જેથી બધાને ભાવે એ સ્વાદની રસોઈ એ બનાવી શકે. હસમુખભાઈ આવ્યા ત્યારે ડિનર પણ બનાવીને એ બંને નણંદભોજાય રસોઈ બનાવી ચુક્યા હતા.

હસમુખભાઈ ફ્રેશ થઈને આવ્યા એ પછી બધા જ જમવા માટે બેસી ગયા હતા. હસમુખભાઈને પ્રીતિની રસોઈ ખુબ ભાવિ હતી. તેઓ પ્રીતિથી ખુબ ખુશ હતા. સીમાબહેન શનિવારે સાંજે ઘરે આવવાના હતા. પ્રીતિ ઘરમાં ખુબ હળવાશ સાથે અનુકૂળ થઈ રહી હતી. હસમુખભાઈ અને ભાવિની તથા અજય બધા જ પ્રીતિથી ખુશ હતા.

શનિવારની સવાર પ્રીતિમાટે એક મોટી પડકાર લઈને આવી રહી હતી, પ્રીતિ એ બાબતથી અજાણ જ સાસુજીની ખુબ આતુરતા પૂર્વક રાહ જોઈ રહી હતી. સાંજે સીમાબહેન ઘરે આવ્યા, ખુબ ઉમળકાથી પ્રીતિ એમને મળી, પગે પણ લાગી હતી. સીમાબહેને પ્રીતિને જોઈ ન જોઈ કરીને આશીર્વાદ પણ દેવા ખાતર આપ્યા એવા વલણ સાથે ઘરમાં ફટાફટ જતા જ રહ્યા હતા. પ્રીતિને આમ નજરઅંદાજ કરી એ પ્રીતિ સમજી જ ગઈ પણ એમ જરવાનું કારણ એ ન સમજી શકી. પ્રીતિ પણ સાસુજીની પાછળ અંદર આવી અને એમને પાણી આપ્યું હતું. હવે પ્રીતિએ કહ્યું, "કેમ છો મમ્મી?"

"ઠીક છું." એવા ટૂંકા જવાબ સાથે સીમાબહેન ફ્રેશ થવા જતા રહ્યા હતા.

પ્રીતિ તો એકદમ ગળગળી જ થઈ ગઈ હતી. આંખ સુધી આંસુ આવી ચુક્યા પણ એને સરકવા તો ન જ દીધા! મક્કમ મનથી એ રસોડા મમ્મી અને અજય માટે ચા બનાવવા જતી રહી હતી. ભાવિની પ્રીતિને જોઈને એની સ્થિતિ સમજી જ ચુકી હતી. પણ મમ્મીના સ્વભાવ મુજબ એને ચૂપ રહેવું જ યોગ્ય લાગતું હતું. અજય હજુ કોલેજથી આવ્યો નહોતો.

સીમાબહેન જેવા ફ્રેશ થઈને આવ્યા કે, તરત જ પ્રીતિ એમના માટે ચા બનાવીને આવી હતી. સીમાબહેને જેવી ચા પીધી કે તરત તેઓ બોલ્યા, "પ્રીતિ તું ચા લાવી છે કે, ચા દૂધ?"

"કેમ મમ્મી તમને ન ભાવિ? હું તમે કહો એ ફેરફાર સાથે ફરી બનાવી લાવું." સેજ અચકાતા અને ગભરાતા પ્રીતિ બોલી હતી.

"તું અત્યારે ન લાવી એ તું શું લાવવાની? સેજ ગુસ્સા સાથે સીમાબહેન બોલ્યા."

પ્રીતિ હવે સામે કઈ જ ન બોલી કે ન કોઈ પોતાના માટે ખુલાસો કર્યો હતો. એની આંખમાંથી આંસુ સરી જ રહ્યા એ લૂછતી પોતાના રૂમમાં જતી રહી હતી. એ રૂમમાં જતી રહી એ પછી અજય કોલેજથી આવ્યો હતો. હજુ તો એણે ઘરમાં પગ મુક્યો કે, સીમાબહેન પોતાની આંખમાંથી દડદડ આંસુ સારવા લાગ્યા હતા. અજયે મમ્મીને રડતા જોઈને તરત પૂછ્યું, "શું થયું મમ્મી? કેમ રડો છો?"

"કઈ જ નથી થયું દીકરા. તું કે, કેવો રહ્યો તારો આજનો દિવસ?"

"વાત ન ફેરવો મમ્મી, શું થયું એ કહો." અજય સેજ ઉંચા અવાજે બોલ્યો હતો.

"કઈ જ નથી થયું, એમ જ મન ભરાય ગયું, તે દિવસે પ્રીતિએ ફોન ન કર્યો એ વાત યાદ આવી ગઈ! હું કેટલી ચિંતા કરતી હતી. અને એને કઈ જ મારી ફિકર નહોતી."

"અરે મમ્મી! જે પતી ગયું એ ફરી યાદ ન કરો. પ્રીતિએ માફી તો માંગી લીધીને!"

"હા બેટા!"

"તો વાત ત્યાં જ પતાવી નાખો ને મમ્મી!" સમજાવતા સુરે અજય બોલ્યો હતો.

સીમાબહેનને એમ હતું કે, પ્રીતિને ફરી આખા ઘરની સામે મારી પાસે માફી મગાવીશ. પણ અહીં તો અજયે પ્રીતિની તરફેણમાં કહ્યું, દુખતા પર ઘા થાય એવી તકલીફ સીમાબહેનને જળમૂળથી સળગાવવા લાગી હતી.

પ્રીતિ આ બધી જ વાતથી અજાણ એના રૂમમાં દુઃખી થઈને બેઠી હતી.

શું થશે સીમાબહેનનું મન શાંત?
શું આવશે પ્રીતિ અને અજયના જીવનમાં બદલાવ? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻