Prem ma malyu Gyan - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમ માં મળ્યું જ્ઞાન - 1

નમસ્કાર મિત્રો કેમ મજામાં...
પ્રેમ થી કર્મ વિષે જાણો માં તમારી સાથે કર્મ વિશે વાત કરી પણ પછી વિચાર આવ્યો કે ક્યાંય તમે કર્મયોગ-જ્ઞાનયોગ-ભક્તિયોગ ભૂલી ના જાવ એટલે તેના વિશે વધુ જાણકારી આપવા આવ્યો છું.....

_સોલંકી મનોજભાઈ
{પ્રેમ ની શોધ માં}

પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ત્રણ માર્ગો છે : કર્મમાર્ગ, ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગ, જીવ જે માર્ગનો અધિકારી હોય તે અધિકાર પરત્વે તેણે તે માર્ગ પકડવો જોઈએ. અર્જુન કર્મમાર્ગનો અધિકારી હતો ગીતાના પહેલા અધ્યાયમાં તેણે ભગવાન પાસે સંન્યાસ લેવાની ઇચ્છ જણાવી, પરંતુ ભગવાને તેને યુદ્ધસમયે સંન્યાસ લેવાની ના પાડી અને તેને કર્મમાર્ગમાં પ્રવૃત્ત કર્યો....... વિદુરજી ભક્તિમાર્ગના અધિકારી જીવ હતા, તેથી મહાભારત યુદ્ધ દરમિયાન તેને જાત્રાએ જવાની છૂટ આપી ઉદ્ધવજી જ્ઞાનમાર્ગના અધિકારી જીવ હતા, તેથી એકાદશ-સ્કંધમાં ભગવાને તેમને જ્ઞાનમાર્ગનો ઉપદેશ કર્યો...... તેવી રીતે તમે ક્યાં જ્ઞાન ના અધિકારી છો એકવાર જાણી લો...

દર્દી ની નાડી પારખીને જેમ ડોકટર એક દર્દી ને એવી સલાહ આપે કે તારે દહીં જ ખાવું, બીજું કાંઈ ખાવું નહિ, જ્યારે બીજા દર્દી ને એવી સલાહ આપે કે તું જો જરા પણ દહીં ખાઈશ તો મરી જઈશ. એ પ્રમાણે જીવ જે માર્ગનો અધિકારી હોય તે પ્રકારનો ઉપદેશ તેનું કલ્યાણ કરે. આખરે તો ત્રણે માર્ગ આગળ જતાં ભેગા થઈ જાય છે. ત્રણમાંથી ગમે તે એક માર્ગ ઉપર જનારો જીવ આખરે પરમાત્માને જ પ્રાપ્ત કરે છે. જેમ :
સર્વદેવ-નમસ્કારઃ કેશવ પ્રતિ ગચ્છતિ । અમદાવાદથી વડોદરા થઈને બ્રૉડગેજ ઉપર દિલ્હી જઈ શકાય અને અમદાવાદથી મહેસાણા થઈને મીટરગેજ ઉપર થઈ દિલ્હી જઈ શકાય. રસ્તો બ્રોડગેજ હોય કે મીટરગેજ હોય, પરંતુ બંને રરતા છેવટે દિલ્હીમાં ભેગા થઈ જાય.આમ તમે ગમે તે માર્ગ ના અધિકારી બનો તો ચિંતા જેવું છે જ નહી કેમ કે અંતે યે માર્ગ પરમાત્મા પાસે જ જાય છે...

જનકાદિ રાજાઓ કર્મમાં પ્રવૃત્ત થયા....... નરસિંહ, મીરાં, ગોપીઓ ભક્તિમાર્ગમાં ગયાં,..,.. જ્યારે અક્રૂર, ઉદ્ધવ, શંકરાચાર્ય જ્ઞાનમાર્ગ ઉપર ગયા...... - જે જેનો જેવો અધિકાર. નરસિંહ ભક્તિમાર્ગ ઉપર ગયા, પરંતુ આખરે ભક્તિમાર્ગ આગળ જતાં જ્ઞાનમાર્ગ સાથે ભેગો થઈ જાય છે. નરસિંહ ભક્તિમાર્ગમાં હોવા છતાં તેમનાં પદોમાં નર્યું જ્ઞાન નીતરે છે

તે જુઓ : અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે, વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક-કુંડલ વિષે ભેદ ન્હોયે, ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.

કર્મમાર્ગ એ બ્રૉડગેજનો રસ્તો છે, ધોરી રાજમાર્ગ છે. ભણેલો, અભણ, વિજ્ઞાની - બધી જ કક્ષાના જીવો આ રાજમાર્ગ ઉપર આંખો મીંચીને ચાલે તોપણ પડવાનો ભય નથી. શાસ્ત્રો અને સંતોની આજ્ઞા પ્રમાણે ન્યાય, નીતિ, ધર્મથી પોતાનું નિયત કર્મ કરતાં-કરતાં જીવનનું એકએક કર્મ ભક્તિ બની જાય છે. હજામત કરતાં-કરતાં, કસાઈનો ધંધો કરતાં-કરતાં, ગોરા જેવા કુંભારનો ધંધો કરતાં-કરતાં પણ અનેક ભક્તો કર્મમાર્ગમાં ન્યાય, નીતિ, ધર્મથી, શાસ્ત્રો અને સંતોની આજ્ઞા પ્રમાણે વર્તીને તેમના પ્રત્યેક કર્મને તેઓ ભક્તિમય બનાવી શક્યા છે, જ્યાં તેમની પ્રત્યેક ક્રિયા ભક્તિમાં પરિવર્તિત થઈ જાય છે......

શંકરના શિવલિંગ ઉપર મંત્ર બોલીને પચાસ કળશા પાણી ઢોળતાં ન આવડે તો કાંઈ નહિ, પરંતુ તે કળશા પાણી વડે માતા પોતાના ગંદા થયેલ બાળકને નવડાવીને શુદ્ધ કરે અને બાળકને નવડાવતી વખતે એવી ભાવના કરે કે હું શંકર ભગવાનને અભિષેક કરી રહી છું, તો તે વખતે પોતાના ગંદા બાળકને નવડાવવાની ક્રિયા શંકરની ભક્તિમય બની જાય છે, પરંતુ જો તે આખો દિવસ શિવલિંગ ઉપર કળશ ઢોળ્યા કરે અને પોતાના બાળકને ગંદું રાખે તો તેને શંકરની ભક્તિનું કંઈ પણ ફળ પ્રાપ્ત થાય નહી.
કર્મમાર્ગ ધોરી માર્ગ છે. ભક્તિમાર્ગ તેનાથી અઘરો માર્ગ છે. ભક્ત થવા માટે ગીતાના બારમા અધ્યાયના છેલ્લા શ્લોકોમાં આપ્યા મુજબ ભક્તિનાં લક્ષણો પ્રાપ્ત કરવાં પડે. જ્ઞાનમાર્ગ તદ્દન ટૂંકા, પરંતુ ઘણો જ અટપટો માર્ગ છે. ગોસ્વામીજી લખે છે કે : જ્ઞાનપંથ કૃપાણ કે ધારા |

જ્ઞાનમાર્ગ ઉપર ચાલવું એટલે તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. જ્ઞાનમાર્ગ ઘણો જ ટૂંકો માર્ગ છે, પરંતુ અટપટી ગલીકૂંચીઓ વાળો માર્ગ છે. તેમાં જવા માટે સાથે ગલીકૂંચીઓનો જાણીતો ભોમિયો હોય તો જ જવાય, નહિ તો ગલીકૂંચીઓની બહાર નીકળતાં પણ ન આવડે, ગૂંચવાઈ જવાય તેમ જ્ઞાનમાર્ગે જવા માટે તેનો જાણકાર સમર્થ સદ્ગુરુ જોઈએ.
ભક્ત અને જ્ઞાની :

ભક્ત બિલાડીના બચ્ચા જેવો છે અને જ્ઞાની વાંદરીના બચ્ચા જેવો છે. બિલાડીનું બચ્ચું જન્મ્યા પછી સાત દિવસ સુધી આંધળું રહે છે. તેને બિલાડી પોતાના મોંમાં ઘાલીને સાત ઘર ફેરવે છે. બિલાડીનું બચ્ચું માની અનન્ય શરણાગતિ સ્વીકારે છે. બિલાડી તેના બચ્ચાને ચૂલામાં મૂકે કે પછી પાણી-ભરેલા તપેલામાં મૂકે, તેને જ્યાં મૂકવું હોય ત્યાં મૂકે, તેમાં બચ્ચું કાંઈ જ બોલે નહિ, પરંતુ બિલાડીને પોતાના બાળકની ઘણી જ ચિંતા હોય છે અને તે તેને ઘણી જ કાળજીથી સાચવીને ફેરવે છે. .આમાં માં તેના બચ્ચાંની ચિંતા કરે છે.......પણ વાંદરી માં આવું નથી..
વાંદરીનું બચ્ચું વાંદરીની ચિંતા કરે છે. વાંદરી કૂદવાની થાય કે તરત જ બચ્ચું તેની છાતીએ વળગી પડે છે. વાંદરી એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદે તે વખતે બચ્ચું તેની માને ચપસીને ઝાલી રાખે છે, નહિતર પડે તો મરી જાય. વાંદરી પોતાના બાળકને ઝાલતી નથી, બાળક પોતાની માને ચપસીને પકડી રાખે છે. બિલાડીને બિલાડીનું બાળક જેટલું વહાલું છે, તેટલું જ વાંદરીને વાંદરીનું બચ્ચું વહાલું છે.. એમના વાત્સલ્યમાં કોઈ ફેર નથી, છતાં બંનેના પોતાના બાળક પ્રત્યેના વર્તાવમાં ફેર પડે છે.આમ મારે કહેવાની ભાવાર્થ એ છે કે જો તમે ભક્ત બનીયા તો બિલાડી ના બચાની જેમ પરમાત્મા તમને પ્રેમ કરશે...અને જ્યારે જ્ઞાની બન્યા તો વાંદરી ના બચ્ચાની જેમ તમારે પરમાત્માને પકડી રાખવો પડશે અમે પ્રેમ કરવો પડશે....
બાપ નાના બાળકને કેડમાં ઘાલીને ફરે છે, પરંતુ મોટા બાળકને આંગળીએ વળગાડીને ફરે છે અને બાળક મોટો યુવાન થાય અને બાપ વૃદ્ધ થાય તો યુવાન છોકરો તેના બાપને આંગળીએ વળગાડીને દોરે છે. પણ આમાં કોઈ પ્રેમ તમને ઓછો દેખાય છે....

જ્ઞાની મારો મોટો દીકરો છે. ભક્ત મારો નાનો બાળક છે. જ્ઞાની ભગવાનનું ધ્યાન કરે છે, જ્યારે ભગવાન ભક્તનું ધ્યાન રાખે છે, છતાં બંને ઉપર ભગવાનની કૃપા છે.
ત્રણેય માર્ગ ઉપર ચાલનાર જીવનો ભગવાન
સાથેનો વ્યવહાર અલગ અલગ હોય છે ઃ
કર્મમાર્ગ ઉપર ચાલનાર જીવ કહે છે, ‘હું ભગવાનનો છું',
ભક્તિમાર્ગ ૫૨ ચાલનાર જીવ કહે છે કે "ભગવાન મારો છે’"......
અને જ્ઞાનમાર્ગ ૫૨ ચાલનાર કહે છે કે હું અને" ભગવાન એક છીએ.’"
ના સમજાયું ચાલો એક સ્ત્રી નું ઉ. દા. સમજવું....

એક સ્ત્રી યુવાવસ્થામાં ૫૨ણીને સાસરે જાય છે. તે કહે છે કે" હું મારા ધણીની છું."
ધણી કહે તેમ તે કરે. ધણી કહે, કે બટાકાનું શાક કરો, તો બટાકાનું શાક કરે અને ભીંડાનું શાક કરો એમ કહે તો ભીંડાનું શાક કરે. અમુક રંગની સાડી પહેરો એમ કહે તો તેમ કરે, અમુકને ઘે૨ જવાનું છે તેમ કહે તો સ્ત્રી તેને ઘેર જાય. અમુકને ઘેર નથી જવાનું તેમ ધણી કહે તો સ્ત્રી તેને ઘેર ન જાય. ધણી કહે તેમ જ અને તેટલું જ તે કરે. તે સ્ત્રી કહે છે કે ‘હું ધણીની છું.' પરંતુ આ સ્ત્રી જ્યારે આધેડ ઉંમરની બે-ત્રણ બાળકોની મા બને ત્યારે તે એમ કહે છે કે - ‘ધણી મારો છે.’
તે સ્ત્રી કહે કે અમુક વસ્તુ લાવવાની છે, તો ધણીને તે લાવી આપવી પડે અને સ્ત્રી કહે કે અમુક વસ્તુ નથી લાવવાની તો તેનો ધણી તે વસ્તુ ના લાવી શકે. તે સ્ત્રી કહે કે અમુક જગ્યાએ જજો તો ધણીને જવું પડે અને કહે કે અમુક જગ્યાએ ના જશો તો તેનો ધણી ત્યાં ના જાય.
આ સ્ત્રી પરણી ત્યારે કહેતી હતી કે ‘હું ધણીની છું.’ તે જ સ્ત્રી આધેડ ઉંમરની થતાં અવસ્થાભેદે એમ કહે છે કે" ધણી મારો છે "અને સમય જતાં આ સ્ત્રી જ્યારે ડોસી થાય છે અને તેનો ધણી ડોસો થાય છે ત્યારે ડોસો- ડોસી બંને એક થઈ જાય અને કહે કે" હું અને મારો ધણી એક છીએ"
પહેલાં કહેતી કે, 'હું ધણીની છું.' પછી કહેવા લાગી કે ધણી મારો છે, હવે કહે છે કે ધણી અને હું એક છીએ.' તે વખતે અદ્વૈત થઈ જાય છે. ત્યારે તેનો છોકરો ડોસાને કડવું વચન કહે તો ડોસીનું મોઢું ચડી જાય અને દીકરાની વહુ ડોસીને કંઈક કડવું વચન કહે તો ડોસાનું મોં ચડી જાય. ડોસો-ડોસી એક થઈ ગયાં - અદ્વૈત આવી ગયું.

તે જ પ્રમાણે કર્મમાર્ગમાં જીવ કહે છે કે ‘હું ભગવાનનો છું’ ભગવાનની આજ્ઞા પ્રમાણે તે તેનાં કર્મ કરે છે
. તેનું પ્રત્યેક કર્મ ભક્તિ બની જાય. તે જીવ જ્યારે આગળ જતાં ભક્તિમાર્ગનો અધિકારી બને ત્યારે કહે છે કે ‘ભગવાન મારો છે.' કર્મમાર્ગમાં કહેતો હતો કે હું ભગવાનનો છું.' ભક્તિમાર્ગમાં કહે છે કે ભગવાન મારો છે.’ ભક્ત કહે તે પ્રમાણે ભગવાનને કરવું પડે. ભક્ત કહે, મારો રથ હાંકો, તો ભગવાનને રથ હાંકવો પડે અને તેના થાકેલા ઘોડાઓને ભગવાન જાતે નવડાવે. ભક્ત કહે કે મારી દીકરીનું મોસાળું કરવાનું છે, માટે બધી જ સામગ્રી લઈને આવજો તો ભગવાનને આવવું જ પડે. ભક્ત હૂંડી લખે તો ભગવાનને સ્વીકારવી જ પડે.આમ કર્મ માર્ગ થી ભક્તિ માર્ગ સુધી પહોંચતા ની સાથે ભગવાન મારો છે સમજ વા લાગે અને અંત માં જ્યારે ભક્તિ માં જ્ઞાન આવે તો હું અને પરમાત્મા બને એક જ છીએ એવું લાગવા લાગે છે
કર્મમાર્ગમાં અને ભક્તિમાર્ગમાં દ્વૈત છે (હું અને ભગવાન). કર્મમાર્ગી કહે છે કે ‘હું ભગવાનનો છું.' ભક્ત કહે છે કે ‘ભગવાન મારો છે.’ જ્ઞાનમાર્ગમાં ભગવાન અને જીવ એક થઈ જાય છે. જ્ઞાની કહે છે કે અહં બ્રહ્માસ્મિ... - હું બ્રહ્મ છું. જીવ અને ભગવાનનું અદ્વૈત થઈ જાય છે.
આમ તમે તમારી રીતે પણ નક્કી કરી જ શકો કે તમે ક્યાં માર્ગ પર હાલ ચાલી રહ્યા છો....તમે પરમાત્મા ના છો ....કે પરમાત્મા તમારા છે...કે પછી તમે પરમાત્મા એક છો.....
અને આ લાગણી યો માટે તમારા ભીતર પ્રેમ હોવો જોઈએ ....એટલે જ કહું છું કે પ્રેમ વગર મોક્ષ પણ નથી
ઉપર પ્રમાણે કર્મમાર્ગ, ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગ દ્વારા અધિકાર પરત્વે જીવ તેનાં અનુક્રમે ક્રિયમાણ, પ્રારબ્ધ અને સંચિત કર્મોને સંપૂર્ણ રીતે સમાપ્ત કરીને પરમાત્માને - મોક્ષને પ્રાપ્ત કરી શકે છે.
મોક્ષ પ્રાપ્ત કરવાનો જીવમાત્રનો અધિકાર છે.
આત્યંતિક દુ:ખની નિવૃત્તિ અને સનાતન સુખની પ્રાપ્તિ એટલે મોક્ષ.

વધું જ્ઞાન આવતા ભાગ માં જોઈશું ...તમારી સપોર્ટ રહ્યો તો જલ્દી નવો ભાગ બનાવીશ .....
...જ્યાં સુધી નવી બુક ના આવે ત્યાં સુધી પ્રેમ થી જીવો,પ્રેમ કરો આ તમામ પ્રકૃતિ આપણી જ છે અને આપણે એના છીએ......


🙏 આભાર🙏. _ સોલંકી મનોજભાઈ
રાધે....રાધે {પ્રેમ ની શોધ માં}
8401523670.