Panchtantra ni Varta - 4 books and stories free download online pdf in Gujarati

પંચતંત્ર ની વાર્તા - 4

5 વેશધારી વિષ્ણુ 

વૈશાલી નામે એક મોટું નગર હતું. તેમાં એક સુથાર અને એક કોળી રહેતા હતા. બંને વચ્ચે એવી ભાઈબંધી હતી કે, તેમને એક બીજા વિના ચાલે જ નહીં. જ્યાં જાય ત્યાં સાથે ને સાથે. એક દિવસ આ નગરમાં એક દેવમંદિરનો ઉત્સવ હતો. ઉત્સવમાં ભાગ લેવા દૂર દૂરથી સાધુ-સંતો, ભાવિક-ભક્તો અને નરનારીઓનાં ટોળેટોળાં આવેલાં હતાં. તે બધાં નગરયાત્રામાં જોડાયાં હતાં. “ અહીંની રાજકુંવરી પણ ફૂલમાળાઓથી શણગારેલા હાથી ઉપર બેસીને, નગરયાત્રામાં નીકળી હતી. શું રાજકુંવરીનું રૂપ ! તેનાં દર્શન કરવાં એ પણ એક લ્હાવો હતો. અંબાડીમાં બેઠેલા કંચુકીઓ છત્ર ધરી રહ્યા હતા, વર્ષધરો ચામર ઢોળતા હતા અને દાસીઓ સોને મઢ્યા વીંઝણાથી વાયુ નાંખી રહી હતી. રાજકુંવરીનાં યૌવનભર્યાં અંગોમાંથી રૂપ નીતરી રહ્યું હતું.રાજકુંવરીનો હાથી ઝૂલતો ઝૂલતો પાસે આવ્યો. એવ કોળીને એકાએક મૂર્છા આવી અને ભોંય પર ઢળી પડયો.પોતાના મિત્રને ઓચિંતો ઢળી પડેલો જોઈ સુથાર ગભરાઈ ગયો. કોળીને ઓચિંતો પડી ગયેલો જોઈને, પાસે ઊભે લોકોનું ટોળું ભેગું થઈ ગયું. તેના મોઢા ઉપર પાણી છાંટ્યું પવન નાખ્યો, છતાં ભાનમાં ન આવવાથી સુથાર તેને પોતાને ઘરે લઈ ગયો અને ઉપચાર કરવા લાગ્યો. થોડી વારે કોળી ભાનમાં આવ્યો ત્યારે સુતારે ઠંડું પાણી પાયું અને તેના શરીર ઉપર હાથ ફેરવી આશ્વાસન આપ્યું. તે પછી બરાબર હોશ આવતાં પૂછ્યું : ‘ભાઈ ! એવું શું થયું કે તું એકાએક બેશુધ થઈ ગયો ? જે હોય તે સુખેથી કહે, હું તેનો ઉપાય કરીશ.’ કોળીએ નિશ્વાસ નાખીને કહ્યું : ‘ભાઈ ! મારા દુઃખનો કોઈ ઉપાય નથી.’ સુથારે ઉત્કંઠાથી પૂછ્યું : ‘ભાઈ ! એવું શું દુ:ખ છે કે જેનો ઉપાય નથી ! જે હોય તે મને કહે ! ન કહે તો તને મારા સમ. કોળીએ ધીમેથી કહ્યું : ‘ભાઈ ! રાજકુંવરીનું રૂપ જોઈ હું વિહ્વળ થઈ ગયો છું, પરંતુ એ ક્યાંથી મળે ? ક્યાં એ રાજકુંવરી અને ક્યાં હું રખડતો કોળી ! ભાઈ, એના વિના જીવવું નકામું છે. હવે તો હું મરવાનો ઉપાય કરીશ.' કોળીની વાત સાંભળી સુથાર ધીરજ આપતાં બોલ્યો : ‘ઓહો, એમાં શી મોટી વાત છે ! જો આ જ વાત હોય તો સમજીલે કે તારું કામ પૂર્ણ થઈ ગયું. ગમે તે રીતે હું એક દિવસમાં તને રાજકુંવરી મેળવી આપું, પછી છે કંઈ ?’ ‘ભાઈ રાજકુંવરીના અંતઃપુરમાં એક ચકલુંય ફરકી શકે એમ નથી. આટલી બધી દાસીઓ, કંચુકીઓ અને વર્ષધરો વચ્ચે હું શી રીતે જઈ શકીશ ?' કોળીએ આ કામ અશક્ય કહી બતાવ્યું. સુથાર બોલ્યો : ‘ભાઈ ! તું હવે મારી બુદ્ધિનો ચમત્કાર જો !’ એમ કહી પાસે પડેલા અર્જુન વૃક્ષના હલકા લાકડાને કાપી ઘડવા માંડ્યું. થોડા સમયમાં તેમાં કળ, ચાપ અને પેચ ગોઠવી લાકડાનું ગરુડ તૈયાર કર્યું. ગરુડની એવી રચના કરી કે, તેના ઉપર માણસ બેસીને કળ ફેરવે તો તે ઊડીને આકાશમાં જાય અને બીજી કળ ફેરવે તો જ્યાં ઊતરવું હોય ત્યાં ઉતરાય. વળી એવા જ લાકડાના બે હાથ તથા શંખ, ચક્ર, ગદા, પદ્મ, મુગટ, વગેરે બનાવી કોળીને ભગવાન વિષ્ણુનું રૂપ ધારણ કરાવ્યું. આ વેશધારી વિષ્ણુને ગરુડ પર બેસાડ્યો. તેને ગરુડ ઉડાડવાની રચના અને ફેરવવાની કળો, ખેંચવાની દોરી અને ઉતારવાની ચાપ વગેરે સમજાવી દીધું અને કહ્યું : ‘મિત્ર તું રાજકુંવરીના અંતઃપુરમાં જાઅને તેને તું પોતે ભગવાન વિષ્ણુ છે, એમ ઠસાવી તેની સાથે આનંદ કર.' કોળી તો વિષ્ણુનું બનાવટી રૂપ લઈ ગરુડ પર સવાર થઈને ઊડ્યો અને રાજકુંવરીના અંતઃપુરમાં પહોંચી ગયો. રાજકુમારીને ઊંઘતી જોઈ તેણે પૂછ્યું : ‘રાજકુમારી ઊંધે છે કે જાગે છે ?'અચાનક અજાણ્યો સાદ સાંભળતા રાજકુમારીની ઊંઘ ઉડી ગઈ ! તે ચકિત નેત્રે અગાસીમાંથી ભગવાન વિષ્ણુનો અદ્ભુત સ્વરૂપને જોઈ રહી ! કોળી ફરી બોલ્યો: ‘તું ડરીશ નહીં. હું ક્ષીરસાગરમાં લક્ષ્મીને છોડીને તારી પાસે આવ્યો છું. હું નિ:સંકોચ મારી સાથે પ્રેમ કર રાજકુમારી ભગવાન વિષ્ણુનું દિવ્ય સ્વરૂપ જોઈને ચકિત થઈ ગઈ. તે બોલી : ‘પ્રભુ ! હું તો એક સાધારણ માનવજાતિની કન્યા છું. આપ તો ત્રિલોકસ્વામી છો, તો આપણો સંબંધ  શી રીતે ઉચિત ગણાય ?’ કોળી બોલ્યો : ‘સુંદરી ! તું એ નથી જાણતી કે, મારી પ્રિયા રાધાના અંશે આજે તારામાં પ્રવેશ કર્યો છે, એટલે તો હું તારી પાસે આવ્યો છું.’ રાજકુમારીએ કહ્યું: ‘ભગવાન ! જો એમ જ હોય તો, આપ મારા પિતા પાસે જઈ મારા હાથની માગણી કરો. એ આપની વાત અવશ્ય માનશે.' કોળી બોલ્યો : ‘રૂપવતી ! સાધારણ માણસો મારું દર્શન કરી શકતા નથી, પછી તારા પિતા સાથે હું શી રીતે વાતચીત કરું ? મારી સાથે ‘ગાંધર્વલગ્ન' કરી લે, નહીં તો હું શાપ આપી તારા પિતાને કુળ સહિત ભસ્મ કરીશ.’ આ સાંભળી રૂપવતી રાજકુમારીએ બનાવટી વિષ્ણુને પોતાનું તન-મન સમર્પણ કર્યું. તે પછી હંમેશા કોળી ગરુડ પર બેસી કુંવરી પાસે જતો અને દિવસ ઊગતા પહેલાં અંધકાર હોય તે વેળા જ ત્યાંથી નીકળી જતો. રાજકુમારીના શરીર પરનાં ચિહ્નો જોઈ દાસ-દાસીઓ વગેરે ચિંતામાં પડ્યાં. તેમને થયું કે, ભલે કોઈ પુરુષ દેખાતો નથી, પરંતુ રાજકુમારીનાં લક્ષણો  બદલાઈ ગયાં છે. આ વાત આપણે મહારાજને જાણ કરવી જોઈએ, નહીં તો આપણે  અપરાધી ઠરીશું !! આ પ્રમાણે વાત ઠરાવી બધા રાજા પાસે ગયા રાજકુંવરીના અંતઃપુરની વાત કરીને કહ્યું : ‘મહારાજ | અમે કોઈને પકડી શક્યા નથી પણ અંતઃપુરમાં કોઈ પુરુષ  પ્રવેશ કરે છે, એવું અમને લાગે છે.’ ભલે , સેવકગણોની વાત સાંભળી રાજા ચિંતામાં પડ્યો. તે થયું, કન્યાના બાપ થવું સાચે જ દુઃખદાયક છે. નદી અને નારીનો સ્વભાવ એક રીતે સરખો છે. જેમ જ્યાં થઈને વહે છે, તે બંને કાંઠાને પાડતી પાડતી જાય છે. તેમ  કન્યા પણ પિતા અને પતિ બંનેના કુળને હાનિ પહોંચાડે છે. રાજા ત્યાંથી રાણીવાસમાં ગયો અને પટરાણીને બધી વાત કરી રાણીએ કુંવરીને પૂછ્યું : ‘દીકરી, તું આ શું કરે છે ? શા માટે અમારા કુળને કલંક લગાડે છે અને કોનું મોત આવ્યું છે કે જે તારા અંતઃપુરમાં આવે છે ?’ રાજકુંવરી બોલી : ‘મા, મારી પાસે તો ગરુડ પર બેસીને સાક્ષાત્ ભગવાન વિષ્ણુ આવે છે. જોવા હોય તો તું જાતે જોઈ શકે છે.’ આ સાંભળી રાણી આશ્ચર્યમાં ગરક થઈ ગઈ. તેણે રાજાને કહ્યું : “આપ તો ભાગ્યશાળી છો. આપણી કુંવરી પાસે તો પ્રેમ કરવા માટે સાક્ષાત્ નારાયણ આવે છે, તેમણે આપણી કુંવરી સાથે ગાંધર્વવિવાહ કરી લીધો છે. આપની ઇચ્છા હોય તો આપણે ઝરુખામાં ઊભા રહી તેમનાં દર્શન કરીએ !

એ રીતે રાજા-રાણી છુપાઈને બેસી ગયાં. અડધી રાત થવા આવી ત્યાં તો ગરુડ ઉપર બેસીને આવેલા વેશધારી વિષ્ણુનાં દર્શન થયાં. રાજા અત્યંત પ્રસન્ન થયો. તેણે રાણીને કહ્યું : મહારાણી ! હવે તો આપણી સર્વ મનોકામનાઓ પૂરી થશે. સ્વયં વિષ્ણુ આપણા જમાઈ છે, પછી આપણને ચિંતા શી ? હવે તો આખી પૃથ્વી આપણા અધિકારમાં લાવી હું ચક્રવર્તી પદ પ્રાપ્ત કરીશ.’ તે પછી રાજા આજુબાજુના રાજાઓ ઉપર વિનાકારણે આક્રમણ કરવા લાગ્યો. તેના અભિમાનથી બધા રાજાઓ એકત્ર થયા અને એક સાથે તેના ઉપર ચઢાઈ કરી. ઓચિંતા ચારે દિશાના આક્રમણથી રાજ ચિંતામાં પડ્યો, પરંતુ તેને થયું આપણને વિષ્ણુ ભગવાન સહાય કરશે પછી ચિંતા શી ? આમ વિચારી રાજા-રાણી રાજકુંવરી પાસે ગયાં અને કહેવા લાગ્યાં : ‘બેટી, તું ભગવાન વિષ્ણુને કહે, કે મારા બધા શત્રુઓનો સંહાર કરી મને વિજય રાજકુંવરીએ વેશધારી વિષ્ણુને કહ્યું, પરંતુ તેમણે ધી૨જ આપતા કહ્યું : ‘પ્રિય ! તું ચિંતા ન કરીશ. હું મારા સુદર્શન ચક્રથી કશ શત્રુઓનો નાશ કરીશ.’ એક પછી એક દિવસો વીતતા ગયા તેમ તેમ બીજા રાજાઓ તેના રાજ્ય ઉપર અધિકાર જમાવતા ગયા અને રાજા ઘેરાતો ગયો. રાજા હંમેશાં વેશધારી વિષ્ણુ ઉપર પોતાની પુત્રી સાથે સંદેશો મોકલતો ગયો .ઉ૫૨ આક્રમણ કર્યું. આ વેશધારી વિષ્ણુને જોઈ સ્વર્ગમાં બિરાજેલા ભગવાન વિષ્ણુને આશ્ચર્ય થયું. તેમણે પક્ષીરાજ ગરુડને બોલાવી પૂછ્યું : ગરુડજી ! તમે જાણો છો ? લાકડાના ગરુડ ઉપર વેશધારી કોળી સવાર થઈને આકાશમાં ઊડી રહ્યો છે ? ‘હું જાણું છું પ્રભુ !’ ‘તો શું કરીશું ? જો એ કોળી યુદ્ધમાં મરી જશે તો લોકો જાણશે કે ભગવાન વિષ્ણુ મરી ગયા. આથી તમારી અને મારી પ્રતિષ્ઠાભંગ થશે અને લોકોની ભગવાન ઉપરથી શ્રદ્ધા ઊઠી જશે, માટે તમે તુરત જાવ અને લાકડાના ગરુડમાં પ્રવેશ કરો. હું હમણાં જ આવીને કોળીના શ૨ી૨માં પ્રવેશ કરું છું.’ આમ થશે તો જ તે શત્રુઓનો નાશ કરી શકશે અને આપણો મહિમા સચવાશે. આ પ્રમાણે ભગવાન વિષ્ણુ અને ગરુડજીએ યુદ્ધમાં રાજાને વિજય અપાવ્યો અને શત્રુઓનો નાશ કર્યો. રાજાને વિજય અપાવ્યા પછી કોળીએ પોતાની સાચી વાત રાજાને કહી. રાજા કોળીની ચતુરાઈ અને રાજકુંવરી માટે મરી ખપવાની તત્પરતા જોઈ પ્રસન્ન થયો અને ધામધૂમથી રાજકુંવરીનાં લગ્ન કોળી સાથે કર્યાં. તેને અડધું રાજપાટ આપી રાજાબનાવ્યો. તેને બુદ્ધિ અને નિષ્ઠાથી કરેલા કામથી સફળતા મળી. જે કામ બળથી નથી થતું, તે કામ ચતુરાઈથી પાર પડે છે.