Panchtantra ni Varta - 2 books and stories free download online pdf in Gujarati

પંચતંત્ર ની વાર્તા - 2

2 દંતિલ અને ગોરંભ 

ભારત ની દક્ષિણે અમરાવતી  નામનું નગર આવેલું હતું.આ નગરમાં દંતિલ નામે એક વાણિયો રહેતો હતો. તે નગરમાં સૌથી વધુ ધનવાન હતો, તેથી તે નગરશેઠ ગણાતો. દંતિલ મોટો વેપારી હોવા છતાં તેનામાં અભિમાન ન હતું. તે રાજા અને પ્રજા બંનેનું કામ કરતો. રાજાનું કામ કરવામાં પ્રજાનો અભાવ થાય અને પ્રજાનું કામ કરવામાં રાજાનો અભાવ થાય એ સ્વાભાવિક હોવા છતાં, દંતિલ એટલો ચતુરાઈથી કામ કરતો કે રાજા અને પ્રજા બંનેનું તેના ઉપર સરખું હેત હતું. એક દિવસ દંતિલને ત્યાં પોતાની દીકરીનો લગ્નપ્રસંગ હતો, તેથી મોટા મોટા નગરજનો, પ્રધાનો અને અધિકારીઓને પોતાને ત્યાં આમંત્રણ આપી તેડાવ્યા હતા. આખા રાજમહેલમાં આમંત્રણ આપેલું હોવાથી ત્યાંનો ઝાડુવાળો ગોરંભ પણ ત્યાં આવ્યો હતો. નગરશેઠના મહેલની શોભા અને લગ્નની ધામધૂમ જોઈ ગોરંભ ચકિત થઈ ગયો. તે વિચારોમાં ગરક થઈ ગયેલો હોવાથી મોજમાં ને મોજમાં સૌથી આગળ પાથરેલા આસન ઉપર બેસી ગયો. આ દૂરથી જોતાં જ દંતિલ શેઠને ગોરંભ ઉપર ક્રોધ ચઢ્યો ધૂંવાંપૂવાં થતો તે ગોરંભ પાસે આવ્યો અને તેને ગળચી પકડી ઉઠાડી મૂક્યો. ગોરંભ બધાંની વચ્ચે થયેલા અપમાનથી સળગી ઊઠ્યો પરંતુ પામર માનવી ક્રોધ કરે તેથી શું ? તે બિચારો મનમાં ને મનમાં સમસમીને બેસી રહ્યો. તેણે મનમાં નિશ્ચય કર્યો કે, ગમે તે થાય પણ હું રાજા પાસે દંતિલનું અપમાન કરાવીને જ જંપીશ.એક દિવસ વહેલી સવારે ગોરંભ રાજમહેલમાંથી કચરો કાઢતો કાઢતો રાજાના પલંગ પાસે આવ્યો. રાજાની અધખુલ્લી આંખો જોઈ તેણે બબડવા માંડ્યું : ‘આજકાલ કોનો વિશ્વાસ કરવો  આ રાજાનો વિશ્વાસુ નગરશેઠ દંતિલ પણ પટરાણીની છેડતી કરે છે.’ ગોરંભના મુખેથી આવી અણધારી વાત સાંભળી, રાજા પલંગમાંથી બેઠો થઈ ગયો. તેણે ગોરંભને પૂછ્યું : ‘ગોરંભ શું તું સાચું કહે છે ?’ ‘અન્નદાતા  હું રાત્રે જુગાર રમવા ગયો હતો, એટલે ઉજાગરાના લીધે અત્યારે ઊંઘ આવે છે. ઊંઘમાં હું શું બબડ્યો તેનું મને ભાન નથી.’ ગોરંભે વાતને વળ ચડાવતાં કહ્યું. ગોરંભની વાતથી રાજાના મનમાં શંકાએ ઘર કર્યું. તેને થયું : ‘ગોરંભે ભલે ડરના માર્યા વાત ફેરવી નાંખી હોય, પણ દંતિલ ધનના મદમાં છકી જઈને અવશ્ય ખરાબ વર્તાવ કરતો હશે.’ હવે નગરશેઠ દંતિલ રાજાના મનમાંથી સાવ ઊતરી ગયો. એકબે વાર દંતિલ આવ્યો, પણ રાજાએ મોં ફેરવી લીધું અને તેની સાથે વાતો પણ ન કરી. દંતિલ ત્રીજી વાર આવ્યો પણ મહેલના દ્વારપાલે તેને દરવાજામાં પેસવા દીધો નહીં. દંતિલે અપમાન સહન કરી ચાલવા માંડ્યું. આ સમયે ગોરંભ ત્યાં સાવરણું ફેરવતો હતો. તેણે દ્વારપાલને કહ્યું: ‘અરે  ભાઈ  નગરશેઠને કેમ અટકાવો છો ? તેઓ ધારશે તો મારી પેઠે તમોને પણ ગળચી પકડી બહાર કાઢી મૂકશે.’ગોરંભની વાત દંતિલના મનમાં સોંસરી ઊતરી ગઈ. તે આખી ઘટનાનું મૂળ સમજી ગયો. તેણે પોતાને ત્યાં ગોરંભનું અપમાન કર્યું હતું તેનું જ આ પરિણામ હતું, એમ તેને સ્પષ્ટ દેખાયું. દંતિલ શેઠ પોતાની હવેલીએ ગયો અને ત્યાં સન્માનપૂર્વક ગોરંભને બોલાવ્યો. ગોરંભ આવ્યો એટલે દંતિલે તેને નમ્રતાપૂર્વક કહ્યું : ‘ભાઈ ગોરંભ તને તે દિવસે માઠું લાગ્યું હશે, પરંતુ તું બ્રાહ્મણોના આસન પર બેઠો એટલે જ મેં જરા ક્રોધ કર્યો હતો. અત્યારે મને મારા વર્તનનો ઘણો જ પસ્તાવો થાય છે. ભાઈ મને ક્ષમા કર એમ કહી દંતિલ શેઠે તેના હાથમાં સો સોનામહોરો મૂકી, શાલ ઓઢાડી તેનું સન્માન કર્યું. નાના માણસો નાની વાતથી જ રાજી થાય છે. જેમ મોટા માણસોને માન મળે, તેમ પોતાને સોનામહોરો  અને શાલ મળી, તેથી ગોરંભના આનંદનો પાર રહ્યો નહીં. તે પણ મનમાંથી વેરભાવ ભૂલી જઈ બોલ્યો : ‘શેઠ  જે થઈ ગયું તે લે થઈ ગયું. હવે તમે મારી બુદ્ધિનો ચમત્કાર જો જો.’ એમ કહી નગ૨શેઠને પ્રણામ કરી ગોરંભ ત્યાંથી વિદાય થયો. કોઈ  મૂરખ હોય કે હલકો હોય પણ રાજાનો કે મોટા માણસનો સેવક હોય તો તેનું સન્માન કરવું જોઈએ. તે વાત દંતીલ ને સમજાણી હતી. બીજે દિવસે સવારે ગોરંભ રાજમહેલમાં કચરો કાઢતો કાઢતો રાજાના પલંગ પાસે ગયો અને રાજા સાંભળે તેમ બબડ્યો : ‘રાજાને કોઈ આચાર નથી, વિચાર નથી ! કેવી નવાઈની વાત છે ! રાજા જાજરૂમાં બેઠા બેઠાં બોર ખાય છે !’ગોરંભની વિચિત્ર વાત સાંભળી રાજા આશ્ચર્યમાં પડ્યો તે ક્રોધથી તાડૂકી ઊઠ્યો, ‘અલ્યા ગોરંભ ! તું આ શું બકે છે હું તને સેવક જાણીને શિક્ષા કરતો નથી, એમ તું માથે ચડતો જાય છે. શું તેં મને કદી બોર ખાતાં જોયો છે ?' ગોરંભ ઠરી ગયો હોય તેમ ધ્રૂજતાં ધ્રૂજતાં બોલ્યો ‘મહારાજ ! હું જુગાર રમવામાં આખી રાત જાગ્યો હતો, તેથી અચાનક ઊંઘ આવી ગઈ. ઊંઘમાં હું શું બોલ્યો તેનું મને ભાન નથી. ખરુંખોટું બોલ્યો હોઉં તો મને ક્ષમા કરો ! મને ઊંઘમાં બબડવાની ટેવ છે.’ રાજાસમજી ગયો કે, ગોરંભને ઊંઘમાં બબડવાની ટેવ છે. તે દિવસે તેણે દંતિલ શેઠ અને પટરાણીની વાત કરેલી, તે પણ તેનો બકવાદ જ હશે. આ મૂરખ સેવકના બબડવા ઉપર વિશ્વાસ રાખીને હું નગરશેઠ ઉપર શંકા લાવ્યો, વગર વિચાર્યે મેં તેમનું ભારે અપમાન કર્યું. અહો ! મેં કેવડી મોટી ભૂલ કરી ! આમ વિચારી રાજા પસ્તાવો કરવા લાગ્યો. રાજાને પોતાની ભૂલ સમજાઈ, તેથી તેણે પાલખી મોકલી નગરશેઠ દંતિલને માનપૂર્વક રાજમહેલમાં તેડાવ્યા અને તેમનો આદર-સત્કાર કર્યો. તે પછી નગરશેઠે વગર વિચાર્યે કોઈનું અપમાન ન કરવાની પ્રતિજ્ઞા લીધી અને રાજાએ પણ વગર વિચાર્યે કોઈની વાત સાંભળી શંકા ન કરવાની પ્રતિજ્ઞા લીધી.