Runanubandh - 35 books and stories free download online pdf in Gujarati

ઋણાનુબંધ - 35

પ્રીતિએ બોક્સ ખોલ્યું અને કેકને ટેબલ પર મૂકી હતી. કેક પ્રીતિના ફેવરિટ ફ્લેવરની ચોક્લેટકેક હતી. પ્રીતિ ખુબ ઉત્સાહ સાથે બોલી, "વાહ, કેટલી સરસ કેક છે."

"હા, સરસ છે." ટૂંકમાં જ અજયે જવાબ આપ્યો. એના અવાજમાં જરાય ઉત્સાહ નહોતો.

સીમાબહેનને આ ગમ્યું નહોતું, એમણે તો એમ બોલી જ લીધું કે, "આ શું ખોટા ખર્ચની જરૂર હોય!"

પ્રીતિ એમનું આ વાક્ય સાંભળી જ ગઈ હતી. એને એટલો ગુસ્સો આવ્યો કે એનાથી એમ બોલાય જ જાત કે, તમારે ક્યાં ખર્ચ કરવો પડ્યો છે? પણ પ્રીતિએ પોતાના શબ્દોને બાંધી રાખ્યા હતા.

ઘરમાં કોઈને એમ થયું જ નહી કે, સીમાબહેને જે કહ્યું એ ખોટું હતું. પ્રીતિનો ઉત્સાહ આ શબ્દોએ મારી જ નાખ્યો હતો. પ્રીતિએ કેક કાપી ને બધાને આપી હતી. ત્યારબાદ બધા બહાર જમવા ગયા હતા.

પ્રીતિ એમના મમ્મીપપ્પાનું જે અપમાન થયું એ પચાવી ગઈ પણ જમવાનું એના ગળે ઉતરતું નહોતું. અજયના ધ્યાનમાં આ બાબત આવી જ ગઈ હતી. છતાં એ ચૂપ જ રહ્યો એ ડંખ પ્રીતિને ખુબ દર્દ આપી રહ્યો હતો. વહુ બધું જ સહન કરી લે છે, પણ પોતાના મમ્મીપપ્પાની લાગણી દુભાઈ એ બિલકુલ સહન કરી શકતી નથી. અહીં પ્રીતિના માનસપટલ પર આ વાતે એટલી અસર કરી કે હવે પ્રીતિને પોતાના ઘરે જ રહેવું ગમતું નહોતું. એ જેટલું શક્ય એટલું બહાર જ રહેતી હતી. આ તરફ અજયનું વલણ પણ એવું જ થઈ ગયું હતું. એને પણ ઘરમાં શાંતિ જણાતી નહીં, આથી એ પણ બહાર જ રહેતો હતો. પ્રીતિ ઘણી વાર ભાવિનીની સાથે પિક્ચર પણ જોવા જતી રહેતી. બસ, ઘર એને નેગેટિવ વિચાર જ આપતું આથી ઘરથી એ દૂર ભાગવા લાગી હતી. સીમાબહેને એના સ્વભાવના લીધે પ્રીતિ અને અજયને માનસિક અશાંતિ એટલી બધી આપી કે એ બંને પોતાની ફરજ નિભાવી રહ્યા હોય એવું અંતર સબંધમાં બની ગયું હતું.

સીમાબહેનને આટલી વાતથી શાંતિ નહોતી મળતી તો હવે એમણે ધીરે ધીરે ભાવિનીના પણ કાન ભરવાનું શરૂ કર્યું હતું. ભાવિનીનું મન તો સાવ નાના બાળ જેવું હતું. એને શું સાચું કે શું ખોટું એવું ક્યાં હજુ વહેવારીક જ્ઞાન હતું! એ તો બધી જ વાત મમ્મી ને કહે અને મમ્મી જેમ કહે એમ કરતી હતી. સીમાબહેનની આવી વૃત્તિના લીધે પ્રીતિ અને ભાવિનીની વચ્ચે પણ ધીરે ધીરે મતભેદ શરૂ થઈ ગયા હતા. પ્રીતિ બધી જ ભડાશ મનમાં સંઘરી રાખતી હતી. જેનું બહુ જ ખરાબ પરિણામ ભવિષ્યમાં આવવાનું હતું. સ્પ્રિંગને જેટલી દબાવો એટલી એ વધુ તીવ્ર બનીને ઉછળે એમ જ પ્રીતિ પોતાની સાથે થતા અન્યાયને દબાવી રહી હતી. સમજદારી રાખી સબંધને સાચવતી હતી.

સીમાબહેન હવે પ્રીતિને આંખે કરવાનો કોઈ મોકો મુકતા નહોતા. પ્રીતિ એમના સ્વભાવ અનુસાર જતું કરતી હતી. હવે પ્રીતિના ચહેરા પર પણ એ ગુસ્સો છલકી જતો સીમાબહેન જોઈ જતા હતા, છતાં એ કચકચ કરે જ રાખતા હતા. આ બધી જ બાબતોને દૂર રાખીને પ્રીતિ પોતાના સ્ટડીની સાથોસાથ મેરેજ પહેલા જે ફોરેસ્ટ ઓફિસરની પરીક્ષાનું ફર્સ્ટ લેવલ ક્લીયર કર્યું હતું એજ પરીક્ષાનું ફાઈનલ લેવલની પરીક્ષા જે પોસપોન્ડ થયેલ એની ડેટ બે થી ત્રણ વર્ષે આવી હતી એની તૈયારીમાં પણ ખુબ વ્યસ્ત હતી. ખુબ સરસ મહેનત કરી એણે એ પરીક્ષા આપી હતી. પરીક્ષા સારી ગઈ હતી, આથી પ્રીતિને આશા હતી કે આ પરીક્ષામાં એ પાસ થઈ જ જશે! પણ રીઝલ્ટ બે મહિના બાદ આવવાનું હતું.

પ્રીતિ જેમતેમ સમય વિતાવ્યા જતી હતી, પણ મન ખુબ વ્યાકુળ
રહેતું હતું. ખુબ માનસિક થાક અને પિયરની યાદના લીધે પ્રીતિ અઠવાડિયું પોતાના પિયર રોકવા ગઈ હતી.

પ્રીતિ પોતાના ઘરે પહોંચી અને એના મનને ગજબની શાંતિ થઈ હતી. બધી જ તકલીફો એકસાથે દૂર થઈ હોય એમ એને લાગી રહ્યું હતું. ઘરે પહોંચી ત્યારે કુંદનબેને પ્રીતિને ભાવતું ભોજન બનાવી રાખ્યું હતું. આજ એ સીધી જ જમવા બેઠી ત્યારે મા ની મમતાભરી લાગણી સ્પર્શી ગઈ હતી. એને મનમાં જ વિચાર આવ્યો કે, સાસરાવાળા એમ બોલે કે, તમારી દીકરીને અમે અમારી દીકરી જેમ જ રાખશું, પણ ખરેખર આવું બોલવું એ ખોટો દેખાડો જ હોય છે. પ્રીતિ ગળગળા સ્વરે બોલી, "મમ્મી આજ શાંતિથી જમું છું. ત્યાં પણ ધરાય ને જમતી હોવ છું પણ મનમાં એક અજંપો રહ્યા જ કરે છે."

"જો દીકરા એ ઘર તારું જ છે. જેટલું તું મનથી સ્વીકારીશ એટલું તને ઘરમાં વધુ ગમશે. થોડો સમય એવું લાગે એ ઠીક પણ હવે આજકાલ કરતા તારે ૨ વર્ષ થવા આવશે. જે પણ હોય એ મન ખોલીને કહેતી રહીશ તો તારું મન પણ શાંત રહેશે અને તારા સાસરિવારાને પણ તને સમજવું સહેલું લાગશે."

"મમ્મી! મને તો લાગે છે કે એમણે મને સમજવું જ નથી. ત્યારે પણ તમે કેક મોકલાવી ત્યારે મમ્મી કેવું બોલ્યા હતા, કહે કે એવો ખોટો ખર્ચ શું કરવાનો? હું એ સાંભળીને ખુબ દુઃખી થઈ હતી. મને તો એવું લાગ્યું કે, એમને કદાચ તમે કોઈક મોટી રકમ આપો એવી આશા હશે. કેમ કે, કાયમ બધી વાતે ગણતરી જ કરતા હોય છે."

"હશે.. એમનો એવો સ્વભાવ તારે સ્વીકારી લેવો. ચાલ જમીલે શાંતીથી."

સૌમ્યા પણ સાંજે આવવાની હતી. પ્રીતિ આજ વહેલી આવી ગઈ હતી આથી આજે પ્રીતિએ એને આવકારવા એક મસ્ત બંને બેહેનની ફોટો ફ્રેમ બનાવી રાખી હતી. સૌમ્યા આવી એટલે પ્રીતિ સીધી એને રૂમમાં આંખ બંધ કરીને ખેંચી ગઈ હતી. અને એને રૂમમાં લગાડેલી એ ફ્રેમ દેખાડી હતી. સૌમ્યા ખુબ ખુશ થઈ ગઈ હતી. પણ એના સ્વભાવ અનુસાર પ્રીતિને જ્યાં સુધી ન ચીડવે ત્યાં સુધી સૌમ્યાને મજા ન જ આવે સૌમ્યા બોલી, "જો તું ગમે તેટલા મેકઅપના થથેડા લગાડે તો પણ સરસ તો હું જ લાગુ. જો આ ફ્રેમ એની સાક્ષી છે."

"જો તું પાછી ચાલુ થઈ... હું તને આટલું મસ્ત સરપ્રાઈઝ આપું અને તું આમ કહે!"

"ઓકે.. સારું હું મારુ બોલવાનું બદલી નાખું. હું વગર મેકઅપ પણ સરસ જ દેખાવ... જેને મેકઅપ કર્યો હોય એ ઝાંખા પડી જાય!" બોલી ને નાચવા લાગી.

"ઉભી રહે તું.. ખમ આજ તો તને મારુ જ.." કહેતી બંને બહેનો ઘરમાં ધમાચકડી મચાવવા લાગી હતી.

કુંદનબેન આ જોઈને ખુશ થઈ રહ્યા હતા. એમને ઘણા દિવસે આ ઘર ખીલેલું લાગ્યું હતું. પ્રીતિ ના લગ્ન થઈ ગયા અને થોડા જ સમયમાં સૌમ્યા કોલેજ માટે બહાર જતી રહી, આથી કુંદનબેન અને પરેશભાઈ બે જ હોય, ખાલી ઘર એકદમ સુમસામ લાગતું હતું. આ બંને દીકરીઓથી ઘરમાં રોનક આવી ગઈ હતી.

પરેશભાઈ આવ્યા ત્યારે બંને દીકરીઓએ મળીને રસોઈ બનાવી રાખી હતી. બધાએ સાથે જમ્યું અને જૂની યાદો વાગોળતા વાતોએ ચડી ગયા હતા. બંને દીકરીઓના બાળપણને યાદ કર્યું અને બંને કેવા તોફાનો કરતી એ પણ યાદ કર્યું હતું. થોડી વારમાં તો નાનપણથી લઈને લગ્નજીવન સુધીની પ્રીતિની બધી જ વાતો યાદ કરી લીધી હતી. સૌમ્યા એમનો બાળપણ નો આલ્બમ લઈને આવી હતી. સૌમ્યા કહે પ્રીતિ જીજુને આ તારો ફોટો મોકલ્યો હોત તો જીજુ ડરી ને ના પાડી દેત... પ્રીતિ સહીત બધા પ્રીતિનો એ ફોટો જોઈને હસી પડ્યા હતા.

કહેવાય છે ને કે, બહુ હસો તો રડવું પણ પડે, બસ એ જ કહેવત પ્રીતિના જીવનને લાગુ પાડવાની હતી. ભવિષ્યના તોફાનથી અજાણ પ્રીતિ અત્યારે અતિ મોજ માણી રહી હતી.

એવું તે શું થશે કે પ્રીતિને દર્દના લીધે રડું આવશે?
ભવિષ્યમાં પ્રીતિના જીવનમાં શું વણાંક આવશે એ જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻