Runanubandh - 37 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ઋણાનુબંધ - 37

Featured Books
Share

ઋણાનુબંધ - 37

પ્રીતિ પોતાના રૂમમાં ગઈ, એ ખુબ રડી રહી હતી. આજ એના આંસુ રોકાઈ રહ્યા નહોતા. અજયના શબ્દો ફરી ફરી એને યાદ આવી રહ્યા હતા. પ્રીતિને થયું કે, આવું મારી સાથે જ કેમ થયું? ખુબ મહેનત કરી, પરીક્ષા પણ સારી ગઈ છતાં કેમ ફેલ થઈ? હું ફેલ થઈ તો આટલી તકલીફ અજય ને થઈ તો મારી તો બધી જ મહેનત ફોગટ ગઈ તો મને પણ તકલીફ થતી જ હોય ને! હું અજય પર આક્ષેપ નાખું તો કે પરિવારમાં બધાનું ધ્યાન રાખી રાખીને હું મહેનત કરું છું પણ જોઈતો સમય વાંચનને ન આપી શકી એટલે ફેલ થઈ તો એમને બધાને મારા બોલવાથી તકલીફ થશે જ ને! કેમ આમ મારી સાથે વાંકુ વર્તે છે! પ્રીતિ બહુ જ દુઃખી થઈ રહી હતી. પ્રીતિએ લાંબા કાળા વાળ કે જે એક નાનીપિનથી જ બાંધી ખુલ્લા રાખ્યા હતા એ વાળની ગાંઠ બાંધી અંબોળો ઓળવી અને પોતાની બધી જ સઘળી તકલીફો એ વાળમાં જ બાંધીને બપોરના જમવાની તૈયારી કરવા કિચનમાં ગઈ હતી.

પ્રીતિ એક પછી એક બધું જ કામ પતાવવા લાગી હતી. મન ઉદાસ હતું, એટલે કામ કેમ કરતી હતી એનો પણ એને ખ્યાલ નહોતો જ, બસ કરવું પડે એટલે કર્યા જ કરતી હતી. જોબ પર તો પ્રીતિએ રજા મુકેલી જ હતી છતાં લંચ બ્રેકના સમયે એ કોલેજ આસ્થાને મળવા ગઈ હતી. પ્રીતિ આસ્થાને મળીને પોતાનું મન હળવું કરવા જ ગઈ હતી. અને ખરેખર એવું જ થયું હતું. આસ્થાએ શાંતિથી પ્રીતિની બધી જ વાત સાંભળી હતી. ત્યારબાદ એ બોલી, " જો પ્રીતિ! જે પતી જ ગયું છે એને યાદ કરીને તું દુઃખી થઈશ તો પણ એમાં હવે કોઈ ફેર નથી જ પડવાનો, પણ તું તારી જે પીએચડીની તૈયારી કરે છે એમાં ધ્યાન દે. અને તે એ પરીક્ષા આપી ત્યારે પીએચડી ચાલુ નહોતું કર્યું અત્યારે એ ચાલુ છે તો એમાં ફોકસ કર, અને રહી વાત જીજુની તો એમને તો આન્ટી અને ભાવિની સમજાવી લેશે અને સમય દરેક બાબતનું સમાધાન કરાવે જ છે."

"હા, આસ્થા તારી વાત સાચી છે હું મારુ જે સ્ટડી ચાલુ છે એમાં જ ધ્યાન આપીશ, ચાલ હું ઘરે જાવ છું અને તું પણ લેક્ચર લેવા જા, કાલ તું ઘરે આવજે."

પ્રીતિને આસ્થાને મળી મનમાં ખુબ શાંતિ થઈ હતી. ઘરે જતી વખતે પ્રીતિએ એના મમ્મીને પણ ફોનમાં બધી જ વાત ટૂંકમાં કરી હતી. અને કોઈ જ ચિંતા ન કરે એવું કહ્યું હતું.

પ્રીતિ ઘરે આવી એટલે એના ચહેરા પણ રાહત જોઈને સીમાબહેનને પણ થોડી રાહત થઈ હતી. પ્રીતિ પોતાની રજાનો સમય હવે સ્ટડીને આપવા લાગી હતી. સાંજે અજય ઘરે આવ્યો. એના ચહેરા પર એવો જ ગુસ્સો છવાયેલો હતો. પ્રીતિ એના માટે ચા બનાવીને લાવી, પણ અજયે ચા પીવાની ના પાડી હતી. પ્રીતિ ચા નો કપ પાછો લઈને કિચનમાં મૂકી પોતાના રૂમમાં જતી રહી હતી.

સીમાબહેન અજય પાસે ગયા અને એમણે અજયને સમજાવતા કહ્યું, "જો બેટા, તું પ્રીતિ પર આમ ગુસ્સે થાય અને એને બોલાવે જ નહીં એ જરાય યોગ્ય નથી જ. એણે ઘરની બધી જ ફરજ બજાવતા વાંચવામાં ધ્યાન આપ્યું જ હતું. પરીક્ષા પણ સારી જ ગઈ હતી, પણ પાસ ન થઈ એ દુઃખની વાત છે. અને તું તો જાણે જ છે, આ રિઝલ્ટમાં કેટલોય ગોટાળો હોય છે. આમા પ્રીતિનો કોઈ દોષ નથી. તારું આવું વર્તન જરાય સારું નથી. જા એ રૂમમાં છે એની સાથે વાત કર."

"હા, મમ્મી." એટલો ટૂંકમાં જ જવાબ અજયે આપ્યો હતો. અને મમ્મી કહે એટલું જ પાણી પીનાર અજય તરત રૂમ ગયો અને બોલ્યો, "આ પહેલીવાર છે એટલે જવા દવ છું. આવું બીજીવાર ન થાય એનું ધ્યાન રાખજે."

"હા." એટલો ટૂંકમાં જ પ્રીતિએ જવાબ આપ્યો હતો.

પ્રીતિએ જવાબ ભલે ટૂંકો આપ્યો પણ મનમાં એ ખુબ બોલી રહી હતી. જયારે જીવનસાથી સાથ આપે નહીં ત્યારે વ્યક્તિ ખુદ પોતાની સાથે સંવાદ કરવા લાગે છે. જાતને જ પ્રશ્ન કરી જાતે જ જવાબ આપે છે.
"શું પ્રેમ આવો હોય?"

"ના ના પ્રેમ તો ચહેરો જોઈને જ મનના વિચારો વાંચી લે એવો હોય!"

"તો શું આ આકર્ષણ હતું?"

"હા, કદાચ.. કારણ કે જેના માટે પ્રેમ હોય એ વ્યક્તિને સંપૂર્ણ એના ગુણ અવગુણ સાથે દિલ એને સ્વીકારે જ છે."

"ખરેખર એવું હોય કે, ખાલી ફિલ્મોમાં જ ભજવાતું હોય?'

"મનથી થયેલ પ્રેમમાં હોય જ.. અને જો ગુણ અવગુણ સ્વીકારી શકતા ન હોઈએ તો એ પ્રેમ નહીં જરૂરિયાત છે."

"જરૂરિયાત થી જિંદગી જીવાય કે પ્રેમથી?"

"બંનેથી. બસ, જરૂરિયાત પુરી ન થવી જોઈએ.. જરૂરિયાત પુરી એટલે સબંધ પણ પૂરો. મોટા ભાગના લોકો જરૂરિયાત પર જ જીવન જીવી નાખે છે. ઘણા આ વાત સ્વીકારે છે તો ઘણા જાત છેતરી ખોટું બોલે છે. પણ સત્ય આજ છે.

"તો સંપૂર્ણ સમર્પણ સબંધને આપી ન શકે તો લગ્ન જ કેમ કરે છે?"

જવાબ આપી રહેલ મન અચાનક મૌન થઈ ગયું. અને પ્રીતિના આંખમાંથી એક આંસુ સરકી પડ્યું, જે એના સિવાય કોઈને ન દેખાયું...

પ્રીતિને સતત થોડી વાર ચૂપ જોઈને અજયને કદાચ પ્રીતિની વેદના થોડી સ્પર્શી ગઈ હતી. અજય પ્રીતિ પાસે આવ્યો અને વાતનો ખુલાસો કરતા બોલ્યો, "મારાથી હાર સ્વીકારાતી નથી. હું ખુબ ગુસ્સામાં હતો. આથી ક્યારેક ન બોલવાનું પણ મારાથી બોલાય જાય એ કારણે મેં તારી સાથે વાત કરવાનું ટાળ્યું હતું. મેં આ ખોટું કર્યું એનો અહેસાસ મમ્મીએ મને કરાવ્યો છે. હવે આ વાત ભવિષ્યમાં ક્યારેય નહીં ઉચ્ચારુ."

"કોઈ વાંધો નહીં. હું પણ ધ્યાન રાખીશ." પ્રીતિ પણ અજયની ભાવના સમજીને કૂણી પડી ગઈ હતી.

મન નોર્મલ થયું તો પરિસ્થિતિ પણ નોર્મલ લાગવા લાગી હતી. થોડીવાર પહેલા નેગેટિવ વિચારોથી ઘેરાયેલ પ્રીતિ અચાનક અજય દ્વારા મળેલ સાથને યાદ કરવા લાગી હતી. અજય સ્ટડી અને જોબને માટે પ્રીતિને બધી જ છૂટ આપતો હતો. પ્રીતિને ક્યારેય અજયે આ બાબતે ટોકી નહોતી ઉલ્ટાનું હંમેશા સપોર્ટ કરતો હતો. આવા વિચારો પ્રીતિને આવવાથી એનું વ્યાકુળ થઈ ગયેલ મન પણ ખુબ શાંત થઈ ગયું હતું. ડોક્ટર પણ કહે જ છે કે, જયારે ખુબ ગુસ્સો આવે ત્યારે મનને જો દશ મિનિટ પણ બીજા વિચારોમાં રાખવામાં આવે ને તો એ ગુસ્સો સમી જાય છે. મોટામાંમોટા ઝગડા પણ અમુક મિનિટ સાચવી લેવાથી સમી જાય છે. આપણા વિચારોનું વર્ચસ્વ આપણા જીવન પર ખુબ રહે છે. આથી જ વિચારો સારા તો વ્યક્તિત્વ પણ આપોઆપ ખીલી જ ઉઠે છે. અહીં પણ પ્રીતિને અજયે પોતાના વિચારો રજુ કર્યા એટલે ખોટી ગેરસમજ જે બંધાય રહી હતી એ આપોઆપ દૂર થઈ રહી હતી.

પ્રીતિ સવારે એના નિત્યકર્મ મુજબ જ ઉઠી અને પોતાનું બધું કામ પતાવવા લાગી હતી. આજ એના ચહેરા પર ચિંતાનું આવરણ હટેલું જોઈને હસમુખભાઈએ મનોમન પ્રભુનો આભાર માન્યો હતો. સીમાબહેન ગર્વ લઈ રહ્યા હતા કે, અજયને સમજાવવો એ ફક્ત મારા હાથની વાત છે.

હા, બહુ જ વિરોધભાસ હોય છે લાગણી અને અહમમાં..
દોસ્ત! એક બધાને ખુશ રાખી ખુશ રહે છે અને બીજું નિજમનને જ ખુશ રાખવા પ્રયત્નશીલ રહે છે.

સીમા બહેન મલકાતા ચહેરે કીચનમાં ગયા, ત્યારે પ્રીતિ ચા અને નાસ્તો બનાવી રહી હતી.

શું પ્રીતિ ભણવાનું ચાલુ રાખશે? કે ફેલ થવાના ડરથી મૂકી દેશે?
અજય અને પ્રીતિના જીવનમાં શું આવશે વણાંક?

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻