Hampi - Geet Gaya Paththron ne - 2 books and stories free download online pdf in Gujarati

હમ્પી - ગીત ગાયા પથ્થરોં ને - 2

2.

સાંજે ચાર વાગે ફરીથી ટેક્ષી આવી અને વિરૂપાક્ષ મંદિરથી અલગ દિશામાં આવેલ વિઠ્ઠલ મંદિર ગયાં.


વિઠ્ઠલ મંદિર જવા માટે પણ હમ્પી આવવું પડે પણ ત્યાં આવી બીજી જ તરફ રસ્તો ફંટાય. તે રસ્તે સ્કૂલો, એક કોલેજ વગેરે આવ્યું. વિઠ્ઠલ મંદિરનાં પાર્કિંગમાં કાર રાખી ત્યાંથી મંદિર અંદર સવા કિલોમીટર દૂર હોઈ મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલતી ઇલેક્ટ્રિક કારની વ્યક્તિદીઠ 20 રૂ. આવવા જવાની ટિકિટ લીધી. સમય બચાવવા. યુવાનો તો હસતાં ગાતાં, યુગલો હાથમાં હાથ લઈ ચાલતાં આવતાં હતાં. ઇલેક્ટ્રિક કારથી જતાં આવવા જવાની થઈ ચાલીસેક મિનિટ બચે. ત્યાં પણ એ મંદિર પૂરતો ગાઈડ 350 રૂ. માં કર્યો.


વિઠ્ઠલ મંદિરની બહાર પટ્ટીઓ પર રામાયણ, મહાભારતના વિવિધ પ્રસંગોનું ચિત્રાલેખન છે. રુકમણી સ્વયંવર યોજાયેલો તે ચોરસ સભામંડપ મંદિરની નજીક છે. મંદિરમાં અન્ય વિષ્ણુ મંદિરોની જેમ લાંબી પરસાળ છે.


અહીં કેટલીક અદ્ભુત શિલ્પ રચનાઓ જોવા મળી. એક આપણી હથેળીથી થોડું મોટું શિલ્પ, જેમાં એક સાથે સાત શિલ્પ સમાવેલાં. નીચે હાથ રાખો તો ઉપર દેડકો કે કાચબો, કુર્માવતાર દેખાય. હાથ નીચે કરો એટલે સાપ. સાઈડમાં કૂદતો વાનર, હાથમાં કાઈંક એટલે પર્વત લઈ ઉડતાં હનુમાન. સાઈડમાં હાથ નીચે કરો એટલે આડી ઝૂકેલી વાનર માતા બે હાથે વાનર બાળને પકડીને ઉપર ખેંચે છે તેવું શિલ્પ.

મંદિરનું ખૂબ વિશાળ પ્રાંગણ છે જેમાં એક તરફ ખૂબ જાણીતો પથ્થરનાં પૈડાં વાળો રથ છે. રથની એક બાજુ ઊભી મુદ્રામાં કમરે હાથ મૂકી ઉભેલા વિઠ્ઠલ સ્વરૂપ વિષ્ણુ છે. ગાઈડે કહ્યા મુજબ અમુક ચોક્કસ દિવસે આ રથ થોડું ચલાવવામાં પણ આવે છે.


આ રથનું ચિત્ર 50 રૂ. ની નોટ પર છે.


મંદિરના અમુક ગોખમાં મ્યુઝિકલ પીલ્લર છે. એ પોલા સ્તંભ પર હથોડી કે કોઈ પણ પદાર્થ અથડાવી મધુર સંગીત પેદા કરી શકાય છે. જો કે ત્યાં કોઈ ગાઈડ તે વગાડતા ન હતા. અમારા ગાઈડના કહેવા મુજબ કોઈ VVIP આવે તો ટ્રેઇન્ડ અને જવાબદાર વ્યક્તિ આ પીલ્લર વગાડે છે. અગાઉ સતત લોકો સિક્કાઓ જોરથી અથડાવી મોટો અવાજ કરવા જતા એમાં એક પીલ્લરમાં તિરાડ પડી ગઈ. એવા પીલ્લર re construct કરવા શક્ય નથી એટલે ASI એ તે વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે.


મંદિરની પ્લિંથની પટ્ટીઓ પર ખાસ ડિઝાઇન છે. અમુક ફૂલ પાંદડીઓ આકારના ખાડાઓ દિપક મૂકવા માટે છે. અમુક કંકણ કે બંગડીની ડિઝાઇન છે. પટ્ટીમાં વચ્ચે વચ્ચે ગોળ ટપકાં જેવાં વર્તુળ અને તેમાં બારીક ડિઝાઇન.


એ ચોગાનમાં સાંજનો શીતળ પવન લેતાં લોકો સાથે બેઠાં પછી ગયા રઘુનાથ મંદિર જ્યાં મોટી દીપમાળ છે અને અખંડ રામધૂન ચાલતી હતી ત્યાં ગયાં. ત્યાં ખાસ જોવા જેવું ન હતું પણ મહત્વ એ વાતનું કે સીતાજીને ગોતવા રામ લક્ષ્મણ નીકળ્યા ત્યારે આ પર્વત પર ચાતુર્માસ કરવા રોકાયેલા. જટાયુએ અહીંથી માર્ગ બતાવેલો.


બાજુમાંથી થઈ એક ટેકરી ચડી ઉપર મોટું એક જ પીળા બ્રાઉન જેવા રંગની શીલાનું બનેલું મેદાન ( મને મારી ટાલ યાદ આવી. તેનું મેગ્નિફાઇડ વર્ઝન!) હતું. એ સહેજ ઢોળાવ વાળાં મેદાનમાં ઊભી નીચે ચારે બાજુનો વ્યુ જોયો. ગયો હતો તો ત્યાંથી સૂર્યાસ્ત જોવા પણ એમ લાગ્યું કે એ પગથી વાળી કેડી ઝાડીની વચ્ચેથી જાય છે. જો અંધારું થઈ ભૂલો પડ્યો તો મુશ્કેલી. એ સમયે ટોચ પર મારા સિવાય કોઈ ન હતું.


નીચે ઉતર્યો ત્યાં સૂર્ય પણ વાદળમાંથી નીચે ઉતર્યો. અમે ટેક્સી ભગાવી. હોસપેટ શહેરની ભાગોળે આવેલાં કમલા સરોવર પર ઊભાં. પાણી અન્ય સરોવરની જેમ શાંત નહીં પણ દરિયા કાંઠા જેવા હિલોળા મારતું હતું. દૂર ભૂરી ટેકરીઓ, પાછળ પાણી ભરેલાં ડાંગરનાં ખેતરો, સહેજ આગળ સાવ સીધાં, પાતળાં, ખૂબ ઊંચાં થડ વાળાં સોપારીનાં વૃક્ષો હતાં. લેઇક પર ચાલવા માટે પેવર વાળી પાળી અને બેસવા બાંકડાઓ મુક્યા હતા. સરસ ઠંડી સાથે સુગંધી હવા આવતી હતી.


થોડા વર્ષો પહેલાં તે લેઇક સાવ નાનું હતું, મ્યુનિ. એ સાફ કરાવી તુંગભદ્રા નદીની એક નહેર એમાં વાળી પાણી ભરાવ્યું અને એ સતત સાફ કરાવે છે.


સૂર્યાસ્ત વખતે ધીમી ઠંડી પવનની લહેરો સાથે તળાવમાં હિલોળા લેતું પાણી અને એમાં સૂર્યાસ્ત જોવાનો આલ્હાદક અનુભવ લીધો. આવા જળસ્ત્રોતોનો એવો સદુપયોગ થવો જોઈએ.


સૂર્યાસ્ત થતાં હોટેલ ભેગા. આજુબાજુ ફરી શકાય એવી નાની બઝાર હતી. અમે તો હોટેલમાં જ ફુવારા અને ધોધ સામે લાઈટો વચ્ચે બેઠાં. સમય થતાં વચ્ચેનાં રેસ્ટોરાંમાં વેજ બિરયાની, કલબ સેન્ડવીચ ખાઈ ઉપર આવી સૂઈ ગયાં.


એક વાત હમ્પી જનારે ખાસ ધ્યાન રાખવી. વિરૂપાક્ષ કે વિઠ્ઠલ મંદિર અને આસપાસ કોઈ ખાવાપીવાના સ્ટોલ કે કેન્ટિન નથી. ખાલી પાઈનેપલ ચીર, મગફળી, મકાઈ, છાશ જેવું વેંચતા ફેરિયા માત્ર પાર્કિંગ પાસે જોવા મળે એટલે ખાવાનું સાથે લઈ જવું અને ટ્રાવેલ વાળો માને તો હોસપેટ લંચ માટે આવીને પરત જવું.


બેય બાજુ જોવાના દરેક સ્થળ દીઠ બે કલાક ગણવાના. ઉત્તરે વીરુપાક્ષ કે દક્ષિણે વિઠ્ઠલ મંદિર. એટલે ચારેક કલાક તો થાય જ. બીજું આસપાસનું જોવું હોય તો વચ્ચે ત્યાં ચા,નાસ્તા માટે પણ સ્ટોલ નથી.

***

ક્રમશ: