Hampi - Geet Gaya Paththron ne - 4 books and stories free download online pdf in Gujarati

હમ્પી - ગીત ગાયા પથ્થરોં ને - 4

હમ્પી પ્રવાસ ભાગ 4
દિવસ 2, ઉત્તરાર્ધ
----------
4.
તુંગભદ્રા ડેમની ઉડીને આંખે વળગે એવી ખાસિયત એ છે કે એના બાંધકામમાં સુરકી નામનું કાદવ અને ચુનાનું મિશ્રણ વપરાયું છે, ક્યાંય પણ સિમેન્ટ નહીં! કહે છે સુરકી અને ચૂનાનું મિશ્રણ ક્યારેય ધોવાતું નથી. એ સિમેન્ટ કરતાં વધુ મજબૂત હોય છે.1953માં તોફાની નદીના પ્રવાહ પર બાંધવો ખૂબ મુશ્કેલ એવો આ ડેમ બાંધનાર એન્જિનિયર તિરુમાલા આયંગરનું પૂતળું ડેમ નજીક મૂક્યું છે.એ રીતે એક સરકારી અધિકારી ના જ્ઞાનને માં આપ્યું છે.

ત્યાં પહોંચી પહેલાં અમે ગયાં તેનાં વિશાળ reservoir પર. ત્યાં પણ હિલોળા લેતું પાણી હતું. માત્ર દરિયાનું પાણી ભૂરું હોય તે અહીં આછું બ્રાઉન રંગનું હતું. બાકી દરિયા જેવાં જ મોજાં ઊછળતાં હતાં. લોકો ત્યાં લોકો કાળા પથ્થરોનો ઘાટ ઉતરી કેડ સમાણા પાણીમાં નહાતા હતા. મારે પેન્ટ ભીનું ન થાય એટલે આગળ જઈ પોંયચા ચડાવી ગોઠણ સુધી પગ બોળ્યા. ગંગા નહાયા, ગોદાવરી નહાયા, હવે તુંગભદ્રા નહાયા!

ત્યાં પણ સુંદર થાંભલા અને લાઈટો, બેસવાના બાંકડા વગેરે હતું. ખૂબ સુંદર પિકનિક સ્પોટ બનાવેલું. દૂર એ પાણીનો રીતસર બીજો રંગ દેખાય, સંગમ હશે કે જેને ખંડીય છાજલી કહીએ તે છીછરા પાણીનો અંત હશે. લોકો કેડ, ક્યાંક એક બીજાના હાથ પકડીને ખભા સુધીના પાણીમાં ઊભા હતા.

ત્યાંથી મૂળ ડેમના દરવાજાઓ અને ડેમ જોવા ગયાં. તે રસ્તો હોસ્પેટ જતાં હાઇવે થઈ બીજી તરફ થઈને અર્ધી કલાક મુસાફરી કરીને જાય છે.ડેમ નો ભવ્ય ગેટ આવ્યો. તેની બહારથી ડેમ , ગાર્ડન વગેરે જોવા અંદર જવા માટે ટિકિટ લીધી. અંદર ડેમ અને ગાર્ડન 1.1 કિમી છે. ત્યાં જવા બસ છે તો ખરી પણ ઉપાડનારની દાનત હોય તો. વીસેક મિનિટ ઊભી આખરે બીજાઓની જેમ ચાલવું શરૂ કર્યું. ડેમ નજીક, એન્ટ્રીથી 400 મીટર દૂર સુંદર ગાર્ડન આવ્યું જ્યાં બોટિંગ, સ્પીડ બોટ, રાત્રે શો ચાલે છે તે મ્યુઝિકલ ફાઉન્ટેઈન વગેરે છે. બાળકો માટેની રાઇડ્સ પણ છે. એક ખૂણે સાચા લાગે તેવા હાથી, સરસ, બગલા, જંગલી ભેંસ અને ડાયનોસોર સુદ્ધાં મૂકેલાં. અમે ગાર્ડનમાં એક મોટો આંટો માર્યો. સુંદર જાતજાતની લાલ પીળી મોટાં નાનાં પર્ણો ની વનસ્પતિ અને મેંદી જેવી વાડ જોઈ. અનેક દક્ષિણ માં જ થતાં ફૂલ છોડો પણ જોયા. ગાર્ડનમાંથી જ ઊંચી સીડીઓ અને પગથિયાં ચડીને ડેમ પર પહોંચાય છે તે કોઈ કર્મચારી પાછળ જતાં પહોંચ્યા ત્યાં તો બસ પાછળથી આવી.

ઠીક, રેલીંગમાંથી ડેમ જોયો. ફૂલ જળાશય. શું તુંગભદ્રા તોફાની નદી હશે? અહીં પણ મોજાં ઉછળે. કોઈ બે નદીનો સંગમ હશે, દૂર સાવ અલગ રંગનું બીજું પાણી દેખાતું હતું. દૃશ્ય રમણીય હતું. ખસવાનું મન ન થાય એવું. સામે બિલ્ડિંગ પર ત્રણ સિંહ ની મોટી પ્રતિમા હતી.

પરત જતાં આગળ Y જેવો વળાંક આવે જ્યાં ડાબે જાઓ તો પરત એન્ટ્રી ગેટ તરફ જવાય, જમણે રસ્તો ઉપર ખૂબ ઊંચે વોચ ટાવર તરફ જાય. ત્યાં વોચ ટાવર સુધી જવાય એટલો સમય ન હતો. તરત પાછા વળ્યા અને હોસ્પેટ પહોંચી પહેલાં લંચ પતાવી તરત એસ.ટી. બસસ્ટોપ 2.40 વાગે પહોંચી ગયા. સાંજે 4.15 ની બેંગલોર જતી વોલ્વો માં બુકિંગ હતું. તેને ઐરાવત બસ કહે છે.

રસ્તે ચિત્રદુર્ગ જ્યાં પ્રાચીન કિલ્લાઓ છે, તાંબાની ખાણો છે અને તેની ટેકરીઓ પર ઘણાં પિકચરોનું શૂટિંગ થયું છે તે 6.30 વાગે આવ્યું. રાત્રે 10.30 વાગે બેંગલોર કેમ્પેગોડા બસ સ્ટોપ અને ત્યાંથી ઘેર.

પ્રાચીન સ્થળો અને સાથે સુંદર કુદરત જોવી હોય એના માટે બે દિવસની ટ્રિપ આનંદદાયક રહે. મને તો યાદગાર અનુભવ થયો.
*****