Barbrakjishnu - Jaisingh Siddhraj - 18 books and stories free download online pdf in Gujarati

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 18

૧૮

મુંજાલે પ્રાપ્ત કરેલું મહત્વ

જયસિંહદેવ રા’ની પછવાડે ગયો છે એ સમાચાર ત્રિભુવનને મળ્યા, ત્યારે પહેલાં તો એ આભો જ બની ગયો હતો. એનાથી છૂટ્ટા પડ્યાને હજી તો બહુ વખત પણ થયો ન હતો. પણ જ્યારે પૃથ્વીભટ્ટે બધી વાતની એને સમજણ પાડી, ત્યારે એને આશ્ચર્ય થયું હતું. એટલે હવે એક ક્ષણના પણ વિલંબ વિના મહારાજની પાછળ દોડવું જોઈએ, એટલે તેણે તરત જ એક ઝડપી સાંઢણી લીધી હતી, થોડા સવારો સાથે લીધા હતા, બીજાને પાછળ આવવાનો માર્ગ બતાવ્યો હતો. મુંજાલને એકને કાને વાત નાખી હતી અને તરત મહારાજની પાછળ જવા માટે એ ઊપડી ગયો હતો. 

ત્રિભુવનપાલ ગયો, એટલે પાટણમાં જેના ઉપર ભાર મૂકી શકાય એવા બે જ માણસો બાકી રહ્યા: જગદેવ પરમાર અને મુંજાલ. સાંતૂ મહાઅમાત્ય હતો, પણ અત્યાર સુધી એ પોતાની રાજનીતિનો પોતે ઘડવૈયો હતો, હવે એ બીજાની રાજનીતિનો માત્ર કરવૈયો હતો. આ ફેરફારમાં એ પોતાની જાતનો હજી બરાબર મેળ મેળવી શક્યો ન હતો.

જયસિંહદેવ રા’ની પછવાડે એકલો દોડ્યો એ વસ્તુએ અનેકને મુગ્ધ કર્યા હતા, અનેકને ક્ષુબ્ધ પણ કર્યા હતા. મુંજાલ તો એમાંથી એક રહસ્ય પામી ગયો હતો: રાજા આ વિચિત્ર છે. તમામેતમામ પરાક્રમ એને નામે જ ચડે એવી મહત્વાકાંક્ષાનો એ જબરજસ્ત ઉપાસક છે, એટલે મુંજાલ હવે હરપળે બર્બરકના સમાચાર મેળવવા અધીર થઇ રહ્યો હતો. એવા કોઈ મહત્વના સમાચાર મળે તો એ પોતે જ મહારાજ પાસે એ લઇ જવા ઈચ્છી રહ્યો હતો.

એટલામાં એને તે દિવસે જ ખબર મળ્યા કે સાંજે જ કેશવનો એક માણસ અઆવી રહ્યો છે. તે જગદેવ પાસે આવે છે. જગદેવને આપવાના અગત્યના સમાચાર એ લાવી રહ્યો છે. મુંજાલે સરસ્વતીકિનારે આવનારની પ્રતીક્ષા માંડી. સાંજ પડી ગઈ, પણ હજી આવનાર આવ્યો નહિ. નગર-આખું ફરીને પાછું ફર્યું. રાત થઇ, અંધારું શરુ થયું. પ્રહરીઓએ ઘંટાઘોષ કર્યા, દ્વારપાલોએ નાદ આપ્યા, એ કાંઈ સાંભળતો ન હોય તેમ મુંજાલ સરસ્વતીને કિનારે ફરી રહ્યો. આજની તક એ ગુમાવે તો પછી બીજી કોઈ તક એને માટે હતી નહિ.

‘પૃથ્વીભટ્ટને સૂચના મળી છે...’ તે વિચાર કરી રહ્યો: ‘ઝાંઝણ રાતે આવે છે. એને સીધો પરમાર પાસે લઇ જવાનો છે. બર્બરકનો પ્રશ્ન છે, એટલે રાતે ગમે ત્યારે એ આવે, પણ એને એક ક્ષણ પણ ખોટી કરતા નહિ.... એટલે ઝાંઝણ આવશે એ તો ચોક્કસ છે. પ્રશ્ન એ ક્યારે આવે છે એટલો જ છે. પણ એ ગમે ત્યારે આવે, રાહ જોયા વિના છૂટકો જ નથી. એને જ પકડવો જોઈએ. પરમાર પાસે સમાચાર ગયા પછી તો તીર હાથમાંથી છૂટી ગયું ગણાય. તેણે સામે કિનારેથી એક હોડી આ તરફ આવતી જોઈ. હોડીના ઉતરાણની દિશા તરફ પોતે આગળ વધ્યો. થોડી વાર થઇ અને એક હોડી આવી. તેમાંથી એક કસાયેલો, કદાવર, કાળો આદમી બહાર આવ્યો. જંગલવાસીઓ બાંધે છે એવું એક નાનું તીક્ષ્ણ શસ્ત્ર તેણે પોતાની કેડે બાંધ્યું હતું. હોડકાને સ્થિર કરીને તે કાંઠા ઉપર કૂદી આવ્યો. તેણે ચારે તરફ દ્રષ્ટિ કરી, પછી તે નગરની દિશા તરફ ચાલ્યો. મુંજાલે અનુમાન કર્યું કે આ માણસ જ કેશવનો મોકલેલો હોવો જોઈએ. એ બે ડગલાં ગયો કે તરત મુંજાલે બૂમ પાડી: ‘ઝાંઝણ! અલ્યા કોણ – ઝાંઝણ જાય છે કે?’ પોતાના નામની બૂમ સાંભળીને તે અટક્યો... ‘કોણ?’ તેણે સામે પ્રશ્ન કર્યો.

‘સવાલજવાબ પછી કરજો.’ મુંજાલે આજ્ઞાવાહી સ્વરે કહ્યું, ‘તમને કેશવ નાયકે મોકલ્યા છે નાં!’ ઝાંઝણ આજ્ઞા કરનારના રણકાથી આશ્ચર્ય પામ્યો. એને ખબર હતી કે મહારાજ જયદેવ તો પાટણમાં હતાં નહિ. આવો આજ્ઞાધારી સ્વર તો મહામંત્રી વિના બીજો કોનો હોઈ શકે? પણ મહામંત્રી સાંતૂ વિષે એણે સાંભળ્યું હતું તે ખરું હોય તો તેમણે મહારાજનાં કામમાં વચ્ચે આવવાનું માંડી વળ્યું હતું. બર્બરકનો પ્રશ્ન મહારાજે પોતાનો કરી લીધો હતો. ત્યારે બર્બરક વિષે જગદેવને ખબર કરવા એ આવ્યો હતો અને એ વિષે અતિશય ગુપ્તતા જાળવવાની હતી.

‘મને કોને મોકલ્યો છે એ પૂછે છે, એ જાણ્યા પછી કહેવાય એવી વાત છે!’

‘મને તું નથી ઓળખતો? મુંજાલ મહેતા સાથે બોલે છે!’ ઝાંઝણને નામનું ગૌરવ સ્પર્શી ગયું. પણ એને મળેલો હુકમ સ્પષ્ટ હતો. તેણે બે હાથ જોડી મુંજાલને નમન કર્યું. મુંજાલ બોલ્યો: કેશવ નાયકે તને મોકલેલ છે એની મને ખબર છે. તારી પાસે અત્યંત અગત્યના સમાચાર છે. હું એ સમાચારની જ રાહ જોઉં છું. મહારાજની આજ્ઞાથી ત્રિભુવનપાલ દંડનાયક પણ રા’ની પછવાડે ગયેલ છે. એટલે તારે આ સમાચાર એકદમ મહારાજને આપવા જવાનું છે. સાંઢણી તૈયાર જ છે.’ ઝાંઝણ વિચારમાં પડી ગયો. એને તો આ સમાચાર જગદેવને આપવાની સ્પષ્ટ આજ્ઞા હતી. આંહીં વાત જુદી થતી હતી. આજ્ઞા ઉઠાવવા સિવાય બીજા કામનો એણે ભાગ્યે જ જીવનમાં વિચાર કર્યો હતો. એટલે એ મૂંઝાયો. મુંજાલ એની મૂંઝવણ કળી ગયો.

‘કેશવ નાયકે તને મોકલ્યો છે તે બરાબર છે. પણ નાયકને શી ખબર કે મહારાજ અહીં નહિ હોય? એટલે તને પરમારનું નામ આપ્યું. તું પરમારને ખબર કર; પરમાર તરત મહારાજની આજ્ઞા લ્યે. પણ મહારાજ હજી આંહીં આવ્યા નથી. સમય બચાવવાનો સવાલ છે. આ તો બર્બરકના કામ છે. ઢીલ થાય તેવી રીતે કામ ભાવશે તો તને જ જશને બદલે જૂતિયાં મળશે. મને આ ખબર પડી ને હું જાતે દોડ્યો જ છું એટલા માટે.’

ઝાંઝણને મુંજાલની વાતમાં કાંઈ વિરોધ કરવા જેવું લાગ્યું નહિ. એ તો જંગલેજંગલનાં ઝાડેઝાડ ઓળખનાર જંગલી માણસ હતો. આ સમાચાર છેવટે તો મહારાજ માટે જ હોઈ શકે એ વાતની તો એને ખાતરી હતી. આ મારફત કે તે મારફત – એમાં મહાન ભેદ હોઈ શકે એ રાજરમતની એને કાંઈ ગતાગમ પડી નહિ. મુંજાલે હવે તેણે ભય બતાવ્યો: ‘આંહીં અત્યારે તો રાજમાતા છે. એમને ખબર પડશે તો કદાચ તું મહારાજને આ વાત જ  નહિ કરી શકે. અને મહારાજને આની ખબર જ નહિ પડે, તો તમારા નાયકને પણ ભોં ભારે પડશે. મહારાજ મુંજપુર છે. તું મારી સાથે આવ... પછી છે કાંઈ વાંધો?’

‘હા, પ્રભુ! તો બરાબર... પણ પરમારને ખબર કરીએ... તો?’

‘તો તું સવાર પહેલાં જઈ રહ્યો. તું કનસડે જાય, પછી ખબર કરે, ગઢીવાળો દુર્ગપાલને પૂછે, દુર્ગપાલ હા પાડે, પછી દરવાજો ઊઘડે. એટલામાં તો સૂરજ ઊગે. તો-તો પછી કાલે રોંઢે નીકળાય. ને છેવટે પરમાર પણ કહેશે કે મહારાજને ખબર કરીએ.’

ઝાંઝણને વાત સાચી લાગી: સમય બચે ને મહારાજને સમાચાર આપી દેવાય. તે તરત ઊપડવા માટે તૈયાર થયો. સાંઢણી ઝપાટાબંધ મુંજપુરના માર્ગે નીકળી. મુંજાલે ધાર્યું હતું તેમ જ થયું. જયસિંહદેવને બર્બરકના આ ખબર પડ્યા અને એ આનંદી ઊઠ્યો. પોતાને માટે મહાન પરાક્રમની ભૂમિકા તૈયાર થતી જોઇને એને ઉત્સાહનો વેગ ચડ્યો. એણે દંડનાયક ત્રિભુવનપાલને પાટણથી સૈન્ય લઈને જગદેવની સાથે સિદ્ધપુર આવી જવા માટે પાટણ મોકલ્યો. પોતે એકલો પરબારો સિદ્ધપુર જવા ચાલી નીકળ્યો.