Barbrakjishnu - Jaisingh Siddhraj - 21 books and stories free download online pdf in Gujarati

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 21

૨૧

ખેંગારની ચિંતા

પોતાની અજિત ગિરિમાળાના અભેદ્ય દુર્ગના કોટકાંગરા ઉપર રા’ ખેંગાર આથમતી સંધ્યાનું તેજ નિહાળતો આંટા મારી રહ્યો હતો. તેની દ્રષ્ટિ ચારેતરફના જંગલો ઉપર ફરીને, સામેનાં એક ભૈરવી ભયંકર ખડક ઉપર સ્થિર થઇ ગઈ. એ ખડકમાં એણે પોતાના મનનો આજ પડઘો દીઠો. વજ્ર જેવી અડગતાનો એ ખડક જાણે પ્રતિક હતો. તે એક-બે ક્ષણ એ ખડકને નિહાળતો એમ ને એમ ઊભો રહ્યો. રા’નવઘણની એક પ્રતિજ્ઞા એ પાળી ચૂક્યો હતો. ભોંયરાનો કિલ્લો એણે ભોંયભેગો કર્યો હતો. એને એક વાત તો ક્યારની મનમાં ઊગી આવી હતી. જયસિંહે બર્બરકનો વિજય પોતે કર્યો હતો, રણક્ષેત્રમાં ઊતરીને દ્વન્દ્વયુદ્ધમાં એને વશ કર્યો હતો, ત્યારથી એના મનમાં નિશ્ચય થઇ ગયો હતો કે ગુજરાતમાં હવે બે જણા માટે સ્થાન નથી: કાં રા’એ જવું જોઈએ, કાં જયસિંહદેવે જવું જોઈએ. અત્યારે એને એ યાદ આવ્યું. રણમેદાન જાગે એનો ભય ખેંગારને ન હતો એને તો જૂનાગઢની અખંડિત કીર્તિની ખેવના હતી. તેણે નવઘણને જેટલાં વેણ આપ્યાં હતાં, એ તમામેતમામ વેણ પળાવાં  જોઈએ – પછી જૂનાગઢ રહે કે ન રહે, સોરઠ રહે કે ન રહે. જૂનાગઢની કીર્તિને અખંડ રાખવાનું એનું સ્વપ્ન અત્યારે પણ એની મુખમુદ્રામાં સ્પષ્ટ દેખાતું હતું. એની નજર આગળ પાટણ, જયદેવ, ત્રિભુવનપાલ, સોનલદે – વ્યક્તિઓની પરંપરા જાણે ચાલી નીકળી. એની નજરમાં મહીડો આવ્યો, પાટણનો દુર્ગ આવ્યો, એનો દુર્ગપાલ આવ્યો, પિતાની પાસે લીધેલી પ્રતિજ્ઞાઓ આવી. મહીડાને મારવો હજી બાકી હતો. પાટણનો દુર્ગ માપવો હતો. દુર્ગપાલને હંફાવવો હતો. દરવાજો પાટણનો તોડવો હતો અને એક વેંત ભરીને જયદેવનું નાક કાપવાનું હતું. મન સાથે કાંઈ નિશ્ચય કર્યો હોય તેમ તેણે પોતાનો હાથ કોટકાંગરા ઉપર દ્રઢતાથી મોકોયો, એટલામાં કોઈનો પગરવ સાંભળતાં તેણે ચોંકીને પાછળ જોયું. જુવાન કે પ્રૌઢ ન ગણાય એવી વયનો એક સામાન્ય માણસ ત્યાં આવીને ઊભો હતો. તેણે ખેંગારને જોતાં જ બે હાથ જોડ્યા. તેની મુખમુદ્રા આકર્ષક હતી, પણ ચહેરામાં તેજ અત્યંત સામાન્ય કોટિનું હતું. નશાબાજની આંખમાં દેખાય છે એવી દગાખોરી એની આંખમાં હતી. ગમેતેવા માણસને ગમે તે ક્ષણે અને ગમે તે રીતે હણી નાખવાની હિંસકવૃત્તિનો પડછાયો એના ચહેરામાં દેખાતો હતો. કોઈનું ગૌરવ રાખવાની – કોઈને ગૌરવશાળી ગણવાની – ઉદારતા જ જાણે એમાં ન હતી. એટલે આકર્ષક ચહેરાને શોભાવે એવી વીરત્વની એકાદ રેખા ત્યાં શોધવા મથનાર છેવટે નિરાશ થતો અને દરેક ક્ષણે વધુ ને વધુ ક્ષુલ્લકતા પ્રકટતી જોઇને ક્ષોભ પામતો. રા’નો એ ભાણેજ થતો. 

‘કેમ દેશુભા! આવ્યો – વિશુભા આવ્યો?’

‘હા મામા!’

વિશળને ખેંગારે પાટણ મોકલ્યો હતો – ત્યાંના વધુ સમાચાર જાણવા માટે. તે દેશળની સામે જોઈ રહ્યો. દેશળની વાત કરવાની રીત વિચિત્ર હતી. તેણે પોતાના બે હાથ મસળ્યા. જરાક ખોંખારો ખાધો, પછી વાતમાં મોણ નાખતો હોય તેમ બોલ્યો: ‘વિહુભા તો બહુ વાતો લાવ્યો છે, મામા! મારે બેટે બાબરે – ઓટીવારે ભેગાં કરીકરીને હીરા, માણેક, મોતી, કોઈને નહિ ને જેસંઘને સોંપ્યાં – ખોભો ભરીભરીને! માણસ હોય તો રફેદફે કરે – અરે, પાણીમાં નાખે, ફટકિયાં મોતીની ઘોડે ફોડી નાખે, પણ દુશ્મનના હાથમાં હીરા, માણેક, મોટી, રતન કોઈ સોંપે? ઓય ઓટીવારનો! લડતાંય ન આવડ્યું ને હવે તો મામા! એને જીવતાંય ન આવડ્યું! એ તો પહેલાં ખોળાનો થઈને બેઠો છે!’

‘એમ કાંઈ, દેશુભા! બધેય તમે રા’નો વંશવેલો દીઠો કે ખેદાનમેદાન થઇ જાય, પણ ન ડગે તે ન જ ડગે – એ પ્રતાપ તો એક આ ભોમકાનો છે... આમ તો જુઓ...’ ખેંગારે ચારે તરફના વિસ્તીર્ણ ભયંકર જંગલ ને ગિરિમાળાનાં અણનમ શિખરો દેખાડતો પોતાનો હાથ ફેરવ્યો. દેશળભાને જંગલમાં કાંઈ જોવા જેવું લાગ્યું નહિ. પાણામાં એને ખાસ રસ ન પડ્યો. એવા પાણા તો એ હંમેશાં જોતો.

ખેંગાર એની મર્યાદા જાણી ગયો. તેણે વાત આગળ વધારી.

‘વિશુભા કોઈને મળ્યો કે રામરામ?’

‘અરે! એમ કાંઈ હોય? આંહીંથી આપણે મોકલ્યો છે, સંદેશ લઈને ને કાંઈ ત્યાં મળ્યા વિના પાછો આવે? મુંજાલ મહેતાને જ મળ્યો. અત્યારે પાટણમાં મુંજાલ મહેતા બંને છે – કર્તા અને હર્તા!’

‘એ તો છે જ. સાંતૂ મહેતાનો ગજ હવે ઓછો વાગે છે.’

‘પ્રથમ તો બાપુના મરણસમાચાર કોઈએ માન્યા જ નહિ!’

સામેથી એક બીજો માણસ આવી રહ્યો હતો: ‘લ્યો, આ વિશુભા પોતે આવ્યો!’ દેશળે કહ્યું.

વિશળભા પાસે આવ્યો. એની ને દેશળભાની મુખમુદ્રા વચ્ચે અજબ જેવું સામ્ય હતું. તફાવત દેખાતો તે આટલો જ કે દેશળ ભયંકર લાગતો, આ મૂર્ખ જણાતો. પહેલો યોજક હતો, આ અનુકરણિયો. ખેંગારને નમીને એ ત્યાં ઊભો રહ્યો.

‘મુંજાલ મહેતો મળ્યો, વિશુભા?’ ખેંગારે પૂછ્યું.

‘હા, મામા! મુંજાલ મહેતો – સાંતૂ મહેતા, જેસંઘદેવ – સિદ્ધરાજ પોતે... બાપુના મરણસમાચાર પહેલાં તો કોઈને ખરા લાગ્યા નહિ!’

‘ત્યારે તો આપણી આંહીંની વાત વખતે હજી પહોંચી નહિ હોય?’

‘કઈ?’

‘પાટણના દરવાજાવાળી.... બાપુની પ્રતિજ્ઞાની...’

‘વખતે પહોંચી હોય, વખતે અંધારામાં પણ હોય. પરંતુ આપણે તો માનવું કે કાંઈ પહોંચ્યા વિના ન રહે. એમ તો મુંજાલ મહેતો છે. ચારે તરફ નજર રાખે છે. મળવાનું કાંઈક આકરું લાગે છે, એટલે એને એમ કે આણીકોર હમણાં સાંભળી લેવું. મને એણે પોતે કહ્યું ને?’

‘શું?’

‘એમ કે વિશુભા! મારું માનો તો ખેંગારજીને આંહીં મોકલો. મહારાજની ઈચ્છાથી તે કાંઈક રા’ની માંદગીને લીધે એ ગયા એ વખતે અમે આંખ આડા કાન કર્યા હતાં. એટલા માટે કે જૂનાગઢને હવે સમાધાનની તક આપવી. જૂનાગઢના રા’ આજ દિવસ સુધી બહુ બાખડ્યા, પણ હવે તે રા’નો વંશવેલો અખંડ રાખવો હોય તો મહારાજને મનાવી લ્યો, ને અત્યારે સમો છે, માલવા ઉપર સૌનું લક્ષ છે ત્યાં, નહિતર...’

‘નહિતર?’

‘નહિતર, મામા! એ તો કહે છે કે આ રાજાની શક્તિ ન્યારી છે; ને હવેના જુદ્ધની વાત પણ ન્યારી હશે! હવે જુદ્ધ થાશે તો રા’નું રાજ નહિ હોય!’

‘રા’નું રાજ નહિ હોય? અરે! રાજને આંહીં રુએ છે કોણ? રા’નું નામ અને નાક અને નોક – એ ત્રણ રહી જાય તો બસ. ઠીક છે. એ તો જોઈ લેવાશે આ ભૈરવી ગિરનારી ખડક સાથે ભલે એ પણ માથું કૂટી જુએ. આ દુર્ગની ખબર છે એને – આપણા દુર્ગની?’

‘તલતેલ, મામા! આ દુર્ગનું નામ સાંભળીને તો એનો જીવ ઉકળી ગયો!’

‘જીવ ઉકળી ગયો?’

‘મુંજાલ મહેતો કહે, સિદ્ધરાજને એ ગમ્યું નથી!’ 

‘એને ગમે કે ન ગમે – એનું આપણે શું? દુર્ગ કાંઈ એને ગમે? એને એકચક્રી રાજ રાખવું છે. આપણે આપણું નામ રાખવું છે. આપણે ભોયરાનો કિલ્લો ભાંગ્યો એય એને ન ગમે.’

‘એય નથી ગમ્યું. મુંજાલ મહેતાએ કહ્યું કે ખેંગારજી પોતે આવે. મહારાજનું મનસમાધાન કરે, પછી મેળ તો હું મેળવી દઉં.’

‘આપણે પણ એટલું જ કામ છે. સોનલદેનું નામ કંઈ સાંભળ્યું?’

‘અરે, હા! મામા! ઠીક તમે સંભાર્યું. સોનલદેની પાછળ તો પાટણમાં એક જણ ગાંડો થઇ ગયો છે! એને એમાં હજાર અપ્સરાનું રૂપ દેખાય છે. ને છે પણ એવું જ, મામા! પછી તો ગાંડો જ થાય નાં? સોનલદે! ઓહોહો, મામા! અત્યારે તો કાંઈ રૂપ છે! ભગવાને અખેપાતર માંડીને ઘડ્યું લાગે છે! તમે કહેતા’તા એમ રૂપરૂપનો અંબાર છે. પછી માણસ ગાંડું જ થઇ જાય નાં?’

‘કોણ? કોણ ગાંડું થાય?’

‘એ તો તમનેય ખબર હશે નાં! સિદ્ધરાજ પોતે!’

‘હે! સિદ્ધરાજ પોતે? એ ક્યારે, હમણાં બન્યું?’

‘એમ જ લાગે છે. પણ એના કુળની શી ખબર? એટલે રાજમાતાને એ વાત રુચતી નથી. એમાં રાજવંશી ગૌરવ શું? એટલે મુંજાલને રુચતી નથી. સાંતૂ મહેતાને પણ ગમતી નથી. ને દંડનાયક કાંઈ બોલતો નહિ. સિદ્ધરાજે તો હઠ પકડી છે. ને એની હઠ એટલે થઇ રહ્યું! અત્યારે દેવડાનાં માન પણ વધ્યાં છે. કાલડીનો દેવડો ઊપડ્યો ઊપડતો નથી. સોનલદે ત્યાં રહી, પછી તો એમ જ હોય નાં?’

ખેંગાર વિચાર કરી રહ્યો: ‘દેશુભા! તો-તો હું આવતી કાલે જ પાટણ જવા ઊપડું. મુંજાલ મહેતાએ પોતે કહેવરાવ્યું છે એટલે હું જઈશ તો કોઈને કાંઈ શંકા નહિ પડે. હું ત્યાંથી સંદેશો મોકલું કે તમે સૌ તરત નીકળી પડજો. આંહીં તૈયારી રાખજો. ભગવાન સોમનાથ કરશે તો આ ખેપમાં બાપનું વેણ પાળીને જ પાછા ફરવું છે. ને પાછા ફરતાં સિદ્ધરાજનુંય વેંત કાપી લેવું છે! પછી તો આ અણમોલ ડુંગરમાળા છે, આપણો દુર્ગ છે, તમે છો ને રા’ના પૂર્વજોનાં પુણ્ય છે. બીજું કાંઈ છે કહેવાનું?

‘ના, મામા!’

‘જરાક દૂદાને કે હમીરને – કોકને કહેતા જજો દોઢીએ, સોઢલને આંહીં મોકલે. ને હું હવે કાલે ઊપડીશ. તમે સૌ તૈયાર રહેજો. ગમે તે પળે હવે જુદ્ધનું નગારું વાગશે.

‘ભલે ને વાગે, મામા!’ વિશળ બોલ્યો, ‘તમે કહ્યું તેમ આ ડુંગરમાળા છે ને?’

દેશળ ને વિશળ ગયા. થોડી વાર સુધી ખેંગાર આછા અંધકારમાં દૂર સુધી દ્રષ્ટિ નાખતો ત્યાં જ ઊભો રહ્યો. એના મનમાં અનેક વિચાર આવ્યા અને ગયા. એમાં મહીડો આવ્યો ને મર્યો. પાટણનો દરવાજો તૂટ્યો. પોતે સોનલદેને લઈને ગિરિમાળા ચડી ઊતર્યો.

‘મને યાદ કર્યો, રા’બાપુ?’ એને કાને અવાજ આવ્યો. અને એ પાછો ફર્યો.

વૃદ્ધ છતાં પ્રૌઢ જેવો જણાતો એક દ્રઢ યોદ્ધો એની આગળ આવ્યો. એના વેશ ઉપરથી એ ઊંચો અધિકારી લાગતો હતો. એને બોલવાની ટેવ ન લાગી. તે નમન કરીને શાંત ઊભો રહ્યો.

‘દુર્ગપાલ! સોઢલ! મેં તમને એટલા માટે બોલાવ્યા કે કાલે હું પાટણ જાઉં છું!’

‘ભલે... પ્રભુ!’ સોઢલે બે જ શબ્દો કહ્યા.

‘પણ હું પાટણ જાઉં છું, સોઢલ! પાટણ જોવા માટે નહિ, જુદ્ધને નોતરું આપવા માટે!’

સોઢલે ચારે તરફ એક દ્રષ્ટિ ફેરવી બહુ જ ટૂંકો જવાબ વાળ્યો: ‘આવો દુર્ગ હોય, જુવાની હોય, ને જુદ્ધ નહિ હોય તો આ ભૂમિ પોતે ઊઠીને તમને ‘ફટ’ કહેશે, બાપુ! જુદ્ધ એ ભોમકાને માટે ક્યાં કોઈ નવીનનવાઈની વાત છે? તમે નહિ નોતરો તો એ પોતે આવી પડશે. એના કરતાં તો તમે નોતરી આવો.’

‘નાક રાખવું હોય તો, સોઢલ! બીજો ઊપાય પણ ક્યાં છે? બાપનાં વેણ સંભારો. સંદેશો તો મારો આવશે. રાણંગ જ લાવશે. પણ તમે સૌ તૈયાર રહેજો. દેશળ-વિશળને મેં કહ્યું છે. ચંદ્રચૂડ ને સૌને કહેવરાવી દઉં છું. બીજી વાત તો ત્યાં ગયા પછી ખબર પડે. ભોરંગના ભોણમાં હાથ નાખવાનો છે, એટલા માટે તો વિશળને મોકલ્યો’તો. એને એમ થાય કે સગા ભાણેજને મોકલ્યો આંહીં. એટલે જૂનોગઢ શાંત પડ્યું રે’શે ને મહારાજને બે વેણ કહેવરાવ્યાં હતાં પણ ખરાં. મુંજાલ મહેતાએ આવી જવાનું કહેવરાવ્યું છે. એટલે હું જાઉં છું. પણ નવું-જૂનું કાંક થશે એટલે આંહીં સાબદા થઇ રે’જો!’

સોઢલે બે હાથ જોડીને માથું નમાવ્યું. એક પણ શબ્દ ઉપર નીચેથી બોલ્યો નહિ. એને શબ્દ બોલવો ગમતો નહિ, પણ એના મનમાં એણે નિર્ણય લઇ લીધો હતો. કાંઈ ન હોય તેમ દ્રઢતાથી એ પાછો ફરી ગયો. ખેંગાર એની અજબ જેવી શાંતિ અને અદભુત આત્મશ્રદ્ધા જોઇને ડોલી ઊઠ્યો. તે મનમાં બોલી રહ્યો: ‘આ છે – અને આવા છે ત્યાં સુધી તો આ ગિરિમાળા જયદેવના દાંત ખાટા કરી નાખશે; પછીની કોને ખબર છે?’

Share

NEW REALESED