Barbrakjishnu - Jaisingh Siddhraj - 26 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 26

Featured Books
Share

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 26

૨૬

દેવડીનું હ્રદય

દેવડી જેવી તદ્દન સામાન્ય સ્ત્રી મહારાણીપદે આવે એ મંત્રીમંડળમા કોઈને રુચતું ન હતું. રાજમાતા તો વિરુદ્ધ હતાં, માત્ર મહારાજ પોતે દ્રઢ હતા, એટલે હરહંમેશ પાટણનો પ્રશ્ન વધારે વિકટ થતો હતો. કેશવ દેવડા પાસે વારંવાર આવતો. કૃપાણ પણ આવતો-જતો. પણ સોનલનો નિર્ણય હજી દેવડો મેળવી શક્યો ન હતો. તે બહાનાં આપતો, વખત કાઢતો. પણ ખેંગાર આવવાનો છે, એ સાંભળીને દેવડાને ભય લાગ્યો હતો. એટલે એણે આ વાતને જલદી પતાવવામાં સાર જોયો હતો.

લચ્છીને મોકલવામાં દેવડાનો હેતુ આ પ્રશ્નનો તાત્કાલિક નિર્ણય કરી લેવાનો હતો. દેવડાએ માતા-પિતા વિશેની પૃચ્છા કરતાં એને ઘણી વખત સાંભળી હતી. લચ્છીને કાંઈક એ વાતનો પરિચય હતો. દેવડાએ એટલા માટે એને યોજી. દેવડો લચ્છીના પાછા આવવાની રાહ જોતો હતો. તેટલામાં કૃપાણ આવ્યો હતો. મહારાજે દેવડાને સવારે બોલાવ્યો હતો. પંચાસર પાસેનો ઘાંઘો રબારી આવ્યો હતો. મહારાજ ત્યાં મોટો કોટકિલ્લો કરવા માગતા હતા. દેવડાને એ પ્રદેશનો પરિચય હતો. એણે યાદ કર્યો હતો. દેવડો એનો અર્થ સમજતો હતો. કૃપાણને કાંઈક આશા જેવો જવાબ અપાય એમ ધારી એણે લચ્છીને બોલાવી લાવવા ઠારણને મોકલ્યો, પણ લચ્છીના જવાબમાં હજી એ જ અનિશ્ચિતતા મળી. દેવડો પોતે જ વાડા તરફ ચાલ્યો, ત્યાં સોનલદે આવતી સામે મળી.

‘કૃપાણ આવ્યો હતો, સોનલદે!’ દેવડાએ કહ્યું.

‘શું કરવા આવ્યો હતો, બાપુ?’

‘ગીગલી નહિ તો! શું કરવા આવે? જાણવા!’

‘પછી? પછી તમે શું કહ્યું, બાપુ?’

‘તારા મનમાં હતું તે! મેં કહેવરાવ્યું કે મહારાજ એકાદ વખત અમારી ઘોડાર જોવા આવે, પછી અમારે પણ મહાલય જોવું છે!’

‘સારું કર્યું, બાપુ!’ સોનલે કાંઈ વિરોધ ન બતાવતાં ટૂંકમાં પતાવ્યું. પોતે ઠારણ સાથે ઘોડાર તરફ ચાલી: ‘આજ આટલી વળી તો કાલે હવે વધારે વળશે!’ કહીને દેવડો અને લચ્છી ત્યાંથી પાછાં ફર્યાં.

પણ દેવડીનું હ્રદય આજે અનેક ભાવથી છલકાતું હતું. લચ્છી પોતાને કાંઈના કાંઈ સમાચાર આપશે, પોતે મા વિષે જાણશે, પોતાના ગામ વિષે, પોતાના જન્મ વિષે, કુળ વિષે કાંઈક જાણશે, પોતાની માનું એ વર્ણન કરશે – એવા-એવા ઉત્સાહથી એ લચ્છી સાથે ગઈ હતી, પણ એનું હ્રદય ભાંગી ગયું તેની પાસે પણ એ જ વાત હતી, દેવડાજી પાસે પણ એ જ વાત હતી, સૌની પાસે એ જ વાત હતી – તે પાટણની મહારાણી થાય! પછી જે થાવું હોય તે ભલે થાય, પણ તે પાટણની મહારાણી થાય એટલે બસ. તેણે મા યાદ આવી, જન્મભૂમી યાદ આવી, પોતાનું નસીબ યાદ આવ્યું, ખેંગાર યાદ આવ્યો – અને તરત તેને ખેંગારનો સંકેત યાદ આવ્યો. ખેંગાર હજી આવ્યો ન હતો. પણ ખેંગાર આવ્યા વિના રહે ખરો? એ શક્ય છે? ભયથી, નિર્બળતાથી, સાવધાની માટે કે સલામતી માટે ખેંગાર ન આવે, એ કઢી પણ બને? એ આવ્યા વિના આજ તો ન જ રહે. ત્યારે એ આવ્યો હશે? લચ્છીને વચ્ચે અવાજ જેવું લાગ્યું – એ ખેંગાર તો નહિ હોય? દેવડીને એક વખત ફરી ત્યાં તપાસ કરવાનું મન થઇ આવ્યું. દેવડો ગયો એટલે તે પછી ધીમેધીમે આમલીઓના જૂથ તરફ ચાલી નીકળી. ત્યાં એ પહોંચી ત્યારે એ પોતે જોયેલું માનતી ન હોય તેમ આંખ પહોળી કરીએ જોવા લાગી. આમલીના થડ પાસે ખેંગારજી જેવું જ કોઈક ઊભું હતું કે શું?

‘ખેંગારજી!’ તેના અવાજમાં પ્રેમ હતો. ઉતાવળ હતી. પણ ખેંગારજીએ કાંઈ જવાબ ન વાળ્યો.

‘ખેંગારજી! તમે છો? કેમ બોલતા નથી?’

‘ઊં...હું! હું નથી!’ ખેંગારજી ખોટો અવાજ કરી બોલ્યો.

દેવડી આગળ ન વધતાં અટકી ગઈ. ખેંગારને સાંભર્યું કે કદાચ પેલો માણસ – જે એટલી વારમાં તો એણે અલોપ થઇ ગયેલો જણાતો હતો – વખતે દેવડીને એ જોવામાં આવ્યો હોય! દેવડી આગળ ન આવી એટલે એને શંકા વધી.

‘કેમ, કોઈ છે? કોણ છે?’

દેવડી બોલી નહિ. ખેંગાર આગળ આવ્યો: ‘કેમ બોલ્યાં નહિ? કોઈ દેખાય છે?’

‘ઊં...હું! હું પણ નથી!’ દેવડી બોલી.

‘દેવડી! પણ તમે મને તપ કરાવ્યું એનું શું? તપના પ્રમાણમાં તો પ્રસન્નતા બતાવો! આજ શું થયું છે તમને?’

‘તમે ક્યારે આવ્યા? ડેલીએથી તો કોઈ આવ્યું જાણ્યું નથી!’

‘હું તો હમણાં આવ્યો. ડેલીએથી અમે ન આવીએ, અમારું કુળ ચોરનું!’

દેવડી વિચારમાં પડી ગઈ. દુશ્મનની નગરીમાં, અને આંહીં તો ગમે તે પળે કોઈક દગો પણ આપે એવી અત્યારની સ્થિતિમા, આટલી મોડી રાતે પણ એ આંહીં આવીને ઊભો રહ્યો – એના આંખના સંકેત ઉપર. તે કોટ તરફ જોઈ રહી. ‘તમે રાંગ ઠેકીને આવ્યા?’

ખેંગાર જવાબમાં માત્ર હસ્યો. 

એના દિલમાં આજે ભાર હતો. ખેંગાર પોતા માટે હતો-ન-હતો થઇ જાય એ વિચાર જ એણે અસહ્ય લાગતો હતો. લચ્છીએ જતાં જતાં જ છેલ્લો પાસો ફેંક્યો હતો. એની અસર ધીમે ધીમે થઇ રહી હતી. લચ્છીને એ જ એક ઉપાય દેવડીને વાળવાનો જણાયો હતો. તે બરાબર હતું. દેવડી થોડી વાર વિચાર કરી રહી, પછી તેણે કહ્યું: ‘ખેંગારજી!’ ખેંગાર ચમકી ગયો. દેવડીની વાણીમાં કોઈ મહારાજ્ઞીની વાણીમાં આવી શકે એવી આજ્ઞાભરી ખુમારી એણે પ્રથમ વાર અનુભવી.

‘ખેંગારજી! હવે તમારે આંહીં આવવું ન જોઈએ, એ કહેવા માટે જ તમને આજે નોતર્યા હતા. તમે સોરઠના રા’ છો. હું ગમે તેમ પણ પાટણની મહારાણી છું!’

બીજી કોઈ પળે જે વાક્યે રા’ને જનોઈવઢ કર્યો હોય, એ જ વાક્ય ત્યારે રા’ એ સાંભળ્યું ને એનું હ્રદય તો આનંદથી ડોલી ઊઠ્યું! સોનલદે વિશ્વમોહિની સામે નહિ, પણ વિશ્વધાત્રી સામે જાણે પોતે ઊભો હોય એમ એણે લાગ્યું. દેવડીનો અવાજ ખોટો હતો. આજ્ઞાભરી ખુમારી – એ પણ કૃત્રિમ હતી. સાચી વસ્તુ તો જુદી જ હતી. રા’ સમજી ગયો. માંદગીને છેલ્લે ખાટલે પડેલી કોઈ મા જેમ પોતાના બચ્ચાના હિતને માટે થઈને કૃત્રિમ કર્કશતા ધારણ કરે કે જેથી બચ્ચું એનો સંગ છોડી દે. આ...હા! દેવડીના દિલમાં એણે બચાવવા માટે અત્યારે એ વસ્તુ આવીને વસી ગઈ હતી. ખેંગારે એ જોયું. એના અંગેઅંગમા અનોખો ઉત્સાહ આવી ગયો. તેણે આ મહાધાત્રીના સાંનિધ્યમા માત્ર પાટણનો દરવાજો તૂટતો ન જોયો, પણ પોતાના અજિત ગિરનારી કોટકિલ્લાના ખડકો પાસે જયસિંહ સિદ્ધરાજને પણ ધૂળ ચાટતો જોયો. એણે  પોતાની વિનોદભરી મર્માળી શૈલીમાં પ્રત્યુત્તર વળ્યો: ‘સોનલદે! મને આ પરિણામની ખબર હતી. મારી પણ એ જ ઈચ્છા હતી. મારે પણ સોનલદેનું કામ નથી...’ દેવડીના મોં ઉપર શોકછાયા આવી... આવીને ચાલી ગઈ. ખેંગારે એ દીઠી-ન-દીઠી કરી. તે આગળ વધ્યો. એનો સીનો જરાક કડક થયો. અવાજમાં ખુમારી પ્રગટી, ‘હું રા’ સોરઠનો. મારે દેવડાજીની પુત્રીનું નહિ, પાટણની મહારાણીનું જ કામ છે. હું ભેખધારી છું – પાટણની જે મહારાણી હોય એની પાછળ!’

‘તમને ખબર નથી, ખેંગારજી! કે તમે કેટલા ઊંડા પાણીમાં રમી રહ્યા છો! તમને ખબર છે, તમે કોની સાથે વાત કરો છો?’

‘કેમ વળી? હું – આભીર રાણક, પોતાની દેવડી સાથે વાત કરું છું – રાણક દેવડી સાથે!’ ખેંગારે પોતાની એ જ વાત આગળ ચલાવી.

‘ત્યારે હું તમને કહું – તમે કોની સાથે વાત કરો છો તે. જેના કુળ વિષે ને જન્મ વિષે સિંધના રણની રેતી સિવાય બીજા કોઈને કાંઇ જ ખબર નથી એવું હું... નથી કોઈ મહાન કુળની કે નથી કોઈ રાજવંશની. દેવડોજી તો માત્ર મારા પાલક પિતા છે. મહારાજ્યો, ખેંગારજી! ગમે તે કરે, એનો કોઈ ભાવ ન પૂછે. નાનાં રાજ્યોને તો સૌથી પીંખી નાખે. હીણું કુળ મોટાંમોટાં રાજ્યોને પણ નીચું જોવરાવી દે છે. તો તમારું નાનકડું ખોબા જેવડું રાજ તો વધારે નાનકડું બની રહેશે. મારું કુળ શું? કાંઈ નહિ! મેં તમને આ વાત કહેવા માટે બોલાવ્યા હતા. આવો સંબંધ તમને ભારે પડી જાય, રા’!’

ખેંગારને તો દેવડીનો શબ્દેશબ્દ સમજતો હતો. એનું હ્રદય વાંચીને એ છક થઇ ગયો. પોતાને ઉગારવા માટે એ મથી રહી હતી. જ્યાં એ જાય ત્યાં નાશ થાય એ કલ્પના એણે દોરી રહી હતી. એના અવાજમાં છાનો વિષાદ બેઠો હતો. ખેંગારે જવાબ દીધો:

‘જુઓ, દેવડી! ત્યારે તમારા કુળની સિંધના રણની રેતીને કાંઇક તો ખબર પણ અમારું આભીર ભાઈનું કુળ. એમને તો જંગલના ઝાડવાં પણ નો ઓળખે.’

દેવડીના હ્રદયને ખેંગારના વાક્યે-વાક્યે એના ઉત્કટ પ્રેમની પ્રતીતિ મળતી હતી. પણ પોતાની જે વાત માત્ર પોતે જ જાણતી હતી – જે એણે લચ્છી કહી ગઈ હતી – જે આને કહેવી જોઈએ – અને એ કહીને પણ આને રોકવો જોઈએ, એ વાત એણે અંતે ઉપાડી. એ જીવનભર એકલી રહી શકે, પોતાના પ્રેમને ખાખ થતી જોઈ શકે, પણ આવી અણમોલ રાજપૂતીનો સર્વનાશ વેઠી ન શકે. બાળકને પટાવે એવી છાની મીઠ્ઠી વાણી એણે કાઢી: ‘ખેંગારજી! જુઓ, જાણે હું તમને જાણું છું. તમે મને જાણો છો. પણ એક એવી વસ્તુ છે, જે આપણે જાણતાં નથી, જેને આપણે જાણવી જોઈએ ને માનવી જોઈએ – મારા ઉપર એક ભયંકર શ્રાપ છે! તમને એની ખબર છે?’

ખેંગાર પોતાનું મુક્ત નચિંત ખડખડાટ હાસ્ય હસી પડ્યો: ‘ઓહો! આ વાત છે? સોનલદે તમારા ઉપર શ્રાપ હશે, તો અમારું રા’નું આખું કુળ સાતસાત પેઢીથી શાપ જ સંઘરતું આવ્યું છે. એમાં અમારે તમારા એક શાપનું શું લેખું? કોઈ રા’ ઢોલિયામા મરતો નથી, કોઈ મશરૂને ઓશીકે જીવ છોડતો નથી. અમારે તો પેઢી-દર-પેઢી શાપ ઊતરતા આવે છે. શાપ ન હોય તો અમારે નોતરવો પડે. સારું છે કે તમે કહ્યું, તમારા ઉપર શાપ છે!’

‘પણ ખેંગારજી! મારા ઉપર તો ભયંકર શાપ છે! સાંભળો તો ખરા! મારી જન્મોત્રીમા જે ગ્રહ પડ્યા છે તે મોટામોટા જ્યોતિર્વિદો, છાયાશાસ્ત્રીઓ – એમણે જોયા છે. એમાં મીનમેખ થાય તેમ નથી. એના જીવતજાગત સાક્ષી પણ છે. હું ગમે ત્યાં જાઉં , જેને ત્યાં જાઉં, જ્યાં જાઉં, ત્યાં રાજવૈભવ નાશ પામે, રાજા નાશ પામે, કુળ નાશ પામે! એટલા માટે તો માબાપે મને તજી દીધી. એટલે તમે મારી વાત છોડો. આવા ગાંડા પ્રેમે કાંઈ રાજ રહે? પાછા ફરો, રાજ કરો, રાજ સંભાળો, દેવડીને ભૂલી જાઓ. દેવડી જ્યાં જશે ત્યાં તો સર્વનાશ આવશે અને...’

‘અરે, દેવડી! દેવડી!’ સોનલને રા’એ વચ્ચે જ રોકી, ‘એમ હોય, તો-તો તમે મારો જન્મારો જ સફળ કરી નાખ્યો, એમ કહો ને!’ અને ખરેખર તાનમાં આવીને ખેંગાર નાચી રહ્યો હતો: ‘તો-તો તમે મને અમરવેલનાં ફળ ચખાડ્યાં! રાજ ટકાવવાના લોભમાં મારી રા’ની સમશેર ખરે વખતે મોળી પડી જાત, પણ હવે તો, આવતી કાલે સોનરેખની ઉપર, ત્રંબાળે ઘા દેવરાવીને, ભરબજારમાં ઘોષણા કરાવીને, જૂનોગઢનો રા’ પાટણને પાદરથી દેવડીને લઇ જાય છે – જેને આવવું હોય ઈ હાલ્યા આવજો! નાશને નોતારનારું આથી વધુ તો કાંઈ નથી નાં? હું માત્ર તમને લેવા નથી આવ્યો, દેવડી! તમારી સાથે મારો સફાચટ નાશ પણ લેવા આવ્યો છું. મારે તમારું એકનું કામ નથી, મારી ખાનાખરાબી ને ખુવારીનું પણ કામ છે. જેને મન રાજ ને વૈભવ મોંઘા હશે, જેને ગાદી, મહાલય, ને સત્તાનો શોખ હશે એ બિચારો તમારા શાપથી ધ્રૂજ્શે. રા’ને તો, દેવડી જેવાં છે તેવાં તમે જ બસ છો. તમારા વિના ખેંગારમાં શક્તિ કેવી? તમારા વિના ખેંગારમાં જીવન કેવું? ખેંગારે તો જીવનમાં બે જ વસ્તુ જાણી છે: એક દેવડીને, બીજી આ તલવારને. ત્રીજીનો એણે કાંઈ ખપ નથી. હવે એક આ જૂનોગઢ જેવું સફલું રાજ – તમારા નામ ઉપરથી ન્યોછાવર કરતાં જો હું ધ્રુજું, ત્યારે તો હું હિંગ જોખવા બેસીશ હિંગ! દેવડી! હું તમને પૂછું છું હવે કે તમે તે વાત જૂનોગઢના રા’ સાથે કરી રહ્યા છો કે કોઈ હિંગતોળુ વાણિયા સાથે?’

‘રા’ મારા! મારા રા’!’ દેવડી બોલી. એનો અવાજ ફરી ગયો હતો. રા’ મારા! તમારી અદ્ભુત રાજપૂતીને વેડફાઈ જતી જોવી નથી એનું શું? પાટણ પણ રહેશે, તમે પણ રહેશો. હું પાછી સંધના રણમાં રોળાઈ જઈશ. મને મારી જનભોમકા સાંભરે છે. મને જાવા દ્યો!’

‘સંધમા નાં? સંધમાં પણ જાશું, દેવડી! રા’ તો કૈંક સંધમાં ગયા છે. સંધ હરે તો અમારે લેણાદેણી છે. સંધમાં પણ જાશું, પણ સાથે – એક સાંઢણી ઉપર!’ 

‘રા’ ખેંગારજી! મારા નસીબે કાળી ટીલી છે. હું જ્યાં હું હોઉં ત્યાં વંશવેલો રહેતો નથી!’

‘અરે! રાણકદેવડી! શું કરવા મફતના મને તાવો છો? જ્યાં તમે ત્યાં હું... ને જ્યાં હું ત્યાં તમે. વિધાતાના એ લેખ કોણ ખોટા પાડવાનું છે? બીજું કાંઈ જ બનવાનું નથી, સોનરેખ સાંઢણી છે, ખેંગાર હાંકવાવાળો છે. જૂનોગઢનો એનો એ લાંબો પંથ છે. આંહીં પાટણની સેંકડો ને હજારુંની સેના છે, ખડી સમશેરની ચોકી છે; આ એમાંથી હાથતાળી દઈને આપણે ભાગવું છે. જૂનોગઢના રાણકનું તો આ સોનેરી સ્વપ્ન છે. હવે રાણકદેવડી બોલે!’ 

‘તમે કહ્યું, રા’! એમાં થોડોક સુધારો કરવો છે...’દેવડીનો હાથ રા’ના ખભા ઉપર પ્રેમથી આવી પડ્યો.

‘હા, શું? બોલો!’

‘સોનરેખને હાંકવા માટે રાણક નહિ, રાણકદેવડી હશે!’

‘દેવી! ઓહો! તમને હવે તો દેવડી પણ કેમ કહેવાય? તમે તો જૂનાગઢના રાણકનાં દેવી છો! રાણકદેવી! ગિરનારના ભૈરવી-ખડકો હું જોતો અને મને લાગતું કે હું અભય છું! તમને મળ્યો અને મને લાગ્યું કે તમારી પડખે હું અ-મર છું: આજ હવે મને લાગે છે કે હું અ-જર પણ છું!’ દેવડીએ જ્યાં ખેંગારના ખભા ઉપર પ્રેમભર્યો હાથ મૂક્યો હતો – ત્યાં હવે એનું માથું ઢળી પડ્યું. પળ-બે-પળ કોઈનું અસ્તિત્વ ન હોય એવી શાંત પ્રેમસમાધિ વ્યાપી ગઈ.

વર્ષો પછી જોયેલા દેવયુગલ જેવા આ યુગલની કથા પોતાના બૂઢિયા બાપને કહી દેવા માટે ચંદ્રમાએ વાદળીના વિમાનમાં ભૂસકો માર્યો અને મૂઠી વાળીને, આઘુંપાછું જોયા વિના, એ આકાશમાં દોડતો જ ગયો.