Barbrakjishnu - Jaisingh Siddhraj - 28 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 28

Featured Books
Categories
Share

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 28

૨૮

સિદ્ધરાજનું સ્વપ્ન

પોતાની મન:સૃષ્ટિના એક શતાંશને પણ સ્પર્શે એવું હજી સિદ્ધરાજની દ્રષ્ટિએ આવ્યું ન હતું. એ ઝંખી રહ્યો હતો હરિષેણ જેવા એકાદ મંત્રીને, કાલિદાસ જેવા કોઈ મહાકવિને, ધ્રુવસ્વામિનીદેવી જેવી કોઈક નારીને. મહાન મંત્રી, મહાકવિ કે મહાન નારી – એ ત્રણેમાંથી કોઈ એણે હજી મળ્યું ન હતું. એના હ્રદયમાં અશાંતિ હતી, કાર્યમાં વેગ હતો, મનમાં ત્વરા હતી, વાણીમાં સ્વપ્ન હતું. એને રાત-દિવસ ઝંખના હતી કાંઇક મહાન, કાંઇક મહાન, કાંઇક ભવ્ય, કાંઇક ઉત્તુંગ, કાંઇક લોકોત્તર, કાંઇક ચિરંજીવ સરજી જવાની. એ મન:સૃષ્ટિ રાત ને દિવસ એની પાછળ પડી હતી. એણે દેવડીને જોઈ ત્યારે એને લાગ્યું કે જે મહાન નારી માટે એ ઝંખના કરી રહ્યો હતો તે આ નારી હતી. કેશવ આ વાત જાણતો હતો, એટલે એણે અત્યારે તો આ વાત પોતાની પાસે જ સંઘરી રાખી. કોને આ વાત કહેવી, એ એની સમજણમાં આવ્યું નહિ. ગમે તેને કહે, ઘર્ષણ ચાલતું હતું તેમાંથી એક માત્ર વધારો થાય. માત્ર એક જ માણસ હતો, જે મહારાજને સમજાવે. પણ ઊંડો વિચાર કરતાં કેશવને એ અશક્ય લાગ્યું. દંડનાયક લાટની રાજકન્યા માટે જ કરી રહ્યો છે, એવી શંકા સ્વાભાવિક રીતે જ થાય. એટલે એની વાતની મહત્તા ઘટી જાય. રુદ્ર શર્માએ લાટની રાજકન્યાના જન્માક્ષરની કીર્તિકથા કહી એમાં પણ રાજમાતા અને ત્રિભુવનનો હાથ હોય. એટલે કેશવને લાગ્યું કે એણે એની વાત પોતે જ સંઘરવી રહી. એમાંથી જે રસ્તો એણે ઠીક લાગે એ ભલે એકલો ને એકલો એ વિચાર્યા કરે. એ પોતાને પાટણનો ઉદ્ધારક માને, તો એના એ હક્ક વિષે કોઈ પ્રશ્ન કરનાર ન હતું. જે ભાર એ ઉપાડે એમાં કોઈ સહાયક ન હતું અને ગમે તેટલો ઉપાડે તો કોઈ જાણે તેમ ન હતું. તે પોતે જ પોતાની વિચારસૃષ્ટિનો સ્વામી હતો, સેવક હતો. સ્રષ્ટા ને દ્રષ્ટા હતો. એની સ્થિતિ મહાભારતના સહદેવ જેવી બની ગઈ. એ વાત જાણતો – અને કોઈને કહી શકે તેમ ન હતો. કહેવાથી ફળ ન હતું. જગદેવ પરમાર હતો – એના પ્રત્યે મહારાજને પ્રેમ હતો, પ્રેમ કરતાં પણ વધુ આદરભાવ હતો. એનામાં મહારાજ કાંઇક અલૌકિક જોતા ને એ રીતે એણે સત્કારતા. બર્બરકની શિલ્પ્સૃષ્ટિ જોવા તો એ બંને જ એકલા જતા. કોઈને ત્યારે સાથે રાખતા નહિ. અને એ સૃષ્ટિને નીરખતાં તો ઘડીભર સમય અને સ્થળનું ભાન પણ બેમાંથી એકેને રહેતું નહિ. પણ જગદેવ પરમાર – કેશવને એ રુચ્યું નહિ – ગમે તેમ પણ પરમાર પરદેશી હતો. એની સર્વાંગ વાતનો તાગ હજી એને મળ્યો ન હતો. પરદેશી પાસે પોતાની જાંઘ ઉઘાડવી – કેશવને એ અત્યંત ક્ષુલ્લક લાગ્યું. એ પોતાનો ભાર પોતે વહી રહ્યો. દિવસ ઉપર દિવસ જવા લાગ્યા. દેવડાની અવરજવર વધી ગઈ. મહારાજની મનોદશા વધારે દ્રઢ થતી ગઈ. કેશવની ચિંતા પણ વધતી ગઈ. ઠારણનો ભેદ પણ એણે હજી મળ્યો ન હતો. કોટિધ્વજ ઉપર દેવડીને સવારી કરવી ગમે છે એવા દેવડાજીના કથને વાતને વધારે વિષમ બનાવી હતી. મહારાજે કોટિધ્વજને ત્યાં જ રાખવાનું કહ્યું. કેશવે એના ઉપર સતત ચોકી તો રાખી હતી, પણ ઠારણ વિષે કાંઈ જ પત્તો મળ્યો ન હતો. એની વાણીમાં એટલી કચ્છી કાંકરી હતી કે એ કચ્છનો જ છે, એવો દેવડાજીની વાતને ના પાડી શકાય તેમ ન હતું. કેશવ સાવચેત રહ્યો. 

એટલામાં એને સમાચાર મળ્યા. માલવા અને સોરઠ પ્રત્યેની રાજનીતિની રેખા મહારાજે પોતાના મનમાં નક્કી કરી લીધી હતી. એમણે મંત્રણાસભા બોલાવી. એમાં દંડનાયક પણ આવવાના હતા. કેશવને લાગ્યું કે રાજમાતાએ લાટની રાજકન્યાનો પ્રશ્ન આ રીતે ઉકેલવાની જુક્તિ રચી હોય. એના દિલમાં આશા અને આનંદ પ્રકટ્યાં. રાજમાતા, દંડનાયક, મહારાજ – ત્રણેની ઝીણામાં ઝીણી વિગત ઉપર એ ધ્યાન રાખવા મંડ્યો. મંત્રણાસભામાં એ ગયો ત્યારે એના મનમાં આવો આશાનો સંચાર હતો.

પણ માત્ર બે પળ વીતી અને એની આશા નિરાશામાં ફેરવાઈ ગઈ.

એ રાજસભાના ચોગાનમાં પહોંચ્યો, જ્યાં હંમેશાં સાંતૂ, મુંજાલ, દંડનાયક – સૌના ગજરાજ શોભતા, ત્યારે આજે એણે ફેરફાર જોયો કોઈનો ગજરાજ ત્યાં હતો જ નહિ. માત્ર મહારાજનો શ્રીકલશ એકલો ચક્રવર્તી હોય તેમ આમતેમ સૂંઢ હલાવી રહ્યો હતો. પોતાને જાણ નથી એવો આ નવો ફેરફાર કોણે કર્યો, ક્યારે કર્યો, શા માટે કર્યો – એવી પ્રશ્નોની પરંપરા એના મનમાં ઊગી નીકળી. પણ એને બહુ થોભવું પડ્યું નહિ. સામેથી જ કૃપાણ આવી રહ્યો હતો. કૃપાણના ચહેરા ઉપરથી જ કેશવ કળી ગયો કે કંઇક નવાજૂની લાગે છે.

‘કૃપાણ! આ બધું શું છે? આ ફેરફાર કોણે કર્યો – જગદેવ પરમારે?’

‘પરમાર ક્યાંથી કરે? પરમાર તો બર્બરક સાથે મુંજપુર છે. આજકાલમાં એ આવશે. ત્યાં એક સુંદર વાપી બર્બરકે રચી છે એ જોવા ગયા છે. મહારાજના શ્રીકલશ સિવાય બીજા કોઈનો ગજરાજ તમને હવે પાટણમાં નહિ દેખાય! મહારાજની પોતાની એવી આજ્ઞા થઇ છે.’

‘ત્યારે દંડનાયક નથી આવ્યા કે શું? ક્યાં છે એમનો ગજરાજ?’

‘દંડનાયક આવ્યા છે ને! દંડનાયકનો ઘોડો પણ આ સામે ઊભો, જુઓ... પણ મહારાજ તમને તરત બોલાવે છે.’

‘શું છે?’

કૃપાણે ધીમેથી કહ્યું, ‘એ જ તો. દંડનાયકજી આવ્યા છે – રાજમાતાએ લાટની રાજકુમારીની વાત મૂકી લાગે છે. મહારાજને એ રુચતી લાગતી નથી. ત્રણે જણાં અંદર રાજમાતાના ખંડમા છે. મુંજાલ મહેતા પણ ત્યાં છે.’

‘મારે ક્યાં થોભવાનું છે?’

‘મહારાજના મંત્રણાખંડમા. મહારાજ મંત્રણાસભામાં આવતાં પહેલાં તમને મળી લેવા માંગે છે.’

‘શા માટે હશે કૃપાણ?’

‘એ તો પ્રભુ, તમે મારા કરતાં વધુ જાણો છો. દેવડીની જ વાત હશે!’

કેશવ વિચાર કરતો અંદર ગયો. એણે અ ફેરફારમાં સિદ્ધરાજના પ્રતાપને અગ્નિનું રૂપ લેતો જોયો. એની આશા નિરાશામાં ફેરવાઈ ગઈ. રાજા તેણે હમણાં જ બોલાવીને કહી દે કે દેવડીને મેં મહારાણીપદે સ્થાપી છે, તો એણે શું કરવું? ના પાડવી! જે વાત પોતે જાણે છે એ પ્રગટ કરવી? હવે પ્રગટ કરે તોપણ રાજા શંકા વિના એ માને ખરો? ને ન માને તેમ હોય, તો પ્રકટ કરવાથી ફાયદો શો? એના કરતાં તો એણે પોતે એકલાએ જ વસ્તુને અફળ કરવા પ્રયત્ન કરી છૂટવો એ વધુ સારું નહિ? કે પછી જે થાય તે થવા દેવું?’ કેશવને એક પણ પ્રશ્નનો ઉત્તર મળ્યો નહિ.

માત્ર એક જ વાત એની તાત્કાલિક ચિંતા ઓછી કરવા માટે હજી રહી હતી. દેવડી પોતે અડગ હતી. જ્યાં સુધી એ અડગ હતી ત્યાં સુધી સિદ્ધરાજ પણ એનો વાળ પણ હલાવી શકે તેમ ન હતો. મહારાણી મીનલદેવી ત્યાં હતાં – એનું શાંત તેજ કૈંકને થથરાવી દે તેવું હતું. દંડનાયક ત્રિભુવનપાલ હતો, મુંજાલ હતો અને સૌથી વધુ તો પાટણની હવા હતી. અગ્નિ જેવો પ્રતાપી છતાં રાજા સિદ્ધરાજ પાટણની હવામાં ઊછર્યો હતો. એ હવામાં જ અમુક મર્યાદા રહી હતી. પણ વખત છે ને આ ઘર્ષણના આવેગમાં રાજા પોતે આજ્ઞા કરે – કેશવ એ વિચાર આવતાં જ ધ્રુજી ઊઠ્યો. એની રાજભક્તિ, એની પ્રતિષ્ઠા, એનો ધર્મ – ત્રણેની એમાં કસોટી થઇ રહી હતી. પણ એ પોતાના વિચારમાંથી પૂરો જાગ્રત થાય તે પહેલાં તો એણે સિદ્ધરાજને વેગથી આ તરફ આવતો જોયો. એની પાછળ રાજમાતા આવી રહ્યા હતાં. કેશવ આભો બની ગયો. એ આશ્ચર્યમાંથી સ્વસ્થ થાય અગાઉ તો એના કાન ઉપર રાજાનો પરિચિત, પ્રતાપી, આજ્ઞાવાહી સ્વર પણ સંભળાયો: ‘કેશવ! મેં તને એટલા માટે બોલાવ્યો હતો... શ્રીકલશને લઇ જા – દેવડીને રાજમહાલયમાં લાવો. આજે મહારાણીપદે એનો અભિષેક કરવાનો છે!’

કેશવ સડક થઇ ગયો.એ ના અંગેઅંગમા એક ક્ષણ તો જડતા વ્યાપી ગઈ. જેનો વિચાર આવતો હતો તે પરિસ્થિતિ પોતે સામે આવીને ખડી થઇ ગઈ હતી.

‘કેમ, કેશવ? મેં કહ્યું તે તેં સાંભળ્યું નહિ?’

‘મહારાજ...!...’

કેશવ વ્યાકુળ થઇ ગયો – ગભરાટથી નહિ, વેદનાથી. જેણે મને હંમેશાં પોતાનો માનીને એક બાલમિત્રની જેમ પાસે રાખ્યો હતો, જેને મનમાં ખાતરી હતી કે આખું સામ્રાજ્ય સામે હોય, પણ કેશવ તો એનો પોતાનો જ હતો, જેને પોતે હંમેશાં વીર વિક્રમની પરાક્રમમૂર્તિ માન્યો હતો, તે સિદ્ધરાજની આજ્ઞાને અવગણતા એણે ધરતી-આકાશ એક થતાં લાગ્યાં. એક પળવાર તો એ આંખો મીંચી ગયો. બીજી જ ક્ષણે એણે પોતાની જવાબદારી અને આ એક મહાન પળની કિંમત સમજાઈ ગઈ. તેણે પણ દ્રઢતાથી પણ અત્યંત ગૌરવભરેલી વિનમ્રતાથી કહ્યું:

‘મહારાજ! એ ન બને...’

‘ન બને? શું ન બને?’ સિદ્ધરાજ માનતો ન હોય તેમ એની સામે જોઈ રહ્યો.

‘દેવડીને આંહીં લાવવાનું!’

‘કેમ? હું કહું છું ને ન બને, એમ? કોણ – કેશવ બોલે છે? ક્યાં છે પરમાર...? પરમારને બોલાવો...! કૃપાણ! મહારાજનો અવાજ મોટો થઇ ગયો.

‘મહારાજ! હું તમારો સેવક છું.’ કેશવે બે હાથ જોડ્યા, ‘પણ પ્રભુ! પાટણની હવાનો તો હું એક અદનામાં અદનો દાસ છું. એ હવા બગાડવાનો મને કાંઇજ અધિકાર નથી, તમને પણ અધિકાર નથી, કોઈને અધિકાર નથી. એનું વાતાવરણ ઘડવામાં ચૌલાદેવી, વાચિનીદેવી, ભીમદેવ, દામોદર, દેવપ્રસાદ, વિમલ મંત્રી – એમના જેવાંનો હિસ્સો છે. દેવડીને આંહીં ત્યારે જ લાવી શકાય મહારાજ, જ્યારે દેવડી પોતે એ વસ્તુ કબૂલે... દેવડીએ હજી સુધી એવું કોઈ વલણ બતાવ્યું નથી. કોઈ પણ નારીને એમ આંહીં ઊપાડીને લાવી ન શકાય. ક્ષમા કરજો...’

કેશવ માથું ઢાળીને નમી રહ્યો. એક ક્ષણમાં આવો અણધાર્યો જવાબ મળતાં સિદ્ધરાજનો આવેગ કાંઇક મોળો પડ્યો. એટલામાં તો રાજમાતાનો સ્વર સંભળાયો.

‘અરે! પણ જયદેવ! તું ગાંડો થયો છે? હજી તું જો તો ખરો! હજી લાટનું નક્કી થાય છે! હજી ત્રિભુવનની વાત જ તેં પૂરી ક્યાં સાંભળી છે?’ રાજમાતા એની પાછળ જ આવી પહોંચ્યાં હતા. મુંજાલ ને દંડનાયક પણ આવતા હતા.

કેશવ સમજી ગયો. લાટની રાજકન્યાના કોઈ પ્રશ્ને નાજુક પરિસ્થિતિ ઊભી કરી હતી. રાજાએ આગ્રહ રાખ્યો લાગે છે: લાટની કન્યા લાવવી હોય તો દેવડીને પહેલાં મહારાણીપદે સ્થાપો!

‘કેશવ! તું ને મુંજાલ બંને જાઓ... મુંજાલ!...’ મુંજાલ આવ્યો, પણ એણે કાંઈ જવાબ ન વાળ્યો.

‘પણ, જયદેવ!... તું પાટણનો રાજા છે, તેનું શું?’ મીનલદેવીના અવાજમાં શાંત મક્કમતા આવી: ‘પાટણના રાજને પોતાનું ગૌરવ છે, પોતાના સંબધો છે. પોતાની પ્રણાલિકા છે... ત્રિભુવનની વાત હજી અધૂરી છે: તેં પૂરી સાંભળી પણ નથી...’

‘મેં પૂરી સાંભળી નથી, પણ એનો સાર મેં જોઈ લીધો છે. જુઓ, મા! હું તમને કહી દઉં – પહેલું અને છેલ્લું: પાટણના સિંહાસન ઉપર તને જેને લાવવું હોય તેણે લાવી શકો છો, મારા હ્રદયના સિંહાસન ઉપર તો એક નારી બેઠી છે – અને એ આ દેવડી!’

‘પણ, જયદેવ, તું તો ગાંડો થયો છે? આ તારી દેવડી – એ છે કોણ?’

‘એ કોણ છે એ જેટલું તમે જાણો છો એટલું જ હું જાણું છું. એ કોણ છે એની મને પણ ખબર નથી.’

કેશવને વાતનો ઘડોલાડવો કરવાનું મન થઇ આવ્યું. પણ તેને એનું પરિણામ ઊલટું – વિપરીત લાગ્યું. તે શાંત રહ્યો: જયસિંહ આગળ બોલતો હતો:

‘એ કોણ છે એની મને ખબર નથી. એટલે તો એ પોતાના કુળથી નહિ રાજવૈભવથી નહિ, સત્તા, મહત્તા કે મહાન સંબંધથી પણ નહિ, પરંતુ કેવળ એના પોતાના નારીત્વથી મને આકર્ષી રહી છે. રાણી તરીકે ગમે તેને લાવો, મા! મહારાણીપદ તો આ દેવડીનું થઇ ચૂક્યું છે!’

‘દેવડીનું થઇ ચૂક્યું છે એટલે, મહારાજ?’ મુંજાલ બોલ્યો. એણે મહારાજનો આવો વ્યવહાર ખૂંચી રહ્યો હતો. સામનો અત્યારે ન થાય તો પછી ક્યારેય ન થાય, એટલે એણે તક પકડી. એના અવાજમાં તીખાશ હતી: ‘તમે દેવડીને મહારાણીપદે લાવવા માગો છો, એમ? શું મહારાજનો એ અફર નિશ્ચય છે?’

‘હા, મુંજાલ! દેવડી મહારાણી થશે – આજે કે કાલે ગમે ત્યારે..’

‘અને તે આ પાટણનગરીમાં?’

‘હા, પાટણમાં જ... કેમ? બીજે ક્યાં? સિદ્ધરાજનો અવાજ ઠંડો હતો, પણ એમાં રહેલી દ્રઢતા અત્યંત ઉગ્ર હતી.

‘પણ, જયદેવ! પાટણ – એનું ગૌરવ – એમાં દેવડીનું સ્થાન ક્યાં ઠેકાણે? અને હું તને પૂછું છું : આ દેવડી – દેવડીમાં એવું તેં શું જોયું છે?’

‘તમે ઊઠીને, મા, મને આ સવાલ પૂછશો? કોઈ નહિ ને તમે? ત્યારે તો હું તમને પૂછું કે ચૌલામાં મહારાજે શું જોયું હતું? કોઈનામાં કોઈ શું જુએ છે એ વિષે કોઈ શું જાણે? અને પોતે શું જુએ છે એ કહી શકનારો વળી કોઈ દિવસે કાંઈ જુએ છે ખરો? દેવડીમાં મેં શું જોયું છે એની મને પોતાને ખબર નથી. પણ આ યુગમાં કોઈને અવંતીનાથની પેઠે ભારતસમ્રાટ થવાનું સ્વપ્ન હોય તો એની સામ્રાજ્ઞીનું સ્થાન આ સોનલદે જ લઇ શકે છે – અને મારે એ સ્વપ્ન છે. એ જ્યાં હશે ત્યાં એકચ્રકી રાજ સ્થાપશે. ઇન્દ્રનો વૈભવ ત્યાં પ્રગટશે. ત્યાં મહાકવિઓ, મહાશિલ્પીઓ, મહાપુરુષો પ્રેરણા મેળવશે. એ જ્યાં હશે ત્યાં મહાયુદ્ધો જન્મશે – સામ્રાજ્ય સ્થાપનારા મહાજુદ્ધો...’

‘મહારાજ!’ કેશવે હાથ જોડ્યા, ‘આ સઘળી કલ્પના – કવિતા છે. એની વાત જવા દો. એ જ્યાં જશે ત્યાં સર્વનાશ થશે.’

‘તારા કહેવાથી? એમ?’ સિદ્ધરાજે કહ્યું, ‘તેં તો, કેશવ દેવડીને જોઈ છે, પણ જોઈ નથી. એણે જોઈ છે મેં!’

‘પ્રભુ! હું જે જાણું છું તે તમને કહું છું,’ કેશવે હાથ જોડ્યા, ‘દેવડી જ્યાં જશે ત્યાં જુદ્ધ આવશે, સર્વનાશ આવશે...!’

‘હા-હા, તારા કહેવાથી.’

કેશવના વાક્યને કોઈએ મહત્વ આપ્યું નહિ. તે પણ બોલીને તરત શાંત થઇ ગ યો.

‘પણ, જયદેવ! તને આ ત્રિભુવને વાત કરી – લાટની રાજકન્યા લક્ષ્મીદેવી – એને તેં જોઈ છે જ ક્યાં? અને એ લાટની રાજકન્યાનો રક્ષક કોણ છે એની તને ખબર છે? એનો રક્ષક ત્રિભુવનપાલ પોતે છે... ત્રિભુવનની સ્થિતિનો તેં વિચાર કર્યો? ત્રિભુવન એનો રક્ષક – અને એ જ પાછો આપણો દંડનાયક પણ છે! ત્રિભુવનને આ ધર્મસંકટ નથી?’

‘કેમ, ત્રિભુવનને શું છે?’

‘મારે બીજું કાંઈ નથી, કાકા! તમે ઉઠ્યા ત્યારે હું જે વાત કરી રહ્યો હતો તે લાટ સાથે પાટણ સંબંધ બાંધે તો ખોટું નથી એટલું કહેવા પૂરતી. સંબંધ બાંધવો-ન-બાંધવો –’

‘જો ત્રિભુવન! આજ દિવસ સુધી તમે સૌ તમારી દ્રષ્ટિએ રાજ ચલાવતા હતા. તમારી સૌની માન્યતા હતી – છે અને આજે આપણે એ જ પ્રશ્ન છે. પાટણે માલવા અને સોરઠ એમ બંને સરહદ ઉપર એકીસાથે યુદ્ધ કદાપિ પણ ન નોતરવું, એટલે તમે એવાં યુદ્ધો અટકાવવા માટે પણ સંબંધો બાંધતા. મારે એવો કોઈ સંબંધ બાંધવો નથી, એનું શું? હું પાટણને જ સમર્થ કરીશ. મારી આ રાજનીતિ છે. સંબંધ બાંધીને માત્ર યુદ્ધ અટકાવવાં નથી. એ યુદ્ધ કદાપિ અટકતાં પણ નથી. એનો દાખલો આ આવ્યો છે તે રા’. હવે તું તારે વાત કહે...’

‘ત્યારે મારી વાત તો ટૂંકી છે, કાકા! આ લાટની રાજકન્યા છે. એનો રક્ષણભાર મારા ઉપર છે. વર્ષો પહેલાંની વાત, મહારાજ! માને યાદ હશે. લાટના ત્રિવિક્રમ જયારે મરણપથારીએ પડ્યા અને જયારે એમને લાગ્યું કે તેઓ હવે પોતે બચે તેમ નથી, ત્યારે એમણે મને બોલાવ્યો. એ વખતે પણ હું લાટનો દંડનાયક...’

કેશવ સાંભળી રહ્યો. સૌને માટે વાત તદ્દન નવી હતી. સૌ એકધ્યાન થઇ ગયાં.

‘એ વખતે રાતનો સમય હતો. હું સામે કાંઠે... રાજગઢીમા રહેતો, એટલે મને જતાં વાર થઇ, પણ મને એણે જોયો અને એમના અંતરમાં એક પ્રકારની શાંતિ થઇ ગઈ. મહારાજ! કોઈના પણ મૃત્યુને જે અભડાવે છે તે રજપૂત તો નથી, પરંતુ માણસ પણ નથી. એટલે જ્યારે એમની આ નાની છોકરી લક્ષ્મીદેવીનો હાથ એણે મારા હાથમાં સોંપ્યો ત્યારે મને જે કહ્યું હતું તે આજે પણ મારી સ્મૃતિમાં ચોંટી રહ્યું છે. એમણે મને કહેલું: “ત્રિભુવનદેવ! આપણે આંહીં પૃથ્વી ઉપર લડ્યા. અધૂરી રણતૃષ્ણા રહી હશે, તો તમે આવશો ત્યારે સ્વર્ગમાં લડીશું. પણ આ દીકરી હવે મારી નથી, એ તમારી છે. એને તમે સાચવજો, મોટી કરજો, પાળજો, રક્ષજો ને મારે સ્થાને રહીને એનું હિત તમે સંભાળજો. હું તમને ત્રિભુવનપાલ દંડનાયકને નહિ, દેવપ્રસાદના દીકરાને આ કહું છું,” મહારાજ! થોડી વાર પછી ત્રિવિક્રમ મરણ પામ્યા. લાટની એ રાજકન્યા તો આ લક્ષ્મીદેવી.’

સિદ્ધરાજ કાંઈ બોલ્યો નહિ. મીનલ શાંત રહી. મુંજાલે કહ્યું: ‘થયું ત્યારે – ત્યારે તો એ રાજકન્યા તમારા હાથમાં છે એમ કહો ને એનું હિત પાટણ સાથે સંકળાયેલું છે.’

‘મુંજાલ મહેતા! તે પહેલાં આ વિષે મેં તમને કહ્યું છે એ સાંભરે છે? મારા હાથમાં છે રાજકન્યા એ ખરું, પણ લાટની સુંદરી માત્ર અતિશય સ્વમાની પાટણના તો શું, ત્રિલોકના રાજ માટે પણ એ પોતાનું સ્વમાન છોડે એવી આશા તમે ન રાખતા. એ તો મહારાજ એને જીતે, તો મહારાજ ઉપર પ્રાણ ન્યોછાવર કરે એવી અદ્ભુત છે. તમે પ્દ્માક્ષીની વાત સાંભળી છે નાં?’

‘હા, જેણે તારા બાપને ઘેલો કર્યો હતો...’ મીનલે કહ્યું.

‘એ પ્દ્માક્ષીની આ ભત્રીજી છે... લાટનો પ્રશ્ન થાળે પડે માટે આ રાજકન્યા આંહીં આવે – અને એમાં હું સહાયક થાઉં – એ વાતમાં માલ નથી, મહેતા!’

‘થયું ત્યારે, દંડનાયકજી! પાટણના દિવસો હવે પૂરા થયા લાગે છે!’ મુંજાલે કાંઈ કડવાશથી કહ્યું.

‘તારા કહેવાથી?’

‘મારા કહેવાથી નહિ, મહારાજને પોતાને પાટણના ગૌરવની પડી નથી. તમને પાટણના હિતસંબંધની પડી નથી. મહાઅમાત્યોની બુદ્ધિની કોઈને પડી નથી. નહિતર લાટનો પ્રશ્ન આમાં હંમેશને માટે થાળે પડે તેમ છે... એનું શું? રાજકીય દ્રષ્ટિએ એ વાત શું કાઢી નાખવા જેવી છે? પણ આજે... હવે જે થાય તે ખરું!’

‘મુંજાલ મહેતા! લાટનો પ્રશ્ન થાળે પડે કે ન પડે, પણ એ મારી દીકરી છે, એ કાંઈ આળસી જાશે? એણે દુઃખ થાય તો હું રૌરવનરકમા પડું. મહારાજનું આવું મન જાણ્યા પછી... જો એને હું આંહીં લાવું – કેવળ રાજલોભને માટે તો હું દેવપ્રસાદનું નામ લજાવું! એટલે હવે હું જે કહું છું તમે સૌ સમજી લ્યો... વહેલેમોડે નર્મદાકાંઠે જુદ્ધ તમારે માંડવા પડશે...’ ત્રિભુવનપાલનો રણકો કેશવના અંતરને સ્પર્શી ગયો. એને એમાં પાટણની હવા દેખાણી.

‘જુઓ... આ લાટની રાજકન્યા લક્ષ્મીદેવી... એને આંહીં આવવું હોય તો એનું ઘર છે. મહારાજ જે ઈચ્છે તે સિદ્ધ કરે તેમ છે. પણ એ કાંઈ બનવાનું હોય, તો... મારે એણે પૂછવું પડે, મહેતા! એ રજપૂતી સમજે છે. કેવળ પુત્રને અભાવે લાટનું રાજગૌરવ ચાલ્યું જાય એનો પરિતાપ એના મનમાં પણ પ્રગટે. એના મનમાં પણ આકાંક્ષા જાગે, પોતે લાટના ત્રિવિક્રમનો દીકરો જ છે, દીકરી નથી એ વસ્તુ સિદ્ધ કરવાના કોડ એને પણ ઊઠે. લાટને ફરી સજીવન કરવાની એના મનમાં પણ તમન્ના ઊભી થાય, મુંજાલ મહેતા! હું દીકરો દેવપ્રસાદનો. એવે વખતે એણે એનો પૂરેપૂરો વારસો ન આપું, તો જીવતોજીવત અગનકુંડ ભોગવું!’

મુંજાલ સાંભળી રહ્યો. તેણે ડોકું ધુણાવ્યું: ‘દંડનાયકજી! તમે લાટમાં ફરી સળગાવશો...?’

‘જે થાવું હશે તે થાશે, મહેતા! પણ મેં તમને કહી દીધું કે એને એની રજપૂતીનો વારસો પણ હું સોંપી દઈશ. હું તો એને કહીશ કે બેટા! તારા બાપનું રાજ સજીવન કરવાના કોડ હોય તો નર્મદાના જળ છે ને મહીના વાંધા છે. પડ મેદાને!... ને પછી એની સામે મહારાજનું લાટ સાચવવા ગલઢેગઢપણ રણમાં ચડવું પડશે, તો ચડીશ!’

‘અરે! ત્રિભુવન! તું શું બોલે છે! બરાબર જાણે દેવપ્રસાદને આજે ફરીને બોલતો સાંભળ્યો! પણ તું વખાણ કરે છે આ લક્ષ્મીદેવીના આટલાં – એણે એક વખત પાટણ તો બતાવ!’

‘આવતે વખતે આવું ત્યારે સાથે લેતો આવું, બા!’

‘લે, જોયું, જયદેવ? આ વાત છે ને આ ચીત છે. તું તારે હવે વિચાર કરી જો. સોરઠ, માલવા, લાટ – સૌ સાથે બાથ ભીડવી છે... કે શું કરવું છે તે તું જો... કરવાનું તારે છે.’

સિદ્ધરાજ વિચાર કરી રહ્યો. એનું મન કોઈ રીતે સમાધાન પામતું ન હતું. એકચક્રી સત્તા સ્થાપવા માટે જે પ્રભાવ જોઈએ, એ પ્રભાવની પાટણમા એણે હજી ખામી લાગતી હતી. પાટણ હજી તાત્કાલિક સમાધાની કરતું, સંબંધો બાંધતું, બાંધછૂટ કરતું. ત્યાં સોરઠના રા’નો પ્રશ્ન જ આવી રહ્યો હતો.

‘રા’ રાયઘણ ક્યારે આવે છે, કેશવ?’ સિદ્ધરાજે પૂછ્યું.

‘કાલે આવશે... પ્રભુ!’

‘આવતી કાલે આ રા’ની જ વાત આવશે, લ્યો શું કરશો? રાયઘણ સૌથી મોટો છે. જૂનાગઢ પાટણને પૂછે છે, છતાં ખેંગારને ગાદી મળી છે, એમ શા માટે, મુંજાલ? ખેંગારને વાત થઇ ગઈ – મહીડાની?’

‘એ તો થઇ ગઈ. એણે ગળે ન ઊતરી!’

‘દેવડોજી પણ એ જ કહેતા હતા. એણે મહીડાને પડકાર્યો છે. આપણે આ સાંઢણીનાં ને ઘોડાનાં, મારીને ભાગી જાવાનાં ને ભાગીને છુપાઈ જવાનાં જુદ્ધ ચલાવવાં પણ નથી ને ચાલવા દેવાં પણ નથી. એવાં જુદ્ધ હવે કરવાં નથી. એક પછી એક કોટકિલ્લા રચાતા જાશે, તેમતેમ ત્યાં થાણાં મુકાશે. એક વ્યાપક સત્તાને કેન્દ્રમાં રાખીને ભલે સૌ સત્તા ભોગવે. સોરઠ સાથે જુદ્ધ અનિવાર્ય હોય તો કરી લેવું. થાબડભાણાં કર્યે શાંતિ નથી રહેવાની. ખેંગારને કહી દેવું કે તે રા’ નહિ હતી શકે. રા’ રાયઘણને જ પાટણ તો સ્વીકારશે!’

સૌ સાંભળી રહ્યા. સિદ્ધરાજને બધાના મૌનમાં કાંઇક છૂપી વિરોધવૃત્તિ લાગી, પણ એણે પોતાની વાત પૂરી કરવા માંડી:

‘તમને સાંઢણી ઉપર ને ઘોડાં ઉપર સોરઠ કેટલી વખત ડરાવી ગયું, એનો હિસાબ કર્યો? ગમે તે પળે થોડાંક-થોડાંક ઘોડાં લઈને કોઈ પાટણ ઉપર દોડ્યું આવે – એમાં પાટણનો પ્રભાવ શો? આપણી સત્તાને વ્યાપક બનાવ્યા વિના કેવળ સંબંધો બાંધવાથી કાંઈ સામ્રાજ્ય સરજી શકાશે? એવું સામ્રાજ્ય રહે પણ કેટલો વખત? મુંજપુરથી શરુ થયેલી કોટકિલ્લાની માળા આખા સોરઠને છાઈ દેશે ને દર્ભાવતીથી શરુ થઈને ગોધ્રકમંડલ સુધી જાશે. પાટણનો એ સ્થાયી પ્રભાવ જ કેન્દ્રસત્તાને વ્યાપક અને બળવાન બનાવશે. દેવડોજી મુંજપુરની વાત કહેશે, ત્યારે એનું મહત્વ સમજાશે.’

પણ સિદ્ધરાજની સ્વપ્નકથા અધૂરી રહી. મુંજપુરના કોટકિલ્લાની વાત કરવા દેવડોજી આવી રહ્યો હતો. પણ મંત્રીઓ આ બાબતમાં કાંઈ પણ બોલ્યા ન હતા. મહારાજની કોટકિલ્લાની વાત એમને સમજાતી ન હતી. પણ મુંજપુરનો કિલ્લો અને આ દેવડો એને સંભાળનારો – એ વાતમાં એમને શ્રદ્ધા ન હતી. ઉપેક્ષાભરેલા મંત્રીઓના સૂચક મૌનનો અર્થ હવે સિદ્ધરાજને સમજાયો: તેઓ મનમાં એમ માનવા લાગ્યા કે કેવળ દેવડાજીના સંસર્ગ માટે જ મુંજપુર તરફ કોટકિલ્લો બંધાઈ રહ્યો છે. પોતે જે નવી રચના કરવા ધારી છે, જે વડે પાટણનો પ્રભાવ સ્થાઈ બનવાનો છે, એ વાતની શી રીતે સર્વસામાન્ય કરાવવી એનો વિચાર સિદ્ધરાજ કરી રહ્યો.

કેશવને લાગ્યું કે અત્યાર પૂરતું તો પોતાના માથેથી ધર્મસંકટ ટળ્યું હતું.

પણ એ પાછું ક્યારે નહિ આવે એ કહેવાય તેવું ન હતું.