Runanubandh - 44 books and stories free download online pdf in Gujarati

ઋણાનુબંધ.. - 44

અજીબ હોય છે આ માતૃત્વની લાગણી,
જોઈ નહીં છતાં અનુભવતી સ્પર્શની લાગણી,
અચાનક દરેક સબંધથી વિશેષ બની જાય છે...
દોસ્ત! પોતાનું જ અંશ જોવા આતુરતાથી હરખાતી લાગણી.

પ્રીતિ ખુબ ખુશ થતા રસોઈ બનાવી રહી હતી. અજયે આવીને એને પોતાની સમીપ લીધી હતી. ખુબ પ્રેમથી કપાળે એક ચુંબન કરતા બોલ્યો, "કેમ આજ આટલી હરખાઈ છે?"

"એમ જ.. હમણાં મમ્મીને સૌમ્યા સાથે વાત કરી તો મન એ વિચારો માં જ હતું. સૌમ્યાની વાતો તો તમે જાણો જ છો ને! બસ, એટલે એ જ યાદ કરતી હરખાતી હતી."

"અરે હા, પ્રીતિ તને મારો મિત્ર સુનિલ યાદ છે?"

"હા, એક, બે વાર મળ્યા છીએ ને! એના દીકરાના જન્મ વખતે આપણે એને રમાડવા ગયા હતા એ જ ને?"

"હા, એજ.. હવે એ પાંચ વર્ષનો થયો છે, આવતીકાલે એ પાંચ વર્ષનો થશે તો સુનિલે એ ખુશીમાં પાર્ટી રાખી છે. આપણે બંનેએ એમાં જવાનું છે."

"ઓકે.. ગિફ્ટ માં શું લેશું? કોઈ ગેમ્સ આપીએ તો?"

"હા, સારું.. પણ એ તું લેતી આવજે. આવું મને ન ફાવે."

પ્રીતિ કોલેજથી આવતી વખતે ગિફ્ટ લેતી આવી હતી. ખુબ સુંદર પિન્ક કલરની કુર્તીમાં પ્રીતિ ખુબ સરસ લાગતી હતી. આમ પણ આ સમયમાં એનું રૂપ ખુબ સુંદર થઈ રહ્યું હતું. વાન એકદમ ઉજળો થઈ ગયો હતો. અજય પણ રેડ ટીશર્ટ અને બ્લેક જીન્સમાં ખુબ જ આકર્ષિત લાગતો હતો.

અજય અને પ્રીતિ પાર્ટીમાં સમયસર પહોંચી ગયા હતા. પાર્ટીમાં બધા એ બંનેની જોડીના જ વખાણ કરતા હતા. ઘરને ખુબ સરસ શણગાર્યું હતું. કેકનું કટીંગ થઈ ગયા બાદ બધા બાળકોને ડાન્સ અને ગેમ્સ રમવા ગાર્ડનમાં મોકલ્યા હતા. સુનિલે આખા ગ્રુપને આમંત્રણ આપ્યું હતું. ખુબ સમય બાદ બધા જ મિત્રો એકબીજાને મળ્યા હતા. બધા જ નતનવીન વાત કરતા અચાનક સ્કૂલના ટોપિક પર ચડી ગયા હતા. બધાને થયેલ અનુભવ એકપછી એક બધા કહી રહ્યા હતા. સુનિલે પણ પોતાનો અનુભવ કહ્યો, હા અત્યારે સ્કૂલમાં એડમિશન લેવું ખુબ અઘરું થઈ ગયું છે. એડમિશન ફી તો ઠીક ડોનેશન પણ ખુબ ભરવું પડે છે. સ્કૂલની ફી જ એટલી બધી વધુ હોય છે કે યાર ગમે તેટલું પ્લાનિંગથી બધું સેટ કરીએ તો પણ બચત બિલકુલ થતી નથી. બાળકો પણ બધું સમજે તો જેમજેમ મોટું થાય એમ એની ડિમાન્ડ પણ વધતી જાય છે. સેલેરી નો ગ્રાફ વધે તો સાથે ફેમેલીની ડિમાન્ડ પણ સમય સાથે વધે છે. દેખાડો ખુબ વધી ગયો છે. અને ક્યારેક એમ થાય કે બાળકોને ગમે એમ ન કરીયે તો આટલી કમાણી કરીએ, એ શું કામની? કોણ ભેગું લઈને જઈ શક્યું છે? એમ સમજી બસ બાળકોને ગમે એમ રહીએ છીએ. બધા સુનીલની વાતને સહમતી આપી રહ્યા હતા. અજય બસ, ચુપચાપ એમની વાતો સાંભળી રહ્યો હતો. પાર્ટી પતી એટલે ઘરે આવી બંને પથારી પર આડા પડ્યા હતા. પ્રીતિને ઊંઘ આવતી હતી એ ઊંઘી ગઈ, પણ અજય કંઈક વિચારમાં છતમાં એક નજરે જોઈ રહ્યો હતો.

પ્રીતિ સવારે ઉઠી ત્યારે અજય જાગી ગયો હતો. પ્રીતિને અચરજ તો થયું કે, અજય કેમ આજ વહેલા ઉઠી ગયા! એને પૂછ્યું,"તમે કેમ આજ વહેલા ઉઠી ગયા?"

અજયનું પ્રીતિની વાતમાં કઈ જ ધ્યાન નહતું. એ બોલ્યો, "મારે તને એક વાત કહેવી છે."

"હા બોલો, એમાં વિચારો છો શું?"

"તું પ્લીઝ મને છોડી દે.. હું તને ક્યારેય ન્યાય નહીં આપી શકું. હું તને ખુશ નહીં રાખી શકું. તું તારા પિયર જતી રે."

પ્રીતિ અવાચક થઈ ને અચાનક બોલાયેલ અજયના શબ્દથી એકદમ ધ્રાસ્કો પામી હતી. એને અજયને શું કહેવું એ શબ્દો જ એની પાસે નહોતા. કાપો તો લોહી ન નીકળે એવી સ્થિતિ પ્રીતિની થઈ ગઈ હતી. એ ઘડીક સ્તબ્ધ જ ઉભી હતી, પણ આંસુ એક સરી જ પડ્યું હતું. જાતે જ એ આંસુ લૂછીને ફરી જાતને મક્કમ કરતા એ બોલી, "તમે શું બોલો છો એનું તમને ભાન જ નથી. તમે કોઈ ચિંતામાં હોવ એવું લાગે છે. આપણે આ બાબતે કઈ વાત જ નથી કરવી."

"ના, પ્રીતિ હું હોશમાં જ છું. તું જતી રે.. હું તને ક્યારેય ન્યાય જ નહીં આપું શકું. ગળગળા સ્વરે એક જ વાત કરી રહ્યો હતો કે આપણે હવે છુટા થઈ જઈએ.."

અજય એની વાત કરી રહ્યો હતો, અને પ્રીતિ એને સમજવાની કોશિષ કરી રહી હતી. અજયને સમજવું જ નહોતું, એને પ્રીતિને પિયર જ મોકલી દેવી હતી, અને પ્રીતિ કહી રહી હતી કે, હું પ્રેગ્નેન્ટ છું અને આવા સમયે તમે આવી વાત કરો છો. હું તમને આજે તો શું ક્યારેય નહીં છોડું. લગભગ અડધી કલાક જેટલો સમય બંને વચ્ચે આવી ચર્ચામાં નીકળી ગયો હતો. પ્રીતિ સમજાવીને થાકી અને રૂમમાંથી બહાર નીકળી ગઈ હતી.

પ્રીતિને અજયનું અચાનક આવું રૂપ જોઈને ખુબ ગભરાહટ થવા લાગી હતી. પ્રીતિનું મગજ સાવ બંધ જ થઈ ગયું હતું. એનું ક્યાંય ચિત્ત ચોંટતું નહોતું. માંડ બધું કામ પતાવ્યું અને કોલેજ ગઈ હતી. આસ્થાને મળીને એ રડી જ પડી હતી. બધી જ વાત એણે આસ્થા ને કરી હતી. આસ્થા પણ આવું સાંભળીને અચરજ પામી હતી. એને પ્રીતિને શું કહેવું એ સમજાઈ રહ્યું નહોતું. આસ્થાએ કહ્યું, "મને આ પરિસ્થિતિમાં કંઈ સમજાતું નથી. જીજુ કેમ આમ બોલ્યા એ સમજવું મુશ્કેલ લાગે છે. તું તારા મમ્મી જોડે જ વાત કર. આ બાબતને હું ખુદ સમજી શકતી નથી તો તને કેમ કોઈ યોગ્ય જવાબ આપું."

"મારી પણ એ જ સ્થિતિ છે. બધું જ સરસ ચાલતું હતું અને આમ અચાનક અજયનું આ રૂપ મને જરાય સમજાતું નથી."

"મારુ માન તું આન્ટી સાથે વાત કર. એ શું કહે છે એ તો જાણ.."

"હા, આજ કોલેજથી ઘરે જતી વખતે મમ્મીને વાત કરીશ."

પ્રીતિ અને આસ્થા બંને પોતાના લેક્ચર લેવા ક્લાસમાં જતી રહી હતી. પણ મન બંનેના એક જ વિચારમાં હતા કે, અજયને અચાનક શું થયું? કેમ આમ વાત કરી? અને બંને માંથી કોઈને પણ એનો જવાબ ન મળ્યો.

પ્રીતિએ કોલેજથી ઘરે જતા કુંદનબેનને ફોન કર્યો,

"હા, પ્રીતિ કેમ છે? કેવી છે તબિયત? ઉમળકાથી ફોન ઉપાડતા કુંદનબહેને કહ્યું હતું.

"તબિયત તો સારી છે પણ.." પ્રીતિ બોલતા અટકી ગઈ હતી.

"પણ .. પણ શું? કંઈક બોલે તો સમજાય ને!"

"મમ્મી આજ અજય અચાનક મને કહે કે તું મને છોડીને જતી રે. હું તને ન્યાય નહીં આપી શકું. આપણે છુટા થઈ જઈએ."

"લે, કેમ આમ બોલ્યા? તમારી વચ્ચે કોઈ ઝઘડો થયો? કે, તારી કોઈ વાતનું દુઃખ એમને લાગ્યું?"

"ના મમ્મી, કોઈ ઝઘડો નથી થયો. કાલ તો બહુ જ ખુશ હતા. અમે એમના મિત્રના દીકરાની બર્થડે પાર્ટી માં ગયા હતા. મારુ શું ખોટું લાગે? મેં કોઈ એવી વાત નથી કરી કે આડુંઅવળું કઈ જ બોલી નથી."

"તારો કોઈ વાંક ન હોય તો તારે કઈ જ વિચારવાની જરૂર નથી તું તારું ને આવનાર બાળકનું ધ્યાન રાખ અને થીસીસને જલ્દી પુરી કર. બધા જ નેગેટિવ વિચારથી તું દૂર રહેજે. તું બધું જ કરી શકીશ એ વિશ્વાસ છે મને." પ્રીતિની હિમ્મત વધારતા કુંદનબેન બોલ્યા હતા.

શું થશે પ્રીતિની સાથે આવનાર સમયમાં?
શું પ્રીતિથી એની થીસીસ લખી શકાશે?
શું હશે પ્રીતિ અને અજયનું ભવિષ્ય? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻