Dayri - 2 books and stories free download online pdf in Gujarati

ડાયરી - સીઝન ૨ - વસુધૈવ કુટુંબકમ્ - Rethinking

શીર્ષક : વસુધૈવ કુટુમ્બકમ્ - Rethinking
©લેખક : કમલેશ જોષી

અમારી શેરીના એક અવાવરું ઘરમાં એક કૂતરી વિયાણી અને તેણે ચાર-પાંચ બચ્ચાને જન્મ આપ્યો, બરાબર એ જ દિવસે અમારી શેરીના ત્રીજા ઘરે રહેતા એક શિક્ષક પરિવારમાં પણ એક બાળકનો જન્મ થયો. મારા બાએ કૂતરી માટે શીરો બનાવ્યો અને કૂતરીને જમાડવા જતી વખતે મારા ત્રીજું ધોરણ ભણતા ભાણિયાને સાથે લેતી ગઈ. છ દિવસ બાદ પેલા ત્રીજા ઘરે જન્મેલા બાળકની નામકરણ વિધિમાં પણ બા અને ભાણિયો ગયા. ભાણિયાના મનમાં અનેક મૌલિક પ્રશ્નો ઉદભવ્યા. એણે મને પૂછ્યું,
"મામા, પેલી કૂતરીએ બચ્ચાને જન્મ આપ્યો તો એને મળવા કેમ બીજા કૂતરાઓ, ગલૂડિયાના દાદા, કાકા, મામા જેવું કોઈ કૂતરું એની આસપાસ ફરક્યું પણ નથી અને પેલા ટીચર અંકલને ત્યાં તો નાનકડા બાઉને રમાડવા રોજેરોજ કેટલા બધા મહેમાનો આવે છે. આવું કેમ?" હું વિચારમાં પડી ગયો. મેં તાજો જવાબ બનાવી આપ્યો,
"બેટા, પ્રાણીઓમાં એવા કાકા-મામા જેવા સગાંઓ નથી હોતા, સગાંઓ ખાલી માણસોમાં જ હોય છે." એની આંખોમાં થોડી મુંઝવણ ઉપસી,
"કેમ? કેમ પ્રાણીઓમાં સગાં નથી હોતા અને માણસોમાં હોય છે? કોણે કીધું એવું કરવાનું?" એણે પ્રશ્ન રચનામાં પણ લોચો વાળ્યો. મેં એને ચુપ કરવા એને સહેજ ગૂંચવતો જવાબ આપ્યો,
"પ્રાણીઓને ક્યાં આપણી જેમ ઘર કે મકાન હોય છે, એ તો આજે આ ગલીમાં રખડે તો કાલે બીજી ગલીમાં, એટલે સગાં હોય તો એ મળવા ક્યાં આવે, કોઈ એડ્રેસ તો હોવું જોઈએ ને?" એ પણ ગૂંચવાઈ ગયો. એ તો ઊભો થઈને જતો રહ્યો પણ હું નવા જ વિચારે ચઢી ગયો.

પ્રાચીન કાળમાં જયારે આદિમાનવો પણ બીજા સજીવોની જેમ સંબંધ શૂન્ય જીવન જીવતા હશે ત્યારે થતા બાળજન્મનો પ્રસંગ કેવી રીતે ભજવાતો હશે? કોઈ ગુફા કે એવી અવાવરું પણ સુરક્ષિત જગ્યાએ બાળકને જન્મ આપ્યા પછીના માના કણસાટ અને હરખનું સાક્ષી કોણ બનતું હશે? પ્રાણીઓમાં તો હજુ કોઈ વિચારક પ્રાણી પાક્યું નથી પણ આદિમાનવોમાં વિચારક આદિમાનવે જયારે પહેલી વહેલી વખત સંબંધો ડીફાઇન અને ડિસ્કસ કર્યા હશે ત્યારે પણ શું માતા-પિતા, મધર-ફાધર, કાકા-મામા કે અંકલ-આન્ટી જેવા નામો અને નિયમો સર્જ્યા હશે કે પછી કંઈક જુદું જ કર્યું હશે?

સંબંધોની વાત આવે એટલે અમારા એક સંયુક્ત કુટુંબના વડીલ બહુ જ ભાવ વિભોર બની જાય. એમને ત્યાં પ્રસંગ હોય એટલે ઓછામાં ઓછા પચ્ચીસ-ત્રીસ જણાં તો ઘરના જ ભેગા થઈ જાય. ચાર ભાઈઓ, ચાર વહુઓ, બે બહેનો, બે જમાઈઓ, પુત્રો, પૌત્રો, ભાણિયાઓ, ભત્રીજાઓનું આખું લશ્કર ભેગું થાય ત્યારે આ કિલ્લોલ કરતો માળો જોઈ વડીલની આંખો હરખથી છલકાઈ જાય. ચાર-પાંચ બચ્ચાઓના જન્મને એકલી એકલી સેલીબ્રેટ કરતી પેલી કૂતરી સિવાય કૂતરાઓની આખી જમાતમાં એ બાળકો વિષે કોઈ જ હલચલ નહિ થતી હોય. બીજા વિસ્તાર કે બીજા શહેરની તો વાત જવા દો અમારી પાછલી શેરીમાં પણ ગલૂડિયાઓના જન્મ અંગે કૂતરા સમાજમાં કોઈ જ હરખ કે ખુશી જોવા નહિ મળતી હોય જયારે માનવ સમાજમાં રાજકોટના કોઈ નાનકડા ગામડાના છેલ્લા મકાનમાં બાળકનો જન્મ થાય તો અમદાવાદ બેઠેલા એના મામા અને અમેરિકા રહેતી એની માસી પણ હરખની મારી સૌના મોં મીઠા કરવા નીકળી પડે. એક સજીવનો જન્મ કે મૃત્યુ હજારો કિલોમીટર દૂર બેઠેલા બીજા સજીવની ભીતરે સ્પંદનો જગાડે એની પાછળ ઉભું રહેલું સંબંધોનું આવડું મોટી વૈશ્વિક જાળું, શું પહેલી વખત સંબંધો ડીફાઇન અને ડીઝાઈન કરનાર આદિમાનવ કે વિચારક કે હાઈલી ટેલેન્ટેડ એન્ડ વિઝનરી ઋષિઓની કલ્પનામાં આવ્યું હશે ખરું? જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસિ અને વસુધૈવ કુટુંબકમની ભાવનાને ભારતીય ડી.એન.એ.માં સકસેસફુલ્લી ઇન્સ્ટોલ કરનાર એ પ્રાચીન ઋષિ વૈજ્ઞાનિકોને સમજવામાં ક્યાંક હું અને તમે થાપ તો નથી ખાઈ ગયા ને?

એક વડીલે કહ્યું, "આજના સમયમાં તો હૂતો, હુતી અને બચ્ચું એટલે કમ્પ્લીટ ફેમિલી એવી ફેશન શરુ થઈ છે, અને કોઈ ફેમિલીમાં દાદા-દાદી સાથે રહેતા હોય તો સમાજ એ ઘરની વહુને અને દીકરાને આવડા મોટા એચીવમેન્ટ બદલ મનોમન સેલ્યુટ પણ કરે છે, પણ પ્રાચીન કાળમાં તો કાકા-બાપા-દાદા-ભાઈ-ભાંડેડા જ નહિ નોકર-ચાકર ઉપરાંત ગાય ભેંસને પણ ફેમિલી મેમ્બર જ ગણવામાં આવતા." હજમ ન થાય એવી વાત છે, પરંતુ છે સાચી. વસુધા પરથી પૃથ્વી, દેશ, રાજ્ય, સોસાયટી, શેરી અને છેલ્લે ઘર પુરતી સીમિત થઈ ગયેલી મારી-તમારી કુટુંબ ભાવના રીવર્સ ગિયરમાં તો નથી પડી ગઈ ને? ધીરે-ધીરે નૅરો થતી જતી આપણી ફેમિલી મેમ્બરની વ્યાખ્યા ક્યાંક આપણને ફરીથી પ્રાણીઓની જેમ એકલા અટુલા તો નહિ પાડી નાખે ને?

ખેર, ત્રેવીસ ઓગષ્ટ 2023 ના બુધવારે, ચાંદામામા સાથે આપણને જોડી ISRO માં બેઠેલા ઋષિઓએ આપણી ભીતરે આખરી શ્વાસ લઈ રહેલી વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને સહેજ ચિનગારી ચાંપી દીધી છે ત્યારે આજના રવિવારે આખા પરિવાર સાથે બેસી એ બ્રહ્માંડીય ઘટના વાગોળીએ તો કેવું? એ વિરાટ બ્રહ્માંડની સર્જક શક્તિ જેવો કાનુડો આપણી ભીતરે ચોવીસેય કલાક આપણી ગૂંચવણો ઉકેલવા, આપણને હેપ્પી રાખવા, સતત પ્રયત્ન કરી રહ્યો છે, શ્વાસ અને શક્તિ આપી રહ્યો છે એ બદલ એને થેંક્યું કહી, કંઈ આપણા જેવું કામ કે હુકમ હોય તો અર્ધી રાત્રે પણ જણાવવાનું કહીએ તો કેવું?
હેપ્પી શ્રાવણ માસ,
હેપ્પી રક્ષા બંધન
હેપ્પી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)