Are you psychic? - 4 books and stories free download online pdf in Gujarati

શું તમે સાઇકિક છો? - 4

ક્લૅયરવૉયન્સ -2 

 

ક્લૅયરવૉયન્સ વિષે પ્રાથમિક સમજણ મેળવી.  હવે પ્રશ્ન એ ઊઠી શકે  કે શું મારામાં થોડે-ઘણે અંશે પણ આવી શક્તિઓ હશે? 

નીચેના પ્રશ્નોના જવાબ પ્રામાણિક રીતે ખુદ પાસેથી મેળવવાના રહ્યા. શક્ય છે કે આવી શક્તિઓ હોઈ શકે. 

1) કોઈ કુટુંબી/મિત્રનાં લગ્ન, વિદેશગમન કે અન્ય કોઈ અગત્યની ઘટના વિશે જ્યોતિષનો સહારો લીધા વગર તમે કરેલી ચોક્કસ સમયની ધારણા કે આગાહી સાચી પડે છે?

2) તમારી નજીકની વ્યક્તિને કોઈ અકસ્માત થાય એ જ સમયે તમારા શરીરમાં કોઈ જુદા જ પ્રકારની સંવેદના ઊઠે છે? 

3) કોઈ સંવાદો તમારી સમક્ષ થતા હોય તેવું લાગે, ખરેખર ન થયા હોય અને ત્યાર બાદ અમુક સમય પછી એ જ પ્રકારના સંવાદોના તમે સાક્ષી બનો છો?

4) તમને ધ્યાનમાં કે સ્વપ્નમાં કોઈ મકાન દેખાય અને અમુક સમય પછી તે જ મકાન તમારું રહેણાંક બને છે?

5) વારંવાર એમ બને છે કે કોઈ સ્પર્ધા કે મેચનું પરિણામ એ પ્રમાણે જ આવે કે જે તમારા મનમાં પહેલેથી જ આવી ગયું હોય?

થોડી અત્યંત નજીકથી જોયેલી/અનુભવેલી ઘટનાઓ વિશે વાત કરીએ, જેથી ક્લૅયરવૉયન્સનો ખ્યાલ વધુ સ્પષ્ટ થશે.

1) 2002 જાન્યુઆરી મહિનામાં સવારે ધ્યાનકેન્દ્ર પર ગયો. ભાવનગરના પ્રખ્યાત યશવંતરાય થિયેટરમાં હિમાલયન સમર્પણ ધ્યાનકેન્દ્ર એ સમયે ચાલતું હતું.  જે ક્ષણે ધ્યાન માટે બેઠો તે જ ક્ષણે આંખો બંધ થઈ ગઈ, એક યુરોપિયન મહિલા ધ્યાન કરતી દેખાઈ. હજી કંઈ વિચાર આવે કે આ કોણ દેખાયું તે પહેલાં ચિત્ર ફર્યું, બીજી કોઈ આવી મહિલા દેખાઈ. પછી તો જાણે ફિલ્મ ચાલુ થઈ. એક પછી એક ચહેરા ફરતા ગયા, વારાફરતી દેશ-વિદેશના લોકોના સેંકડો ચહેરા દેખાયા, તમામ ચહેરા ધ્યાનસ્થ હતા. બહુ મોટા ધ્યાનખંડ દેખાયા. સમૂહમાં ધ્યાન કરતા લોકો દેખાયા. કોઈ-કોઈ સંત દેખાયા. મુંડન કરેલી સાધ્વી પણ દેખાઈ. તે દિવસે એક કલાકમાં આશરે 400 થી 500 આ પ્રકારના ચહેરા જોયા. કંઈ સમજાયું નહિ. ધ્યાનખંડ બંધ કરવાનો સમય થઈ ગયો હોવાથી કોઈ મને  હલબલાવીને ધ્યાનમાંથી બહાર લાવ્યું. થોડાં વર્ષો પછી વિવિધ દેશોના ધ્યાન સાથે સંકળાયેલ, અતીન્દ્રિય શક્તિઓ ધરાવનાર લોકો, સંતો વગેરે સાથે ઘનિષ્ઠ સંપર્ક ચાલુ થયા. વિદેશથી આવા લોકો મહેમાન બનીને ઘરે પણ આવવા લાગ્યા.  મુંડન કરેલ એક સાધ્વી મલયેશિયાથી વડોદરા આવ્યાં, અમારાં મહેમાન થયાં. અત્યારના દેશ-વિદેશના મારા સંપર્ક જોતાં ખ્યાલ આવે છે કે 2002માં જે ચહેરા દેખાયા તે ભવિષ્યની ફિલ્મના ટ્રેલર અથવા પ્રિવ્યુ હતા.   

2) 2003 જૂન મહિનામાં અમારી ટ્રાન્સફર ભાવનગરથી રાજકોટ થઈ.  ભાવનગર છોડતી વખતે એક બહેને અમને ભોજનનું આગ્રહભર્યું આમંત્રણ આપ્યું. બહેન અને તેમની પુત્રી ધ્યાન સાથે સંકળાયેલ હતાં, અમારી સાથે આત્મીયતા હતી. તેમના પતિને અમે જોયેલા નહિ, તે કદી ધ્યાનમાં આવતા પણ નહિ.  જયારે ભોજન માટે ગયાં ત્યારે એમના પતિને જોઈને મારાં પત્નીને બહુ નવાઈ લાગી કારણ કે એ ચહેરો તેમને અનેક વાર ધ્યાનમાં દેખાયેલો. તે સજ્જન ત્યાર બાદ તો ધ્યાનમાં અતિ નિયમિત અને સક્રિય થયા અને ધ્યાનકેન્દ્રના આચાર્ય તરીકે હોદ્દો પણ સંભાળ્યો. હાલમાં તેઓ ઓસ્ટ્રેલિયા છે.

૩)  ભાવનગરના નિવાસ દરમિયાન મારાં પત્નીને એક ચોક્કસ સ્થળ ઘણા મહિના સુધી ધ્યાનમાં દેખાયું. અમારી ટ્રાન્સફર થતાં 2003ના જુલાઈ મહિનામાં અમે ભાવનગરથી રાજકોટ સ્થળાંતર કર્યું.  રેડિયો સ્ટેશન પાસે આદિનાથ એપાર્ટમેન્ટમાં મકાન ભાડે રાખ્યું. થોડા સમય પછી મારાં પત્ની ફ્લેટની બાલ્કનીમાં ઊભાં હતાં, તેમનું ધ્યાન સામે દેખાતા મેદાન પર પડ્યું.  અત્યંત મોટા મેદાનના નાના ભાગમાં એક મકાન હતું. મારાં પત્ની ચમકી ગયાં, કારણ કે આ સ્થળ તો તેમને આશરે દોઢ વર્ષથી ધ્યાનમાં દેખાતું હતું. 

 

 

4) રાજકોટના એક સન્નારીને 2004 જાન્યુઆરીમાં નવસારીમાં ધ્યાન શિબિર દરમ્યાન એવું દૃશ્ય દેખાયું કે તે અત્યંત વિશાળ ધ્યાન શિબિરમાં રાજકોટ રેસકોર્ષ મેદાન ખાતે હજારો લોકો વચ્ચે બેઠક વ્યવસ્થા સંભાળી  રહ્યાં છે.  2005 ડિસેમ્બરમાં ખરેખર આ ઘટના બનીને રહી, આશરે 60,000 વ્યક્તિઓએ જેમાં ભાગ લીધેલો તેવી રેસકોર્ષ મેદાન ખાતે આયોજિત અંતર્રાષ્ટ્રીય હિમાલયન સમર્પણ ધ્યાન મહાશિબિરમાં આ સન્નારી બેઠક વ્યવસ્થા ટીમનાં એક સદસ્ય હતાં.

5) 2004ના વર્ષમાં એપ્રિલ-મે મહિનાથી જ  ધ્યાનમાં મને બહુ જ ઊંડી ખીણ, લીલોતરી, પર્વતો, નદીઓ વગેરે સાથેનાં દૃશ્યો દેખાવાં લાગ્યાં. ખ્યાલ આવતો ન હતો કે આવું કયું સ્થળ હશે. એક-બે મહિના સુધી આ પ્રકારનાં દૃશ્યો દેખાતાં જ રહયાં. અચાનક જ જૂન મહિનામાં ચાર ધામ યાત્રાનો યોગ બન્યો.  જયારે યમુનોત્રી પહોંચ્યાં, પગપાળા જ ચઢાણ ચડ્યાં, રસ્તામાં એ જ દૃશ્યો દેખાયાં  ત્યારે ખ્યાલ આવ્યો કે અહીં આવવાનો  યોગ થવાનો હશે, જેને કારણે આ બધાં દૃશ્યો પહેલેથી જ  દેખાતાં હતાં.

6)  એક મિત્ર યુગલ સાથે અમે 2016માં યુરોપના  પ્રવાસે  ગયાં.  નેધરલેન્ડ પહોંચ્યાં. ત્યાંના  પ્રસિદ્ધ  મેડ્યુરોડેમ મિનિએચર પાર્કની મુલાકાત લીધી,  મારાં પત્નીને તરત ખ્યાલ આવ્યો કે આ તો એ જ સ્થળ હતું જે તેમણે ધ્યાનમાં વખતોવખત જોયેલું જ હતું.

7) 2020ના વર્ષથી અમે વડોદરા સ્થાયી થયાં છીએ.  મારા જે મિત્ર અમારી સાથે યુરોપ મુસાફરીમાં હતાં તેમના વિશાળ બંગલૉ પર એક દિવસ અમે બધાં ધ્યાન કરી રહયાં હતાં. ધ્યાન સમાપ્ત થયું ત્યારે મેં કહ્યું કે ખબર નહિ કેમ, મને આજે ધ્યાનમાં એક કૂવો તથા વાવ (step well) દેખાયાં. એ મિત્રએ મને જાણ કરી કે કૂવો તો આ બંગલૉમાં જ છે,  પાછળ બધું શાકભાજી ઉગાડયું છે ત્યાં છે, એટલે તમને ખ્યાલ નહિ હોય.  વાવ અહીં સેવાસી ગામમાં એકદમ પાસે, લગભગ 200 થી 300 મીટર જ દૂર છે.

આ પ્રકારના અનુભવ અનેક લોકોને થયા હશે, પરંતુ કદાચ એ ખ્યાલ નહિ હોય કે આ વિકસિત અતીન્દ્રિય શક્તિઓનો એક પ્રકાર છે.

ઉપરોક્ત તમામ પ્રસંગો આકસ્મિક ક્લૅયરવૉયન્સના છે, કોઈ-કોઈ સમયે આવી શક્તિઓ જાગૃત  થઈ જાય તેના છે. આ સિવાય એમ પણ બની શકે કે કોઈની આ શક્તિ એટલી વિકસિત હોય કે તે ધારે ત્યારે આ શક્તિનો ઉપયોગ કરી શકે.

એક પ્રશ્ન ઊઠે કે આવા દૃશ્યો દેખાય તેથી ફાયદો શું?  એક અતિ મહત્ત્વનો ફાયદો તો એ છે કે મનમાં વિશ્વાસ બેસી જાય કે જીવનનો હિસ્સો બનનાર  દરેક સ્થળ અને વ્યક્તિ પૂર્વનિર્મિત છે તથા મનુષ્યની બુદ્ધિ, ધારણા અને પહોંચ બહારની કોઈ શક્તિઓ છે. આ વિશ્વાસ આત્મિક શાંતિ તરફ વ્યક્તિને અગ્રેસર કરે, અનાવશ્યક તણાવમાંથી છુટકારો અપાવે. વધુમાં, આવા બધા અનુભવો તે વાતની સત્યતા દર્શાવે છે કે કઈ ભૂમિ સાથે કેટલી લેણાદેવી છે તે મુજબ ત્યાં રહેવાનું થાય છે, મુલાકાત લેવાનું થાય છે, વ્યક્તિઓ સાથેના ઋણાનુબંધમાં પણ આ વાત લાગુ પડે છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો દરેક વ્યક્તિના જીન્સમાં આ જન્મ તથા પૂર્વજન્મની મેમરી કોડિંગ થયેલી પડી હોય છે, જેને આધ્યાત્મિક રીતે ઋણાનુબંધ કહીએ છીએ.

આપણામાં સુષુપ્ત રહેલી આ શક્તિને કઈ રીતે જાગૃત કરી શકાય, ક્લૅયરવૉયન્સ વિશેની ભ્રમણાઓ, આ શક્તિના પેટા પ્રકાર વગેરે આગામી હપ્તે જાણીશું.  

 

(ક્રમશ:)

✍🏾 જિતેન્દ્ર પટવારી ✍🏾

FB: https://www.facebook.com/jitpatwari
YouTube Channel: https://www.youtube.com/channel/UC06ie2Mc4sy0sB1vRA_KEew
Telegarm Channel: https://t.me/selftunein
FB Page: https://www.facebook.com/Self-Tune-In-274610603329454/
jitpatwari@rediffmail.com
WhatsApp: 7984581614
__________