Runanubandh - 46 books and stories free download online pdf in Gujarati

ઋણાનુબંધ.. - 46

અજય બસમાં બેઠો અને એણે પોતાના પપ્પાને ફોન કર્યો,
"હેલ્લો બેટા, તું ક્યાં પહોંચ્યો?"

"પપ્પા, હું મંદિરે હતો. હવે બસમાં જાવ છું, મન વ્યાકુળ હતું આથી કાર લઈને નથી જતો. આ જાણ કરવા જ તમને ફોન કર્યો હતો."

"દીકરા! તું ચિંતા ન કરીશ. બધું જ સારું થશે. પહોંચીને ફોન કરજે."

"હા, પપ્પા." ટૂંકમાં જ જવાબ આપી અજયે ફોન મુક્યો હતો.

બસ ચાલુ થઈ અને અજય ઊંઘવાની કોશિષ કરી રહ્યો હતો. અજયનું મન ખુબ વિચારોમાં અટવાયેલ હતું આથી એને ઊંઘી જવું જ ઠીક લાગી રહ્યું હતું. થોડીવારમાં માનસિક થાકના લીધે એને ઊંઘ આવી જ ગઈ હતી.

**************************

સ્તુતિ કિચનમાં રસોઈ બનાવી રહેલ પ્રીતિને પાછળથી વળગતા બોલી, "મમ્મી... મારા એન્યુઅલ ડે ના ફંકશન ની સીડી આવી ગઈ છે. તું કામ મૂક અને પહેલા જો મેં કેટલું મસ્ત એન્કરિંગ કર્યું છે."

"હા, ખમ આ શાકમાં મસાલા તો કરી લેવા દે.."

"ના તું પેહેલા જો, તે દિવસે આખી કોલેજે એ પ્રોગ્રામ એટેન્ડ કર્યો હતો, તું જ નહોતી." સેજ દુઃખ સાથે સ્તુતિ બોલી.

"હા, બેટા ..તારી વાત સાચી છે. પણ તે દિવસે મારી તબિયત સારી ન હતી ને! આટલા વર્ષોમાં આ પહેલો પ્રોગ્રામ હશે જેમાં હું હાજર ન રહી શકી." દુઃખ સાથે પ્રીતિ બોલી.

"તો શાક પડતું મૂક, એને હું કરું છું. ને લે આ સીડી.." હાથ ખેંચીને કિચનની બહાર ખેંચી જતા સ્તુતિ બોલી.

"અરે.. રે... એકદમ તારી માસી જેવી જ છે." ખોટો ગુસ્સો દેખાડતા પ્રીતિ બોલી.

સ્તુતિએ લેપટોપમાં સીડી લગાડી દીધીને એ કિચનમાં જતી રહી હતી.

પ્રીતિ સીડી એકદમ રસપૂર્વક જોઈ રહી હતી. સ્તુતિનું એન્કરિંગ જોઈને એને પોતાની પરવરીશ ઉપર ગર્વ થઈ રહ્યો હતો. પ્રીતિ વિચારવા લાગી કે, કદાચ હું મારા મમ્મીપપ્પાના સાથ વગર આટલું સહજ જીવન સ્તુતિને ક્યારેય ન જ આપી શકત!

પ્રીતિ એક પછી એક પ્રોગ્રામ જોઈ રહી હતી. એમાં એક નાટક ભજવાઈ રહ્યું હતું. એ નાટકમાં સ્ટેજ પાછળથી સ્તુતિનો અવાજ એ નાટકને જીવંત બનાવી રહ્યું હતું. ખુબ જ સરસ નાટકના સંવાદો હતા. પ્રીતિને શું થયું કે આ નાટક જોતા જ એને અજયના વિચારો આવવા લાગ્યા. એ પોતાનું મન પ્રોગ્રામમાં પરોવવા ઈચ્છતી હતી, છતાં એને અજય સાથે થયેલ ભૂતકાળના સંવાદો જ યાદ આવી રહ્યા હતા. પ્રીતિ વિચારને હડસેલી પ્રોગ્રામને માણવાની કોશિષ કરવા લાગી હતી.

સ્તુતિ રસોઈનું કામ પતાવીને મમ્મી પાસે આવી હતી. એણે જોયું કે, મમ્મીનો ચહેરો ખુશ હોવાને બદલે ઉદાસ હતો. એ બોલી, "કેમ મમ્મી તને મારું પર્ફોમન્સ ન ગમ્યું?"

"અરે ખુબ મસ્ત કર્યું છે. આઇ એમ પ્રાઉડ ઓફ યુ બેટા."

"તો તારો ચહેરો કેમ ઉદાસ થઈ ગયો હોય એવું લાગે છે?"

પ્રીતિ એમ જ નિશબ્દ બેઠી રહી.

"મમ્મી બોલ ને?"

"આ પ્રોગ્રામ જોતા મને તારા પપ્પા યાદ આવી ગયા. અજયે વર્ષો પહેલા જે કર્યું, એના વર્તનના લીધે સમય જતા હું એને ભૂલી ગઈ છું. અને એ ક્યાં એવું મારા જીવનનું પાત્ર રહ્યું કે હું એને યાદ કરું? એની યાદ તકલીફ જ આપતી આવી છે. ન ઈચ્છવા છતાં આજ એના સંવાદો યાદ આવી ગયા. થોડી જ મિનિટોમાં હું ભૂતકાળમાં વેઠેલ વેદનાને ફરી નહોર ભરાવી આવી છું. બસ, આથી એજ વેદના તને મારા ચહેરે વર્તાઈ ગઈ!"

"તો તું ચાલ મૂક આ પ્રોગ્રામને અને ડાયનિંગટેબલ પર આવી જા! હું નાના અને નાની ને પણ જમવા બોલવું છું." એવું કહેતી સ્તુતિ નાના નાં રૂમ તરફ જઈ રહી હતી.

પ્રીતિ ઉભી થઈ અને બાથરૂમમાં જઈને પોતાનો ચહેરો ધોઈને જમવા માટે ગઈ હતી. આજ જમતી વખતે એણે જોયું કે સ્તુતિ એના પર ઘડી ઘડી નજર કરીને પ્રીતિને નોટિસ કરી રહી હતી.

પ્રીતિને સ્તુતિ ક્યારેય ઉદાસ જોઈ શકતી નહોતી. ખુબ જ માન અને વિશ્વાસ એને પ્રીતિ માટે હતો. પ્રેમ એટલો હતો કે એણે મમ્મીને ક્યારેય દુઃખ ન થાય એ માટે એની સામે આટલા વર્ષોમાં ક્યારેય પપ્પાની કોઈ જ વાત ઉચ્ચારી નહોતી. પ્રીતિને સ્તુતિનું આવું સુંવાળું અને પ્રેમાળ વર્તન ખુબ જ ગમતું હતું.

પ્રીતિએ જમી લીધા બાદ સ્નેહાને ફોન કર્યો હતો. એને જયારે પણ આવું મન ઉંચક થતું એ એની સાથે વાત કરતી હતી. સ્નેહા પણ પ્રીતિને હંમેશા પોઝિટિવિટી આપતી અને એ ગુચવાયેલ મનને સ્થિર કરી નોર્મલ થઈ જતી હતી. સ્નેહા પ્રીતિ કરતા ૮ વર્ષ મોટી હતી. વળી, એ પણ પ્રીતિ જેવી પછડાટ ખાઈને જીવનને સ્થિર કરી બેઠી હતી. આથી એ પ્રીતિના મનને બખૂબી વાંચી શકતી હતી.

"હેલ્લો પ્રીતિ."

"હેલ્લો.. શું કરે છે?"

"તારી જ તે છેલ્લે જે વાર્તા પ્રકાશિત કરી એ વાંચું છું. તું કે, કેમ છે તારી તબિયત?"

"બસ, સારી છે. એમ જ કંટાળો આવતો હતો તો તને ફોન કર્યો."

"હંમમ... ચાલ તૈયાર થઈ જા પાંચ મિનિટમાં આવું છું. આપણી ફેવરિટ જગ્યાએ જઈએ."

"તું અહીં આવી છે?"

"હા, સવારે જ આવી. તું ફોન મૂક ને રેડી થા. હું પાંચ મિનિટમાં આવી."

"ઓકે ચાલ.. મળીએ."

સ્નેહા પાંચ મીનીટમાં આવી જ ગઈ, બંને થોડી વાર તળાવની પાળે બેસવા જતા રહ્યા અને મનભરીને કુદરતી નજારો માણી રહ્યા હતા. થોડીવાર પછી સ્નેહા બોલી, "હવે એ કહે આજ કેમ આટલી ઉદાસ છે?"

"આજ સ્તુતિના પ્રોગ્રામને જોતા અચાનક ભૂતકાળ યાદ આવી ગયું. મન ભરાય ગયું કે, મારી સાથે કેમ આમ થયું? આટલા વર્ષો વીત્યા છતાં શું તકલીફ હતી એ હજુ સમજાણી જ નથી."

"જીવનમાં અમુક રાઝ એવા હોય છે જે આ જીવન વણઉકલ્યા જ રહે છે. તારા જીવનમાં આ પણ એક એવી જ બાબત છે. ક્યારેક અમુક કુદરતની મરજી ફક્ત સ્વીકારવાની હોય છે. અને તું તો મારાથી પણ વધુ હિમ્મત વાળી છે. જીવનના અમુક વર્ષો એની સાથે વિતાવ્યા છે તો ક્યારેક યાદ આવે એ સ્વાભાવિક છે. તું જેટલી એ વાતથી ભાગીશ એટલું જ એ તને હેરાન કરશે. નોર્મલી જ લે, અને ચીલ કર.. ચાલ આઈસ્ક્રીમ ખાઈએ."

સ્નેહા અને પ્રીતિ બંનેએ આઈસ્ક્રીમ ખાધી હતી. પ્રીતિ નોર્મલ થઈ ગઈ હતી. બંને ફરી ઘરે આવી ગયા હતા. સ્નેહા પ્રીતિને બહારથી જ ઉતારીને પોતાના ઘરે જતી રહી હતી. સ્તુતીએ જોયું કે, મમ્મી હવે નોર્મલ થઈ ગઈ હતી. એ મનમાં જ ખુશ થઈ ગઈ, કે સારું થયું સ્નેહામાસી અહીં હતા.

પ્રીતિને અચાનક અજયની યાદથી વ્યાકુળ થઈ જવું અને ન ઈચ્છવા છતાં અજયની યાદ આવવી એ થાય એ સ્વાભાવિક જ હતું, કારણકે અજયના કદમો પ્રીતિના ગામ તરફ આગળ વધી રહ્યા હતા. એજ અહેસાસ એને ભૂતકાળમાં સેરવી રહ્યો હતો.. કદાચ આને જ 'ઋણાનુબંધ' કહેવાતું હશે ને!

**************************

અજય રાત્રીના આઠ વાગ્યાની આસપાસ સ્તુતિના ગામ પહોંચી ગયો હતો. અજયે પહોંચીને તરત જ પોતાના પપ્પાને ફોન કરીને કહ્યું,
"હા દીકરા. પહોંચી ગયો ને?"

"હા પપ્પા, હમણાં જ પહોંચ્યો. અત્યારે હું હોટલમાં જાવ છું. સવારે સ્તુતિને મળવા એની કોલેજે જ જઈશ."

"ઓકે બેટા! જમી લેજે કંઈક. ધ્યાન રાખજે."

"હા પપ્પા."

અજયે ફોન મુક્યો અને રીક્ષા કરીને હોટલ પહોચ્યો હતો. હોટલમાં એક રૂમ બુક કરાવ્યો અને રૂમમાં ગયો હતો. ફ્રેશ થયો અને રૂમમાં જ વેજ ગ્રીલ સેન્ડ્વીચ અને એક ચા ઓર્ડર કર્યા હતા.

શું હશે પ્રીતિના અજયના અચાનક થયેલ આગમનથી પ્રતિભાવ?
સ્તુતિ પોતાના પપ્પાને શું માફ કરી શકશે? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻