College campus - 87 books and stories free download online pdf in Gujarati

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 87

પરી સમીરને કહી રહી હતી કે, "મારા શિવાંગ ડેડના ક્રીશા મોમ સાથે લગ્ન થયા અને તે પોતાના બેસ્ટ ફ્રેન્ડ રોહન અને આરતીના લગ્ન માટે અમદાવાદ આવ્યા ત્યારે તેમના બીજા એક ફ્રેન્ડ રાજુ અંકલે મારી માધુરી મોમના આ સમાચાર તેમને આપ્યા ત્યારે મારા શિવાંગ ડેડ ખૂબજ ડિસ્ટર્બ થઈ ગયા હતા અને પછી તે હિંમત કરીને મારી માધુરી મોમને મળવા માટે મારા નાનાજીના ઘરે ગયા ત્યારે મારી મોમની માનસિક પરિસ્થિતિ જરાપણ સારી નહોતી અને મારા નાનાજી પોતાની એક ની એક દીકરી સાથે આમ બન્યું તેથી ખૂબ ભાંગી પડ્યા હતા અને મારા શિવાંગ ડેડની સામે તે ચોધાર આંસુએ રડી પડ્યા હતા. તે દિવસ પછી સતત મારા શિવાંગ ડેડ અને મારી ક્રીશા મોમ મારા નાનાજી અને નાનીની પડખે રહ્યા. મારી મોમે મને જન્મ આપ્યો પછી તે કોમામાં ચાલી ગઈ અને ત્યારે મારા નાનાજી મને કોણ સાચવશે અને મારી પરવરિશ કોણ કરશે તેની ચિંતાને કારણે રડી પડ્યા હતા..
"ઑહ તો પછી શું થયું?"
અને ત્યારે મારી ક્રીશા મોમે મારા નાનાજીને એમ કહ્યું હતું કે, "આજથી હું તમારી માધુરી છું અને આ મારી દીકરી છે હું તેને સાચવીશ અને તેની પરવરિશ કરીને તેને મોટી કરીશ, તમારે તેની ચિંતા કરવાની જરાપણ જરૂર નથી. અને ત્યારે મારા નાનાજી મારી મોમ ક્રીશાને પગે લાગવા માંડ્યા અને તેને કહેવા લાગ્યા કે, "તું તો અમારે માટે ભગવાન બનીને આવી છે દીકરા, માં વગરની દીકરીની માં બનવું અને તેને પોતાનું નામ આપવું તેની પરવરીશ કરવી અઘરું છે બેટા..! સાચે જ આજથી તું અમારી માધુરી છે બેટા..! અને એ દિવસે મારા નાનાજી ચોંધાર આંસુએ રડી પડ્યા હતા અને મનોમન ઈશ્વરનો આભાર માની રહ્યા હતા અને પછીથી મારા શિવાંગ ડેડ અને મારી ક્રીશા મોમ પોતાની સાથે મને અહીંયા બેંગ્લોર લઈ આવ્યા. આમ તેઓ મારા રિયલ મોમ અને ડેડ નથી પરંતુ તેના કરતાં પણ વધારે છે, હું તેમને માટે જેટલું કરું તેટલું ઓછું છે બલ્કે તેમણે જે મારે માટે કર્યું છે તેનો બદલો હું ચૂકવી શકું તેમ જ નથી. હું ભવોભવ સુધી તેમની આભારી રહીશ. મારો તેમની સાથેનો નાતો જ કંઈક અલગ છે જેનું ઋણ હું ક્યારેય અદા કરી શકું તેમ નથી. મને મારા મોમ ડેડ અને મારી કવિશા, મારી છુટકી ખૂબજ વ્હાલા છે."
"તો પછી તારી માધુરી મોમ અત્યારે.‌.?"
"હા, એ હજુ પણ એની એ જ પરિસ્થિતિમાં છે પણ હું તેને તેમાંથી બહાર લાવીશ. મારું આ લાસ્ટ સેમ અને ઈન્ટર્નશીપ પૂરી થઈ જાય પછી હું આગળની સ્ટડી મારી મોમ માટે જ કરવાની છું."
"અચ્છા, તો તારો ગોલ એ છે એમ જ ને?"
"હા, મારી મોમને મારે કોમામાંથી બહાર લાવવી છે મારે તેની સાથે વાત કરવી છે મારે તેને બતાવવું છે કે, તું કોમામાં ચાલી ગઈ પછી તારી અને મારી બંનેની પરવરીશ કોણે કરી અને કેવી રીતે કરી..? બસ મારી મોમને મારે વળગી પડવું છે...એ ફીલીન્ગ્સ કેવી હશે..મારે તે અનુભવવું છે..!! મારે તેનો અવાજ સાંભળવો છે.. તેની સાથે વાતો કરવી છે.."
અને પરીનો અવાજ થોડો ભારે થઈ ગયો આગળ વધુ તે કંઈજ બોલી શકી નહીં તેની આંખમાંથી ટપક ટપક આંસુ સરી પડ્યા. સમીરે પોતાના બંને હાથ તેના હાથ ઉપર મૂક્યા પછી પાણીનો ગ્લાસ પોતાના હાથમાં લઈ તેને થોડું પાણી પીવા ઈશારો કર્યો અને પરીની આ કહાની સાંભળીને તે દંગ રહી ગયો. કળિયુગમાં પણ આવું કંઈ બની શકે છે? તે પ્રશ્ન હજુ તેને સતાવતો હતો..??
પરી જરા ફ્રેશ થઈ એટલે સમીરે તેની સામે જોયું અને તે બોલ્યો કે, "એક પ્રશ્ન પૂછું?"
પરીએ ફક્ત માથું ધુણાવીને હા પાડી.
"તો પછી તારી લાઈફ વિશે તે શું વિચાર્યું છે?"
"બસ, પહેલા મારી માધુરી મોમને બિલકુલ સારું થઈ જાય તે જ મારા જીવનનો ગોલ છે તેનાથી આગળ બીજું કંઈ મેં વિચાર્યું જ નથી...
"મતલબ કે, હું તને પ્રપોઝ કરું તો..?"
સમીરના આ પ્રશ્નની પરીને કલ્પના નહોતી તે બિલકુલ ફ્રેશ થઈ ગઈ અને બોલી કે,
"મિસ્ટર સમીર હમણાં તમારી પ્રપોઝલ તમે તમારી પાસે જ રાખો.. અત્યારે મારું ફોકસ મારી સ્ટડી ઉપર છે અને પછી મારી મોમ ઉપર..બીજી બધીજ વાત પછીથી.."
"ઑહ, તો પછી મારું શું?"
પરી ચૂપ હતી.
"મને એમ કે... તું પણ મને...
"મિસ્ટર કોઈ છોકરી તમારી સાથે એક કપ કોફી શેર કરે..તેનો મતલબ એવો નથી થતો કે, તે તમને પ્રેમ કરે છે..!!"
"ના ના, હું ક્યાં એવું કહું છું. પણ મને ગુનેગારોની ફાઈલો વાંચવાની સાથે સાથે મારી નિકટના સભ્યોની આંખો વાંચતા પણ આવડે છે.. મિસ પરી..!!"
પરી કંઈ ન બોલી શકી અથવા તો બોલવા નહોતી માંગતી...
"એકવાર તો કહી દે કે તું પણ મને....
બંને એકમેકની આંખોમાં પોતાના માટેનો પ્રેમ વાંચી રહ્યા હતા...
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
2/9/23