Dayri - 2 books and stories free download online pdf in Gujarati

ડાયરી - સીઝન ૨ - બી લેટેડ હેપ્પી બર્થ ડે કાન્હા

શીર્ષક : બી લેટેડ હેપ્પી બર્થ ડે, કાન્હા
©લેખક : કમલેશ જોષી

મિત્રો, જો કૃષ્ણ તમારા ઘરથી ચાર ઘર છેટેના કે ચાર શેરી છેટેના બંગલામાં નંદ અને યશોદા સાથે, પત્ની રુક્મિણીજી અને મોટાભાઈ બલરામજી સાથે રહેતો હોત અને તમારા એની સાથેના સંબંધો ખૂબ જામ્યા હોત તો તમે એનો બર્થ-ડે કેવી રીતે સેલીબ્રેટ કરત? શું આ વખતની જન્માષ્ટમી તમે એવી રીતે સેલીબ્રેટ કરી ખરી?

હું તમને બીજી રીતે પૂછું. જે બોસ તમારા પગારમાં પચ્ચીસ-ત્રીસ ટકા વધારો કરવાનો હોય તેનો અથવા જેમની સાથે હજુ હમણાં જ તમારી સગાઈ થઈ છે તેનો અથવા જે વ્યક્તિ તમારી પાંચ-પચ્ચીસ કે પચાસ લાખની લોન મંજૂર કરનાર છે એનો જન્મદિવસ તમે કેવી રીતે, કેટલા ઉમળકાથી સેલીબ્રેટ કરો? શું આ જન્માષ્ટમી તમે એટલા ઉમળકાથી સેલીબ્રેટ કરી ખરી?

બાળપણમાં મમ્મી તમને મસ્ત તૈયાર કરી, જોકર ટોપી‌ પહેરાવી હેપ્પી બર્થ ડે ઉજવતી ત્યારે આપણને ચોકલેટ, ગીક્ટ્સ, અને કેકનો જબરો જલસો પડી જતો એ તમે ભૂલ્યા નહીં હો. એ પછી કોલેજ કાળમાં હોટેલમાં નાસ્તા પાર્ટી કરી પોતે કંઈક સ્પેશિયલ હોવાનો ફાંકો રાખવાની મજા પણ તમે માણી જ હશે. નોકરીએ લાગ્યા પછી એ દિવસે સૌ સ્ટાફ મિત્રો પાસેથી વિશેષ સન્માનની સાથે સાથે ઓફિસ પરંપરા પણ તમે જાળવી હશે. કોઈના જન્મ દિવસે એને મનગમતી ગીફ્ટ આપી રાજી કરવાની મજા પણ તમે સૌએ ચોક્કસ માણી જ હશે. તમને શું લાગે છે, કાનુડો જ્યારે સાક્ષાત્ સદેહે આપણી વચ્ચે હતો ત્યારે આપણે એને બર્થ-ડે વિશ કરી હશે? એની બર્થ-ડે મોર્નિંગ કઈ રીતે શરુ થતી‌ હશે?

એક ગુજરાતી ફિલ્મનું દૃશ્ય હતું. એમાં જેનો જન્મદિવસ હોય તેના ઘરે સવારના પહોરમાં મિત્રમંડળી ત્રાટકતી અને એના બેડરૂમમાં ઘૂસી એ ઉંઘતો હોય એ જ હાલતમાં એને ચાદર ઓઢાડી ઢીબી નાખતી અને બર્થ-ડે સેલીબ્રેશન શરુ થતું. આજકાલ બર્થ-ડે કેકથી બર્થ-ડે બોયનો ચહેરો લીંપીને ઉજવણી કરવાની ફેશન છે. અમુક લોકો તો જેનો બર્થ-ડે હોય એ મિત્રને બે-પાંચ હજારના શીશામાં ઉતારી બૂચ મારે નહિ ત્યાં સુધી એમને ચેન પડતું નથી. ઘણીવાર મિત્રતાની આડમાં દુશ્મની નીભાવાતી હોય એવું લાગ્યા વિના રહેતું નથી. મિત્ર એ કે જે તમારા શબ્દો કે વાક્યોનો સાચો અને સારામાં સારો અર્થ શોધી કાઢે અને દુશ્મન એ કે જે તમારા શબ્દો કે વાક્યોનો ખોટો અને ખરાબમાં ખરાબ અર્થ શોધી કાઢે.

જન્માષ્ટમીના દિવસે જુગાર રમી કૃષ્ણ જન્મને સેલીબ્રેટ કરનારાઓ કૃષ્ણના મિત્ર ગણાય કે દુશ્મન એ તમે જ વિચારો. જ્યારે લફડાબાજ બદમાશો કૃષ્ણના શુદ્ધ, પવિત્ર, નિર્દોષ પ્રેમને દલીલ તરીકે વાપરતાં હશે ત્યારે શુદ્ધ ચરિત્રના કાનુડાના હાર્ટ પર કેવો એટેક થતો હશે એ તમે જ કલ્પી જુઓ. જ્યારે સત્ય, ઇમાનદારી, પ્રમાણિકતાનો, માણસાઈનો પક્ષ છોડી ભાગનારાઓ 'રણછોડરાય કી જય' ની આડમાં છૂપાતા હશે ત્યારે મહાભારતના યુધ્ધમાં સત્ય અને ધર્મના પક્ષે અડીખમ ઉભેલા કૃષ્ણની આંતરડી કેવી કકડતી હશે એ તમે જ કહો. કૃષ્ણના જીવનના મેક્સિમમ અનર્થો કરનાર આપણે કૃષ્ણના મિત્ર છીએ કે દુશ્મન એ બાબતે વિચારું છું તો માથું શરમથી ઝૂકી જાય છે. ધૃતરાષ્ટ્ર જેવા સેલ્ફીશ, શકુનિ જેવા ચાલબાજ અને દુર્યોધન જેવા ઘમંડી આપણે મુરલીમનોહર કાનુડાની બર્થ-ડે પાર્ટીમાં હાજરી આપવા જેટલી પાત્રતા પણ ધરાવીએ છીએ ખરાં? આ બધા પ્રશ્નોના જવાબ શ્રીમદ્ ભગવદ્ ગીતા પર હાથ રાખી તમે જ તમારી ભીતરે 'સર્વસ્ય ચાહં હૃદિસન્નિવિષ્ટો' ની ગેરંટી આપીને બેઠેલા ખુદ કાનુડાને જ આપો એવી મારી નમ્ર વિનંતી છે.

મીનવાઈલ, એક મિત્રે કહ્યું, અમે અમારા મિત્રનો બર્થ-ડે હોય એ દિવસે, આખો દિવસ એનું બધું જ સાંભળતા અને એનું કહ્યું કરતા. મિત્રો આજનો રવિવાર, યુ ટ્યુબ પર કૃષ્ણની ગાયેલી ગીતાના શ્લોક અને તેનો અર્થ, કોઈ ગમતું ફિલ્મી ગીત સાંભળતી વખતે ખોવાઈ જઈએ છીએ એવા ધ્યાનસ્થ થઈને સાંભળીએ તો કેવું? કદાચ તમારાથી ચાર ઘર કે ચાર શેરી છેટેના મંદિરમાં, આઠમના સેલીબ્રેશનનો થાક ઉતારતો બેઠેલો કાનુડો, એ શ્લોકો સાંભળી તમારી સામે પ્રગટ થાય તો એને 'બી લેટેડ હેપ્પી બર્થડે, કાન્હા..' કહેવાનું ચૂકશો નહીં. અને સાથે સાથે એ પણ કહેજો કે

મેરા આપકી કૃપાસે, સબ કામ હો રહા હૈ
કરતે હો તુમ કન્હૈયા, મેરા નામ હો રહા હૈ..

હેપ્પી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હો...!)