Gurjareshwar Kumarpal - 15 books and stories free download online pdf in Gujarati

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 15

૧૫

મધરાતની મંત્રણા

પાટણમાં હવે વિદ્યુતવેગે બનાવો બનવા માંડ્યા. રાત્રીઓએ જાગરણ શરુ કર્યા. દિવસોએ ઉતાવળી ગતિ પકડી. પળમાં ઘડીનું મહત્વ આવ્યું. ઘડીને યુગપરિવર્તનનું માન મળ્યું. એકએક શબ્દને સેંકડો અર્થ પરણી બેઠા. એની છેડાછેડીની માથાકૂટમાં સામાન્ય માણસ સમજણ વિનાનો બન્યો. સમજણવાળો મૂંઝાઈ ગયો. મૂંઝવણવાળો તો માથે ઓઢીને સૂઈ ગયો. માત્ર એક જ વસ્તુ સૌને અનિવાર્ય જણાતી હતી: રાજપરિવર્તન આવી રહ્યું હતું એ ચોક્કસ!

કેશવ સેનાપતિએ મહારાજના અંતિમ શબ્દ પણ જીવનન્યોછાવરીનો જગન માંડ્યો હતો, એટલે એણે હવે નિંદ્રા ન હતી, નિરાંત ન હતી, શાંતિ ન હતી. કૃષ્ણદેવ ઉપર કેટલો આધાર રાખી શકાય એની એને પહેલાં શંકા હતી. હવે એ વિશે એને ખાતરી થઇ ગઈ હતી કે કૃષ્ણદેવ તો મહારાજનો શબ્દ વટાવી ખાવા માગતો હતો એટલું જ; પણ એને જેમ ઠીક પડે તેમ ભલે કરે. પોતાના ધ્યેયમાં એ અવિચળ હતો અને અવિચળ રહેવા માગતો હતો. 

એક મધરાતે એણે કાર્યરેખા દોરવા માટે પોતાના જેવા સૌને ભેગા કર્યા. જ્યાં મહારાજ સિદ્ધરાજને અગ્નિદાહ દીધો હતો ત્યાં – એ જગ્યાના સાંનિધ્યમા તેઓ ભેગા થવાના હતા. કેશવ ત્યાં રાતે આવ્યો. હજી કોઈ આવ્યું ન હતું; એ એકલો ત્યાં બેઠો. નદીના પટમાં કોઈની અવરજવર દેખાતી ન હતી. એ એકલો બેઠોબેઠો આકાશના અનેક તારાઓને નિહાળી રહ્યો. એમાના કેટલાકે કુમારપાલના જીવનક્ષેત્રમા કાવતરું કર્યું હોય એમ કેશવને લાગ્યું હતું. ત્યારથી કેશવને પણ એમણે રસ લગાડ્યો હતો. 

થોડી વાર એ એમ બેઠો, ત્યાં છેટેથી બર્બરક આવતો જણાયો. કેશવને આ ભૂત જેવાની અનુપમ સેવાભક્તિએ ડોલાવી દીધો હતો. મહારાજના મૃત્યુ સમયે રોનારા ઘણા હતા; ન રોનારો એ એક જ હતો. પણ એ જાણે હવામાં હજી મહારાજનું સાંનિધ્ય જોતો હોય તેમ – સ્થિર, શાંત, યંત્રવત, પણ વેદનામાં મૂર્તિ સમો – દેખાતો હતો! એ બોલતો બહુ જ  ઓછું – ભાગ્યે જ બે કે ચાર શબ્દો, પણ એનો નિર્ણય કેવળ એના મૃત્યુથી જ ફરી શકે એવો દ્રઢ બની રહેતો. ધીમે-ધીમે એ ત્યાં આવ્યો. આવીને બેઠો નહિ, એક તરફ ઊભો જ રહ્યો. કેશવ એ સમજી ગયો કે એને બોલાવવો એ નકામું હતું. નિર્ણય જે લેવાશે એને એ મૃત્યુસટોસટ પાળશે.

બે પળ વીતી હશે, ત્યાં મલ્હારભટ્ટ આવતો દેખાયો. કેશવને ખબર હતી કે એના સઘળા પાસા ઊંધાં પડ્યા હતા, એટલે હવે એ ઉતાવળો થઇ ગયો હતો. કુમારપાલને એ ભંડારી દેવા માગતો હતો. હજી તો એ એમાં સફળ થયો ન હતો. કેશવે એને આવતો જોયો. અંધારામાં એ આડોઅવળો ન થઇ જાય તે માટે એક જરા-જેટલો અવાજ કર્યો. મલ્હારભટ્ટ સીધો અવાજ ઉપર ચાલ્યો આવ્યો. 

થોડી વધુ પળો અને ત્રિલોચનપાલ દેખાયો. કુમારપાલ નગરપ્રવેશ કરીને નગરમાં સંતાઈ ન બેસે એ માટે એ ઘણો આગ્રહી હતો. એ કડક, સીધો, ઉગ્ર અને કાંઈક ઉતાવળિયો હતો, પણ ગમે તેને એક વખત તો એ ઊભો રાખી દેતો. કૃષ્ણદેવ પણ એની વિરુદ્ધ જતાં એની ગરુડી નજરથી ડરતો. કુમારપાલ નગરમાં લાગે છે એ એણે જાણ્યું ત્યાર પછી એણે અનાજનો કણ નિરાંતે ખાધો ન હતો. એ ધીમેધીમે આવીને ગુપચુપ બેસી ગયો. 

મહારાજના સાંનિધ્યમા પોતે મળ્યા છે એ ખ્યાલે સૌને આંહીં આણ્યા હતા. થોડા દિવસ પહેલાં હજારો ને લાખોની મેદની વચ્ચે આંહીં ઊભા રહીને જ એમણે મહારાજને અંતિમ વિદાય આપી હતી. એ સંસ્મરણોનો શોકભર પણ જાણે આ ધરતીમાંથી ઊભો થાતો હતો. પહેલાં તો પ્રતાપદેવીને કુમારતિલક ત્યાગભટ્ટ પણ અત્યારે આંહીં આવવાનાં હતાં, પણ એમ ખુલ્લાં પડવામાં જોખમ હતું, એટલે આંહીંનો નિર્ણય એમને જણાવવાનો હતો. કેશવે એમને આવતાં રોક્યા હતાં. ત્રિલોચનપાલ આવી ગયો એટલે બધા ત્યાં આવી ગયા હતા. 

પળ-બે-પળ ગંભીર શાંતિ વ્યાપી ગઈ. કેશવે દ્રષ્ટિ ચારે તરફ ફેરવી લીધી. બર્બરક ધીમાં ચોરપગલે આસપાસ આંટો મારીને પાછો આવી ગયો. પોતાના નિત્યક્રમ પ્રમાણે દંડાધારે માથું નમાવીને એ અવિચળપણે ત્યાં ઊભો રહી ગયો. નદીના તીરપ્રદેશમા ક્યાંય સુધી કોઈ દેખાતું ન હતું. છેક દૂરદૂર બેત્રણ તાપણાં સળગતાં હતા. કોઈનો અવાજ પણ ક્યાંયથી આવતો ન હતો. રાત્રિએ બે પળનું જાણે ગંભીર શોકભર્યું મૌન આજે પાળ્યું હતું. કેશવની દ્રષ્ટિ આ નીરવતામાં મહારાજ સિદ્ધરાજને શોધતી રહી. આવી અનેક રાત્રીને મહારાજના ગુપ્ત વેશની પાછળ ફરતાંફરતાં એણે નીરખી ન હતી? પણ ત્યારે એ રાત્રીમાં કેટલી બધી માનવકથાઓ ઊભરાતી હતી? એ સંસ્મરણોમાં બે પળ એ જાતને ભૂલી ગયો. થોડી વાર પછી એ બોલ્યો, ત્યારે એના શબ્દમાં હજી મહારાજના સ્મરણદુઃખનો ભાર જણાતો હતો. 

‘ત્રિલોચનપાલજી! વૌસરિનું નાટક ભલે ભજવવાવાળાએ ભજવી લીધું. પણ વાણિયો ખંભાતનો કુમારપાલને ક્યાંક સંઘરીને બેઠો છે એટલું ચોક્કસ છે. કૃષ્ણદેવને હું મળ્યો, એમાંથી પણ એ જ જણાયું. ભલું હશે તો એ પ્રેમલના રસોડામાં બેઠો છાના વેશે રોટલા ઘડતો હશે. પણ એ ગમે તે હોય આપણે હવે શું કરવું છે? આજ એ નક્કી કરી લ્યો.’

‘આપણો રસ્તો તો સ્પષ્ટ જ છે.’ ત્રિલોચનપાલ બોલ્યો, ‘મહારાજનો અંતિમ શબ્દ એ આપણા માટે દેવાજ્ઞા છે. કુમારપાલ નગરમાં બેઠો ભલે હવા ખાધા કરે! રાજસભાના દ્વારે એ હવે ફરી ન શકે – આપણે જોવાનું એ છે. એ ગમે ત્યાં હોય, ત્યાં જ એ ભંડારાઈ રહેવો જોઈએ!’

‘તો મહાઅમાત્યજી રાજસભાની ઘોષણા કરાવે, એટલે આપણે વગર બોલ્યે પોતપોતાનું સ્થાન સાંભળી લેવું પડશે.’ કેશવે કહ્યું, ‘ત્રિલોચનપાલજી રાજસભાના પ્રવેશદ્વારે ઊભા હશે. કુમારપાલ જો ત્યાંથી પ્રવેશ કરવા આવે તો એને આપણે ત્યાં રોકી દેવો રહ્યો.’

‘પણ શી રીતે? એ ત્યાં આવ્યો છે, એમ ગણતરી કરીને જ આપણે વાત ગોઠવો ને!’

‘એ એકલો જ હશે.’ કેશવ બોલ્યો, ‘કદાચ છાના વેશે પણ હશે. એને રાજસભાના પ્રવેશદ્વાર ઉપરના પડખેના ભોંયરામા જ ઉતારી દેવો. પછી દેખી લેવાશે!’

ત્રિલોચનપાલ મનમાં મંથન કરી રહ્યો. તેણે થોડી વાર આખી પરિસ્થિતિને નજરે ખડી કરી જોઈ. તે પોતાના કામમાં ચોક્કસ થવા માગતો હતો. દરેક શબ્દ એ તોળીને બોલતો હતો., ‘જુઓ, રાજસભાનું પ્રવેશદ્વાર ઘણું મોટું છે. તે દિવસે એ ખુલ્લું હશે. એની જમણી-ડાબી બાજુ, નીચે જતી બે સાંકડી પથ્થરસીડી છે. નીચેના જમીનખંડમા એ જાય છે. તમે એ જોઈ છે.’

‘બરાબર...’ કેશવ બોલ્યો.

‘હવે કુમારપાલે રાજસભામાં જવા માટે ત્યાંથી પ્રવેશ કરવો રહ્યો. એણે પ્રવેશ કરતો અટકાવી દેવા ને નીચે જમીનખંડમા ભંડારી દેવા, કોઈકે ત્યાં ઊભા રહેવું જોઇશે. ઊભનારમા સ્ફૂર્તિ, નજર-ચપળતા ને બળ એ ત્રણ હશે તો કામ થશે. કુમારપાલ પણ મલ્લ છે અને જબરજસ્ત બળવાન મલ્લ છે. કાંડું પકડ્યું, એટલે એ ખંચકાય કે ખેંચાય એમ માનતા નહિ. અવાજ થાય, ઘર્ષણ જન્મે, મારામારી થાય એ તો આપણને જ પોસાય તેમ નથી. એટલે જેમ આંખમાંથી કણું કાઢે, તેમ પ્રવેશ કરનારાઓમાંથી કુમારપાલને તારવીને ઉપાડી જ લેવો જોઈએ – ઝડપથી, ઝનૂનથી. આ વસ્તુ બરાબર છે?’

‘બરાબર એજ પ્રમાણે મેં ધારી છે... તમે આગળ બોલો...’

‘ત્યારે ત્યાં આ ઊભો રહેશે.’ ત્રિલોચને બર્બરક સામે આંગળી ચીંધી, ‘એના વિના બીજો કોઈ એ ન કરી શકે.’

બર્બરકે દંડ ઉપર સહેજ માથું નમાવ્યું, ‘કુમારપાલ ગમે તે બાજુથી પ્રવેશે હું રાજસભાના પ્રવેશદ્વાર વચ્ચે ખડો હોઈશ. ડાબા તરફ હું એને દોરીશ. સૌ એ બાજુથી પ્રવેશ કરતાં હશે. જેવો કુમારપાલ પ્રવેશ કરવા જાય, એટલે એ અસાવધ હોય ત્યાં જ એણે ખેંચી લેવો. ક્ષોભ કે આશ્ચર્યમાંથી એ બેઠો થાય, તે પહેલાં તો એ નીચેની સીડીએ ધકેલાઈ જવો જોઈએ. એક વખત સીડીમાં ધકેલાયો એકદમ ઉપર આવી શકતો નથી. ત્રિલોચને આખી વાતને નજર સમક્ષ ખડી કરી દીધી. બર્બરક બોલ્યા વિના જ એ વાતનો અક્ષરેઅક્ષર જાણે પોતાના હ્રદયમાં કોતરી રહ્યો હતો. 

વાત પૂરી થતાં એનું માથું સહેજ નમતું દેખાયું. વાત બરાબર ગ્રહણ કરી લીધાની એ નિશાની હતી. 

‘આ જાણે રાજસભાના પ્રવેશદ્વારની વાત થઇ. હવે કૃષ્ણદેવના મહાલયની આસપાસ એની નજરચોકી કરવી રહી. મલ્હારભટ્ટજી, એ કામ તમે કરશો?’

‘એ કામ ઉપર હું ખડેપગે હવે ઊભો છું એમ ગણી લેવું.’

‘ત્યાંથી એ નીકળી જ શકે નહિ એ જોવાનું તમારે. કદાચ નીકળે તો એની પૂંઠ પકડવી. એને આડાઅવળા માર્ગે અટપટા ભ્રમણમાં નાખી દેવો. ગમે તેમ કરીને એ સમય ચૂકી જાય, એટલે પછી થયું. પછી ભલે આંટા માર્યા કરે.’

‘પણ કદાચ એવું બને, ત્રિલોચનપાલજી! એ મલ્હારભટ્ટની નજરચોકી વટાવી કાઢે, તમને હાથતાળી દઈ જાય, બર્બરકને પણ દાદ ન દે એવું બને; રાજસિંહાસન સમક્ષ પોતાનો દાવો રજૂ કરતો ઊભો થઇ જાય, તો...? તો શું થશે?’

બધા ગંભીર બની ગયા.

‘તો?’ એક ખરેખરો જોવનમરણનો પ્રશ્ન એમની સૌની સામે આવી ઊભો રહ્યો. બે પળ કોઈ કાંઈ બોલ્યું નહિ.

કેશવે અચાનક એક નાનીસરખી ટબૂડી પોતાની પાસેથી બહાર કાઢીને ત્યાં વચ્ચે મૂકી. તેની દ્રષ્ટિ દૂરદૂરના સરસ્વતીજલ ઉપર ફરી આવી. બર્બરક એ નિહાળી રહ્યો હતો. ત્રિલોચન ને મલ્હાર કાંઈ સમજ્યા નહિ. 

‘જુઓ, મલ્હારભટ્ટ! ત્રિલોચનપાલજી! મેં પડખું મહારાજ જયસિંહદેવ જેવાનું સેવ્યું છે. એમણે મને નાનામાંથી મોટો કર્યો, મોટામાંથી મહાન બનાવ્યો. મારે હવે બીજું પડખું હોય નહિ. આજ જો એમના શબ્દ માટે હું જીવનન્યોછાવરી ન કરું, તો મારામાં ને પેલું મહારાજની વાટિકામાં જડ વૃક્ષ ઊભું છે એમાં ફેર શો? તમને ખબર છે – મહારાજ જયસિંહદેવના રાજહસ્તીએ પણ એક સપ્તાહ અન્ન નહોતું લીધું? એને પણ ખબર પડી ગઈ હતી કે એના ઉપર બેસનાર દેવ હતો! આપણે આ સાહસ કરવા નીકળ્યા છીએ. ખરી રીતે તો આપણી આ સાચી વાત છે. પણ મહાઅમાત્યજીને સુતંત્રની પડી છે, મહારાજના શબ્દની નહિ. એ આંતરિક ઘર્ષણ અટકાવવામાં મને છે. કૃષ્ણદેવની રમત ભયંકર છે, અને એ વધુ ભયંકર નીવડવાની છે. આ ખંભાતી વાણિયો, એ જૈન છે, ધર્મઘેલો છે. એને એની ગાથાની પડી છે. બીજું કોઈ બળ એને અત્યારે ડારે તેમ નથી. ત્યાગભટ્ટ છે – પણ તેઓ સ્થિર થયા તો પછી ફાવે, પહેલાં નહિ. એટલે કદાચ આપણે છેલ્લે પાટલે આવી ગયા – તો? તો શું? મેં તો એનો વિચાર કરી નાખ્યો છે. તમને કોઈને એ પંથમાં આવવાનું હું કહેતો નથી, પણ મારો રસ્તો સ્પષ્ટ છે...’ કેશવ અચાનક ગંભીર બની ગયો. બર્બરક એ જોઈ રહ્યો હતો. પોતાના સ્થાનથી એક તસુ ન ખસનારો તે થોડો આ બાજુ આવ્યો...

કેશવે પેલી ટબૂડી હાથમાં લીધી. એમાંથી બે ટીપાં પાણી એણે હાથમાં લીધું: ‘ભગવાન સોમનાથના નામે પ્રતિજ્ઞા કરું છું કે જે સમયે મહારાજના આ વિક્રમી ભવ્ય સિંહાસનનું અપમાન થાય, તે વખતે કાં એ અપમાન કરનારને પૂરો કરું – અથવા તો હું ન હોઉં... આ મારો છેલ્લો રસ્તો!... તમે કોઈ આમાં મારું અનુકરણ ન કરતા. આપણે તે છેલ્લા મળી લઈશું.’

વાતાવરણમાં ગંભીરતાની ટોચ આવી ગઈ. અણનમ રહીને વિનાશને નોતરી લેવાની આ વાત હતી. પળ-બે-પળ મૌન વ્યાપી ગયું. 

પણ અચાનક સૌ ભડકી ઊઠ્યા. બર્બરક આગળ આવી ગયો હતો. તેણે હાથમાં જલ લીધું. સૌના આશ્ચર્ય વચ્ચે એ બોલી ગયો: ‘ભગવાન સોમનાથના નામે – એવું બને તો, એ બધું કરનાર પેલાં વાણિયાને હું જનોઈવઢ કાપું કે કોઈક પાસે કપાવું! પચાસ વરસે પણ એ વેણ હું પાળું: ન પાળું તો હું પલીત થઈને જુગજુગાંતર આથડું!’

એ તરત પાછો ફરી ગયો; સ્વસ્થાને જઈને પાછો કાંઈ ન હોય તેમ દંડને આધારે ઊભો રહી ગયો!

વાતાવરણ વધુ ઘેરું બની ગયું. મલ્હારભટ્ટે હાથમાં ટબૂડી લીધી. કેશવે એનો હાથ પકડી લીધો. ‘મલ્હારભટ્ટજી! બસ હવે. આપણને ભગવાન સોમનાથ આપણા કામમાં વિજય અપાવે. આપણે કાંઈ મરવા નીકળ્યા નથી. મૃત્યુને જીતવા નીકળ્યા છીએ. હવે કોઈ કાંઈ બોલતા નહિ.’

પછી મનોમંથનની નીરવ શાંતિ ફેલાઈ ગઈ. થોડી વાર થઇ. સૌ ઊભા થયા. હવે એ મૃત્યુંજયી વાત પછી કોઈ બોલે એમાં પણ ગૌરવભંગ હતો. એમને એક પછી એક જુદીજુદી દિશા પકડી અને ધીમેધીમે પાટણ તરફ ચાલવા માંડ્યા.