Gurjareshwar Kumarpal - 31 books and stories free download online pdf in Gujarati

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 31

૩૧

જુદ્ધનો સંદેશો

શાકંભરીને પંથે પડેલું ગુજરાતનું સૈન્ય ઝડપી કૂચ કરતું સોમેશ્વર વટાવી આગળ વધ્યું. અરવલ્લીની પર્વતમાળાના જમણે હાથે રાખી દઈ લવણવતીને (લુણી નદી) મળનારી એક નાનકડી નદીના કિનારા ઉપર સૈન્યે પડાવ નાખ્યો. પર્ણાશાની એક શાખા પડખેના ભાગમાં વહેતી હતી. પાછળ રહેલું બધું સૈન્ય આવી મળે ને પદાતિ, હયદળ ને ગજદળને પૂરતો આરામ મળે, પછી આગળ વધવું એવો નિર્ણય થયો. નદીના બંને કિનારે છાવણી નાખવાનો હુકમ થયો. એક જ મુકામ જેટલે દૂર શાકંભરીની હદ હતી. કોઈ અચાનક ઘા ન કરી બેસે તે માટે પાછળના ભાગને વાગ્ભટ્ટ સાચવતો હતો. મુખ આગળ ઉદયનનો  મુકામ હતો. પડખે કાકભટ્ટ પડ્યો હતો. વિક્રમ, કેલ્હણ, કચ્છનો રા’, ગોધ્રકરાજ વગેરે સામંતો મહારાજની આસપાસ પડ્યા હતા. શાકંભરીના સમાચાર મેળવવા ગુપ્તચરોને રવાના કર્યા હતા. 

શાકંભરીનું સૈન્ય આગળ વધી રહ્યું છે એવા સમાચાર એક મોડી સાંજે મળ્યા. તરત જ યુદ્ધની ઘોષણા થઇ. શંખનાદથી કૂચનો સમય જાહેર થયો. વહેલા પ્રભાતે સૈન્યને આગેકૂચ કરવાની આજ્ઞા અપાઈ ગઈ. રસ્તામાં શાકંભરીનું રક્ષણ કરનારું ભયંકર વિસ્તીર્ણ જંગલ ફેલાયેલું હતું: તેમાં કરીર, પીલું, બાવળ, રામબાવળ, બોરડી, થોરનાં જોજન-વિસ્તરતાં ગાઢ જંગલ હતાં. મોડી રાત્રે સ્કંધે કુહાડા લઈને અનેક માણસો નીકળી પડ્યા. 

શાકંભરીની ગજસેનાને ત્યાગભટ્ટ દોરી રહ્યો છે એ સમાચાર મળ્યા ને સૌનો રણોત્સાહ વધી ગયો. પણ ઉદયન, વાગ્ભટ્ટ, કાકભટ્ટ, સોમેશ્વર, ધારાવર્ષદેવ, ભીમસિંહ, સજ્જન – તમામના દિલમાં એક ખટકો બેઠો હતો. કેટલીક જગ્યાએ એમણે જોઈએ કરતાં વધુ વિવેક દીઠો, ક્યાંક વધુ ગુપ્તગોષ્ઠિ થતી જોઈ, ક્યાંક છાની મશ્કરી સાંભળી. નડૂલના યુવરાજ કેલ્હણની સરદારી નીચેનું ચૌહાણદળ વિરક્ત જેવું જણાયું. કુમારપાલ પોતે પણ ગંભીર બની ગયો. પાટણથી દૂર, આવા ભયંકર જંગલની સન્મુખ, પોતાના સૈન્યને એણે દોર્યું હતું. પણ હવે દોરનારાઓમા તેણે ઝીણોઝીણો અસંતોષ નિહાળ્યો. સમય ફરીને કટોકટીનો ઊભો થતો એણે અનુભવ્યો. વિક્રમસિંહ ભેગો હતો, પણ એણે જ વ્યાઘ્રરાજને આણ્યો હતો. એ વ્યાઘ્રરાજ વિષે ગોવિંદરાજે એક ખાસ સંદેશો મોકલ્યો હતો. કુમારપાલને હણવા માટે જ એને આનકે યોજ્યો હતો. મહારાજ સાવધ તો થઇ ગયા. 

પણ હવે શું કરવું? જાણીએ છીએ એમ જાણવા દેવું એ ભયંકર હતું. જાણ્યા પછી એમ ને એમ ચાલવા દેવું વધુ ભયંકર હતું. ઘટસ્ફોટ કરવો ભયંકર હતો. મૌન પાળવું ભયંકર હતું. મેળવી લેવાનો યત્ન કરવો ભયંકર હતો. કુમારપાલે ચારે તરફ અવિશ્વાસ, અપ્રેમ. અસંતોષ નિહાળ્યા. તેણે પોતે છેવટે પોતાની જાતને હોડમાં મૂકવાનો નિર્ણય કર્યો. કાં તો પોતે તરે છે ને તારે છે અને કાં બધું ખુએ છે. ચૌલિંગ પાસે કામ કરનારા શ્યામલ મહાવતને એક રાતે એણે બોલાવ્યો. એક કલહપંચાનન બરાબર હોય તો એના આધારે પણ રણક્ષેત્ર જીતી જવાની એને હિંમત આવી.

શ્યામલ આવ્યો. તે ઊંચો, કાળો, તેજસ્વી, પડછંદ આદમી હતો. એની આંખમાં પ્રેમ હતો. કુમારપાલે એને એણે સીધો જ સવાલ કર્યો: ‘શ્યામલ! તું કલહપંચાનનને હું ત્રણે સાથે જીવીએ કે મરીએ – કહે એને માટે તું તૈયાર છે? જે બોલે તે ભગવાન સોમનાથના નામે બોલજે!’

‘પ્રભુ! ચૌલિંગનો પડછાયો જોશે તો કલહપંચાનન બીજાને હાથ ન રહે, એવો એ સ્વામીભક્ત છે!’

કુમારપાલ વિચાર કરી રહ્યો. ચૌલિંગને છેલ્લી પળે પદભ્રષ્ટ તો કરવાનો હતો, પણ ચૌલિંગની વાત આને કહ્યા વિના જ એને સાધવાનો હતો. 

‘જો શ્યામલ! એ હાથીમાં સ્વામીભક્તિ છે. ચૌલિંગ હોય તો તેને ઓળખે. તને પણ ઓળખે તો છે નાં?’

‘ચૌલિંગ ન હોય તો હું – એટલી સત્તા મારી છે?’

‘ચોક્કસ.’

‘હા.’

‘ઠીક, અત્યારે તો તું આ લઇ જા...’ કુમારપાલે એક રત્ન એની સામે ધર્યું, ‘પણ તું કલહપંચાનનની વધુ દોસ્સ્તી સાધતો રહેજે. કોઈક દી ફળશે. ફળશે ત્યારે જેવીતેવી નહિ ફળે! તને જ્યારે બોલાવીએ ત્યારે તું તૈયાર રહેજે. અને વાત આંહીં જ દાટતો જજે. એમાં તને જ લાભ છે. બહાર શાકંભરીનો સંદેશવાહક આવ્યો છે. એને મોકલજે. જા.’

શ્યામલ નમીને ગયો. થોડી વારમાં એક કાળો ભયંકર મોટો કદાવર આદમી આવતો દેખાયો. તેના એક હાથમાં મોટી તલવાર હતી. બીજા હાથમાં એણે ડાંગ રાખી હતી. એણે ડાંગવાળો હાથ ઊંચો કરીને મહારાજને નમન કર્યું. 

‘શું છે, અલ્યા? ક્યાંથી આવ્યો છે?’

‘શાકંભરીથી!’

‘શું છે? જાંગડકે શું કહ્યું છે?’

તેણે હાથ લાંબો કરીને એક વસ્ત્રલેખ આપ્યો: ‘લ્યો મહારાજે પ્રત્યુત્તર આપવાનો છે!’

‘આ... શું છે?’

મહારાજે એક તાલી પાડી. ભીમસિંહ આવ્યો. ‘વાગ્ભટ્ટને બોલાવો તો?’ થોડી વારમાં વાગ્ભટ્ટ આવ્યો. 

વાગ્ભટ્ટ વાંચી રહ્યો હતો:

‘रे रे सर्प विमुंच दर्पमसमं किं स्कारफुत्कारतो

विश्वं भीषयते क्वचित्त् कुरु बिले स्थानं चिरं नंदीतुम्।

नो चेत्प्रौढ़गरुत्स्फुत्तरमरुदव्याधूतपृथ्वी धर –

स्ताक्षर्यो क्षमयिंतु समेति झटिति त्वामेष विदेषवान्।।‘

(હેં સર્પ, ગર્વ છોડી દે. શાંતિ જોઈતી હોય તો તારા ફૂંફાડા છાંડી દરમાં ભરાઈ જા! નહિ તો ભયંકર એવો ગરુડરાજ તારો કાલ સામેથી ઝડપથી આવી રહ્યો છે એમ જાણજે.)