Dayri - 2 books and stories free download online pdf in Gujarati

ડાયરી - સીઝન ૨ - તાલ સે તાલ મિલા

શીર્ષક : તાલ સે તાલ મિલા
©લેખક : કમલેશ જોષી
"જો તમને તમારી આસપાસનું બધું જ ગમતું હોય તો તમને પરફેક્ટ જીવન જીવતા આવડી ગયું છે. જો તમને મેળામાં મોજ કરતા લોકોને જોઈ આનંદ થતો હોય તો તમને હેપ્પી લાઇફની કી મળી ગઈ છે. જો તમે યુવાન હો અને નવરાત્રીમાં ગરબે રમવા જવાનો થનગનાટ હોય અથવા તમે વૃદ્ધ હો અને તમને નવરાત્રીમાં માતાજીની આરાધના કરવાની હોંશ હોય તો તમે બેસ્ટ લાઇફના ટ્રેક પર છો." અમારા એક સફળ વડીલ મિત્રે એક દિવસ આ પ્રકારની વાત કરી ત્યારે અમને બહુ મજા આવી. છેલ્લા પચ્ચીસ વર્ષથી એમની સફળ, પ્રસન્ન અને દુનિયા સાથે એકદમ કદમ મિલાવીને જીવાતી પ્રેરણાદાયી લાઇફ સ્ટાઈલનો હું ખુદ સાક્ષી છું. મેં એમને isro વિશે, આધ્યાત્મ વિશે અને કમ્પ્યૂટર વિશે ખૂબ જ ઉંડી, રસપ્રદ અને દળદાર છણાવટ ઇંગ્લીશમાં કરતા સાંભળ્યા છે. એમણે એક કી મંત્ર કહ્યો, “નવરાત્રીમાંથી એક જ વાત શીખીને આત્મસાત્ કરી લો તો બેડો પાર, અને એ એટલે ‘તાલ સે તાલ મિલા’, ધેટ્સ ઓલ.”
બધી સમસ્યાઓનું એક જ મૂળ કારણ છે અને એ છે તાલનું તૂટવું. બાળક હસવા, રમવાનું છોડીને ગંભીર, ગમગીન બેસી જાય તો કોઈને ગમે? કોઈ યુવાનને નવા કપડાનો, ગરબે રમવાનો, હોટેલમાં પાર્ટી કરવાનો, દુનિયા બદલવાનો કે જંગે ચઢવાનો શોખ ન હોય અને એ કલિયુગ છે, મરી રે'વાના છીએની કાગારોળ મચાવતો હોય તો કોઈને ગમે? બધી વાતે સુખી કોઈ વડીલ-વૃદ્ધ ભજન, કીર્તન, ધ્યાન-ધરમ, ઈશ્વર ઉપાસના છોડી રાડા-રાડી, ગાળા-ગાળી, ધમાચકડી આદરે તો કોઈને ગમે? એને ડોક્ટર પાસે જ લઈ જવા પડે ને? હમણાં એક ડોક્ટર સાહેબે મસ્ત કહ્યું, "વધુ પડતો લૉડ લેવાથી રોગ થાય, પછી એ ભોજનનો હોય, જવાબદારીનો હોય, ટેન્શનનો હોય કે ઇવન મોજ-મસ્તીનો હોય. માણસે હવાફેર કરતા રહેવું જોઈએ."

વાતાવરણ, પ્રસંગ અને ઉંમર બદલે એટલે માણસે પણ પોતાનો તાલ બદલવો જોઈએ. ઉનાળામાં ભલે આઈસ્કીમ અને ગોલા-સરબત રોજ ઢીંચીને ઉઘાડા ડિલે ઊંઘી જઈએ પણ જેવો કુદરતનો તાલ બદલે અને શિયાળો આવે કે તરત જ અડદિયા ખાઈ, કાવો ઢીંચી અને સ્વેટર હોતાં ગોદડામાં ટૂંટિયું વાળવામાં ચાયત રાખવી જોઈએ. ગરબામાં તાલ બદલે અને તમે જૂના તાલે ઝૂમતા હો, સાદી સિંગલમાંથી ચલતી ચાલુ થાય અને હજુ તમે ધીમા ડગલા માંડતા હો તો ઠેબે ચઢવાની તૈયારી રાખવી પડે. ટ્વેંટી ટ્વેંટીના આજના જમાનામાં ઠુંચૂક ઠુંચૂક (એટલે કે પ્લેડ-પ્લેડ) ન ચાલે. ઝડપી જમાનો છે. વન, ટુ અને થ્રી બોલો ત્યાં ‘યેસ’ કે ‘નો’નો નિર્ણય અને એટલી ઝડપે એક્શનમાં માનતી આજની દુનિયાની ગાડી ફાસ્ટ ટ્રેકમાં, પાંચમાં ગિયરમા ભાગી રહી છે. બસ, આપણે ‘અમિતાભ બચ્ચને’ કહ્યું એટલું જ કરવાનું છે: જમાને કે સૂર-તાલ કે સાથ ચલતે ચલે જાઓ, ફિર હર તરાના તુમ્હારા, ફસાના તુમ્હારા હૈ...!

પેલા સફળ વડીલે કહ્યું કે એક્સિડન્ટના બે જ કારણો છે, સ્ટીયરીંગ ફગે અથવા સ્પીડ ફગે. સ્ટીયરીંગ એટલે આપણા વાણી, વર્તન અને વિચારોની દિશા જો ફગે, અયોગ્ય બાજુ ફંટાય, જીભ કાબૂ બહાર જતી રહે, મગજની બ્રેક ફેલ થઈ જાય તો ઘરના કે બહારના લોકો સાથે જે બોલાચાલી કે માથાકૂટ થાય એ એટલે એક્સિડેન્ટ, ઘર્ષણ, સંઘર્ષ, ઝઘડો. એકને જવું હતું ડાબે, બીજાએ લીધી જમણે એટલે બુમાબુમ શરુ: ‘તે મારા માટે કોફી કેમ મંગાઈ?’ મગજની બ્રેક ફેલ. બસ ધડાધડી શરુ. આવા એક્સિડેન્ટ છેક કોર્ટના કઠેડા અને જેલના સળિયા સુધી પણ લંબાઈ જતા હોય છે. માત્ર ‘બે ઘૂંટ કોફી પી લેવાથી’ કે બે અક્ષર ‘સોરી’ બોલી જવાથી જે દુર્ઘટના ટાળી શકાતી હોય એ વર્ષો સુધી લંબાવીને આઈ એમ સોરી ટુ સે પણ, જે મૂર્ખાઈ જૂની પેઢીએ કરી, એ આજની પેઢીએ જોઈ લીધી છે, સમજી લીધી છે અને સોલ્વ પણ કરી લીધી છે. એટ ધી એન્ડ ઓફ ધ ફિલ્મ, ‘આઈ લવ કોફી’ કહી હીરો હિરોઈન ‘તાલ સે તાલ મિલાવી’ લવ સોંગ ગાતા એટલે જ તો નાચી ઉઠે છે.

મિત્રો, આજની વાત તમને સહેજ હટકે લાગી હોય તો અંતિમ વાત પણ સહેજ હટકે વાંચી લો: તમને આશ્ચર્ય જનક લાગશે પણ આપણી જિંદગીમાં આજ સુધીમાં એક પણ ઘટના એવી નથી બની કે જેમાં આપણે પોતે આપણી મરજીથી સિગ્નેચર ન કરી હોય, નોટ ઇવન સિંગલ ઇવેન્ટ. ઈશ્વર સાથેનો આપણો ફૂલપ્રૂફ કોન્ટ્રાકટ થયો છે. આપણે પુરા હોશો-હવાસમાં, કોઈના પણ દબાણ વિના, પૂરો વિચાર કરીને જ ભગવાનને કહ્યું છે કે આપણી વર્તમાન લાઇફ, જેવી છે એવી જ હોવી જોઈએ. આજનો ચોવીસમી, સપ્ટેમ્બર, ૨૦૨૩નો રવિવાર કહો કે વીતેલા તમામ વર્ષો કહો કે આવનારા દિવસો કહો બધું જ એઝ પર અવર ચોઈસ થઈ રહ્યું છે અને થવાનું છે. જે ઘરમાં-સોસાયટીમાં, સમાજમાં તમે રહો છો કે જે ઓફિસ-બજારમાં તમે કમાઓ છો એ બધું જ તમારું પોતાનું સિલેક્શન છે. દુઃખી અને સંઘર્ષમય જીવન એમનું જ છે જેઓ ઈશ્વર સાથેનો આ ‘લાઈફ કોન્ટ્રાકટ’ ભૂલી ગયા છે, બાકી જે લોકોને કાનુડા સાથેનો આ કરાર યાદ છે એ લોકો તો જિંદગીના દરેક ‘ગીત’ પર, પછી એ કરુણાસભર હોય કે ડિસ્કો-ડાન્સિંગ સભર હોય, એનો સંપૂર્ણ સ્વીકાર કરી ‘તાલ સે તાલ મિલાવી’ મોજ માણી રહ્યા છે. એટલીસ્ટ અમારા પેલા સફળ વડીલ મિત્રનું તો માનવું એવું જ છે. તમે શું માનો છો?
મિત્રો, આજનો રવિવાર આપણી આસપાસનું બધું જ આપણી મરજી મુજબ જ, આપણા ઓર્ડર મુજબ જ અને આપણા પ્લાનિંગ મુજબ થઈ રહ્યું છે એટલું સ્વીકારી, ભીતરને આત્મવિશ્વાસથી છલોછલ ભરી ઘરમાં કે શેરીમાં કે સોસાયટીમાં આપણા હાલચાલ જાણવા આવેલા, રિદ્ધિસિદ્ધિના દાતા એવા ‘ગણપતિદાદા’ની સામે હાથ જોડી ‘આઈ એમ હેપ્પી વિથ માય લાઈફ, થેંક્યું વેરી મચ’ કહીએ તો કેવું?

હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)