Sapt-Kon? - 15 books and stories free download online pdf in Gujarati

સપ્ત-કોણ...? - 15

ભાગ - ૧૫

વહેલી સવારે આવતા સિતારના સુરોની સાથે મધુર કંઠે ગવાતા ગીતે શ્રીધરના હૃદયના તાર પણ રણઝણાવી મુક્યા હતા, એ પથારીમાંથી ઉભો થઈ એ અગાશીએ આવી પાળ ઝાલી ઉભો રહ્યો અને અવાજની દિશામાં તાકવા લાગ્યો પણ કોઈ એની નજરે ના ચડ્યું એટલે એ હજી પગથિયું ઉતરવા જઈ જ રહ્યો હતો ત્યાં સામેના મકાનનું બારણું ખુલ્યું અને સ્વર્ગથી કોઈ અપ્સરા ધરતી પર ઉતરી આવી હોય એવી નાજુક, નમણી યુવતી બહાર આવી જેને શ્રીધર દિગમૂઢ થઈ જોઈ રહ્યો પણ એ ઘર આંગણે ખીલેલા ગુલમહોરના વૃક્ષને અઢેલી ઉભી રહી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. એના કંપતા ડુસકાનો અવાજ સાંભળી શ્રીધર એને ધારીધારીને નીરખી રહ્યો અને ક્ષણભરમાં એ પગથિયાં ઉતરી નીચે આવ્યો અને ઘરની બહાર નીકળી ગયો અને આંગણું ઓળંગી સામેના મકાનનો ઝાંપો વળાવી સીધો એ યુવતી પાસે જઈને ઉભો રહ્યો. યુવતીનો ચહેરો ઝાડ તરફ હોવાથી શ્રીધર પાસે આવીને ઉભો છે એનાથી બેખ્યાલ એ રડ્યે જાતી હતી. શ્રીધરે એના રતુમડા ગાલેથી વહેતા આંસુ લુછવા હાથ આગળ કર્યો પણ તરત પાછો ખેંચી લીધો. રડી રડીને એ યુવતીની આંખો કોરીધાકોર થઈ ગઈ હતી પણ એના ભીના ડુસકા હજી સંભળાતા હતા. એના ગોરા, લિસ્સા ગાલ પરથી રેલાતા અશ્રુઓ જાણે ફૂલની કોમળ ગુલાબી પાંખડીએથી સરતા ઝાકળબિંદુઓ, સવારનો કોમળ તડકો એના ચહેરા પર પડતાં જ એ અશ્રુબિંદુઓ હીરાની જેમ ઝગારા મારતા ચમકી ઉઠ્યાં. એની વેરવિખેર લટો ચહેરા પર એવી રીતે છવાઈ ગઈ હતી જાણે વાદળોમાંથી ડોકાતો ચંદ્રમા. શ્રીધર પર એના નિર્દોષ રૂપનો નશો એવો સવાર થઈ ગયો કે એ પોતાના હોશ ખોઈ બેઠો અને પૂતળાની જેમ ઉભો ઉભો એકીટશે એ યુવતીને નિહારી રહ્યો પણ અચાનક ઘરના ઉપલા માળની બારી ખખડી અને ઉપરથી કોઈ સ્ત્રીનો ઘોઘરો, કર્કશ અવાજ સંભળાયો, "કે.... કે આછે ઔઈખાને? કોણ છે ત્યાં..?" એટલે યુવતી એ પોતાની સુરાહી જેવી ડોક ઉપર કરીને નજર ફેરવી પણ ત્યાં સુધી શ્રીધર ઝાપું વળાવી ચુક્યો હતો. એની પૌરુષી પીઠ અને હિંમતભરી ચાલને એ યુવતી અનિમેષ નજરે જોઈ રહી.

"માલિની..... માલિની.... એ છોકરી શું કરે છે ત્યાં ઉભી ઉભી?" ઘસડતી ચાલે એક મેદસ્વી સ્ત્રી ઉપરથી ઉતરી ને દરવાજો ખોલી બહાર આવી, "ઓતા કે ચિલા? કોણ હતો એ?" કહી એણે યુવતીનું નાજુક કાંડુ પકડી લીધું અને એના પર પોતાના પંજાની ભીંસ વધારી.

"આમી જાનિ ના... મામી, હું નથી ઓળખતી, કોણ હતો એ?" પોતાનું કાંડુ છોડાવવાનો માલિનીનો પ્રયત્ન નિર્રથક રહ્યો અને એની સુકી આંખોમાં ફરીથી આંસુના ટશિયા ફૂટી આવ્યા અને એની ધાર ગાલ પરથી વહી રહી.

"ખોટું બોલે છે? તારી માં તને અમારા માથે નાખીને બીજા જોડે ભાગી ગઈ, હવે તારા લખણ પણ એવા જ લાગે છે. તારા ભોળા મામા બિચારા ફસાઈ ગયા કે આ નમાઈ છોકરીનું શું થશે, તને ત્યાં ઉકરડામાં જ રે'વા દીધી હોત તો સારું થાત, મને એમ હતું કે અમારે કોઈ સંતાન નથી તો તને અમારી દીકરીની જેમ ઉછેરીને મોટી કરી, તારા માટે સારો મુરતિયો ગોત્યો અને હવે તું પરણવાની ના પાડે છે. અપાની એખાના કી કરાતે અનુમિતા હયા? શું કરવા ધાર્યું છે હવે? અમાદેરા નામા નષ્ટા કરાબે? એખાના ભીતરે યાઓ.. હવે ચાલ અંદર.." પરાણે ખેંચતી એ સ્ત્રી માલિનીને અંદર લઈ ગઈ અને બહાર છુપાઈને ઉભેલો શ્રીધર આ જોઈને ડઘાઈ ગયો, એનું હૈયું ભરાઈ આવ્યું અને ધીમે પગલે એ ઘરે પાછો ફર્યો.

@@@@

કૌશલ અને દિલીપ તૈયાર થઈને ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયા હતા, સંતુએ તૈયાર રાખેલી નાસ્તાની પ્લેટ અને ચા લઈને ઊર્મિ અને અર્પિતા પણ જોડાયા પણ કોઈનુંય ચિત્ત નાસ્તામાં નહોતું, પરાણે બે કોળિયા ભરી, ચા નો ઘૂંટ ભરી ચારેય ઉભા થઈ ગયા ત્યારે આઠેય આંખોમાં ઝળઝળીયા હતા. આ દ્રશ્ય જોઈ રસોડાના બારણા પાસે ઉભેલી સંતુ પણ એની આંખો લુછી રહી હતી. બસ, રઘુકાકાની આંખો સાવ કોરીધાકોર હતી અને ગળે ડૂમો બાઝેલો હતો. કંઈક કહેવાની કોશિશ કરી રહ્યા હતા પણ હોઠેથી શબ્દો નીકળતા નહોતા. એમના તૂટક તૂટક શબ્દોએ સંતુનું ધ્યાન એમની તરફ દોર્યું.

"શું થયું? કાય જોઈએ છે? આમ એકલા ઉભા શું બબડો છો?" સંતુએ રઘુકાકાના ચહેરા સામે જોતાં કહ્યું.

"હે..... હ..... કાંઈ નહીં...." થોથવાતી જીભે રઘુકાકાનો ગભરાટ ડોકાયો અને નિઃશબ્દ બની એ રસોડામાં જઈ પોતાનું કામ કરવા લાગ્યા.

"કૌશલ, ઈશ્વાના જેવા કોઈ ખબર મળે કે તું તરત જ અહીં ફોન કરજે. ભગવાન જાણે કઈ હાલતમાં હશે એ છોકરી. અહીંની ચિંતા ન કરતો, હું ને અર્પિતા બધું સાચવી લઈશું. દિલીપભાઈ તમે પણ ધ્યાન રાખજો, બેય ભૂખ્યા ન રહેતા, ઓફિસમાં કામનો લોડ પણ વધુ હશે," સ્ત્રી સહજ ચિંતા ઉર્મિના સ્વર અને ચહેરા પર છતી થઈ.

"હમમ... તમે પણ ધ્યાન રાખજો અને બાળકોને સાચવજો. નીચે આવતાં પહેલાં મમ્મી સાથે મારે વાત થઈ છે, કોશિશ ચાલુ છે, વ્યોમની શારીરિક અને માનસિક બંને સ્થિતિ થોડી ચિંતાજનક છે પણ ઉર્વીશઅંકલ છે એટલે બહુ વાંધો નહીં આવે, એમની સાથે ડો. અમોલ પણ છે જે સતત વ્યોમની સાથે જ રહેશે અને રાણાઅંકલ બહુ જ જલ્દી આ કોયડાનો ઉકેલ શોધી લેશે, પૂરો વિશ્વાસ છે મને. બાય, ટેક કેર. .." કૌશલ અને દિલીપ ઓફિસ જવા નીકળી ગયા.

કલ્યાણી ટેક્સટાઇલ, કલ્યાણી રીફાઈનરી અને કલ્યાણી સુગર ઇન્ડસ્ટ્રી આ ત્રણે મુખ્ય વ્યવસાય ધરાવતા રાઠોડ પરિવારની અઢી હજાર સ્કવેરફિટની ઓફિસ, જામનગર મેઈન બજારમાં આવેલા શાહ શોપિંગ સેન્ટરના બીજા માળે હતી. દોઢસો જેટલા કર્મચારીઓ ત્યાં કામ કરી રોજગાર મેળવતા હતા. બિઝનેસને આગળ વધારવામાં કલ્યાણીદેવીની સૂઝબુઝ અને કૌશલનું જ્ઞાન, મજબૂત પાયો હતા. ઊર્મિ પણ એ બંનેને મદદરૂપ થતી. આધુનિક સુવિધાઓથી સજ્જ ઓફિસના પ્યુનથી લઈને ઉચ્ચ હોદ્દો ધરાવતા દરેક કર્મચારી પૂર્ણ નિષ્ઠાથી કામ કરતા હતા.

"ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ સર," રિસેપ્શનિસ્ટ મિસ નેહાએ સ્નેહભર્યા સ્મિત અને ખુબસુરત ફૂલોના બુકેથી કૌશલ અને દિલીપનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને એ બંનેએ પણ સામું સસ્મિત અભિવાદન કર્યું અને પોતાની ચેમ્બરમાં ગયા. ઓફિસમાં પ્રવેશતાં પહેલાં જ બંનેએ નક્કી કર્યું હતું કે દુઃખ, ઉદાસી, ગમગીનીને ઓફિસમાં પ્રવેશવા ન દેવા અને હસતે ચહેરે કામ કરવું જેથી દરેકનો ઉત્સાહ જળવાઈ રહે અને મન લગાવીને કામ થઈ શકે.

@@@@

આખો ઓરડો સરખો જોઈને, કઈ ન મળ્યાનો વસવસો હૈયામાં ધરબી રાણાસાહેબે અસલમ અને નારાયણને નીચે મોકલી પોતે કલ્યાણીદેવીના રૂમનો દરવાજો નોક કર્યો.

"આવો રાણાસાહેબ, તમારી જ રાહ જોઈ રહી હતી, બેસો, સાથે ચા પીએ," કલ્યાણીદેવીએ કીટલીમાંથી ચા કપમાં રેડી અને રાણાસાહેબને આપી. કપમાંથી નીકળતી મસાલાની ખુશ્બુદાર વરાળથી રાણાસાહેબનું દિલ અને દિમાગ તરોતાજા થઈ ગયા અને એમણે ચા ની ચુસ્કી લેવાનું શરૂ કરતાં પહેલાં બંધ મુઠ્ઠીમાં રાખેલું તૂટેલું ઝૂમકું ટિપોય પર મૂક્યું.

"બા સાહેબ, ધ્યાનથી જુઓ અને મને જણાવો કે આ ઝૂમકું ઈશ્વાનું છે કે નહીં?"

કલ્યાણીદેવીએ ધીમેકથી એ ઝૂમકું ઉપાડી પોતાની હથેળીમાં મૂક્યું.

"આ.... આ તો મારી ઈશ્વાનું જ...., ક્યાંથી જડ્યું આ તમને?"

"છેલ્લા ઓરડામાંથી, જ્યાં ઈશ્વા છેલ્લીવાર દેખાઈ, ત્યાંના બેડ નીચેથી મળ્યું છે આ." રાણાસાહેબે દિલગીરી સાથે ખુલાસો કર્યો.

"રાણાસાહેબ, આ ઝૂમકું છે તો ઈશ્વાનું જ.. પણ, એણે આ હજી સુધી પહેર્યું જ નથી, કેમ કે મેં જયારે આ અમારા પરંપરાગત ઝૂમકાની જોડી એને આપી હતી ત્યારે એણે મને એમ કહીને પાછા આપ્યા હતા કે, 'મમ્મીજી, આ ઈયરરિંગ હું હમણાં નહીં પહેરું, હમણાં તમે સાચવીને મુકી દો' એટલે મેં મારા હાથે જ એ બોક્સ મારા કબાટની તિજોરીમાં મૂક્યું હતું. એ બોક્સ તો અત્યારે જામનગર છે તો પછી આ અહીં કેવીરીતે...?"

હવે ચોંકવાનો વારો કલ્યાણીદેવી અને રાણાસાહેબ બંનેનો હતો.....

ક્રમશ: