Sapnana Vavetar - 13 books and stories free download online pdf in Gujarati

સપનાનાં વાવેતર - 13

સપનાનાં વાવેતર પ્રકરણ 13

લગ્ન કર્યા પછી અનિકેત અને કૃતિ વચ્ચે જો શારીરિક સંબંધો જ ના થાય તો પછી લગ્નજીવન કેટલા દિવસ ટકે ? અનિકેત સાથે લગ્ન કરીને આવ્યા પછી કૃતિનાં પોતાનાં પણ અરમાન હોય ! એક તો લગ્ન પણ બંનેએ એકલાં જ કરવાં પડ્યાં એટલે લગ્નનો પણ કોઈ આનંદ નહીં !

અનિકેત અને કૃતિ એકદમ યુવાન છે. ક્યાં સુધી એમને અલગ રાખવાં ? - મનમાં સવાલો ઘણા ઊભા થતા હતા. પણ આ બાબતે ચર્ચા કરવી પણ કોની સાથે ? - રામનાથનની વાત સાંભળ્યા પછી વાનકુંવરમાં અભિષેક આ પ્રમાણે ચિંતા કરી રહ્યો હતો.

દાદા સાથે આ બાબતમાં હવે ફોન ઉપર ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. જો ગુરુજીએ જ આ પ્રયોગ કર્યો હોય તો આ બધી ચર્ચા મારે રાજકોટના ગુરુજી સાથે જ કરવી જોઈએ. - અભિષેકે નિર્ણય લીધો.

છતાં ગુરુજી સાથે ચર્ચા કરતાં પહેલાં આ બાબતે સીધે સીધા અનિકેતને પૂછીને કન્ફર્મ કરી શકાય ? આવી વાત ભાઈ સાથે કેવી રીતે કરવી ? અને કદાચ ખરેખર વાત સાચી જ હોય તો પણ ભાઈ તરત સવાલ કરે કે તમને અમારી અંગત બાબતોની કેવી રીતે ખબર ? ના ના ભાઈ સાથે ભૂલથી પણ આવી વાત ન કરાય.

અભિષેક દીવાકરભાઈને માત્ર એક જ વાર મળ્યો હતો અને એ પણ એ જ્યારે નાનો હતો ત્યારે દાદાની સાથે રાજકોટ ગયેલો ત્યારે મળેલો. પોતાના દાદાના એ ગુરુજી હતા અને દાદા દર વર્ષે ગુરુપૂર્ણિમાએ રાજકોટ જતા હતા એ બધી જ એને ખબર હતી પરંતુ ગુરુજીની શક્તિઓ વિશે એ એટલું બધું જાણતો ન હતો.

ગુરુજી સાથે વાત કરવાની એની ઈચ્છા હતી પરંતુ એની પાસે એમનો નંબર ન હતો. હવે નંબર લેવા માટે તો કોઈપણ બહાનું કાઢીને દાદાજી સાથે વાત કરવી જ પડશે.

એણે થોડું વિચારીને પછી દાદાજીને ફોન લગાવ્યો.

" દાદા અભિષેક બોલું. "

" હા બોલ બેટા. " ધીરુભાઈ બોલ્યા. અઠવાડિયામાં એકાદ વાર તો અભિષેકનો ફોન આવતો જ હતો એટલે એમને કોઈ નવાઈ ન લાગી.

" દાદા મારે રાજકોટના ગુરુજી નો નંબર જોઈએ છે. " અભિષેક બોલ્યો.

" તારે વળી ગુરુજીનું શું કામ પડ્યું ? કંઈ પણ તકલીફ હોય તો મને કહે. હું એમની સાથે ચર્ચા કરી લઈશ. " ધીરુભાઈ બોલ્યા.

" ના ના દાદા મારે પર્સનલ કોઈ જ કામ નથી. મેં તમને રંગનાથન સાહેબની વાત કરી હતી ને ? એમને એમની સાથે કોઈ આધ્યાત્મિક ચર્ચા કરવી છે. એ તમારા ગુરુજી છે અને ઘણી બધી સિદ્ધિઓ એમની પાસે છે એ બધી વાત મેં રંગનાથન સાહેબને કરી હતી." અભિષેકે વાર્તા કરી નાખી જેથી બીજી કોઈ શંકા ના જાય.

" અચ્છા અચ્છા ઠીક છે. હું તને એમનો નંબર વોટ્સએપ કરી દઉં છું. ગુરુજી પોતે મોબાઇલ રાખતા નથી. એમના બે સેવકો છે એમાંથી કોઈ ફોન ઉપાડશે . તું કહી દેજે કે ગુરુજી સાથે વાત કરાવે. ઇન્ડિયામાં સાંજ હોય એ ટાઇમે ફોન કરવો કારણ કે સવારે તો એ પૂજા અને ધ્યાનમાં વ્યસ્ત હોય છે. " ધીરુભાઈ બોલ્યા.

અને એ પછીની બે ત્રણ મિનિટમાં જ અભિષેકના વોટ્સએપ ઉપર દીવાકર ગુરુજીનો ફોન નંબર આવી ગયો.

બે ત્રણ દિવસ બરાબર મનોમંથન કર્યા પછી એણે એક દિવસ વહેલી સવારે રાજકોટ દીવાકર ગુરૂજીને ફોન લગાવ્યો જેથી ઈન્ડિયામાં એ સમયે સાંજના લગભગ પાંચ વાગ્યા હોય.

" હલો... હું કેનેડાથી અભિષેક બોલું છું. મારે ગુરુજી સાથે વાત કરવી છે. એમને જરા ફોન આપો ને !" અભિષેક બોલ્યો.

બે મિનિટ પછી દીવાકરભાઈ ફોન ઉપર આવી ગયા.

"જય રામજી કી.. હું દીવાકરભાઈ. આપ કોણ ? " ગુરુજી બોલ્યા.

" જય રામજી કી ગુરુજી. પ્રણામ. હું કેનેડાથી અભિષેક બોલું છું. મારા દાદા ધીરુભાઈ વિરાણી પાસેથી આપનો નંબર લીધો છે. મારે આપની સાથે થોડીક ચર્ચા કરવી હતી જો આપની પાસે થોડોક સમય હોય તો. " અભિષેક બોલ્યો.

" સમયની કોઈ ચિંતા નથી. તારે જે પૂછવું હોય તે પૂછી શકે છે. " ગુરુજી બોલ્યા.

" ગુરુજી મારે અનિકેતના લગ્ન વિશે વાત કરવી હતી. હું કેનેડામાં રહું છું અને અહીં મારા એક મિત્ર રંગનાથન સ્વામી રહે છે એમની સાથે ઘણી વાર આધ્યાત્મિક ચર્ચાઓ કરતો હોઉં છું. તેઓશ્રી હનુમાનજીના ઉપાસક છે. આપનો મને બહુ પરિચય નથી પરંતુ એમની પાસે કેટલીક સિદ્ધિઓ છે. અનિકેતનાં જેની સાથે લગ્ન થયાં છે એ કૃતિના પૂર્વજન્મ સાથે મારા દાદાનો કોઈ સંબંધ છે એવું એમણે મને પહેલાં કહેલું અને લગ્ન અટકાવવાની વાત પણ કરેલી. " અભિષેકે વાતની શરૂઆત કરી.

" જી એ વાત બિલકુલ સાચી છે અને એ જ વાત મેં તારા દાદા સાથે પણ કરેલી. અનિકેત અને કૃતિ લગ્ન પહેલાં મને મળવા આવેલાં ત્યારે એ વાત હું જાણી ગયેલો. મેં તારા દાદા સાથે ચર્ચા કરી હતી પરંતુ એમણે એ વાત ગંભીરતાથી લીધી ન હતી. અનિકેતનો જ્યારે જન્મ પણ થયો ન હતો ત્યારે પણ મેં તારા દાદા સાથે વાત કરેલી કે તમારા પૌત્રને સંતાન ના થાય તો સારું. " ગુરુજી બોલ્યા.

"જી ગુરુજી. પરંતુ હવે તો અનિકેતનાં લગ્ન થઈ ગયાં છે. કૃતિનો પૂર્વ જન્મ જે પણ હોય પરંતુ કૃતિ ખૂબ જ સુંદર છે, સંસ્કારી છે અને લાગણીશીલ પણ છે. આટલી સુંદર પત્ની મેળવ્યા પછી જો અનિકેત કૃતિ સાથે શારીરિક સંબંધ જ ના બાંધે તો એ લગ્નજીવન કેટલા દિવસ ટકશે ? હનીમૂન માટે શિમલા ગયા પછી પણ કોઈ જ સંબંધ થયો નથી. કૃતિનાં પોતાનાં પણ અરમાન હોય. એ બંને વચ્ચે શું ચાલતું હશે એના વિશે મને કંઈ જ ખબર નથી. પરંતુ આ બધી માહિતી મને રંગનાથનજી એ આપી છે. અને એટલે જ મેં આપને ફોન કર્યો છે. " અભિષેક બોલ્યો.

"તારી ચિંતા એકદમ સાચી છે. પરંતુ હું જે જોઈ શકું છું તે તું જોઈ શકતો નથી. સૌથી પહેલાં તો અનિકેતનાં લગ્ન કરવાની જ મેં ધીરુભાઈને ના પાડી હતી. પરંતુ એ શક્ય ન હતું. કૃતિના પૂર્વજન્મ વિશે હું જાણું છું પરંતુ અમુક વસ્તુઓ આપણા હાથમાં નથી હોતી. અનિકેતની નિયતિ જ એને રાજકોટ સુધી ખેંચી ગઈ છે. " ગુરુજી બોલી રહ્યા હતા.

" અનિકેત કૃતિને લઈને મને જ્યારે પહેલીવાર મળવા આવ્યો ત્યારે મેં એને હનુમાન ચાલીસાની દીક્ષા આપી હતી જેથી નેગેટિવ તત્ત્વો એનાથી દૂર રહે. મેં ધ્યાનમાં જોઈ લીધું હતું કે લગ્ન કર્યા પછી જો બંને વચ્ચે શારીરિક સંબંધ થશે તો ધીમે ધીમે કૃતિને પોતાનો પૂર્વ જન્મ યાદ આવતો જશે અને ધીરુભાઈને બરબાદ કરવાની ભાવના પણ જાગૃત થશે. અત્યારે એને કંઈ જ યાદ નથી એટલે એ સંસ્કારી છોકરી તરીકે જ વર્તન કરે છે." ગુરુજી કહી રહ્યા હતા.

" બંનેને શારીરિક સંબંધથી દૂર રાખવા માટે બીજું પણ એક કારણ છે. તારા નાના ભાઈને બહુ જ ભારે મંગળ છે. તારી જાણ માટે કહું છું કે એ લોકોએ સાત ફેરા ફરીને વિધિપૂર્વક લગ્ન નથી કર્યાં. મંગલનાથ મહાદેવની સામે માત્ર ફુલહાર જ કર્યા છે. જો કે એ સારું છે. હવે જો શારીરિક સંબંધ થઈ જાય તો એનો મંગળ જાગૃત થઈ જાય. " ગુરુજી સમજાવી રહ્યા હતા.

"મંગળ ૨૮ વર્ષ પૂરાં થાય ત્યાં સુધી પૂરેપૂરી અસર બતાવે છે. ૨૮ પૂરાં થશે કે મંગળની અસર અડધી થઈ જશે. એને ૩૨ વર્ષ પૂરાં થઈ જશે એટલે મંગળનો પ્રભાવ પણ લગભગ નહીવત થઈ જશે. અનિકેતને હવે ૨૮મું વર્ષ શરૂ થશે. " ગુરુજી બોલતા હતા.

" હા ગુરુજી. નાતાલના દિવસે એનો જન્મદિવસ આવે છે. ૨૫ ડિસેમ્બરે એને ૨૭ વર્ષ પૂરાં થશે. પરંતુ ગુરુજી એના જન્મદિવસની તમને આટલી બધી સચોટ કઈ રીતે ખબર ? મને ખરેખર આશ્ચર્ય થાય છે. " અભિષેક બોલ્યો.

"તને કદાચ ખ્યાલ નહીં હોય પરંતુ પ્રશાંતને સંતાનયોગ ન હતો. એની સંતાનબાધા દૂર કરીને હનુમાનજીની કૃપાથી મેં જ અનિકેતનો જન્મ કરાવેલો છે એટલે દિવસ તો મને યાદ હોય જ ને બેટા ? એના જન્મના સવા મહિના પછી એને આશીર્વાદ આપવા માટે હું તારા ઘરે પણ આવ્યો હતો." ગુરુજી હસીને બોલ્યા.

" ઓહ.. આ બધી મને કંઈ જ ખબર નથી ગુરુજી. માફ કરજો. " અભિષેક નમ્રતાથી બોલ્યો.

" એટલે બીજા અર્થમાં એમ કહું તો અભિષેક ૨૮ વર્ષ પૂરાં કરે ત્યાં સુધી મંગળના દોષથી બચાવવા માટે મારે એને શારીરિક સંબંધથી દૂર રાખવો છે. બસ માત્ર એક જ વર્ષ સાચવવાનું છે પછી હું જ એ બંનેને ભેગા કરી દઈશ. આ કાયમી જુદાઈ નથી. અને તું બીજી કોઈ ચિંતા ના કરીશ. એ લોકોના લગ્ન જીવનમાં કોઈ જ પ્રોબ્લેમ એક વર્ષ સુધી હું નહીં થવા દઉં. " ગુરુજી બોલી રહ્યા હતા.

"અને હવે કૃતિના આત્મા સાથે અનુસંધાન કરવાનો હું પ્રયત્ન કરવાનો છું. એને દુશ્મનાવટ ભૂલી જવા માટે પણ સમજાવવાનો છું પણ તેના માટે સમય લાગી શકે છે. આપણી પાસે એક વર્ષનો સમય છે અને હું પૂરેપૂરી કોશિશ કરું છું કે કૃતિનો આત્મા બદલાની ભાવનામાંથી ધીમે ધીમે બહાર આવી જાય. " ગુરુજીએ પોતાની વાત પૂરી કરી.

" ગુરુજી આપની વાત સાંભળીને આપના પ્રત્યે મારું માન અનેક ઘણું વધી ગયું છે. અને આજે હું ખરેખર ખૂબ જ હળવો થઈ ગયો છું. મને એટલો બધો આજે આનંદ થયો છે કે હું એ કહી શકતો નથી. મારું કુટુંબ હંમેશ માટે આપનું ઋણી રહેશે. " અભિષેક બોલ્યો.

" બીજી એક વાત. હું જે કંઈ કરું છું એની કોઈ ચર્ચા મેં ધીરુભાઈ સાથે કરી નથી. બંને વચ્ચે સંબંધો નથી એ વાત ધીરુભાઈ જાણતા નથી. મારા ભક્તોનું હિત જોવાની ફરજ મારી છે. એટલે આપણી વચ્ચે આ જે ચર્ચા થઈ છે એ ધીરુભાઈ સાથે ના કરતો." ગુરુજી બોલ્યા.

" જી ગુરુજી હું પણ આપને એ જ કહેવાનો હતો કે મેં અનિકેત માટે આપને ફોન કર્યો છે એ વાતની ચર્ચા આપ દાદા સાથે ના કરતા. પરંતુ હવે તો આપે પોતે જ સામેથી કહી દીધું છે એટલે મને ચિંતા નથી. મેં આપનો નંબર લીધો ત્યારે દાદાને એવું કહેલું કે રંગનાથન સાહેબને વાત કરવી છે. " અભિષેક બોલ્યો.

" ઠીક છે. અનિકેત અને કૃતિ વિશે જરા પણ ચિંતા ના કરતો. મારું ધ્યાન એ બંને ઉપર છે. એમના ઉપર હનુમાનજીના આશીર્વાદ પણ છે અને અનિકેત રેગ્યુલર હનુમાન ચાલીસા કરે પણ છે. ચાલો જય રામજી કી." કહીને ગુરુજીએ ફોન કટ કર્યો.

દીવાકર ગુરુજી સાથે વાતચીત કરીને અભિષેક ખરેખર ઘણો હળવો થઈ ગયો. ભાઈ માટેનું તમામ ટેન્શન એના માથા ઉપરથી ઉતરી ગયું. ગુરુજી માટે એના મનમાં માન પણ ઉત્પન્ન થયું. આજના જમાનામાં કોઈ ગુરુ પોતાના ભક્તોનું વ્યક્તિગત રીતે આટલું ધ્યાન રાખતા એણે જોયા નથી.

પરંતુ એક વાતથી એને આશ્ચર્ય થયું. ગુરુજીએ કહ્યું કે એ બંનેએ વિધિપૂર્વક લગ્ન કર્યાં નથી અને સાત ફેરા પણ ફર્યા નથી. માત્ર ફૂલહાર જ કર્યા છે. એ લોકોએ આવું શા માટે કર્યું ? આ બાબતની જાણ તો દાદાને પણ કદાચ નહીં હોય. આ વાત એમણે પરિવારથી શા માટે છાની રાખી ? આનો જવાબ તો મારે અનિકેત પાસેથી જ લેવો પડશે !

એ પછીના રવિવારે અભિષેક ફરીથી રંગનાથન સ્વામીને મળવા માટે ગયો. ગુરુજી સાથે થયેલી બધી જ વાતચીત એણે રંગનાથનને કહી.

" ઇસકા મતલબ યહી હૈ કે મૈને જો દેખા થા વો સહી થા. રાજકોટવાલે ગુરુજી બહોત સમર્થ લગતે હૈ. બહોત સારી બાતેં આપકો બતા દી હૈ ઔર યે સુનકર મુજે ભી લગતા હૈ કી અબ જ્યાદા ટેન્શન કરનેવાલી કોઈ બાત નહીં હૈ. વો અગર સૂક્ષ્મ જગતમેં જાકર કૃતિકે આત્માકે સાથ બાત કર સકતે હૈ તો વો કુછ ભી કર સકતે હૈ. વો લડકીકે દિલસે બદલેકી ભાવના દૂર ભી કર સકતે હૈ." રંગનાથન બોલ્યા.

" જી રંગનાથનજી. એટલા માટે જ હું આપને મળવા માટે આવ્યો છું. ગુરુજી ખરેખર સમર્થ છે અને મારા પરિવાર તરફ તેમની લાગણી પણ દેખાઈ આવે છે. એમની સાથે વાત કર્યા પછી હું પણ રિલેક્સ થઈ ગયો છું." અભિષેક બોલ્યો.

આ બાજુ લગ્નને ૧૫ દિવસ થવા આવ્યા એટલે એક સવારે રાજકોટથી હરસુખભાઈનો ફોન ધીરુભાઈ ઉપર આવ્યો.

"જય મહાદેવ ધીરુભાઈ. લગનને ૧૨ ૧૩ દિવસ થઈ ગયા છે તો તમે કહેતા હો તો બે ત્રણ દિવસમાં મનોજ આવીને કૃતિને તેડી જાય. આમ તો પરમ દિવસે ગુરુવારનો દિવસ સારો છે. એકવાર પગફેરો તો કરાવવો પડશે ને ? "

"મને ખ્યાલ જ છે હરસુખભાઈ અને મેં તો અઠવાડિયા પહેલાં જ કૃતિને કહેલું કે અનિકેત તને રાજકોટ જઈને મૂકી આવે પણ પણ એણે જ એ વખતે ના પાડી. તમે ચિંતા ના કરશો. બે ત્રણ દિવસમાં અનિકેત પોતે જ મૂકી જશે. " ધીરુભાઈ બોલ્યા.

" ઠીક છે ધીરુભાઈ. તમે જેમ કહો તેમ. હવે તો એ તમારી જ દીકરી છે. અમારા સંબંધ પૂરા થયા. " હરસુખભાઈ બોલ્યા.

અને બે દિવસ પછી અનિકેત રાજકોટ જવા માટે કૃતિને લઈને સવારે ૧૦ વાગે સાન્તાક્રુઝ એરપોર્ટ પહોંચી ગયો.

" રાજકોટથી ઉજ્જૈન જવા નીકળી ત્યારે તમને પામવાનો દિલમાં કેટલો બધો ઉમંગ હતો ! ખબર નહીં મારા લગ્નને કોની નજર લાગી ગઈ ! આજે જેવી હતી તેવી જ કોરીકટ પાછી ફરી રહી છું." ફ્લાઈટમાં બેસીને કૃતિ અનિકેત સાથે વાત કરી રહી હતી.

" હવે એ બધી બાબતોનો અફસોસ કરવાનો કોઈ મતલબ નથી કૃતિ. ભૂલ તારી જ છે. લગ્ન પહેલાં આ બધી વાત તારે મારી સાથે કરવા જેવી હતી." અનિકેત બોલ્યો.

"એ મારી મોટી ભૂલ હતી. પરંતુ માની લો કે મેં તમને લગ્ન પહેલાં વાત કરી હોત તો તમે હું જેવી છું તેવી મારો સ્વીકાર કરતા ? " કૃતિએ માર્મિક પ્રશ્ન પૂછ્યો.

" કદાચ હા. હા એટલા માટે કે હું તને ગુમાવવાનું બિલકુલ પસંદ ના કરત. તું મને બહુ જ ગમી ગઈ હતી. પહેલી જ નજરે તેં મને પાગલ બનાવી દીધો હતો. અને લગ્ન પહેલાં તેં વાત કરી હોત તો તારી પ્રમાણિકતા મને બહુ જ ગમી હોત. લગ્ન પછી વાત કરે એટલે વિશ્વાસઘાત કર્યો કહેવાય. બન્નેમાં ફરક છે. " અનિકેત હસીને બોલ્યો.

કૃતિને અનિકેતની વાત સ્પર્શી ગઈ. આમ જોવા જઈએ તો એ એકદમ સાચા હતા.

ફ્લાઈટ બપોરે ૧૨:૩૦ વાગે રાજકોટ એરપોર્ટ પહોંચી ગયું. હરસુખભાઈનો ડ્રાઇવર રઘુ બંનેને લેવા માટે આવ્યો હતો.

" આવો આવો. " અનિકેત અને કૃતિ જેવાં બંગલે પહોંચ્યાં કે તરત જ એમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું.

અત્યારે હરસુખભાઈ ફેક્ટરી ઉપર ગયેલા હતા જ્યારે મનોજભાઈ દીકરી જમાઈના સ્વાગત માટે ઘરે રોકાયેલા હતા.

"અનિકેતકુમાર એક વાગવા આવ્યો છે. સૌથી પહેલાં હાથ પગ ધોઈ લો. જમવાનું તૈયાર જ છે. શ્રુતિ બેટા, તું બંનેની થાળીઓ પીરસી દે. " મનોજભાઈ બોલ્યા.

" પપ્પા તમે લોકો પણ અમારી સાથે જ જમવા બેસી જાઓ ને ! મને ખબર છે કે તમે લોકો પણ હજુ જમ્યાં નથી. " કૃતિ બોલી.

"કૃતિ સાચું કહે છે પપ્પા. અમે હવે મહેમાન નથી. તમે લોકો પણ અમારી સાથે જ જમવા બેસી જાવ." અનિકેત બોલ્યો.

ભૂખ તો બધાંને જ લાગી હતી એટલે કોઈએ પ્રતિકાર ના કર્યો અને દસ મિનિટમાં બધાંની થાળીઓ પીરસાઈ ગઈ.

સાસરિયામાં જમવાનો આનંદ લઈ રહેલા અનિકેતને ત્યારે ખબર ન હતી કે આજે એની અગ્નિ પરીક્ષા થવાની છે !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

Share

NEW REALESED