Dayri - 2 books and stories free download online pdf in Gujarati

ડાયરી - સીઝન ૨ - મારે ઘેર આવજે માવા..

શીર્ષક : મારે ઘેર આવજે માવા...
©લેખક : કમલેશ જોષી

મિત્રો, સૌથી પહેલા એ કહો કે તમે છેલ્લે મંદિરે ગયા હતા ત્યારે ભગવાન પાસે શું માંગ્યું? બહુ જ ઈમાનદારીથી, દિલ પર હાથ રાખીને કહેજો હોં! ભગવાન સામે બે હાથ જોડી આંખો બંધ કરી તમે કરેલી તમામ ભૂલો બદલ માફી માંગી લીધા પછી તમે ભગવાન પાસે શું માંગ્યું હતું? સુખ, સંપતિ, સંતતિ? કે માન, સન્માન, આત્મવિશ્વાસ? કે બીજું કંઈ? તમે શું માનો છો સ્વામી વિવેકાનંદ કે નચિકેતા જેવા વર્લ્ડ ચેન્જર વ્યક્તિઓ મંદિરમાં ઈશ્વરની સન્મુખ ઉભા રહી જે માંગણીઓનું લીસ્ટ આપતા હશે એ અને આપણી માંગણીઓનું લીસ્ટ એક સરખું જ હશે?

એક વાર અમે સૌ મિત્રો મંદિરમાંથી દર્શન કરીને બહાર નીકળી ઓટલે બેઠેલા ત્યારે અમારા સમજુ મિત્રે અમને આ જ પ્રશ્ન પૂછેલો, "દિલ પર હાથ રાખીને ઈમાનદારીથી કહોજો, તમે ભગવાન પાસે શું માંગ્યું?"
એક મિત્રે કહ્યું, "મારા મોટા બહેનના મેરેજ બાકી છે, મેં એમના મેરેજ માટે ભગવાનને પ્રાર્થના કરી."
બીજા મિત્રે કહ્યું, "ફ્રેન્કલી કહું તો તમે સૌ જાણો જ છો કે હું બુલેટ માટે કેવો પાગલ છું. મેં ભગવાન પાસે બુલેટ માંગ્યું."
એકે બે-ત્રણ લાખ રૂપિયા માંગ્યા હતા તો એકે પરીક્ષાઓ સારા માર્કે પાસ થઈ જવાની માંગણી ભગવાન પાસે મૂકી હતી. છેલ્લા અને ટીખળી મિત્રે સહેજ સંકોચ સાથે કહ્યું,
"ખોટું નહિ બોલું, પણ મેં સાલું વિચિત્ર માંગ્યું.. પેલી એફ.વાય. વાળી બેબી ડોલ નથી? એની સાથે એક વાર ખાલી નિર્દોષ ફ્રેન્ડશીપ થઈ જાય એવું હું તો માંગી બેઠો."
એ સમજુ મિત્રે જોક જેવું પણ એક જબરું ઉદાહરણ આપ્યું, “એકવાર હું કૃષ્ણમંદિરે ઉભો હતો, હાથ જોડી મેં કૃષ્ણની મુખમુદ્રા અવલોકી. મારા આશ્ચર્ય વચ્ચે એમના ચહેરા પર સહેજ ચિંતાની રેખાઓ ઉપસી. મારું મોં પહોળું થઈ ગયું. બે-પાંચ ક્ષણમાં ફરી એમના મુખ પર સ્મિત આવી ગયું. આ તો ચમત્કાર કહેવાય. મેં નજીક જઈને ધીમે રહી ભગવાનને આનું રહસ્ય પૂછ્યું. બીજો ચમત્કાર. મને એમનો અવાજ સંભળાયો. વત્સ, તારી બાજુમાં જે ભક્ત દર્શન કરવા આવેલો એણે આંખો બંધ કરી મને પ્રાર્થના કરતા કહ્યું કે ‘હે કૃષ્ણ, તમે એક વાર મારા ઘરે આવીને મારી હાલત તો જુઓ.’ આટલું સાંભળતા જ મને ચિંતા થઈ. ગાડી, બંગલા, જીવનસાથી, નોકર, ચાકર, રૂપિયા-પૈસા, પદ, પ્રતિષ્ઠા, નોકરી, ધંધાની અઢાર અક્ષૌહિણી માયાના મોહમાં ઘેરાયેલી માનવ જાતમાંથી છેલ્લે પાંચ હજાર વર્ષ પહેલા એક જુવાનીયો, અર્જુન છટકી શક્યો હતો અને એણે મને સાથે આવવાનું કહ્યું હતું. એ પછી આજ સુધીમાં બીજો કોઈ એવો પાક્યો નથી જે ગાડી, બંગલા, સુખ-સાહ્યબીના ભોગે મને સાથે આવવાનું આમંત્રણ આપે. ઘણાં વર્ષે પેલા તારી બાજુમાં ઉભેલા ભક્તે કહ્યું કે ‘મારા ઘરે આવી મારી હાલત તો જુઓ.’ ત્યારે મને ચિંતા થઈ. કલિયુગમાં કોઈ સતયુગી ભૂલો પડી ગયો કે શું? પણ ત્યાં જ એણે કહ્યું કે ‘જવા દે ભગવાન, તું તો અંતર્યામી છે. તું તો જાણે જ છે અમારી જરૂરિયાત. બસ, મારા દીકરાના પગારમાં પાછળ એક મીંડું લાગી જાય એટલી કૃપા કર.’ એ ભક્ત આટલું બોલ્યો અને મારી જાન છૂટી. ચિંતા ટળી અને ફરી હું એ જ સ્મિત ધારણ કરી આ દિવાળીએ પણ મારે કોઈના ઘરે પગલા કરવા કે વેકેશન કરવા જવાનું નથી એવી નિરાંત સાથે સ્થિર ઉભો રહી ગયો.

મિત્રો, શું ભગવાન આપણા ઘરે આવે એવી એક ટકો પણ ઈચ્છા આપણને નથી થતી? તમારી પાસે છે એનાથી અનેક ગણો મોટો બંગલો, તમારી ગાડી કરતા લાખો દરજ્જે મોટી ગાડી, તમારા ઘરમાં બનતા પકવાનો કરતા અનેક ગણાં વધુ સારા અને સ્વાદિષ્ટ પકવાનો, તમારા કરતા અનેક ગણી વધુ શક્તિ, બુદ્ધિ, ઓળખાણ, આવડત અને એનર્જી ધરાવતો વ્યક્તિ ક્યા સ્વાર્થને લીધે, કઈ લાલચથી, ક્યા કારણથી તમારા આંગણે આવે? સૂઝે છે કંઈ? એક વડીલે સૂઝકો પાડ્યો, "ભાવ, ખરો હાર્દિક ઉમળકો, સાતે સાત પડદે છલકતી પવિત્ર વેલકમની ભાવના.. જો હોય તો કાનુડો વિદુરની ભાજી કે રામ શબરીના બોર ખાવા પહોંચી જ જાય. એમ જ એ જ ઈશ્વરીય શક્તિ તમારા ઘરે પણ ખીચડી, રોટલો કે પાઉંભાજી, પીત્ઝા કે શ્રીખંડ બાસુંદી કે ઊંધિયું પૂરી આરોગવા ચોક્કસ આવે હોં... બસ, ખાલી એકવાર સાચા ભાવથી કહેવું પડે કે મારે ઘેર આવજે માવા.. સવારે ઢેબરું ખાવા.."

મિત્રો, અમે તો હજુ મંદિરના ઓટલે જ બેઠા હતા. સમજુની વાત સાંભળી ઝટપટ મંદિરમાં જઈ, બે હાથે કાન પકડી માફી માંગી લીધી અને બે હાથ જોડી ભગવાનને ‘પ્લીઝ, આ બેસતા વરસના દિવસે અમારે ત્યાં ચોક્કસ પધારજો’ એવું હાર્દિક આમંત્રણ આપી આવ્યા. પણ શું તમે આખા વર્ષ દરમિયાન ભગવાનને તમારા ઘરે પધારવાનું આમંત્રણ એકેય વાર આપ્યું છે ખરું? જો ન આપ્યું હોય તો લકીલી કાલ ધોકાના (કે ધોખાના કે પડતર) દિવસે નજીકના મંદિરે જઈ આંખમાં આંસુ અને હૃદયમાં સાચુકલા ભાવ સાથે ભગવાનને બેસતા વર્ષે આપણા ઘરે પધારવાનું આમંત્રણ આપીએ તો કેવું? એક વાર ભગવાન ખુદ જેને ઘરે આવી ‘હેપી ન્યુ યર’ કહી જાય પછી આખું વર્ષ એ પરિવારની હેપીનેસને ઉની આંચ પણ આવે ખરી?

બાય ધી વે, તહેવારોનું આ ઝૂમખું તમે અને તમારો પરિવાર ખૂબ ખૂબ ખુશીઓ સાથે માણો એવી મારા અને મારા પરિવાર વતી હાર્દિક શુભકામનાઓ. હેપ્પી દિવાલી એન્ડ હેપ્પી ન્યુ યર.
હેપ્પી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)