Lalita - 4 books and stories free download online pdf in Gujarati

લલિતા - ભાગ 4

અર્જુનના પિતા ખૂબ જ ગરમ મિજાજના હતાં. તેમનું મગજ એટલું ગરમ રહેતું કે જ્યારે તેઓ ગુસ્સે થતાં તો તેમની આંખ એવી લાલચોળ થઈ જતી જાણે અંગારા વર્ષવાના હોય.
અર્જુન નાનપણથી એકદમ બિનદાસ્ત, મજાકિયો પણ ઓછા બોલો હતો. તેને ઘરમાં રહેવા કરતાં મિત્રો સાથે રહેવાનું, મનગમતી પ્રવૃત્તિ કરવાની અને નવું નવું શીખવાનો શોખ હતો. પણ તેમના પિતાને એવું હતું કે જો અર્જુન આવી બધી પ્રવૃત્તિમાં વળગાયેલો રહેશે તો કરીયર નહીં બની શકે. બીજી તરફ અર્જુનનો મોટો ભાઈ મહેશ તેનાથી એકદમ વિરુદ્ધ હતો તે ભણવામાં હોશિયાર, બહાર કરતાં ઘરમાં જ વધુ સમય પસાર કરનાર, મર્યાદિત મિત્રો ધરાવનાર અને પપ્પા જેમ કહે તેમ જ માત્ર કરનાર હતો. એટલે પપ્પાની નજરમાં અર્જુન નાલાયક અને દલીલ કરનારો હતો.
અર્જુનને તેના પપ્પાથી ડર ઓછો પણ લાગણી વધારે હતી તેને હંમેશા ચિંતા રહેતી કે હું જો વધારે દલીલ કરીશ તો ક્યાં વધુ પડતાં ગુસ્સાને લીધે પપ્પાની તબિયત ખરાબ નહીં થઈ જાય. એટલે પપ્પા જ્યારે ગુસ્સામાં હોય ત્યારે તે પપ્પાનાં ગમે તેવા અપશબ્દો અને અહીં સુધી ઘણી વખત તમાચો પણ ખાઈ લેતો. પણ જયારે તેના પિતાનું મગજ શાંત થઈ જાય પછી તે તેમને જે કહેવાનું હોય તે કહી દેતો જે તેના પપ્પાને દલીલ જેવી લાગતી. આ વખતે પણ તેને એ જ ચિંતા મગજમાં હતી કે હું જો નકારાત્મક જવાબ આપીશ તો પપ્પાનો પિત્તો જશે અને મારા લીધે ઘરના દરેક સભ્યોએ વઢ ખાવી પડશે.
"મહેશ કેવી લાગી છોકરી?" અર્જુનના પપ્પાએ આ સવાલ અર્જુનને પૂછવાને બદલે મહેશને પૂછ્યો. ડરના માર્યે મહેશ બોલી ઉઠ્યો કે "પપ્પા આમ તો બધું બરોબર છે બસ અર્જુને વિચારવા માટે થોડો સમય જોઈએ છે"
જ્યંતીભાઈ જાણે અર્જુનને સંભળાવી રહ્યાં હોય એમ મહેશને કહે છે "બસ, તો પછી આમાં વિચારવા જેવું શું છે? વિચારીને હવે શું નવું આવવાનું છે. જા મહેશ, તું હમણાં જ હા પાડી આવ. પ્રકાશ ભાઈનું ઘર અહીંથી દસેક મિનિટનાં અંતરે જ છે."
અર્જુન કંઈ પણ બોલ્યા વિના ગુસ્સામાં અંદર જતો રહે છે.
અર્જુનની સાથે તેનાં બા એટલે કે દાદી પણ સાથે રહેતાં હોય છે. જે અર્જુનની સૌથી નજીક હોય છે. જે પ્રેમ અને હૂંફ માતા પિતા પાસેથી મળવો જોઈતાં હતાં તે તેને તેની બા પાસેથી મળતાં હતાં. તેમજ આખા ઘરમાં અર્જુનને કોઈ સમજાવી શકતું હતું તો તે તેની બા જ હતી.
બા અર્જુનની પાસે આવીને ખભે હાથ મૂકીને કહે છે "દીકરા, કેમ હતાશ છે. જે કંઇ હોય તે મને ખુલ્લા મને કહી દેઈ. પછી હું જોઈ લઈશ." બા નાં શબ્દોએ અર્જુનની અંદર વિચારોના ઉઠી રહેલાં તોફાનને ઘણે અંશ સુધી શાંત કરી દીધો. તે બા નાં ખભે માથું મૂકીને જાણે કંટાળી ગયો હોય એ રીતે શ્વાસ લેઇ રહ્યો હતો.
"અર્જુન, તને ખબર છે ને જ્યંતી કેમ આવું બધું કરી રહ્યો છે?. તેના આવા વલણ પાછળ ઘણાં કારણ છે તે તું સારી રીતે જાણે જ છે ને? તું ૨૫ વર્ષની નજીક પહોંચ્યો છે. હવે મોડું કરીશ તો લગ્ન ની ઉંમર જતી રહેશે. બીજું કે તારા પપ્પાને સરકારી કંપનીમાં કાયમી ધોરણે નોકરી કરતી વહુ જોઈએ છે. જેથી કરીને ઘરખર્ચમાં તે પોતાનું યોગદાન આપી શકે અને બીજી તરફ અર્જુન તારી નોકરી વિશે તો તું જાણે છે. તો આ તરફ તારા કાકા જેલમાં જઈ આવ્યાં છે જો આ વાત સમાજમાં ખબર પડશે તો તને કોઈ છોકરી નહીં મળે. એટલે તું વિચાર કર. આપણે સર્વ ગુણ સંપન્ન હોઈએ તો આપણે સામે પણ એવી આશા મૂકી શકીએ. અને એમ હોય તો પણ હું કહું છું કે સામે પણ સર્વ ગુણ સંપન્ન જ પાત્ર મળે એવી આશા અને જીદ રાખવી ખોટી છે. એટલું યાદ રાખજે કે આપણે જે વિચારીએ છીએ તે બધું થતું નથી. ઘણું જતું કરવું પડે જ છે"
બા ની આ વાત અર્જુન તેના મગજમાં ઉતારી રહ્યો હોય એમ માથું નીચે કરીને હા પાડે છે
બા આગળ કહે છે," જો અર્જુન, તારા દાદા અને મારી ઉંમરમાં ૨૦ વર્ષનો ફરક હતો. મારા લગ્ન સમયે હું માંડ ૧૪ વર્ષની હતી. તારા દાદા સાથે હું ગામમાં ચાલતી તો લોકો અમારી ટીખળ ઉડાવતાં અને કહેતાં કે જુઓ બાપ અને દીકરી જઈ રહ્યાં છે. અમે આવા દિવસો પણ જોયાં છે. પણ શું કરીએ તે સમયે ગરીબી અને પરિસ્થિતિ એવી હતી કે માં બાપનો નિર્ણય ન ગમે તો પણ તેમની મરજીનું કરવું જ પડતું. તારે તો એવું નથી ને? તને તારા પપ્પાએ ઘણી છોકરીઓ જોવા દીધી પણ હવે અર્જુન નિર્ણય લઈ જ લે"
બા અને અર્જુન વાત કરી રહ્યાં હતાં ત્યાં ઘરની બહાર કોઈ દરવાજો ખખડાવે છે. મહેશ દરવાજો ખોલે છે અને....

(ક્રમશ)