Dayri - 2 books and stories free download online pdf in Gujarati

ડાયરી - સીઝન ૨ - શુભ મંગલ સાવધાન

શીર્ષક : શુભ મંગલ સાવધાન
©લેખક : કમલેશ જોષી

હમણાં એક લગ્ન પ્રસંગમાં રિસેપ્શનમાં જવાનું થયું. એન્ટ્રી ગેટથી જ મસ્ત ડેકોરેશન શરુ થતું હતું. ગણપતિદાદાની મસ્ત મૂર્તિ, ડાબે જમણે વરકન્યાના પ્રિવેડિંગ પડાવેલા ફોટોઝ, મહેમાનોને વેલકમ કરવા ઉભેલા મોટા દીકરી અને જમાઈ, ચોતરફ રેલાતું મસ્ત હળવું મ્યુઝીક, ભોજન માટેના ત્રણ-ચાર કાઉન્ટર, લાઈવ ઢોકળા, પીઝા અને મંચુરિયન, પનીરની પંજાબી સબ્જી, જીરા રાઈસ, દાલફ્રાઈ, પંચરત્ન હલવો અને બીજું ઘણું બધું. વર-કન્યાને સ્ટેજ સુધી જવા માટે લાલ જાજમ, એમની એન્ટ્રી વખતે બન્ને તરફ, દિવાળીમાં ફુવારો કરે છે એવા ઝાડ, ત્રણ ચાર કેમેરા, ડ્રોન અને ચોતરફ લાલ-લીલા-પીળા રંગબેરંગી વસ્ત્રોમાં શોભતા યજમાન પરિવાર અને મહેમાનોને જુઓ તો કોઈ ફિલ્મી ફેશન શૉમાં ભૂલા પડી ગયા હો એવું લાગ્યા વિના રહે નહિ. તમારા લગ્ન કઈ સાલમાં થયેલા? વાડી કઈ હતી? મેનુ શું હતું? લગ્ન માટે તમે શું શું તૈયારીઓ કરેલી? થોડી ક્ષણો માટે આંખો બંધ કરી આ પ્રશ્નોના જવાબો વિચારો.

પેલા રિસેપ્શનમાં એક ખૂણે યજમાન પરિવારના મસ્ત પોસ્ટર સાથે એક ઝૂલો સેલ્ફી પોઈન્ટ તરીકે મૂક્યો હતો. એક મોટી ઉંમરનું મસ્ત કપલ એ ઝૂલામાં બેસી ફોટો પડાવી રહ્યું હતું. અરે, એ કપલ તો અમારું પરિચિત હતું. થોડી જ મિનિટોમાં અમારી મંડળી જામી અને એમના મેરેજ સમયની વાત શરુ થઈ. સુખી લગ્ન જીવનના ત્રણ દસકા પૂરા વટાવી ચૂકેલા અમારા એ વડીલે કહ્યું. "બાણુંની સાલમાં અમારા લગ્ન થયા ત્યારે અમે અમારી જ્ઞાતિની વાડી બુક કરાવી હતી. ઉંધિયું, ચોળી, ગુલાબજાંબુ, પૂરી, કટલેટ્સ, દાળ, ભાત, સંભારો અને રમકડાં એ અમારું મેનુ. જાનમાં વરરાજો હું પોતે પણ અલગ કારમાં નહિ, જાનની બસમાં જ ત્રીજી સીટે બેઠો હતો, આ તમારા કાકી પણ વળતાં મારી બાજુમાં એ જ બસમાં બેઠા હતા." એમણે કાકી તરફ જોતા કહ્યું. એમના ચહેરા પર પણ એટલી જ ખુશી નીતરતી હતી. "અમે એક રૂમ રસોડા વાળા મકાનમાં પણ રહ્યા અને થ્રી બેડરૂમ હોલ કિચન વાળા મસ્ત બંગલામાં પણ રહ્યા છીએ, એસટી બસમાં પણ ફરવા ગયા છીએ એને પ્લેનની મુસાફરી પણ માણી છે. હજુ મન થાય તો મહિને એક રવિવાર બેય માણસ એકલા જ કાર લઈને લોંગ ડ્રાઈવ પર નીકળી પડીએ છીએ." એ દંપતિના ચહેરા પર સૌમ્યતા, શાંતિ, સંતોષ અને પવિત્રતા છલકાતી હતી. અમે ફરતે નજર ઘુમાવી. લગભગ દસેક લાખના ખર્ચે થઈ રહેલા આજના રિસેપ્શન સામે એ વડીલના સંપૂર્ણ લગ્નનો ખર્ચ એ જમનામાં એક-સવા લાખ રૂપિયા આવેલો.
"મારા બાપુજીના વિવાહ તો માત્ર બાર હજાર રૂપિયાના ખર્ચે થયેલા.." પેલા વડીલે અમને પચાસેક વર્ષ પહેલાની માહિતી આપી. "જમવામાં અડદીયા, તીખી સેવ, ભજીયા, દાળ, ભાત, બટાકાનું શાક, પૂરી, સંભારો અને પાપડ. ટ્રેક્ટરમાં જાન ગયેલી. એવા સીધા-સાદા અને ટૂંકા ખર્ચે લગ્ન થયેલા તો પણ લગ્ન જીવન હજુ પચાસ વર્ષે પણ એવું ને એવું હસી-ખુશી ભરેલું છે. આજ કાલની જેમ નહિ..." આટલું બોલી વડીલ અટકી ગયા. અમારા મનમાં આજકાલના ટૂંકા લગ્નજીવનોની કેટલીક કડવી તસ્વીરો ઉપસી આવી. ‘છોકરો ઓવર પઝેસીવ છે’, ‘છોકરીની માએ કંઈ શીખવ્યું નથી’, ‘છોકરી સ્વચ્છંદી છે’ , ‘સાસુનો ત્રાસ છે’, ‘રસોઈ કરતા નથી આવડતી’, ‘પિયરીયાઓની ચઢામણી છે’, ‘માનસિક ત્રાસ છે’, ‘જુનવાણી છે’, ‘રૂઢિચુસ્ત છે’ વગેરે વગેરે કારણોસર છ-બાર મહિના કે બે-પાંચ વર્ષમાં લગ્નજીવનનો અંત આણી દેતા આજકાલની જનરેશનમાં એવું તે શું ખૂટે છે કે તેઓ લગ્નજીવનની સિલ્વર કે ગોલ્ડન જ્યુબીલી ઉજવી શકતા નથી?

પેલા હેપ્પી વડીલ કપલે આપેલો જવાબ સાંભળો. "નવી પેઢીએ સપ્તપદીની જેમ નવા સાત રુલ અપનાવી લેવાની જરૂર છે." વડીલે શરુ કર્યું, "કોઈ પણ નિર્ણય લેતા પહેલાં, બોલ તારી શી ઈચ્છા છે? એવું પાર્ટનરને પૂછવું." અમે શંકિત નજરે વડીલ સામે જોયું.
"તો તો એનું ધાર્યું જ ઘરમાં ચાલે ને?" મેં પૂછ્યું.
"નો.. યુ આર રોંગ." એમણે કહ્યું, "ટ્રાય કરી લેજો આ ફોર્મ્યુલા, મોટે ભાગે તમારું ધાર્યું જ થશે. તમને બટાટાવડા ખાવાની ઈચ્છા હોય અને વાઈફને દાળઢોકળી ખાવાની ઈચ્છા હોય ત્યારે ટ્રાય કરજો: બોલ તારે શું ખાવું છે? જવાબ તમને પસંદ આવે એવો મળશે." વડીલના અવાજમાં આત્મવિશ્વાસ હતો. ત્યાં કાકી બોલ્યા, "રુલ નંબર ટુ, સમજદાર હોય એણે સમજદારી પહેલા દેખાડવી." ફરી અમારી આંખોમાં પ્રશ્નાર્થ. કાકીનો જવાબ: "મારા પાર્ટનર કોઈ વાતે સમજવા જ તૈયાર નથી એવી ફરિયાદ જો તમે કરતા હો તો સમજદારી તમે દેખાડો. એના એન્ગલ, એના વ્યૂ પોઈન્ટમાં રહેલી પોઝીટીવ બાબત શોધી કાઢવાની સ્માર્ટનેસ એટલે કે સમજદારી જો તમે વિકસાવી શક્યા તો યુ વિલ વિન ધ મેચ." અમારી આંખોમાં ચમક આવી.
"રુલ નબર થ્રી, એક બીજા સાથે ડાયરેક્ટ, સીધીસાદી ભાષામાં, સ્પષ્ટ વાત કરી લો." હવે કાકાએ કહ્યું. પછી ઉમેર્યું, "થોડું સાહસ, હિમ્મત વાળું કામ છે પણ હસબંડ-વાઈફમાં કોઈ થર્ડ એમ્પાયરની જરૂર જ નથી હોતી." વળી કંઈક યાદ આવતા એમણે ઉમેર્યું, "પેલું કહ્યું છે ને કોર્ટમાં બે પક્ષને કેસની જેટલી સચ્ચાઈ ખબર હોય છે એટલી ખુદ ન્યાયાધીશને પણ નથી હોતી." વાહ, વડીલની વાત અમને ગમી. અમે ઉત્સુકતાથી એમની સામે જોયું.
"રુલ નબર ફોર." ત્યાં કાકી બોલ્યા, "એક બીજાને ઈમ્પ્રેસ કરવા, સરપ્રાઈઝ આપવા હંમેશા તત્પર રહો." ઓહ, વાઉ. કાકીની આ વાત તો અમને સીધી જ ગળે ઉતરી ગઈ. કામની કે નકામની બસો-પાંચસો રૂપિયાની ગિફ્ટ વાર-તહેવારે એકબીજાને આપવાથી એકબીજાનું ઈમ્પોર્ટન્સ પણ વધે છે અને ગિફ્ટ કોને વહાલી ન લાગે?
"રુલ નબર ફાઈવ." કાકા બોલ્યા, "પોતાના ફેમીલી મેમ્બર્સ કે સગાંઓ જો પાર્ટનરનું માન ન જાળવે તો પોતે જ એ ફેમિલી મેમ્બર કે સગાંને એનું ભાન કરાવવું. એનાથી સગો તો સુધરે કે નહિ પણ પાર્ટનરનું સન્માન ચોક્કસ થઈ જશે." હમ્મ. આજકાલ ઘડી-બે ઘડી મળતાં સગાંઓની દીવાસળીથી કેટલાય કપલ ગોટે ચઢી ગયા છે એ વાત તો માનવી જ રહી. "રુલ નમ્બર સિક્સ, કોઈ પણ જવાબદારી સ્વીકારતી વખતે જેના ઉપર લૉડ વધતો હોય એના અભિપ્રાયને ખાસ ધ્યાને લો. વાઈફને જોબ કરવી હોય તો ઘરની જવાબદારીનો લૉડ ઘરના જે સભ્ય પર આવતો હોય એની સો ટચના સોના જેવી ‘હા’ હોવી અત્યંત જરૂરી છે અથવા હસબંડ જો કોઈ નણંદની ડીલીવરીની જવાબદારી લેતા હોય તો વાઈફની એમાં સો ટકા ‘હા’ હોવી જોઈએ." ધેટ ઇસ વેલીડ પોઈન્ટ. વડીલ બોલ્યા, "લાસ્ટ બટ નોટ લીસ્ટ, રુલ નંબર સેવન, જો છુટા પડવાની નોબત આવી જ ગઈ હોય તો એક વાર છૂટાછેડા લઈ ચૂકેલા, નજીકના અંગતોની છેલ્લા એક મહિના કે એક વર્ષની હાલત, એમના ચહેરા પરનું નૂર તપાસી લો.." ઓહ, આ તો બહુ વિચિત્ર રુલ હતો, પરંતુ પેલા કાકા-કાકીના ચહેરા પરની રોનક અમને ખૂબ પ્રભાવિત કરી રહી હતી. સ્ટેજ પર નવું કપલ સજી-ધજીને ઊભું હતું. અમારા મનમાં નવી સપ્તપદી ક્યાંય સુધી રમતી રહી.

મિત્રો, જો તમારા મેરેજ ન થયા હોય તો બીજી બધી તૈયારીની સાથે પેલા વડીલે કહેલી નવી સપ્તપદીની તૈયારી પણ કરી લેવી જરૂરી છે એવું તમને નથી લાગતું? અને જો તમે મેરીડ હો અને હેપ્પી હો તો તો તમે પણ આ સપ્તપદીમાં નવો રુલ ચોક્કસ સજેસ્ટ કરી શકો. આજનો રવિવાર શિયાળાની કડકડતી ઠંડી અને ચૂંટણી પરિણામોની ગરમી વચ્ચે બેન્ડ, બાજા સાથે બારાત લઈ નીકળેલા તમામ નવયુગલો તેમજ આ આર્ટિકલ વાંચી રહેલા તમામ વાચક બિરાદરો એમની પચ્ચીસમી કે પચાસમી મેરેજ એનીવર્સરી ખૂબ જ ધામધૂમથી ઉજવે એવી મંગળ કામના..
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)