College campus - 95 books and stories free download online pdf in Gujarati

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 95

નાનીમાએ છુટકી પાસે પરીને ફોન કરાવ્યો અને તેને જલ્દીથી ઘરે આવવા કહ્યું. પરી પોતાની માધુરી મોમને એક મીઠું ચુંબન આપીને ઘરે જવા માટે નીચે ઉતરી તો પવન સાથે ખૂબજ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. કોઈ ઓટો કે કાર રોડ ઉપર દેખાઈ રહ્યા નહોતા તેણે ઓલા કેબ બુક કરાવવાનો ટ્રાય કર્યો પરંતુ કોઈ ઓલા કેબ પણ આવા ધોધમાર વરસાદમાં તેને લેવા માટે આવવા તૈયાર નહોતી તે વિચારી રહી હતી કે હવે શું કરવું..?
એટલામાં ડૉક્ટર નિકેત ત્રિવેદી પોતાની કાર લઇને પરીની નજીક આવીને ઉભા રહ્યા અને પોતાની સામેની સાઈડનો કારનો દરવાજો ખોલ્યો જ્યાંથી વરસાદની બધીજ વાછ્રોટ અંદર આવી રહી હતી તેમણે પરીને સંભાળાય તે રીતે બૂમ પાડી કે, "મેડમ કારમાં બેસી જાવ..."
એક સેકન્ડ માટે પરી વિચારમાં પડી ગઈ તો ડૉક્ટર નિકેત ત્રિવેદીએ તેને ફરીથી બૂમ પાડીને કહ્યું કે, "વિચારો છો શું? બેસી જાવ કારમાં.."
અને પરી કારમાં બેસી ગઈ. હવે તેની ઘરે પહોંચવાની ચિંતા દૂર થઈ અને તેને થોડી હાંશ થઈ. ડૉક્ટર નિકેત ત્રિવેદીએ પોતાની કારની પાછળની સીટ ઉપર રાખેલો નેપકીન પોતાના હાથમાં લઈને પરીની સામે ધર્યો અને તે બોલ્યો કે, "લો આ રૂમાલ થોડા કોરા થઈ જાવ." પરી પોતાના હાથ અને મોં લુછીને કોરા થવાની કોશિશ કરવા લાગી. ડૉક્ટર નિકેત ત્રિવેદી પરીને પૂછવા લાગ્યા કે, "મેડમ ગાડી મારે કઈ તરફ લેવાની છે જરા કહેશો"
પરીએ હસીને જવાબ આપ્યો કે, "હા સ્યોર હું ગૂગલ મેપ કરી દઉં છું." અને પરીએ ગૂગલ મેપમાં પોતાનું ડેસ્ટિનેશન નાંખી દીધું.
પરીએ આજે નેવી બ્લ્યુ કલરની સ્લિવલેસ ટી શર્ટ અને ક્રીમ કલરનું કોટન પેન્ટ પહેર્યા હતા તે ખૂબજ રૂપાળી હતી અને વરસાદમાં પલળેલી તેની ગોરી ત્વચા જાણે ચમકી રહી હતી એટલે તે વધારે સુંદર લાગી રહી હતી તે ધ્રુજી રહી હતી. નિકેતે તેને ધ્રુજતાં જોઈ એટલે કાર એક તરફ ઉભી રાખી અને પોતાનું ગ્રે કલરનું બ્લેઝર ઉતારીને તેના હાથમાં આપ્યું અને તે બોલ્યો કે, "લો મેડમ તમે ધ્રુજી રહ્યા છો આ પહેરી લો એટલે તમને થોડું સારું લાગશે અને હું ગાડીમાં હીટર પણ ચાલુ કરી દઉં છું એટલે તમારી ઠંડી ઉડી જશે."
પરીએ નિકેતની સામે જોયું અને તે બોલી , "પણ હું આખી પલળેલી છું તમારું આ બ્લેઝર પણ ભીનું થઈ જશે"
પરીના આ શબ્દો સાંભળીને નિકેત તરતજ બોલી ઉઠ્યો કે, "તમારા કરતાં એની કિંમત વધારે નથી."
અને પરીએ બ્લેઝર હાથમાં લઈને પોતાના શરીરને ઢાંકી દીધું હવે તેને વધુ સારું લાગતું હતું.
તે વિચારવા લાગી કે, ડૉક્ટર નિકેત ત્રિવેદી મને બીજી કે ત્રીજી વખત જ મળ્યાં છે પણ તેમને મારા માટે હમદર્દી કેટલી બધી છે કે પછી તેમનો નેચર જ આવો હશે.
તેને આમ વિચારોમાં ખોવાયેલી જોઈને નિકેતે તેને વિચારોમાંથી બહાર લાવવા પૂછ્યું કે, "મેડમ, અહીંયા એક ટી સ્ટોલ આવે છે તો આપણે ચા પીશું?"
"મને ચા પીવાની આદત નથી" પરીએ કહ્યું એટલે નિકેત જરા હસી પડ્યો અને બોલ્યો કે, "આદત તો મને પણ નથી મેડમ પણ આ તમને ધ્રુજતાં જોઈને તમને ચા પીવડાવવાની ઈચ્છા થઈ અને આ વરસાદી માહોલમાં તમારી સાથે ચા પીવાની મને પણ જરા મજા આવશે."
"ઓકે, તમને ઈચ્છા હોય તો પી લઈએ."
બંને થોડા આગળ નીકળ્યા વરસાદ થોડો ધીમો પડી ગયો હતો.
નિકેતે રોડ ઉપર જ વાંસના બનાવેલા એક નાનકડા ઝુંપડી જેવા ટી સ્ટોલ પાસે પોતાની કારને અટકાવી અને પરીને પૂછ્યું કે, "આપણે નીચે ઉતરીને ચા પીશું કે અહીં કારમાં બેસીને જ પીશું?"
પરીને પણ આ જગ્યા ખૂબજ એટ્રેક્ટિવ લાગી તે અવારનવાર અહીંથી અવરજવર કરતી હતી પરંતુ આ જગ્યા ઉપર તો તેની ક્યારેય નજર જ નહોતી પડી.
"નીચે જ ઉતરીએ ખૂબજ સરસ જગ્યા છે."
અહીં બેંગ્લોરમાં વરસાદનું કંઈ નક્કી નહિ ગમે ત્યારે ટપકી પડે એટલે નિકેત હંમેશા પોતાની કારમાં એક ☔ છત્રી રાખતો જ હતો તેણે સીટ કવરમાંથી પોતાની નાનકડી પર્પલ કલરની એક સુંદર છત્રી બહાર કાઢી અને ખોલી અને તે કારમાંથી નીચે ઉતર્યો અને પરી બેઠી હતી તે બાજુ ગયો અને બોલ્યો કે, "આવી જાવ મેડમ ચાલો, હવે તમે પલળતા નહીં હું પલળીશ તો ચાલશે‌.. અને પરી છત્રી નીચે માથું રાખીને ઉભી થઈ અને છત્રી પકડવા જતાં તેના સુંદર નાજુક નમણાં હાથે નિકેતના હાથનો સ્પર્શ કર્યો તેણે એકદમ પોતાનો હાથ પાછો લઈ લીધો નિકેતે ઉપરથી છત્રી પકડી લીધી અને બોલ્યો કે, "લો હવે તમે પકડી શકો છો."
"ઈટ્સ ઓકે" બોલી પરીએ ફરીથી છત્રીને પકડી લીધી બંને નાનકડી છત્રીમાં પલળાય નહીં તેમ એકબીજાને સાચવતાં સાચવતાં અંદર વાંસની ઝૂંપડીમાં પ્રવેશ્યા.

નિકેત આ રીતે વરસાદમાં કોઈ કોઈ વખત અહીં ગરમાગરમ આદુવાળી ચા પીવા કે કોફી પીવા માટે આવી જતો હતો એટલે તેની બેસવાની જગ્યા અહીંયા ફીક્સ હતી તે બારીમાંથી બહારનો નજારો દેખાય તેવી પોતાની કાયમી જગ્યા ઉપર ગોઠવાઈ ગયો અને પોતાની સામે તેણે પરીને બેસવા માટે કહ્યું. વાંસનું બનાવેલું સુંદર ટેબલ અને ચેર હતાં.
પરી આ ચેરમાં બેઠી અને બોલી કે, "સરસ જગ્યા છે કેમ? હું તો ઘણીબધી વખત અહીંથી પસાર થવું છું પણ આ જગ્યા ઉપર મારી ક્યારેય નજર જ નથી પડી."
"ખૂબસુરત જગ્યા અને ખૂબસુરત વ્યક્તિને પારખવાની અમુક જ વ્યક્તિમાં ખૂબી હોય છે."
"હા એ સાચું હોં." અને પરી પોતાના ભીનાં વાળને ઝાટક મારતાં હસીને બોલી.
નિકેતે પણ હસીને પરીની સામે જોયું અને તેને પૂછ્યું કે, "બોલો મેડમ, તમે શું લેશો ચા, કોફી, ગરમ પૌંઆ અને મેગી પણ અહીંયા મળશે."
"નાસ્તો કંઈ નથી કરવો બસ ફક્ત ચા જ પીશ અને તે પણ આપના જેવી આદુવાળી."
"હા, અહીંની ચા પીને તમારી ઠંડી ઉડી જશે."
"તમે મને તમે તમે ન કહેશો, તું જ કહેજો આમ પણ હું તમારાથી નાની છું."
"ઑહ થેન્કયુ એ તો મને બહુ ગમશે પણ તેની સામે મારી પણ એક શર્ત છે."
"તેમાં પાછી શર્ત?"
"હા, તમારે પણ મને..આઈ મીન તારે પણ મને તમે તમે નહીં કહેવાનું ફક્ત તું જ કહેવાનું બોલ છે મંજૂર?"
"પણ તમે મારાથી મોટા નથી તો પછી?"
"એટલે હું તો કંઈ તારાથી બહુ મોટો છું, અને નિકેતે પોતાની દાઢી ઉપર હાથ ફેરવતા કહ્યું કે,યુ મીન ઘરડો થઈ ગયો છું?"
અને નિકેત અને પરી બંને નિકેતની એક્શન ઉપર અને તેનાં એક્સપ્રેસન ઉપર ખડખડાટ હસી પડ્યા.
"ના ના સોરી સોરી, મારા કહેવાનો મતલબ એવો નથી..
"તો કેવો છે..?"
પરી અને નિકેત વચ્ચે દોસ્તીની ગાંઠ બંધાઈ ચૂકી હતી અને એટલામાં પરીના મોબાઈલમાં ફરીથી છુટકીનો ફોન આવ્યો... એટલે પરી તેની સાથે વાત કરવામાં બીઝી થઈ ગઈ.
વધુ આગળના ભાગમાં.....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
10/12/23