Sapt-Kon? - 18 in Gujarati Classic Stories by Sheetal books and stories PDF | સપ્ત-કોણ...? - 18

The Author
Featured Books
  • एक अनोखा डर

    एक अनोखा डर लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००रात के...

  • Haunted Road

    उस सड़क के बारे में गांव के बुजुर्ग कहते थे कि सूरज ढलने के...

  • वो इश्क जो अधूरा था - भाग 18

    अपूर्व की ऑंखें अन्वेषा के जवाब का इन्तजार कर रही थी। "मतलब...

  • अनकही मोहब्बत - 7

    ‎‎ Part 7 -‎‎Simmi के पास अब बस कुछ ही दिन बचे थे शादी के।‎घ...

  • डायरी

    आज फिर एक बाऱ हाथों में पेन और और डायरी है, ऐसा नहीं की पहली...

Categories
Share

સપ્ત-કોણ...? - 18

ભાગ - ૧૮


શ્રીધર હજી એની પાછળ ચાલતો થયો ત્યાં સામેથી આવતા ઘોડાની હણહણાટી સંભળાઈ. જેમ જેમ ઘોડાના ડાબલાનો અવાજ મોટો થતો અને નજીક આવતો સંભળાતો ગયો તેમતેમ શ્રીધર અને માલિનીના હૃદયના ધબકારા તેજ થતા ગયા....

કેડીની એક કોર ઉભા બેય દૂરથી દેખાઈ રહેલા ઘોડેસવારને આશ્ચર્યથી જોઈ રહ્યા. જેમ જેમ સવાર નજીક આવતો ગયો તેમ તેમ શ્રીધર અને માલિનીની આંખો અને મોઢું પહોળા થઈ ગયા.

ઘોડા પર સવાર વ્યક્તિ એક ડચ વ્યાપારી હતો, એના સફેદ શર્ટની ફ્રિલ કાળા કોટની બહાર ડોકાઈ રહી હતી, ઘૂંટણ સુધીના કાળા બુટ જે અત્યારે માટીથી ખરડાયેલા હતા, માથે કાળી હેટ, ગળામાં સોનાની સાંકળથી બાંધેલી ઘડિયાળ કોટના ઉપલા ખિસ્સામાં ઝૂલી રહી હતી, કમરે બાંધેલો ચામડાનો પટ્ટો, ગૌર ચહેરા પર શોભતી પાતળી, તલવાર કટ મૂછ, પાણીદાર કથ્થાઈ આંખો, ખભા સુધીના કાળા, વાંકડિયા વાળ હેટમાંથી પણ લહેરાઇ રહ્યા હતા. ચહેરા પર કરડાકી પણ હોઠો પર રમતું સ્મિત, ટૂંકમાં એક ચુંબકીય વ્યક્તિત્વ હતું એ વ્યાપારીનું અને એનું નામ હતું એન્ડ્ર્યુ પાર્કર. ચિન્સુરામાં સ્થાયી થયેલા કેટલાક ડચ પરિવારમાંથી એક હતો એન્ડ્ર્યુ. કપાસની નિકાસનો વ્યવસાય કરતો અને ચાર માલવાહક વહાણોની માલિકી ધરાવતો એન્ડ્ર્યુ પોતાની રૂપાળી પત્ની અને પરી જેવી સુંદર પુત્રી સાથે ચિન્સુરામાં રહેતો હતો. અહીંથી કપાસની નિકાસ કરી એ સારું કમાતો હતો. પોતાને ત્યાં કામ કરતા મજૂરવર્ગનું લોહી નીચોવવામાં એને રસ પડતો. ધાર્યું ગધ્ધાવૈતરું કરાવ્યા પછી જ એમની મજૂરી ચૂકવતો. મજૂરોની ચમડી ઉધેડ્યા બાદ જ એના ખિસ્સામાંથી દમડી છૂટતી. એની પત્ની રિયેના ખુબ જ ભલી અને પ્રેમાળ સ્ત્રી હતી, એ એને ઘણી વખત સમજાવતી કે મજૂરોનું દિલ દુભવીને કરેલી કમાણીમાં કોઈ બરકત ન હોય પણ એન્ડ્ર્યુ ટસનો મસ ન થતો. એની દીકરી વિલ્મા પણ બાપ જેવી અકડુ અને ઘમંડી યુવતી હતી. એને પોતાના પૈસા અને રૂપનું અભિમાન હતું અને ભારતીય સ્ત્રીઓને એ સાવ તુચ્છ ગણતી.

ઘોડાની લગામ પકડીને બેઠેલા એન્ડ્ર્યુની નજર શ્રીધર અને માલિની પર પડી એટલે માલિની શ્રીધરની પાછળ ઉભી રહી પણ એણે જોયું ન જોયું કરી આજુબાજુ જોવા લાગ્યો પણ એની સાથે ચાલી રહેલા એના નોકર માણેકરામે એ બંનેની હાજરીની મનોમન નોંધ લીધી અને ઝટ દેબાશિષબાબુને મળીને આ વાત મોઢામોઢ કહેવાની ચટપટી એના મનમાં જાગી એટલે એ ઘોડાને દોરતો ચુપચાપ ત્યાંથી આગળ વધ્યો.

@@@@

"અસલમ અને નારાયણ, થોડીવાર પછી આપણે હોટેલના પાછલા ભાગે જઈને તપાસ કરવાની છે. હું ડોકટરસાહેબને મળીને નીચે આવું છું તમે તૈયાર રહેજો." બંને કોન્સ્ટેબલને સૂચના આપી રાણાસાહેબ ડો. ઉર્વીશને મળવા ગયા.

"હેલ્લો ડોક્ટર, આઈ હોપ કે તમે હવે સ્વસ્થ હશો. મારે તમારી પાસેથી ઈશ્વા વિશે થોડી જરૂરી માહિતી જોઈએ છે. એનો સ્વભાવ, એનો ગુસ્સો, એની પસંદ-નાપસંદ... વગેરે.. હમણાં તો હું નીચે જાઉં છું લગભગ કલાકેક પછી ફરીથી આવીશ ત્યાં સુધી તમને જેટલું અને જે જે યાદ હોય એની નોંધ કરી રાખજો..."

"હેલ્લો રાણાસાહેબ, થેન્ક યુ એક ડોક્ટરની કેયર કરવા બદલ, હું જરૂરથી અગત્યની વાતો નોટ કરી રાખીશ હવે હું માનસિક અને શારીરિક બંને રીતે ફિટ છું." ડો. ઉર્વીશ સાથે હેન્ડશેક કરી રાણાસાહેબ ત્યાંથી નીકળી નીચે આવ્યા અને એમની રાહ જોતા અસલમ અને નારાયણને સાથે લઈ હોટેલ સિલ્વર પેલેસના પાછળના ભાગમાં આવ્યા જ્યાં ઈશ્વા ગાયબ થઈ હતી એ રૂમની બારી પડતી હતી.

"બેય જણા ફટાફટ કામે લાગો, હું પણ જરા આજુબાજુ નજર ફેરવી લઉં," રાણાસાહેબ ખાઈ તરફ જતી કાચી પગદંડી પર ચાલતા થયા.

અસલમ અને નારાયણ આસપાસની સુકી જમીન અને ઝાડીઝાંખરા ખૂંદવા લાગ્યા અને રાણાસાહેબ મેદાનની કિનારીથી જરાક દૂર ઉભા રહી નીચે જોવા લાગ્યા.

'અહીંયા તો સિવાય ઝાડીઓ કાઈ દેખાતું નથી, જો અહીંથી કોઈ નીચે પડે તો હાડકાંય નજરે ન ચડે એવી ગીચતા છે. આ ઈશ્વાને ક્યાં શોધવી હવે?' મનોમન વિચારતા રાણાસાહેબ હજી ત્યાં જ ઉભા હતા.

વ્યોમ હવે પહેલાં કરતાં શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હતો, અમોલ એનો પૂરો ખ્યાલ રાખી રહ્યો હતો, દરેક ક્ષણે એ વ્યોમની સાથે રહેતો, એની સાથે અવનવી વાતો કરતો, બંને ખુબ સારા મિત્રો બની ગયા. ઈશ્વા સાથે જોડાયેલ નાના મોટા પ્રસંગો વ્યોમ એને કહેતો ત્યારે એકચિત્તે એ સાંભળતો અને મનોમન કેટલીક વાતોની નોંધ પણ લીધી.

@@@@

માનગઢથી પાછા ફર્યા પછી ઊર્મિ અને અર્પિતા વચ્ચે થોડો મનમેળ થયો હતો, કાયમ અતડી રહેતી અર્પિતા હવે ઊર્મિ સાથે થોડીવાર વાત પણ કરી લેતી, અત્યારે પણ બેય જણી સાથે મળીને સંતુએ ગડી કરીને મુકેલા કપડાં વોર્ડરોબમાં ગોઠવી રહી હતી અને બાળકો ટીવી જોઈ રહ્યા હતા.

"અર્પિતા, ચાલને આજે આપણે માર્કેટ જઈએ. આમ પણ ઘરમાં બેસીને બોર થવાય છે, પાર્થિવ અને કૃતિ પણ થોડું ફરી લેશે, આપણને પણ થોડો ચેન્જ મળશે." ઉર્મિએ વોર્ડરોબ લોક કર્યો અને ચાવી પોતાના ઓશિકા નીચે મુકી.

"હા ભાભી, અહીંયા રહીએ છીએ તો ઈશ્વા અને વ્યોમ યાદ આવે છે, શરણાઈના સુર, લગ્નના ગીતો, ચારેબાજુ ઘોંઘાટ સંભળાય છે. હું ને કૃતિ દસેક મિનિટમાં ફ્રેશ થઈને આવીએ ત્યાં સુધી તમે બેય પણ તૈયાર થઈ જાઓ, પછી નીકળીએ."
કૃતિને સાથે લઈ અર્પિતા પોતાના રૂમમાં ગઈ.

પંદર-વીસ મિનિટ પછી નણંદ-ભાભી બંને છોકરાઓને લઈને, કાર લઈને હવેલીની બહાર નીકળી. એમને જતાં જોઈ જીવો કોઈને ખબર ના પડે એમ આજુબાજુ જોતા બિલ્લીપગે હવેલીમાં ઘુસ્યો. બપોરના ત્રણેક વાગ્યા હતા, સંતુ હમણાં જ કામથી પરવારીને ઓરડીમાં લાંબો વાંહો કરી આરામ કરી રહી હતી, રઘુકાકા પણ પોતાની ઓરડીમાં હતા અને ઘરમાં બીજું કોઈ નહોતું એનો લાભ લઈ જીવો સીધો ઉપરના માળે કૌશલના બેડરૂમ તરફ ગયો. ક્યારેય નહીંને આજે જ ઊર્મિ બેડરૂમ લોક કરીને ગઈ હતી, ઘણી મથામણ કર્યા પછીય દરવાજો ન ખુલતાં એ પાછો નીચે ઉતર્યો અને દરવાજાના પગથિયે બેસી બીડી સળગાવી.

@@@@

શ્રીધર ઘરે પહોંચે એ પહેલાં તો એ કોઈ છોકરી જોડે જંગલમાં એકલો હતો એ ખબર એના બાબુજી આગળ પહોંચી ગયા હતા, માણેકરામે મીઠું મરચું ભભરાવીને દેબાશિષબાબુના કાન ભંભેર્યા હતા, ક્રોધની જ્વાળામાં સળગતા દેબાશિષબાબુ ઘરમાં આંટા મારી રહ્યા હતા અને ઉભડક જીવે શ્રીધરના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા.

"તુમિ કોઠાયા ચિલે?" શ્રીધરે ઘરમાં પગ મુક્યો એ સાથે જ બાબુજી તાડુકી ઉઠ્યા, "સાથે કે ચિલા? કોણ હતી એ છોકરી?" એમની ત્રાડથી યામિની અને શિમોની પણ થરથર ધ્રુજી ઉઠ્યા.

"બાબુજી, મારી વાત તો સાંભળો....." શ્રીધર આગળ મોઢું ખોલે એ પહેલાં તો એના ગાલે તમાચો પડ્યો, "સ...ટા.....ક...."

બાબુજીનો વજનદાર હાથ શ્રીધરનો ગાલ ખમી ન શક્યો અને તમ્મર આવતા નીચે ફસડાઈ પડ્યો.

"શ્રીધર...." યામિની આગળ વધે એ પહેલાં જ બાબુજીની છડીએ એને રોકી લીધી.

"બાબુજી, ભાઈની વાત તો સાંભળો," શિમોની હાથ જોડી, ધ્રૂજતા અવાજે કરગરી રહી.

"આમિ કેછુ સુનતે.... કાંઈ સાંભળવું નથી મારે. જમીનદાર દેબાશિષ પૌલનો દીકરો એક રસ્તે ચાલતી છોકરી જોડે....આમ એકલો જંગલમાં..."

"બા...બુજી...." પીડાથી કણસતા શ્રીધરે ઉભા થવાની કોશિશ કરી પણ ઉભો ન થઈ શક્યો.

"બેટા... આ લે... જલ પીઓ.." યામિની દોડતી પાણીનો ગ્લાસ લઈ આવી અને નીચે બેસી શ્રીધરને પાણી પીવડાવ્યું.

@@@@

ઊર્મિ અને અર્પિતા શોપિંગ કરી સાંજે પાછી ફરી ત્યારે બેય થાકી ગઈ હતી, બાળકો તો હમેશ મુજબ પોતાની મસ્તીમાં હતા. બેય જણીઓ ફ્રેશ થવા પોતાના રૂમમાં ગઈ..

દરવાજો ખોલતાં જ ખુલ્લો વોર્ડરોબ અને વેરવિખેર રૂમ જોઈ ઊર્મિ અવાચક પૂતળું બની ઉભી રહી...


ક્રમશ: